Tuesday, October 9, 2012

જગજીત-ચિત્રા અને I, me, myself…

‘તુ નહીં તો જિંદગીમેં ઔર ક્યા રહ જાયેગા?’    એક વરસ પહેલાં આજે ૧૦મી ઑક્ટોબરે જગજીતસિંગનું દેહાવસાન થયું, ત્યારે ગઝલ ચાહકોને જે ખાલીપાનો અનુભવ થયો હતો તે જેમ સમય જાય છે, તેમ વધતો જ જાય છે. આ વરસે છેલ્લા કેટલાક દિવસથી એ યાદ વધુ તીવ્ર બની હતી. તેથી રોજ એક ગઝલની પંક્તિઓ ફેસબુક ઉપર મૂકીને  દરરોજ તેમની સ્મૃતિને તાજી કરી.(મૂળ યોજના તો આખું વરસ આમ કરવાની હતી અને છતાં ૩૬૫ દિવસ સુધી એક એક્થી વધુ સંવેદનશીલ રચનાઓ સમાવી શકાય; એટલો વિપુલ તેમની કૃતિઓનો ખજાનો છે.)
ગઇ સાલ તેમના અવસાન પછીના દિવસોમાં 
ફેસબુક ઉપર ૬ હપ્તા સુધી નોટ્સ મૂકી હતી. તે આજે પ્રસ્તુત છે. તમામ નોટ્સ એક સાથે સળંગ વાંચવાને બદલે હપ્તાવાર વાંચવાની પણ સવલત/સરળતા રહે અને છતાં લિન્ક ના તૂટે તે માટે આજે એ બધું લખાણ જેમનું તેમ મૂક્યું છે. આશા છે કે સૌને તે ગમશે.



“ભગવાન ના કરે પણ અમિતાભ બચ્ચન ગુજરી જશે તે દિવસે હું ધ્રુસ્કેને ધ્રુસ્કે રડવાનો છું...” જગજીત સિંગને બ્રેઇન હેમરેજને કારણે દવાખાનામાં દાખલ કરાયા તે દિવસોમાં ફોન ઉપરની વાતચીત દરમિયાન મિત્ર અને ગમતા લેખક-સંપાદક સૌરભ શાહ કહી રહ્યા હતા. મેં કહ્યું કે, “જો જગજીત સિંગને કશું અજુગતું થઇ જાય તો મારી એ હાલત થાય..” ફોન પત્યા પછી થયું કે જે રીતે તેમની હાલત ગંભીર હોવાના સમાચાર મળ્યા કરતા હતા એ જોતાં મારે માટે આંસુ વહાવવાનો સમય વહેલો આવી જશે એ ખબર હતી અને કદાચ એ જ કારણસર એ ઘા સહન થઇ શક્યો. કેમ કે એ એવી જીવલેણ શારીરિક સ્થિતિમાં હતા કે કોઇ પણ સમયે કશા પણ અમંગળ સમાચાર આવશે એવી માનસિક તૈયારી રાખવી પડે એવી હતી. એટલે ૧૦મી ઓક્ટોબરે અહીંની વહેલી સવારે ફેસબુક ઉપર જય વસાવડાની વોલ પર જ્યારે એ સમાચાર વાંચ્યા,  ત્યારે કોઇ અંગત કુટુંબીજનના અવસાનના ન્યુઝ  હોય એવાં આંસુ છલકાયાં. 

જગજીત સિંગ વિશેની મારી ઘેલછા જગ જાહેર (અર્થાત કોલમ જાહેર!) છે. મારી કોલમમાં કેટલીય વાર લખ્યું છે કે “વેઢમીનું જમણ, જગજીતસિંગની ગઝલ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ એ ત્રણ પૈકીનું કોઇ પણ એક મળી જાય પછી કશું ના જોઇએ!” પાછલાં વર્ષોમાં અમિતાભની બધી ફિલ્મો માટે કદાચ એવું કહેવાનું ના પણ રહ્યું હોય; તો ય ‘કેબીસી’ની દરેક સિઝને ઓર ખિલતા બચ્ચન સાહેબનો જાદુ અમારા ઉપરથી જરા પણ ઓછો થયો નથી. જ્યારે વેઢમી અને જગજીતની પોઝીશનમાં તો કદી ફરક જ નથી આવ્યો.

 જગજીતસિંગ માટેનું આ ગાંડપણ ઘર-કુટુંબ અને મિત્રોમાં એવું જાણીતું કે જ્યારે એ ગુજરી ગયાના ખબર આવ્યા, ત્યારે એ સમાચાર આપતાં પણ સૌ ખચકાટ અનુભવે.  જગજીતસિંગે શ્વાસ મૂકી દીધાના ન્યુઝ આવ્યા ત્યારે અહીં કેનેડામાં રાત હતી. અમે સપરિવાર મારા સાળા જતિનને ત્યાં મોડી રાત સુધી બેઠા હતા. પરિવાર વાતો કરવા બેસે ત્યારે ન્યુઝ જોવા-સાંભળવાનો સવાલ જ ક્યાં હોય? પણ તેમને ત્યાંથી નીકળ્યા પછી તેણે એકાદી ભારતીય ચેનલ પરથી આ ‘બ્રેકીંગ ન્યુઝ’ જાણ્યા. પણ અમારે ત્યાં એ માઠા સમાચાર આપતી વખતે મારા દીકરાને તેમણે ચેતવણી પણ આપી કે મને આ ન્યુઝ તે રાત્રે ન આપવા! પરિવારજનો તો ઠીક અમારે ઘેર કામ કરી ગયેલાઓને પણ એ ખબર. અમારે ત્યાં વરસો સુધી રસોઇ બનાવનારાં પારૂલબેને ટીવી પર ન્યુઝ જોઇને વડોદરાથી કેનેડા ફોન કર્યો.... ખરખરો કરવા! એ બિચારાં મારી પત્ની હર્ષાને કહે, “સાહેબને જગજીતસિંગ કેટલા બધા ગમતા? એમની કેસેટ સાંભળતાં કેટલીય વાર તેમની આંખમાંથી પાણી જતાં. એમની કેસેટો જીવની જેમ સાચવે....” 

અમારા ડ્રોઇંગ રૂમમાં સેલીબ્રીટી સાથેના ફોટા લેમીનેટ કરેલા મૂક્યા હોય. તેમાં સુરતમાં જ જેમની સાથે મુલાકાત થઇ હતી તે હેમામાલિની સાથેનો,  મારો લતા મંગેશકર સાથેનો ફોટો પણ ખરો અને ત્રીજો જગજીતસિંગ જોડે સુરતમાં થયેલી મુલાકાતનો.  અમારી કારમાં જગજીત-ચિત્રા સિવાયની કોઇ કેસેટ કે સીડી ના વાગે અને તેને લીધે અમારા દીકરાઓ સ્વપ્નિલ અને સની તો ઠીક, ડ્રાયવર શબ્બીર પણ તેમની ગઝલો ગણગણતો થઇ ગયેલો. જગજીતસિંગની મહેફીલ ૫૦-૧૦૦ કિલોમીટરની ત્રિજ્યામાં જ્યાં હોય ત્યાં જઇને સાંભળવાનો ક્રમ શરૂઆતમાં રાખેલો. પાછલાં વર્ષોમાં તેમના ‘શો’ની ટિકીટના ભાવ ભારે થઇ ગયા. ઉપરાંત એક વાર એવા એક પ્રોગ્રામમાં આવેલા ‘ક્રાઉડ’ (હા, ટોળું જ!)ને  ચાલુ મહેફીલે જે રીતે તેમની આગવી વાતોમાં ‘હો હા’ અને ધમાલ મસ્તી કરતું જોયું; પછી રૂબરૂ સાંભળવાનો ક્રમ ખુબ ઘટાડી દીધો.

 પણ જગજીતસિંગને એ બધું માર્કેટીંગની રીતે કરવું પડતું એ સમજાય એવું હતું. (મન તો બેનીફીટ ઓફ ડાઉટ આપવા આતૂર જ હોયને? અને એ આપે જ.)  તેથી તેમને સાંભળવા માટે મોઘી ટિકીટ ખર્ચવા કરતાં  એટલા પૈસાની સીડી કે સારી મ્યુઝિક સિસ્ટમ લાવીને તેમના દરેક આલ્બમની મઝા માણવાનું વધારે વાજબી લાગ્યું. કેસેટ કે મ્યુઝિક સિસ્ટમના એ બધા રોફ ’૯૦ના દાયકામાં થતા. બાકી ’૭૦ના દાયકામાં વડોદરામાં પહેલીવાર જગજીત-ચિત્રાની એ કેસેટ સાંભળી જેમાં “આહીસ્તા આહીસ્તા...” હતી, ત્યારે ટેપ રેકોર્ડર વસાવવું એ જીવનનું સપનું હતું. બજારમાંથી એ કેસેટ લાવ્યા પછી મિત્રોના પ્લેયરમાં સાંભળવા વિનંતિ કરવાની. આભાર અમારી વડોદરા મ્યુનિસપાલિટીની નોકરી દરમિયાનના કાઝી નામના વડીલ (મિત્ર?)નો જે કેસેટ તો વગાડે, સાથે ઉર્દૂ શબ્દોના અર્થ પણ સમજાવે. શાયરીની સમજ અને જગજીતસિંગની પસંદગી કેટલી ઉમદા છે તેની પ્રાથમિક સમજ એ બધું કાઝી સાહેબને આભારી. 

જગજીત-ચિત્રાના દરેક આલ્બમનું વિગતે અને પ્રેમપૂર્વકનું વિશ્લેષણ તથા અમિતાભ બચ્ચનના ગમે એવા ખરાબ સમયમાં પણ તેમના વિશે પોઝીટીવ લખાણ મારી કોલમોમાં એટલું નિયમિત થતું કે મિત્રોની મીઠી ફરિયાદ એવી રહેતી કે, તમે અમિતાભ અને જગજીતસિંગના ‘અનઓફીશ્યલ પીઆરઓ’ છો. ત્યારે હું કાયમ કહેતો કે “હું એ બન્નેનો ‘ફેન’ નહીં પણ એરકન્ડીશ્નર છું!”  તે જ રીતે મેં એક વાર કોલમમાં લખ્યું હતું કે જગજીતસિંગ કોરી કેસેટ બહાર પાડે તો એ પણ હું ખરીદી લઉં! (એ અલગ વાત છે કે જગજીતસિંગની દરેક કેસેટ જે ક્વોલીટીની સર્જાતી તેની પ્રશંસા કરવા કરાયેલી એ હળવી કોમેન્ટને ગુજરાતી સુગમ સંગીતના એક કાર્યક્રમમાં આપણા એક કવિ સંચાલકે કોલમ લેખકોને ટોણો મારવા ઉપયોગમાં લીધી હતી!) હજી મને એમ છે કે કોઇ ઉત્સાહી રેકર્ડ કંપનીએ જગજીતસિંગના ગાયેલા માત્ર આલાપોનો સંગ્રહ એક આલ્બમમાં મૂકવો જોઇએ. એ સુપર હીટ જ થાય.

પણ પેલું એર કન્ડીશ્નરવાળું ’૮૦ના દાયકાનું વાક્ય ખુદ જગજીતસિંગને મોંઢા મોંઢ કહેવાની તક ઠેઠ ૨૦ વરસ પછી સુરતમાં મળી. સુરત શહેરના જે ઉપકારો મારા ઉપર છે, તેમાંનો આ એક સૌથી મોટો એ કે ત્યાં જ જગજીતસિંગ સાથે શાંતિથી ‘વન ટુ વન’ વાત કરવાની તક મળી. (તેમાં એક તાજો આ અઠવાડિયાનો ઉપકાર ઉમેરવાનો છે.... ત્યાંની એક સંસ્થાએ મારા પરમ મિત્રો ઉર્વીશ કોઠારી અને જય વસાવડાને એક મંચ ઉપર પોત પોતાનાં મંતવ્યો રજૂ કરવા બોલાવ્યા. ખબર મળ્યા પ્રમાણે, કાર્યક્રમ પછી જમવામાં પણ બન્ને સાથે હતા. સુરતના મિજાજની એ તાકાત છે.... ગુલઝારના શબ્દોમાં જગજીત સિંગે ગાયેલી ‘મરાસિમ’ અર્થાત ‘સંબંધ’ની વ્યાખ્યા યાદ આવે છેને?..“હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છોડા કરતે!” )

જગજીત સિંગ સાથે સુરતમાં થયેલી રૂબરૂ મુલાકાત વખતે તે કેટલી ચીવટવાળા હતા એ પણ જોવા મળ્યું. (કેવું લાગે છે, નહીં? હવેથી જગજીત ‘હતા’ એવું કહેવાનું!) તે દિવસે હું તેમના ઓટોગ્રાફ માટે સુરત સ્ટેશનેથી (દિલ્હીના કોઇ પ્રકાશકે બહાર પાડેલી)  ‘જગજીત - ચિત્રા કી ગઝલેં’ જેવા કોઇ ટાઇટલવાળી પુસ્તિકા ઉતાવળે ખરીદીને લઇ ગયો હતો. તેમના હસ્તાક્ષર કોઇ ડાયરી કે કોરા કાગળ પર લેવાને બદલે તેમાં છપાયેલી ચિત્રાજીએ ગાયેલી એક ગઝલ “દર્દ બઢકર ફુગાં ન હો જાયે....” ઉપર ખાસ લેવા હતા. કેમ કે એ ગઝલ અમારા ખાસ અંગત મિત્ર બિપીન ભટ્ટની દીકરીઓ શિવાની તથા પિન્કી (અવનિ)ને ખુબ જ ગમતી અને સુરતમાં અન્ય ગઝલો સાથે તે પણ અમે સૌ  લગભગ રોજ સાંભળતા.

જગજીતસિંગ સાથેની વાતચીત દરમિયાન ઓટોગ્રાફ માટે પેલી પુસ્તિકા ધરી અને તેમાંની ગમતી ગઝલવાળું ખાસ પાનું ખોલ્યું. પણ ફટાફટ સહી કરી દેવાને બદલે જગજીત તો વાત કરતા જાય અને તેમના હાથમાંની પુસ્તિકામાં છપાયેલી અમારી પસંદગીની ગઝલની છપાઇને પેનથી સુધારતા જાય! ક્યાંક હ્રસ્વ ‘ઇ’ તો ક્યાંક દીર્ઘ ‘ઊ’, વળી કોઇ જગ્યાએ ઉર્દૂમાં આવતી આડી લીટી જેવી ખાસ નિશાનીઓનો સુધારો કરતા જાય.  જાણે કે એક પેજનું પ્રુફ રીડીંગ પૂરતું ના હોય એમ સામા પાના ઉપરની બીજી રચનાને પણ તેમણે એ જ રીતે સાફસુફ કરવા માંડી.

ભાષા અંગે આટલી હદની ચોક્સાઇ રાખતા કલાકારનાં સર્જનોમાં પરફેક્શન કેમ ના હોય? કોઇ આશ્ચર્ય ન હતું કે ઉર્દૂ શબ્દોના હિન્દી, મરાઠી અને ઇંગ્લીશ અર્થોવાળી એક દુર્લભ ડીક્ષનેરીના પ્રકાશન સાથે તે સંકળાયેલા હતા. તેમાં તો જે તે શબ્દનો શાયરીમાં ઉપયોગ કરી બતાવેલા ૪૫૦૦ શેર પણ હતા. પાનાં ઉથલાવતાં જોયું તો  તેની પ્રસ્તાવના જગજીતસિંગે લખી હતી. પછી તો ડીક્ષનેરી ખરીદવાનું મુખ્ય કારણ ‘બાપુ’ની પ્રસ્તાવના બની ગયું.

જે ગાયક હસ્તાક્ષર લેવા કોઇ ચાહકે ધરેલી પુસ્તિકામાંની પ્રિન્ટીંગની ક્ષતિઓ ના સહન કરી શકે એ કલાકારને સ્ટેજ પ્રોગ્રામ વખતે કેટલી ચીવટ રાખવાની થાય? તેથી  તેમના જાહેર કાર્યક્રમ વખતે એ દ્રશ્ય કાયમ જોવા મળે કે એ તેમના સાઉન્ડવાળા સાથે લગભગ નિયમિત રીતે ઇશારાથી વાત કરતા હોય. ક્યારેક એ બોલી પણ ઉઠતા, “થોડા ટ્રેબલ બઢાઓ...” એટલું જ નહીં, જ્યાં સુધી તેમને સંતોષ થાય એવું સાઉન્ડનું લેવલ ના આવે ત્યાં સુધી એ છાલ ના છોડે. તે જોઇને કેટલાય ‘પ્રેક્ષકો’ને કદાચ આશ્ચર્ય થતું. જો કે સમજુ ‘શ્રોતા’ એ જાણતા કે આપણા કાનમાં પ્રવેશનારા ધ્વનિને સુસ્પષ્ટ કરવાનો એ પ્રયાસ થઇ રહ્યો હતો. પરંતુ, તે દિવસે તેમની કાળજી જોઇને થયું કે એ લોકો કરતાં પણ વધારે પોતાની સંતુષ્ટિ માટે સાઉન્ડ ક્વોલીટીનું સતત પ્રુફ રીડીંગ કરતા હશે.

તેમના દરેક આલ્બમમાં સંગીતનાં ખંજરી, ઘૂઘરી અને ટ્રાયંગલ જેવાં સંખ્યાબંધ નાનાં નાનાં તાલ વાદ્યોની ઝીણી ઝીણી બારીકીઓ એક સુંદર શિલ્પમાંના બારીક નક્શીકામ જેવી સંભળાય. વળી, તે ‘પર્ક્યુસન્સ’ કહેવાતાં ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ધ્વનિ શ્રોતાને ખટકે નહીં કે મૂળ બંદીશ ઉપર હાવી ના થઇ જાય તેની પૂરી તકેદારી લીધેલી હોય એ આપણા કાન અનુભવે જ. એક અંગત દાખલો. (આજે ‘અંગત સંગત’ માંડી જ છે તો શું ગભરાવું? અને આ તો ફેસબુકની મારી પોતાની વોલ છે! ) અમારા નાના દીકરા સનીને સુવડાવવા હું કાયમ ‘સમવન સમવ્હેર’ની “દિન ગુજર ગયા ઇન્તઝાર મેં....” મૂકતો અને તેમાંના જગજીત-ચિત્રાના અવાજ જેટલું જ હાલરડાનું કામ તેનું સંગીત અને ખાસ તો રિધમ તથા ઝીણાં વાદ્યો (‘પરક્યુસન્સ’)ની ગૂંથણી કરતાં અને એ રચના પૂરી થતાંમાં તો બાળક સૂઇ જતો.

પરફેક્ટ સાઉન્ડ માટે એ એટલા બધા આગ્રહી કે તેમના એક આલ્બમ ‘બિયોન્ડ ટાઇમ’ના કવર ઉપર તો અસંખ્ય ‘કી’  સમક્ષ સાઉન્ડ રેકોર્ડીસ્ટ સાથે ખુદ જગજીત અને ચિત્રા લંડનના સ્ટુડિયોમાં બેઠેલા હોય એવો ફોટો હતો. ૧૯૮૭માં એ આલ્બમ રિલીઝ પહેલાં થયેલો વિવાદ પણ કદાચ એ પોસ્ટર સીન માટે જવાબદાર હતો. જગજીત - ચિત્રાનો દાવો એવો હતો કે ડીજીટલ રેકોર્ડીંગવાળું ભારતનું એ પ્રથમ ગઝલ આલ્બમ હતું. લાંબા સમયની મહેનત પછી એ તૈયાર થયું હતું. કોઇક કારણસર તેને બજારમાં મૂકતાં ધાર્યા કરતાં થોડા મહિના મોડું થયું. 

પરંતુ, ગઝલ અને રેકોર્ડીંગ કંપનીઓની નાનકડી દુનિયામાં એ વાત પ્રસરી ચૂકી હતી કે નવી ટેકનોલોજીથી એ દંપતિએ એક અદભૂત આલ્બમ તૈયાર કર્યું છે. એટલે એક હરીફ કંપનીએ રાતોરાત અન્ય એક ગઝલ ગાયકનું આલ્બમ ડીજીટલ રેકોર્ડીંગવાળું તૈયાર કરીને ‘સૌ પ્રથમ’ના ક્લેઇમની પબ્લીસીટી સાથે તે ‘બિયોન્ડ ટાઇમ’ પહેલાં મૂકી દીધું. તે દિવસોમાં ચિત્રાસિંગે મુંબઇ માટેના સ્પેશ્યલ મેગેઝીન ‘આઇલેન્ડ’ને આપેલા ઇન્ટર્વ્યુ પછી એ વિવાદ વધારે વકર્યો હતો. એવો જ વિવાદ તેમના પુત્ર વિવેકના આકસ્મિક મૃત્યુ પછી પણ ઉભો થયો હતો. એ અકસ્માતના ત્રણ જ અઠવાડિયા પછી જગજીત-ચિત્રાએ આપેલા એક સંયુક્ત ઇન્ટર્વ્યુ વિશે અને તે સમયની બન્નેની માનસિક સ્થિતિ તેમજ તેમનાં આલ્બમો વિશે હવે પછીના હપ્તે.

******************************************************************************


જગજીતસિંગ વિશે લખતી વખતે કેવી કેવી વાયકાઓ સ્મરણમાં તાજી થાય છે! થોડા થોડા સમયના અંતરે એ અફવા તો આવ્યા જ કરે કે “શું જગજીત - ચિત્રાનું ગોલ્ડન કપલ અલગ થઇ રહ્યું છે?” એવી અફવાઓના દિવસોમાં  એક વાર એક મિત્રએ કોઇ કોન્સર્ટમાં બનેલા પ્રસંગનો હવાલો આપીને એ દંપતિ માટેની ઉત્સુક્તા વધારી દીધી હતી. તેમના કહેવા પ્રમાણે, એ કાર્યક્રમમાં બન્નેએ સંયુક્ત ગાવાની એક ગઝલમાં જગજીત અને ચિત્રાજી બન્નેની આંખો ભીની હતી. કેમ કે તેના શબ્દો જ એવા હતા.  તેમાં જગજીત ગાય,
 “અગર હમ કહેં ઔર વો મુસ્કુરા દેં,
તો હમ ઉન કે લિયે જિન્દગાની લૂટા દેં....”

અને એક અંતરામાં ચિત્રાજીની પંક્તિઓ આવી હોય...
“સઝા દે સિલા દે, બના દે મિટા દે,
મગર વો કોઇ ફૈસલા તો સુના દેં....”

આવો કોઇ પ્રસંગ બન્યો જ ના હોય અને એ માત્ર કોઇએ સાંભળેલી વાત હોય એ શક્યતા મનોરંજનના માર્કેટમાં અસંભવ નથી. માર્કેટીંગ માટે એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં કંઇ પણ શક્ય હતું. (ફ્રેન્કલી કહું, તો ‘કમ અલાઇવ’ જેવા આલ્બમમાં આવતા “વાહ વાહ” અને તાળીઓના અવાજ સ્ટેજ મેનેજ કરેલા હોય કે પછી પાછળથી ઉમેર્યા હોય એવા લાગે છે એમ કહેતા લોકોની વાત માનવાનું મન થતું. પણ પછી ખરેખરા પ્રોગ્રામમાં તો એનાથી પણ વધારે ગાંડપણ દેખાડતા લોકો જોવા મળતા અને સમાધાન કરી લેવાતું કે કેસેટમાંના બધા રિસ્પોન્સ જેન્યુઇન જ હશે.) તેથી જગજીત – ચિત્રા અલગ થવા જેવી  વાયકાઓ પણ માર્કેટીંગનો એક ભાગ હતી કે કેમ એ તો તેમાં સંકળાયેલાં પાત્રો પૈકીનું કોઇ ખુલાસો કરે ત્યારે વાત.

પરંતુ, એક વાત તો ચોક્કસ કે એ બન્ને અલગ થવાની વાતો જરૂર ચાલતી હતી. જગજીતે એવા દિવસોમાં ‘સેવી’ સામયિકને આપેલા ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે “મારી તકલીફ એ છે કે હું મારા ચાહકો સાથે ઉધ્ધત નથી થઇ શકતો.... ” ત્યારે પત્રકારનો સવાલ: “પણ (તેથી શું) તમારી સ્ત્રી પ્રશંસકોને તમારો ફોન નંબર આપવાનો?” જગજીતસિંગનો જવાબ, “એ ‘મારો’ નહીં ‘અમારો’ (ઘરનો) નંબર છે. તે મારે કેમ ના આપવો? હું નહીં આપું તો એ ડીરેક્ટરીમાંથી નહીં શોધી શકે?..”

એ જ મુલાકાતમાં એમ પણ સ્પષ્ટ પૂછાયું હતુ કે “તમારા બન્ને વચ્ચે ક્યારેય ગંભીર લડાઇ થઇ છે?” ત્યારે જગજીતસિંગનો ઉત્તર હતો કે, “અમારી વચ્ચે કોલ્ડ વોર -શીત યુધ્ધ-  થાય. એમ થાય એટલે હું બારણું બંધ કરીને મારા રૂમમાં જતો રહું અને મ્યુઝિકમાં વ્યસ્ત થાઉં. જ્યારે બહાર આવું ત્યારે હું બધું ભૂલી ગયો હોઉં અને થોડા સમય પછી એ પણ ભૂલી ગઇ હોય....” છેલ્લો પ્રશ્ન એ પણ હતો કે “તમે અલગ (બન્ને) થઇ જાવ તો કેવી રીતે જીવી શકશો?” ત્યારે જગજીતે વિશ્વાસપૂર્વક કહ્યું હતું કે “મને નથી લાગતું કે એવું કાઇં બને..... એ તબક્કો જતો રહ્યો છે. હવે અમે બન્ને લગ્ન જીવનની સેઇફ સાઇડે છીએ..”

ટૂંકમાં, સાવ આગ વિનાનો ધુમાડો નહતો લાગતો. એવા જ દિવસોમાં તેમના દીકરા પુત્ર વિવેકનું એક રોડ અકસ્માતમાં મોત નિપજ્યું અને એ દુર્ઘટના પછી પતિ પત્ની અલગ થવાની વાતો કદી આવી નહીં. તે વખતે પણ જાત જાતની વાયકાઓ પ્રેસમાં ચગી હતી. એક સ્ટોરી એવી ચાલી હતી કે વિવેકની કાર સ્ટ્રીટ લાઇટના થાંભલામાં અથડાઇ હોઇ એ કાર બરાબર ચલાવતો નહતો. ત્યારે દીકરાની લાશ વિદાય કર્યાના ત્રણ જ અઠવાડિયાં પછી જગજીતસિંગ અને ચિત્રાજીએ એટલા શોકના સમયમાં પણ એક સંયુક્ત ઇન્ટર્વ્યુ આપ્યો અને કેટલીક સ્પષ્ટતાઓ એ અકસ્માત વિશેની કરી.

પહેલું તો એ કે તે રાત્રે વિવેક કાર નહીં પણ  ચિત્રાજીની  બ્લ્યુ  જીપ્સી ચલાવતો હતો. તેને થયેલા અકસ્માતની જગ્યાએ ઓલરેડી એક એક્સીડન્ટ થયેલો હતો. અન્ય એક કાર સ્ટ્રીટ લાઇટના થાંભલામાં ખરેખર અથડાઇ હતી. તેને લીધે આખા એરિયામાં અંધારુ થઇ ગયું હતું. એ રીપેર કરવા નગરપાલિકાની એક મોટી વાન ત્યાં ઉભેલી હતી. તેની પાછળની લાઇટો પણ ચાલતી નહતી. તેને કારણે અકસ્માત થયો અને પોતે એકનો એક વહાલસોયો દીકરો ગુમાવ્યો હતો. નગરપાલિકાએ પછી તો જગજીતસિંગ રહે છે એ વિસ્તારને ‘વિવેકસિંગ લેન’ એવું નામ પણ પાડ્યું.પણ એનાથી ગયેલો કાળજા કેરો કટકો પાછો થોડો આવે?

‘વિવેક’ નામ બ્રીચ કેન્ડી હોસ્પીટલમાં તેના જન્મ વખતે એક નર્સે પાડ્યું હતું એ વાત યાદ કરીને ચિત્રા કહે કે તે એટલો શાંત અને વિવેકી કે કેટલાય પ્રોગ્રામોમાં (ચાલુ સંગીતે) એ મારા ખોળામાં સૂઇ રહ્યો હોય. જગજીત માનતા કે વિવેક તેમના જીવનમાં આવ્યા પછી તેમને બેશુમાર સફળતા મળી હતી. એવા પુત્રની યાદમાં, જગજીત કહે કે, શોકના એ દિવસોમાં આખી દુનિયા નિરાંતે સૂઇ ગઇ હોય ત્યારે અમે બન્ને જાગતાં બેસીને રડ્યા કરીએ! એ ઘા માતા ચિત્રા માટે કારમો હતો અને તેથી જે કામ અખબારોની ગોસીપ હેડલાઇનો ના કરી શકી એ દીકરાના મોતે કર્યું.... જગજીત અને ચિત્રા સ્ટેજ ઉપર એક સાથે ગાતાં ખરેખર જ બંધ થઇ ગયાં! “સફર મેં ધૂપ તો હોગી જો ચલ સકો તો ચલો....” ગાનાર ચિત્રાજી કુદરતનો તાપ ના જિરવી શક્યાં!

 વિવેકના મૃત્યુથી હચમચી ગયેલાં ચિત્રાસિંગ પોતાની જ એક ગઝલના શબ્દો “તુ નહીં તો ઝિંદગી મેં ઔર ક્યા રહ જાયેગા....”ને કદાચ સત્ય માનતાં રહ્યાં અને પોતાના એકાંતમાંથી ઠેઠ સુધી બહાર ના આવી શક્યા. જો કે ૧૯૯૨ના એક ઇન્ટરવ્યુમાં જગજીતે આશા જરૂર વ્યક્ત કરી હતી કે “ચિત્રા અને હું ફરીથી આરંભ કરીશું. એ કદાચ લાઇવ શો નહીં કરે. પણ રેકોર્ડ ચોક્કસ કરશે.” પરંતુ, એ કદી શક્ય ના બન્યું. જ્યારે જગજીતસિંગે ‘શો મસ્ટ ગો ઓન’ના ન્યાયે ફરી એક વાર સ્ટેજ પ્રોગ્રામ શરૂ કરી દીધા અને આલ્બમો પણ પાછાં આપવા માંડ્યાં. પણ હવે ફરક હતો. દીકરાના કરૂણ મોતને પગલે કરૂણાની કવિતા વિશેષ ગાતા થયા. અંગત જીવનના સફરીંગને જગજીતે પોતાની કલાની સફરમાં સાથી બનાવીને પોતાની ગાયકી તથા કવિતાની પસંદગી બન્નેમાં તે એક નવો જ ઉઘાડ લાવ્યા!

સૌથી મોટો બદલાવ એ આવ્યો કે નવા આલ્બમ ‘સજદા’માં જગજીતસિંગ સાથે લતા મંગેશકર જોડાયાં. આમ તો લતા મંગેશકરે  ૧૧ વરસની ઉંમરનાં ચિત્રાસિંગને એ સ્કૂલમાં ભણતાં ત્યારે (‘કુમારી ચિત્રા શોમ’ તરીકે) સાંભળ્યાં હતાં. તે વખતે કલકત્તાની ‘ગ્રાન્ડ હોટલ’માં ઉતરેલા સંગીતકાર સી. રામચન્દ્ર અને લતા મંગેશકર સમક્ષ બાળકી ચિત્રાએ રવીન્દ્ર સંગીતનું ગાન કરી બતાવ્યું હતું. તેથી જગજીત - ચિત્રાનાં આલ્બમોમાં ચિત્રાજીએ ગાયેલી લગભગ તમામ રચનાઓ ઊંચા સ્વરમાં હોય તેનું કોઇ આશ્ચર્ય ખરૂં? મજાકમાં લોકો એમ કહેતા કે જગજીત પોતે તો સાવ ખરજમાં ગાઇને લહેર કરે છે અને ચિત્રાજીને તાર સપ્તકમાં ગવડાવે રાખે છે તો એ ‘મહિલા અત્યાચાર’ (વીમેન એટ્રોસીટી) કહેવાય કે નહીં?

પણ સિરીયસલી “દર્દ બઢકર ફુગાં ન હો જાયે....” જેવી કેટલીક ગઝલો સાંભળતાં થાય કે આટલી ઊંચી નોટમાં લતા મંગેશકર સિવાય માત્ર ચિત્રાસિંગ જ ગાઇ શકે! તેથી જરાક સહ્ર્દયતાથી વિચારીએ કે દર્દથી લથબથ ચિત્રાજી ‘સજદા’ની આ પંક્તિઓ કેવી રીતે ગાઇ શક્યાં હોત?....  “દર્દ સે મેરા દામન ભર દે યા અલ્લાહ...” વળી, ‘સજદા’માં કવિતા પણ જગજીતે કેવી કેવી પસંદ કરી હતી? પોતાની જાત વિશે કહેતા હોય એવી એક ઓર ગઝલના શબ્દો હતા,
“મિલી હવાઓં મેં ઉડને કી વો સઝા યારોં,   
કિ મૈં ઝમીન કે રિશ્તોં સે કટ ગયા યારો...”   

એટલે ‘સજદા’ રિલીઝ થયાના દિવસોમાં, ૧૯૯૧માં, માત્ર જગજીત પ્રેમીઓ જ નહીં આખું સંગીત વિશ્વ એક નવી જ તાઝગીના અનુભવમાંથી પસાર થતું હતું  અત્યંત મેલોડીયસ ટ્યુન અને અદભૂત રીતે ગવાયેલી એક અન્ય ગઝલના અંતરામાં લતાજીના ફાળે આવેલી પંક્તિઓ આમ હતી...
 “અપને ગમ કો ગીત બનાકર ગા લેના,
રાગ પુરાના તેરા ભી હૈ મેરા ભી...”

મને એ રચના  “ગમ કા ખઝાના તેરા ભી હૈ, મેરા ભી,   યે નઝરાના તેરા ભી હૈ મેરા ભી...”ની ધૂન અને ગાયકી એટલી પસંદ કે હું કાયમ એક જ વાક્યમાં તેનાં વખાણ કરતો “સ્વર્ગમાં પણ આવા સંગીત સિવાય બીજું શું હોવાનું?” આ લેખ લખતી વખતે અત્યારે ફરી એ કૃતિ સાંભળી અને હંમેશની જેમ કહી દેવાયું,  “સ્વર્ગમાં પણ આ સિવાય બીજું શું હોવાનું?”  અને મારો દીકરો સની બોલી ઉઠ્યો, “પપ્પા, હવે તો ત્યાં જગજીતસિંગ પણ હશેને?! ” (તે પછી ખાસ્સો વિરામ લીધો હોવા છતાં આજે હવે આગળ નહીં લખી શકાય.... ક્રમશઃ) 


Top of Form
Bottom of Form



તે વખતે ’૭૦ના દાયકામાં વિડીયો વગેરે અદ્યતન દ્રશ્ય સાધનો નહતાં અને તેથી સિનેમાગૃહમાં ફિલ્મ દર્શાવાય ત્યારે જે તે અભિનેતા કે અભિનેત્રીને જીવંત જોવાની તક હતી. પરંતુ, આજે? આજની સ્થિતિ પોઝીટીવ રીતે કેટલી અલગ છે? આજે તો વિડીયો રેકોર્ડીંગ અને તેનું અપલોડીંગ મોબાઇલ ફોનમાં પણ ઉપલબ્ધ છે. એટલે વરસો સુધી જે શક્યતા ફિલ્મોના માત્ર એક્ટર- એક્ટ્રેસ માટે સાચી હતી, તે આજે સામાન્ય વ્યક્તિ માટે પણ સંભવ છે. તેથી મારું એવું ગંભીરપણે માનવું છે કે માણસે મૃત્યુ ઉપર વિજય મેળવી લીધો છે! આત્મા અમર હશે કે નહીં એ મુદ્દાને આસ્તિકો અને નાસ્તિકો વચ્ચે ચર્ચા માટે રહેવા દઇએ. પણ વિડીયો રેકોર્ડીંગના કારણે દેહની અમરતા તો હવે સુનિશ્ચિત થઇ જ ગઇ છે. “નૈનં છિદન્તિ શસ્ત્રાણી, નૈનં દહતિ પાવકઃ...” એ ગીતાસાર હવે દેહને પણ એટલો જ લાગુ પડી શકે.... સિરીયસલી.

 માઇકલ જેકસનનો દેહ આજે પણ અમર છે જ ને? એ આજે પણ ‘બીટ ઇટ’ કે ‘થ્રીલર’ ગાતા અને બોનલેસ વન્ડર (અસ્થિવિહીન અજાયબી?)ની અદામાં અંગ ઉપાંગોને અનેકવિધ રીતે મરોડીને ડાન્સ કરતા કે તેમની ટ્રેડમાર્ક મુદ્રા  ‘મુન વોક’માં પાછા પગે જાણે ગરગડીઓવાળા બુટ પહેર્યા હોય એમ લસરતા આજે પણ જોઇ જ શકાય છેને? એ જ રીતે જગજીતસિંગ તેમના કાર્યક્રમોની ડીવીડી કે સીડીમાં  આજે પણ આલાપ કરતા કે મુરકીઓ લેતા કે તેમના ચાહકોને “હોઠોંસે છુ લો તુમ મેરા ગીત અમર કર દો....” તાળીઓના તાલે ગવડાવતા જોઇ જ શકાવાના છે.

 સંશોધકો અને વૈજ્ઞાનિકોના અનંત શક્યતાવાળા દિમાગની માનવ જાત કેટલી બધી ઋણી રહેવાની છે? જે વ્યક્તિનું ચિત્રાંકન તમે વિડીયોમાં કરી લો એ અમર થઇ જાય! (ખરેખર તો સંતાનોએ માતા પિતાનું વીલ કરાવવાની ઉતાવળ કરવાને બદલે તેમની વાતો, તેમની દિન ચર્યા, તેમના અનુભવોની ચર્ચાને વિડીયોમાં ઉતારી લેવાની વ્યવસ્થા વહેલી કરવી જોઇએ. તો માબાપને પોતાના ઘરમાં હર હંમેશ હરતાં - ફરતાં સાક્ષાત જોઇ શકાય.) નરસિંહ મહેતા કેવું ચાલતા હતા કે મીરાંબાઇ કેવા અવાજમાં ગાતાં હતાં એની કલ્પના જ થાય. જ્યારે શ્રોતાઓને ભક્તિસાગરમાં ડૂબાડતા જગજીતને ગાતા અને વગાડતા સાંભળી તો શકાય જ છે, જોઇ પણ શકાય છે.

એ ભક્તિભર્યાં સર્જનો પૈકીનું એક ‘મા’ સાંભળો તો પોંડીચેરીના શ્રી અરવિંદ આશ્રમનાં ‘મધર’ની સ્તુતિના દિવ્ય ગાનમાં તરબોળ થયા વિના રહી ના શકો. આમ તો એ શબ્દો કોઇપણ માતાજીની પ્રાર્થના તરીકે ચાલે એવા છે. પરંતુ, તેમાંની “આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી પરમે....”ની ધૂનમાં  કે પછી “સર્વેશ્વરી જગદીશ્વરી હે માતૃરૂપ મહેશ્વરી.....” સરખા ભજનમાંના શબ્દો શ્રી અરવિંદ સાહિત્યની વિશેષતા સિધ્ધ કરનારા મંત્ર સરખા હોઇ અમારા જેવા ભક્તિભાવ પૂર્વક એક કરતાં વધુ વખત પોંડીચેરી જનારા ભક્તને તો એ ડબલ કેસેટનો સંપુટ જેકપોટ જ હતો/ છે. એ કેસેટ વગાડતી વખતે આજે પણ વિદ્યાનગરનાં અમારાં શાખ પાડોશી અને અત્યારે અમેરિકામાં સેટલ થયેલાં લલિતભાઇ અને સ્મિતાબેન મિસ્ત્રીની યાદ તાજી થાય જ. મિસ્ત્રી દંપતિ પણ અરવિંદ આશ્રમનાં સાધક અને તેમણે પોતાની દીકરીઓનાં નામ ‘આનંદમયી’ અને ‘મહેશ્વરી’ પાડ્યાં હતાં અને પુત્રનું નામ છે, ‘પરમ’!

એ જ પ્રમાણે, ‘ઇસ્કોન’નાં ભજનો ગાતા જગજીતસિંગને સાંભળતાં નડિયાદના સંતરામ મંદિરનું પાવન સ્મરણ થયા વગર ના રહે. એ કેસેટ જ્યારે  તાજી જ આવી હતી, તે દિવસોમાં મારી નોકરી નડિયાદ હતી. એક સવારે મહારાજશ્રીના દર્શન અર્થે મંદિરના આંતરિક પ્રાંગણમાં પહોચતાં જ  સ્પીકર ઉપર ચિત્તને સ્તબ્ધ કરી દે એવો આલાપ સંભળાયો. પગ જાણે કે ખોડાઇ ગયા. સુરદાસનું ભજન ”હરિદર્સન કી પ્યાસી અંખિયાં....”  શરૂ થયું અને લાગ્યું કે અવાજ તો જગજીતસિંગ જેવો જ છે. પણ ગઝલ ગાયક ભજન ગાય? એવો સવાલ થયો અને તરત જગજીત તરફી મનને સમાધાન પણ મળી ગયું.....એમ તો  અનુપ જલોટા જેવા ભજનિક તે દિવસોમાં ગઝલની કેસેટ બહાર પાડતા જ હતાને? એ જગજીતસિગ જ ગાય છે એમ લાગ્યા છતાં મંદિરમાં તપાસ કરી અને કેસેટનું કવર જોઇ રાખ્યું. તે જ સાંજે આણંદમાં જ્યાંથી નિયમિત કેસેટ મળતી એ સ્ટોર પર જ ઇ મિત્ર રાજુભાઇને ’જગજીતનાં ભજન?’ એવો, ત્યારે તો અતડો લાગે એવો, પ્રશ્ન કર્યો અને જવાબ મળ્યો “હા”. જરાક નારાજગીથી મેં કહ્યું જગજીતની કેસેટ અને તમે બતાવી પણ  નહી? રાજુભાઇ કહે, એ ‘ભજન વિભાગ’માં મૂકી હશે એટલે રહી ગઇ હશે. અમે કહ્યું આજે જગજીતસિંગની બધી કેસેટ બતાવો... પછી એ જે પણ વિભાગમાં હોય.

તે દિવસે ત્યાંથી કવિ શિવકુમાર બટાલવીની પંજાબી રચનાઓનું આલ્બમ મળ્યું. ઘેર આવીને એ સાંભળ્યું અને ગવાય તેના શબ્દો  ખાસ ના સમજાય. પણ અવાજનું માધુર્ય? બાપરે! ખાસ કરીને “માયે ની માયે, મૈનુ ઇક શિકરા યાર બણાયા....”માં કોઇ રિધમ નહીં અને છતાં આજે અહીં કેનેડામાં ‘યુ ટ્યુબ’ પરથી  એ શોધીને સાંભળ્યું અને રાબેતા મુજબ ઓળઘોળ થઇ જવાયું.  એ માણસના ગળામાં ભગવાને સ્વરપેટી કદાચ મધમાં ઝબોળીને મૂકી હતી? કે પછી અમારા કાન એ વિશીષ્ટ મીઠાશથી એવા ટેવાઇ ગયા હતા કે એ જે કાંઇ ગાય એ જે ભાષામાં ગાય અને જે તાલ ઉપર કે કશા પણ રિધમ સિવાય ગાય અમને મધ મીઠું જ લાગતું હતું... હજી લાગે છે.

જગજીતસિંગના એ જ કંઠમાંથી માતૃભાષા ગુજરાતીમાં “જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું...” કે “બસ દુર્દશાનો એટલો આભાર હોય છે...” અને “બસ એટલી સમજ મને પરવર દિગાર દે...” જેવી ’ગુજરાતના ગાલીબ’ કહેવાતા ‘મરીઝ’  સાહેબની અમર કવિતાઓનો સંગ્રહ વહે, ત્યારે તો દિલ બાગ બાગ થઇ જ જાય; પણ ગુલઝાર સાથે મળીને તેમણે ઓરિજીનલ અસદ ઉલ્લાહ ખાં ગાલીબની જીવનકથાની સિરીયલ માટે તૈયાર કરેલા આલ્બમને પગલે અમારા જેવા કેટલાય લોકો ઉર્દૂના પ્રેમમાં નવેસરથી પડ્યા હશે. ખાસ કરીને ગુલઝારના મર્દાના અવાજમાં આવતી પ્રસ્તાવના “બલ્લીમારાં કે મોહલ્લે કી વો પેચિદા દલીલોં સી ગલીયાં....” અને તેની પણ પહેલાં વિનોદ સેહગલના સ્વરમાં ગાલીબનો પોતાના વ્યક્તિત્વની છડી પોકારતો પેલો  શેર... “હૈ ઔર ભી દુનિયા મેં સુખનવર બહોત અચ્છે, કહતે હૈં  કિ ગાલિબ કા હૈ અંદાજે બયાં ઔર...”  

જગજીતસિંગે પોતાના સંગીતથી મિર્ઝા ગાલિબનો એક જબરજસ્ત માહૌલ ઉભો કરી  દીધો હતો.
 ‘મિર્ઝા ગાલિબ’ આલ્બમ  જ્યારે માર્કેટમાં આવ્યું ત્યારે એ દૂરદર્શન ઉપર આવતી એક સિરીયલનું જ આલ્બમ હોવા છતાં વેચાણમાં તે સમયનાં ફિલ્મી ગીતોની કેસેટો સામે ગાલિબ જેટલી જ ખુમારીથી ટટ્ટાર  ઉભું રહી શક્યું હતું. તેમાં “હઝારોં ખ્વાહીશેં ઐસી કિ હર ખ્વાહીશ પે દમ નિકલે...”, “દિલે નાદાં તુઝે હુઆ ક્યા હૈ....” અને “દિલ હી તો હૈ ન સંગ-ઓ- ખિશ્ત., દર્દ સે ભર ન આયે ક્યૂં...” જેવી પ્રમાણમાં સહેલી અને જાણીતી રચનાઓની સાથે “બાઝીચા-એ-અતફાલ હૈ દુનિયા મેરે આગે...” જેવી અઘરા ઉર્દૂ અલ્ફાઝ વાળી રચનાઓ પણ હતી. છતાં લોકો પ્રેમથી સાંભળતા થયા હોય તો જગજીતસિંગનો ફાળો કેટલો બધો હતો?

જગજીતસિંગના કાર્યક્રમમાં તો લોકોની ફરમાઇશમાં ‘ગાલિબ’ હોય જ તેમના અવાજમાં ગાવા પ્રયાસ કરતા સૌની મહેફિલમાં પણ “આહ કો ચાહિયે ઇક ઉમ્ર અસર હોને તક...” જેવી રચનાઓ સંભળાવવા લોકો વિનંતિ કરતા અમે સુરતમાં જોયેલા છે. સુરતની એક ફાઇવ સ્ટાર હોટલમાં જગજીતસિંગની ગઝલો ગાતા એક કલાકારને કેટલીક વખત સાંભળવાનો લહાવો મળ્યો હતો. મઝા એ હતી કે એ આર્ટીસ્ટનો અવાજ તો અદ્દલ જગજીતસિંગ જેવો ખરો પણ એ ચહેરો પણ બિલકુલ જગજીત જેવો જ ધરાવતા હતા. જ્યારે જગજીતસિંગ તે વરસે સુરત આવ્યા, ત્યારે એ જ હોટલમાં ઉતર્યા હતા અને એ કલાકાર પગે લાગ્યા, ત્યારે કદાચ તેમને ઓળખતા હોઇ જગજીતસિંગે ખબર અંતર પૂછતાં  કહ્યું, “કૈસા ચલતા હૈ, આજકલ?” પેલા સ્થાનિક ગઝલ ગાયકે કહ્યું, “બસ સર જી, આપકી રોટી ખાતે હૈં!"

એટલી નિખાલસતા અને એટલી નિર્દોષ કેફિયત જગજીત - ચિત્રાની બેશુમાર સફળતાને પગલે ગઝલ ગાતા થયેલા કેટલા જાણીતા ગાયકો  બતાવી શકે? (સુરતના કોઇ મિત્ર એ ગાયક્નું નામ શોધી શકે?) એ ખરું કે ’૮૦ના દાયકામાં અમિતાભ અને એક્શન ફિલ્મોના દૌરમાં ફિલ્મોમાં મ્યુઝિક ડાયરેક્ટર કરતાં ફાઇટ માસ્ટરનું મહત્વ વધી ગયું હોઇ સંવેદનશીલ કવિતા અને મધુર સંગીતના ચાહકોની તરસ છિપાવે એવા વૈકલ્પિક સંગીતના અવકાશમાં જગજીત - ચિત્રા યોગ્ય સમયે આવ્યાં હોઇ સફળ થયાની ટીપ્પણી શરૂઆતમાં થોડો સમય થતી રહી  હતી. પણ પછી એ સક્સેસ સ્ટોરીને પગલે કેટલાયે ગઝલ ગાયકી ઉપર હાથ અજમાવ્યો. પરંતુ, એક પછી એક સળંગ હીટ અને સુપર હીટ આલ્બમોની સફળતાનું જગજીતસિંગ જેવું સાતત્ય ક્યાંય ના જોવા મળ્યું.... એટલે કે સાંભળવા ના મળ્યું.

 તેમની એ સફળતા વિશ્વભરમાં કેવી મોહિની લગા્ડી ચૂકી હતી તે આપણે જાણીએ જ છીએ. પછી તે ન્યુયોર્કનો કાર્યક્રમ હોય કે લંડનનો! પણ જો કોઇ એમ વિચારતું હોય કે  વિદેશોમાં વસનારા ઇન્ડીયન્સ જ જગજીતસિંગને ચાહતા હતા તો એ ભ્રમ દૂર થાય એવી એક ઘટનાના સાક્ષી બનવાનું અહીં ટોરન્ટોમાં શક્ય બન્યું અને તે પણ પાકિસ્તાનના હવાલેથી!  ટોરન્ટોમાં આવેલી કોન્સ્યુલેટ જનરલ ઓફ પાકિસ્તાનની ઓફિસ ખાતે આ સાલ ૨૮મી મેની સાંજે  પાકિસ્તાનના એક કલાકાર ખુદાબક્ષ અબ્રોનાં ‘ગાલિબ’ વિષય ઉપરનાં પેઇન્ટીંગ્સનું પ્રદર્શન હતું અને સાથે ગાલિબની રચનાઓ પણ રજૂ થવાની હતી. ત્યારે સંગીતની એ મેહફિલમાં ગાનાર ગાયક બેલડી પાસે જગજીત અને ચિત્રાસિંગના અવા્જમાં ગવાયેલી ‘મિર્ઝા ગાલિબ’ સિરીયલના સંગીતવાળી જ ગઝલોની ફરમાઇશ થતી હતી.

એ કાર્યક્રમમાં હું મારી સાથે ગુજરાતી ભાષામાં થયેલા કેટલાક અદભૂત સંશોધનાત્મક પુસ્તકો પૈકીના એક ‘દિવાન-એ-ગાલિબ’ (અનુવાદ અને સંપાદન: મનસુખલાલ સાવલિયા) લઇને ગયો હતો. મહદ અંશે ઉર્દૂ ભાષી ભાવકો હોઇ ગુજરાતી લિપી સમજનાર ખાસ કોઇ  નહતું. પરંતુ, કવર ઉપરનું ‘ગાલિબ’નું ચિત્ર જોઇ પૂરતું - એટલે કે પ્રમાણસરનું આગળ બેસવાનુ-સન્માન  જરૂર મળ્યું.  છતાં અમે સંપૂર્ણ ભારતીય ઢબે ગોળ તકિયાને ટેકે ભીંતને અઢેલીને મહેફિલ માણવાનું પસંદ કર્યું હતું. મહેફિલમાં ‘ગાલિબ’ની એક એક ગઝલ રજૂ કરતા ટોરન્ટોના પેલા સ્થાનિક ગાયકને મળતી વાહ વાહી અને દાદ જોઇ કોન્સ્યુલેટ જનરલ જાતે છેલ્લી લાઇનમાં આવીને બેઠા. તેમની સાથે કોઇ લોકલ વીઆઇપી પાકિસ્તાની સજજન પણ અમારી બાજુમાં બેઠા. તે વખતે અમારી સાથેની નાનકડી ગુફતગુ દરમિયાન એ વીઆઇપી સજ્જને જગજીતસિંગની પ્રશંસામાં એક એવી વાત કરી કે અમારા જેવા જગજીતના એરકંડીશ્નરની તો બધી જગજીત ભક્તિ જાણે કે ફળી ગઇ! જાણો છો એમણે શું કહ્યું હતું? (વધુ આવતા હપ્તે) 
*************************************************************************************



   “બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી....”  

‘મિર્ઝા ગાલિબ’ની સ્મૃતિમાં ટોરન્ટોના પાકિસ્તાન કોન્સ્યુલેટ ખાતે યોજાયેલી એ નાનકડી એક્સ્ક્લૂઝિવ બેઠકમાં જ્યારે ગાયકે એક પછી એક જગજીતે ગાયેલી ગાલિબની રચનાઓ ગાઇ, ત્યારે મારી બાજુમાં બેઠેલા પાકિસ્તાની સજ્જન બોલી ઉઠ્યા, “ક્યા કમ્પોઝીશન હૈ સાહબ ઔર જગજીતસિંગને ક્યા ગાયા હૈ, ગાલિબકો!” મને કહે, “અગર ઐસે ચાર - પાંચ જગજીત હોં તો આજ ગઝલ કહાં સે કહાં હોતી?..” પછી સહેજ રહીને ઉમેર્યું, “મગર જગજીત દુસરા ભી કહાં હૈ પૂરે સબકોન્ટીનેન્ટ મેં!” શું હાલત થાય અમારા જેવા એક એરકન્ડીશ્નરની! ખાસ તો એટલા માટે કે જગજીતસિંગની કરિયરની શરૂઆતના સમયમાં તેમને પાકિસ્તાની ગઝલ ગાયક મહેંદી હસનની કોપી કહેવાતા. જગજીતસિંગની પ્રારંભિક દૌરની ગાયકીમાં એ છાંટ વર્તાય પણ છે, ખોટું તો કેમ બોલાય? એ તો ભલું થજો સરદાર ખુશવંતસિંગનું કે તેમણે જગજીતસિંગ માટે એવા દિવસોમાં તેમની રાબેતા મુજબની આત્યંતિક સ્ટાઇલમાં એમ લખ્યું કે “જગજીતસિંગ મહેંદી હસન કરતાં સારૂં ગાય છે અને દિલીપ કુમાર કરતાં વધારે હેન્ડસમ છે!”

‘મિર્ઝા ગાલિબ’ની માફક  બધી રચનાઓ એક જ શાયરની હોય એવી અન્ય એક કેસેટ ‘ઇનસાઇટ’ ૧૯૯૪માં આવેલી; જે મારે માટે અંગત રીતે એક અલગ જ મહત્વ ધરાવે છે. તેમાં નીદા ફાઝલીની રચનાઓ હતી અને એ બજારમાં આવી ત્યારે પહેલીવાર અમારા વસંતલાલ માસાએ સંભળાવેલી. એ પણ જગજીતસિંગના અઠંગ ઉપાસક! માસાનો નિયમ એવો કે જેવી કોઇ નવી કેસેટ બજારમાં આવે કે એ લઇને  વડોદરાથી આણંદ આવે અને સાથે બેસીને મને એ સંભળાવે. (“મસ્તીથી સાંભળો, યાર!” એ તેમનો કાયમી મંત્ર) તેમને જગજીતની ગાયકી અને તે કરતાં પણ વધારે તો કવિતાની પસંદગી, ગઝલની અદાયગી વગેરે એટલાં પસંદ કે માસાને જગજીત ઉપર ઓળઘોળ થતા જોવાનો એક અનેરો આનંદ બોનસમાં મળે. એ કાયમ એમ જ સમજે કે એ જે ’નવી’ કેસેટ સંભળાવી રહ્યા છે, એ હું પહેલીવાર તેમની પાસેથી જ સાંભળી રહ્યો છું. પણ એ કાયમ સાચું ના પણ હોય! દરેક આલ્બમ રિલીઝ થયાના થોડા દિવસમાં મારી પાસે મોટેભાગે આવી જ ગયું હોય. પરંતુ, તેમનો જગજીત પ્રેમ જોવા  હું એ પહેલીવાર સાંભળતો હોઉં એમ જ કહેવાનું.

એક  દિવસ એ નવી કેસેટ ‘ઇનસાઇટ’ લાવ્યા હતા. આગ્રહ કરીને એ લોંગ ડ્રાઇવ પર લઇ ગયા. તે વખતે તેમની સાથે કારમાં ‘ઇનસાઇટ’માંની એક રચના “યે ઝિન્દગી...” અમે કેટલી વખત સાંભળી હશે તેની ગણત્રી નથી. કશી મંઝિલ નક્કી કર્યા વગરની હાઇવે ઉપર ફરતી ગાડીના સ્પીકરમાંથી એ કવિતાના છેલ્લા શબ્દો... “સિતારે તોડો, યા ઘર બસાઓ, અલમ ઉઠાઓ યા સર ઝુકાઓ, તુમ્હારી આંખોં કી રોશની તક હૈ ખેલ સારા, યે ખેલ હોગા નહીં દોબારા....” વહેતા રહે અને માસા કહેશે, પાંચ જ મિનીટમાં જીવનનો સાર સમજવો હોય તો આ સાંભળો. સાધુ- સંતો માટે તેમનો અભિપ્રાય આમ પણ બહુ ઊંચો નહીં. એ કહેશે “કલાકો સુધી કથાઓમાં બેસવા કરતાં જગજીતની આ એક ગઝલ મસ્તીથી કોઇ સાંભળી લે તો ય  આંખ ઉઘડી જાય!”

એક દિવસ,  ૧૯૯૫ના એપ્રિલમાં, ફોન આવ્યો કે  અચાનક જ માસા ગુજરી ગયા! કશી બિમારી વગર, કોઇ આગોતરી જાણ વગર એ, પ્રમાણમાં નાની કહી શકાય એવી ઉંમરે, મોટા ગામતરે ઉપડી ગયા હતા. એ કેવો જબરજસ્ત આંચકો હતો! તેમનાં અંતિમ દર્શને વડોદરા ગયા, ત્યારે તેમના મૃતદેહને જોઇ શકાશે કે કેમ? એ સવાલ હતો. પણ આ શું? તેમના ઘેર પહોંચ્યા, ત્યારે જગજીતસિંગની કેસેટ વાગતી હતી! ‘હે રામ...’ જેવી ભજનની કેસેટ નહીં.... ‘ઇનસાઇટ’ની રચનાઓ વાગતી હતી. માસા તો જાણે જગજીતને સાંભળતા શાંતિથી સૂતા હોય એમ લાગ્યું. સગાઇથી કઝિન પણ આજે ફેસબુક ઉપર ‘મિત્ર’ છે, એવાં તેમનાં સંતાનો નૈષધ ઠક્કર, સુધા ઠક્કર, મુકેશ ઠક્કર અને માયા ઘેલાણી (તથા ખાસ તો અમારાં પરસન માસી)નો એ બહુ બોલ્ડ નિર્ણય હતો. ર્રૂઢિથી અલગ થઇને તેમણે પરિવારના વડાના મૃતદેહ પાસે ‘ગઝલ પાઠ’ કરાવ્યો. એ પરિવાર માટેનું મારું માન કંઇ કેટલાય ગણું વધારે વધી ગયું. વસંતલાલ માસાના આત્માને જગજીતસિંગના અવાજ કરતાં વધારે શાતા બીજું કશું ના આપી શકત.

જગજીતસિંગના અવાજની આ પણ એક ખુબી હતી…. તેમાંની એ એક વિશીષ્ટ શાતા! કેટલાકને એ તર્જો રિપીટીટીવ  - પુનરાવૃત્તિ જેવી -  લાગે છે. પણ એમ તો સચિનના સ્ટ્રેઇટ ડ્રાઇવમાં કે અમિતાભના અવાજમાં પણ પુનરાવૃત્તિ જ હોય છેને? તેથી શું તેમણે પોતાની એ ખાસિયતો બદલી કાઢવાની? હકીકતમાં તો એ ધૂનોમાં એક એવું તત્વ છે, જે મનની બધી વ્યાકૂળતાઓને શાંત કરી શકે.  વિચારોના વંટોળને કારણે કોઇ રાત્રે નિંદર ના આવતી હોય, ત્યારે અમે તો બેમાંથી એક પ્રકારની કેસેટ (હવે સીડી) ચઢાવીએ....  એ કાં તો રજનીશજી (ઓશો)નું પ્રવચન હોય અને કાં જગજીતની ગઝલો! (ધ્યાન એટલું જ રાખવાનું કે જગજીતની કોઇ પંજાબી રચના તેમાં ના હોય!) ઓશો અને જગજીત બન્નેના અવાજમાં જે આર્જવ હોય છે એ કાનને પ્રવેશદ્વારની મર્યાદિત ભૂમિકામાં લાવી દે. આરોહ અવરોહના એક ગજબના સંતુલન સાથે શબ્દો કોઇપણ સંવેદનશીલ વ્યક્તિના હૈયા સુધી હૌલે હૌલે પહોંચતા રહે. આત્માની તૃપ્તિનો એ કેવો અનેરો આનંદ! (ભગવાન કદી કોઇની શ્રવણ શક્તિ ઓછી ના કરશો!!)

એટલે જ જગજીત પોતે પસંદ કરેલી કવિતાના શબ્દોને પોતાના અવાજથી જે લાડ લડાવતા એ યશોદા માતા જેવા લાગે. એ જે કવિતા ગાય તેના જન્મદાતા કોઇ ઓર જ હોય. પણ એ કવિના સંતાનને જગજીત જે રીતે માખણ મિસરી ખવડાવીને ઉછેરે, તે પછી કદાચ ખુદ એ સર્જક પણ પોતાની કૃતિને ના ઓળખી શકે. એક વાર મોડી રાત્રે દૂરદર્શન પર મુશાયરો હતો. (અત્યારે કદાચ મુશાયરા થતા હશે તો પણ લેટ નાઇટ ટીઆરપી તો ‘બીગ બોસ’ના જ વધારે આવતા હશે!) ત્યારે એમાં અમને ગમતા શાયર નીદા ફાઝલીને એક રચના રજૂ કરતા સાંભળ્યા...

“કભી કભી યૂં ભી હમને અપને જી કો બેહલાયા હૈ
જિન બાતોં કો ખુદ નહીં સમઝે, ઔરોં કો સમઝાયા હૈ...”

એકે એક શેર સરસ અને દાદ પણ બેહતરીન મળી. પણ એ દેવકી માનું વાત્સલ્ય હતું, જેમાં પ્રત્યેક અંકુર વિકસિત થયાની ઝલક પણ દેખાતી હતી. પણ એ જ ગઝલ જશોદા મૈયા એટલે કે જગજીત ભૈયાના કમ્પોઝીશનમાં અને સ્વરમાં ‘વિઝન્સ’ આલ્બમમાં સાંભળો તો મીઠાશની મટકી છલકતી લાગે.  તેમજ એ શબ્દોની તંદુરસ્તી વધારતી પણ લાગે.  ( શાયરો વિશેનું એક આખું પુસ્તક લખ્યા પછી પણ હું ગંભીરપણે માનું છું કે  કોઇપણ સારા સંગીતકાર અને સુરીલા ગાયક મળીને એક રૂપિયાની કવિતાને સો રૂપિયાની કરી આપી શકે.)

‘વિઝન્સ’ આલ્બમનું એક મહત્વ એ પણ છે કે તેમના દીકરા વિવેકના અવસાન પછીનું એકલા જગજીતસિંગનું પહેલું આલ્બમ હતું અને એચ.એમ.વી.ને બદલે એ ‘ટીપ્સ’ દ્વારા બજારમાં આવ્યું હતું. એમાં જ  “કોઇ દોસ્ત હૈ ન રકીબ (દુશ્મન) હૈ, તેરા શહર કિતના અજીબ હૈ...” એ પણ ગઝલ હતી. તેમાંના શબ્દોનું દર્દ જગજીતને કેટલું પોતીકું લાગ્યું હશે એ આ પંક્તિઓમાં સમજાય...

“મૈં કિસે કહું મેરે સાથ ચલ,
યહાં સબ કે સર પે સલીબ હૈ...” 

ભગવાન ઇસુ જે ક્રોસ પર જડાયા હતા; તે ક્રોસને ઉર્દૂમાં ‘સલીબ’ કહેવાય એ યાદ રાખીએ અને `Every one has to carry his own cross' (એટલે કે દરેકે પોતાના દુઃખનો બોજ જાતે જ ઉપાડવાનો હોય) એ પણ જાણતા હોઇએ. ત્યારે આ શબ્દોમાં વહેતી ઋજુતાની છાલક આપણને પણ ભીંજવે જ.

સંવેદનાઓથી છલકતા સ્વરે જગજીતસિંગે ગાયેલી પેલી રચના તો તમે સાંભળી જ છેને... “બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી....” ? મૂળે તો એ ભુપિન્દર ગાવાના હતા. તે દિવસોમાં ‘ભુપી’ પણ એક ગિટારીસ્ટ કમ સિંગર (જ્યાદા!) બનવા સ્ટ્રગલ કરતા હતા. ત્યારે પોતાની રેકોર્ડ બહાર પાડવાનું તેમણે નક્કી કર્યું. તે માટે મ્યુઝિક કમ્પોઝ કરવાનું  મિત્ર જગજીતસિંગને સોંપ્યું. એ સંગ્રહમાં આ નઝમ પણ હતી. જગજીતે ધૂન બનાવી. પરંતુ, રિહર્સલ વખતે સંગીતકાર તરીકે જગજીતસિંગને ભુપિન્દરની ગાયકીથી સંતોષ નહતો થતો. તેમણે ભુપેન્દ્રને કહ્યું કે “ઇસમેં થોડા ઓર ઇમોશન ડાલ કે ગાઇયે...” પણ  કોઇ કારણસર જગજીતને જોઇતું પરફેક્શન આવતું નહતું. છેવટે આખો પ્રોજેક્ટ પડતો મૂકાયો. અંતે એ જ રચના પોતાના આલ્બમમાં બાપુએ જાતે ગાઇ અને પછી?  એ પ્રસંગનું વર્ણન કર્યા પછી જગજીતસિંગ કહે, “રેસ્ટ ઇઝ હિસ્ટરી!”

એમાંના શબ્દો “ઉન કી બાતોં કા જરા સા ભી અસર મત લેના, વર્ના ચેહરે કે તઆસ્સુર સે સમઝ જાયેંગે....” ધ્યાનથી સાંભળજો.  તેમાં પોતાની ભોળી પ્રેમિકાને, મેણાં - ટોણાં કરીને કે પછી વાત વાતમાં વાત કઢાવતી અને કુથલી કરતી દુનિયાની ચાલબાજીઓથી બચાવવા માગતા પ્રેમીની, દર્દભરી સલાહ કેવી સ્પર્શીલી છે? એવી તો કેટકેટલી રચનાઓ યાદ કરીએ, જે એક સંવેદનશીલ સંગ્રાહક જ એકઠી કરી શકે? સેન્સીટીવ અને કાવ્ય પદારથના આટલા પારખુ વ્યક્તિને ૧૯૬૫માં મુંબઇ  આવીને હોટલોમાં ગ્રાહકો સમક્ષ કે ધનિક લોકોને ત્યાં બાળકની મુંડન સેરીમનીમાં ગાવાથી શરૂઆત કરવી પડેલી, એ કેવી વિચિત્રતા! પછી તો કારકિર્દીમાં પ્રગતિ થતી હોય એમ જાહેરાતોનાં જિંગલ ગાવા મળવા લાગ્યાં અને ત્યાં ચિત્રાજી સાથે મુલાકાત થઇ. તે વખતે શ્રીમતી ચિત્રા દત્તા તરીકે એ પોતાના લગ્ન જીવનના એક એવા દૌરમાંથી પસાર થઇ રહ્યાં હતાં કે જ્યાં તેમની સંવેદનશીલતાને સમજનાર એક ખાસ અંગત મિત્રની તેમને જરૂર હતી. તેમાં ઉત્તીર્ણ થાય એવા પુરૂષ તરીકે જગજીત ચિત્રાજીના જીવનમાં યોગ્ય સમયે આવ્યા. એટલું જ નહીં, એક દિવસ તેમણે લગ્નની દરખાસ્ત પણ કરી દીધી અને જગજીતસિંગના આઘાત વચ્ચે ચિત્રાજીએ તે મેરેજ પ્રપોઝલનો  ઇનકાર કરી દીધો! (વધુ આવતા હપ્તે) 

****************************************************************************
  

લગ્નની દરખાસ્ત જગજીતે જ્યારે ચિત્રાજી સમક્ષ પહેલીવાર મૂકી, ત્યારે ચિત્રા અને તેમના પ્રથમ પતિ દેબો પ્રસાદ દત્તાના છુટાછેડા થઇ ચૂક્યા હતા. હકીકતમાં તો દત્તાએ જ જગજીત - ચિત્રાનો એક બીજા સાથે પરિચય કરાવ્યો હતો. દત્તા દંપતિ  તેમની દીકરી મોનિકાને લઇને કલકત્તાથી મુંબઇ આવ્યું, ત્યારે તો ચિત્રાજીએ ગાવાની કરિયર બનાવવાનો પણ કોઇ સવાલ જ નહતો. કેમ કે લગ્ન વખતે કલકતામાં સારાભાઇ કંપનીના માર્કેટીંગ એક્ઝીક્યુટીવ તરીકે સરખું કમાતા ‘ડીપી’ની પત્ની ઘર પરિવાર સંભાળશે એ જ કલ્પના હતી. એવા સુખી ઘરના ખાતાપીતા ખાનદાનના મુરતિયા દેબો પ્રસાદે ચિત્રાને સ્ટેજ ઉપર બેલે (નૃત્ય) કરતી જોઇ તેની સાથે લગ્ન માટે ઇચ્છા કરી.

માતા-પિતાએ તપાસ કરતાં એ તેમની જ નાતની છોકરી હતી અને બન્ને પરિવારો  કલક્ત્તામાં નજીક નજીક રહેતાં હોવાની ખબર પડી. વળી, ચિત્રા શોમ તેમના મા-બાપનું એકનું એક સંતાન. એટલે ભારે લાડકોડમાં ઉછરેલી પોતાની દીકરી આંખ સામે રહેશે એ ગણત્રી પણ ખરી. તેથી એક આદર્શ કપલ થવાની શક્યતાવાળા એ લગ્ન પછી ચિત્રા  જ્યારે દત્તા ફેમીલીમાં આવ્યાં ત્યારે સ્વાભાવિક જ ‘ખાધું પીધું અને રાજ કર્યું’વાળી મેરેજ લાઇફની કલ્પના હતી. આમ લગ્ન નક્કી થવાનું એક કારણ એ પણ હતું, કે બન્ને કુટુંબો નજીક રહેતાં હતાં અને વિચિત્રતા એ કે લગ્નમાં વિખવાદ થવાની પહેલી નોબત પણ એવા જ સંજોગોને લીધે આવી. ચિત્રાજી પ્રેગ્નન્ટ થયાં અને મતભેદો પણ વિકસતા ગયા. પહેલીવારની ડીલીવરી કયે ઘેર થાય એ મુદ્દે વિવાદ થયા અને સાસરિયાની ઇચ્છા વિરુધ્ધ ચિત્રાજીએ પ્રથમ ડીલીવરી પોતાના પિયરમાં કરી. તે પછી  મિસ્ટર દત્તાએ અન્ય એક કંપની ‘પેરીઝ’ માં મુંબઇ ખાતે નોકરી સ્વીકારી અને અઢી વરસની મોનિકાને લઇને દત્તા દંપતિ બોમ્બે આવ્યું હતું.

મુંબઇમાં આવી દેબો પ્રસાદ (’ડીપી’)  માર્કેટીંગ અને એડવર્ટાઇઝીંગમાં ગયા. અહીં પ્રોગ્રેસ ઝડપી બની. તેથી દર પ્રમોશને કંપની બદલવાનું થતું અને જે તે કંપનીના આપેલા ફ્લેટમાં રહેવાનું. પતિની કામગીરીમાં કોઇ માથું નહી મારવાનું એમ ગણીને એક ગૃહિણી તરીકે  ઘર, બાળક અને પરિવારને સમય આપતાં ચિત્રાજીનું જીવન સુખેથી પસાર થતું હતું. પાડોશમાં રહેતા એક ગુજરાતી પરિવાર સાથે સંબંધ વધ્યો અને ત્યાં થતી કૌટુંબિક બેઠકોમાં ચિત્રાજી પણ ગાતાં. પતિ આગ્રહપૂર્વક ચિત્રાને ગાવા માટે પ્રોત્સાહિત કરતા. તેને પગલે પહેલીવાર તેમને જાહેરાતનું જિંગલ ગાવાનું મળ્યું અને રૂપિયા પચાસનો પુરસ્કાર મળ્યો, ત્યાંથી વ્યાવસાયિક મ્યુઝિકની દુનિયામાં પગ મૂક્યો એમ કહેવાય! પછી તો નોકરી છોડીને દેબુપ્રસાદે ઘરમાં જ સ્ટીરીયોફોનિક સ્ટુડિયો ખોલ્યો અને ધંધાદારી રીતે એડનું રેકોર્ડીંગ પણ કરવા માંડ્યું.

એ સ્ટુડીયોમાં એક દિવસ ‘ડીપી’  જગજીતસિંગને રેકોર્ડીંગ માટે લાવ્યા. પતિ- પત્ની બન્નેએ રિહર્સલમાં જગજીતને વગર માઇકે ગાતા સાંભળ્યા અને મિસ્ટર દત્તા તો રીતસર જગજીતના અવાજના પ્રેમમાં પડી ગયા. ચિત્રાને એ અવાજ જરાય પસંદ ના પડ્યો. હસબન્ડને બાજુ પર લઇ જઇને કહ્યું, “આ તે કાંઇ અવાજ છે?” પણ જ્યારે માઇક ઉપરથી એ જ અવાજ આવ્યો અને તેનું રેકોર્ડીંગ થયું; એ જ્યારે સાંભળ્યું!  ચિત્રાજીએ ૧૯૮૫માં આપેલા એક છ પાનાના ઇન્ટર્વ્યુમાં કહ્યું છે કે એ સાંભળીને તેમનો આખો અભિપ્રાય રિવર્સ થઇ ગયો. લાગ્યું કે “વોટ અ બ્યુટીફુલ વોઇસ...!” દત્તા અને જગજીત ખાસ મિત્રો થયા. અવર જવર વધી અને ચિત્રા સાથે પણ સંગીતની બેઠકો, રિહર્સલ અને રિયાઝ બધું વધતું ચાલ્યું. ચિત્રાજી કહે છે કે “મને ખબર નહતી કે મારા પતિ મને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા હતા. તેમનાથી અલગ થયા પછી મારે મજબૂરી ના ભોગવવી પડે તે માટે એ મને જાણી જોઇને વૈકલ્પિક વ્યવસાય એવા સંગીત તરફ ધકેલી રહ્યા હતા...” . કેમ કે સુખી દાંપત્ય જીવનના લાગતા એ નિરાંતના દિવસોમાં એક દિવસ ચિત્રાને બેસાડીને પતિએ શાંતિથી જાહેર કર્યું, “આપણે ડાયવોર્સ લઇએ છીએ”!

 પતિ એક એવી સ્ત્રી સાથે લગ્ન કરવાના હતા, જેની પણ ઘરમાં આવન જાવન હતી. ચિત્રા કહે કે એવો અણસાર પણ ના આવ્યો કે આવું થશે. બાકી આવું કશુંક ડેવલપ થતું હોય તો હોંશિયાર પત્નીને પહેલી ગંધ આવી જાય. પણ પોતે ઘર- કુટુંબ અને બાળકની જવાબદારીમાં એટલાં વ્યસ્ત હતાં કે એવી કોઇ શક્યતા કલ્પનામાં પણ નહતી. અચાનક આવેલા એ ધરતીકંપ પછી જુદા રહેવાનું થયું. એ જાણ્યા પછી જગજીતનો ચિત્રાને પહેલો સવાલ એ હતો કે “તમે બન્ને તો આટલાં ખુશ ખુશાલ લાગતાં હતાં. પછી કેમ આમ થયું?” એ જ તો સવાલ ચિત્રાજીનો પણ હતો! મગર ઇસ ક્યૂં કા ઇલાજ તો હકીમ લુકમાન કે પાસ ભી કહાં થા?

અલગ થયેલી પત્નીને દત્તા સાહેબે ફ્લેટ લઇ દીધો અને દીકરી મોનિકા (તથા ચિત્રા માટે) મહિને નિયમિત એક રકમ પણ આપવા માંડી. કલકત્તામાં બેઠેલાં માબાપને છ મહિના સુધી કશું જણાવ્યું નહીં. દીકરીનું સરનામું બદલાયું હતું. પણ એની તો ક્યાં નવાઇ હતી? છ મહિના પછી મોનિકાને લઇને ચિત્રાજી કલકત્તા ગયાં અને બધી વાત પોતાના મામાને કહી. તેમણે એ ન્યુઝ માતા પિતાને આપ્યા. ૨૫ વરસની જવાન જોધ ઉચ્ચ બંગાળી ખાનદાનની છોકરીના છુટાછેડા? મા-બાપનું હૈયું ચૂર ચૂર થઇ ગયું એમ કહેવું એ શબ્દો સાથે અન્યાય હશે. સારું હતું કે પોતાની વહાલસોયી દીકરી કલકત્તામાં નહતી રહેતી. મુંબઇમાં અગણિત ચહેરાઓમાં એક ચહેરો કોઇ ઓળખશે નહીં એ આશ્વાસન  સાથે મન મનાવ્યું.પણ સાથે એ ચિંતા તો ખરી જ કે એવડા મોટા શહેરમાં એ એકલી રહેશે?

જો કે છુટાછેડાના પહેલા છ મહિનામાં મોનિકાને સ્કૂલે મૂકવા જવું કે લેવા જવું તથા ઘરનાં અન્ય નાનાં મોટાં કામોમાં જગજીતે મદદ કરવા માંડી હતી.  ચિત્રાજી એક એવા દૌરમાંથી પસાર થઇ રહ્યાં હતાં, જેમાં દીકરીની સંભાળ અને સંગીત એ સિવાય કોઇ પ્રાયોરિટી જ નહતી. એવા વાતાવરણમાં તેમનાં  એ બન્ને કાર્યોમાં મદદરૂપ થતા પુરૂષ તરીકે  જગજીતનો પ્રવેશ થયો હતો.

તે સમયે ચિત્રાજી માટે જગજીત એક મિત્ર હતા, જેમના ઉપર એ દરેક વાતે વિશ્વાસ મૂકી શકે. એ પુરૂષ હતા કે સ્ત્રી તે વાતથી પણ કશો ફરક નહતો પડતો. જગજીત માટે મા - દીકરી બન્નેના મનમાં એક વિશીષ્ટ જગ્યા જરૂર હતી. પરંતુ, જ્યારે લગ્નની દરખાસ્ત જગજીતે કરી, ત્યારે ચિત્રાજીએ ના પાડી દીધી. એમ કહીને કે પોતે ફરી પરણવા માંગતાં જ નથી. તેમની દીકરી મોનિકાએ નાની ઉંમરમાં જ ઘણું બધું ઓલરેડી જોઇ લીધું છે. નવું સાહસ કરવાની પોતાની કોઇ ઇચ્છા નથી. મિત્ર તરીકે બન્ને મ્યુઝિકમાં સાથે જ કામ કરશે એવા સધિયારા સાથે તે વખતે પ્રપોઝલ ધરબાઇ ગઇ.

એવા દિવસોમાં એક પાર્ટીએ ‘જગજીત - ચિત્રા’ ની લાઇવ ગઝલ કોન્સર્ટની ઇસ્ટ આફ્રિકાની ટુરનું આયોજન કર્યું. તે પ્રવાસના ત્રણ મહિના દરમિયાન ચિત્રાને સમજાયું કે તેમના સંગીતના સાથી જોડે એ કેટલાં બધાં એટેચ છે. તેના વગર જીવી ના શકાય એવું લાગવા માંડ્યું હતું. ભારત પાછા આવી દીકરીને પોતાના સંભવિત બીજા લગ્નની વાત કરી, તો હવે મોનિકાએ ઇન્કાર કર્યો! છેવટે તેને ખાત્રી આપી કે ‘’તારે એમને ‘અંકલ’ જ કહેવાના.... પપ્પા નહીં.” તેના ડેડી તો મિસ્ટર દત્તા જ રહેશે. જગજીત મોનિકાને દત્તક નહીં લઇ શકે એવી ગેરંટી પણ ચિત્રાએ આપી અને છેવટે દીકરી  સંમત થઇ.

આ બધું થતું હતું ’૬૦ના દાયકામાં. પણ અમારા પ્રિય દિગ્દર્શક ઋષિકેશ મુકરજીની કોઇ ફિલ્મની સ્ક્રીપ્ટ હોય એમ આખા પ્રકરણમાં કોઇને ચિત્રાજીએ વિલન નથી ચિતર્યા. તેથી જ આજે જગજીત - ચિત્રાની પ્રોફેશ્નલ લાઇફ કે તેમની ગઝલો કે આલ્બમોની વાત બાજુ ઉપર રાખીને જગજીત ચિત્રાની પર્સનલ લાઇફને જ કેન્દ્રમાં રાખી છે. કેમ કે ૧૯૮૫માં આપેલા એ પ્રલંબ ઇન્ટર્વ્યુમાં ડાયવોર્સના આખા પ્રકરણ વિશેની ચિત્રાજીની પ્રતિક્રિયા સાંભળો. “અમારા ડીવોર્સ કોઇ પણ જાતની કડવાટ વગર થયા. મિસ્ટર દત્તાએ કે મેં કદી એક બીજા ઉપર કાદવ ના ઉછાળ્યો. તેમણે મોનિકાને મારી પાસે રહેવા દીધી અને મને કે દીકરીને રહેવા - ખાવાની કોઇ ફિકર ના રહે એ રીતની વ્યવસ્થા કરી. આજે પણ જગજીત અને મિસ્ટર દત્તા એવા જ સારા મિત્રો છે!”

આ ઇન્ટર્વ્યુ ૧૯૮૫નો છે, જ્યારે વિવેક હયાત હતો. જગજીત - ચિત્રાનાં લગ્નને તે વખતે ૧૫ વર્ષ થઇ ચૂક્યાં હતાં. બધાં લગ્નોની માફક તેમાં પણ સમય સમય પર મતભેદો થયા જ હશે. નહીં તો એ સામયિકે કવર પેજ ઉપર ચિત્રાસિંગનો ખુબસુરત ફોટો મૂકી આવું ટાઇટલ કરવાની જરૂર શી હોય કે “શું ચિત્રાએ જગજીતને છોડી દેવા જોઇએ?” પરંતુ, એ પોતાનું મેગેઝીન વેચવા માટેની ચોંકાવનારી હેડલાઇનથી વિશેષ કશું નહતું. કેમ કે તે પછી પણ આજીવન સિંગ દંપતિ અલગ થયાં જ નહીં.

એ લગ્ન માટે દીકરી મોનિકાએ સંમતિ આપ્યા પછી શાલિનતા બતાવવાનો વારો જગજીતસિંગનો હતો. લોકો ભલે કહેતા હોય કે “ગાંડાનાં કાંઇ ગામ ના હોય...” પણ હું તો કાયમથી એ કહેવત આમ કહેતો આવ્યો છું કે “સજ્જનોનાં કાંઇ શહેર ના હોય એ તો આપણી વચ્ચે જ હોય!" કેમ કે દીકરીને સંમત કર્યાના સમાચાર ચિત્રાએ આપ્યા ત્યારે જગજીત સિંગે ધડાકો કર્યો, “મારે મિસ્ટર દત્તાને પૂછવું પડશે!" (વધુ આવતા અંકે)

Top of Form
Bottom of Form
**************************************************************************


બાબુલ મોરા નૈહર છુટો હી જાય....!

લગ્ન માટે સંમત થયેલાં ચિત્રાને જ્યારે જગજીતે એમ કહ્યું કે દેબુબાબુને પૂછવું પડશે, ત્યારે ચિત્રાજી સહેજ નારાજ થયાં. “ લગ્ન તો આપણે કરવાનાં છે. હવે એમને શું પૂછવાનું?” જેવી તેમની દલીલ છતાં જગજીત ગયા મિસ્ટર દત્તાની ઓફીસે. જ્યારે તેમને સંભવિત લગ્નના સમાચાર આપ્યા, ત્યારે જાણે કે તેમના પ્લાન મુજબ જ ઘટના આકાર લઇ રહી હોય એમ કહ્યું, “આટલી બધી વાર કેમ લાગી? મને તો એમ હતું કે બહુ પહેલાં આ થઇ જવું જોઇતું હતું.” આમાં પેલી કડવાશ નહીં કે મારી અગાઉની પત્ની સાથેના તમારા સંબંધો મને ખબર હતા. બલ્કે પોતાની ભૂતપૂર્વ પત્ની સુખેથી પોતાના મનગમતા વ્યવસાયના ગાઇડ સાથે થાળે પડી જાય એ લાગણી. તે વખતે જગજીતસિંગની આર્થિક સ્થિતિ કેવી હશે તેનો અંદાજ એક જ વાતથી આવી શકશે કે ચિત્રાજી સાથે તેમણે ૧૯૬૯માં લગ્ન કર્યાં,ત્યારે લગ્ન ‘સમારંભ’નો કુલ ખર્ચો હતો... ત્રીસ રૂપિયા! (એ જ કપલે જ્યારે ૧૯૮૨માં ‘સાથ સાથ’ ફિલ્મ માટે જાવેદ અખ્તરે લખેલા આ શબ્દો ગાયા હશે... “યે તેરા ઘર યે મેરા ઘર, કિસી કો દેખના હો ગર, તો પહલે આકે માંગ લે, મેરી નજર તેરી નજર...” ત્યારે પહેલા રિહર્સલ વખતે તેમની આંખ ભરાઇ નહીં આવી હોય?)

એ લગ્નવિધિ જ્યારે કોલાબાના ગુરૂદ્વારામાં સંપન્ન થયો; ત્યારે તેના સાક્ષી હતા, ગિટારિસ્ટ અને ગાયક ભુપિન્દરસિંગ. ચિત્રાજીએ પેલા ઇન્ટર્વ્યુમાં કહ્યું છે કે જગજીત સાથે લગ્ન થયા પછી પણ મિસ્ટર દત્તાએ લાંબો સમય સુધી અમને આર્થિક રીતે ટેકો કરે રાખ્યો હતો; એમ કહીને કે હજી જગજીતની કરિયર એવી ખીલી નથી અને તમને લોકોને (મોનિકા અને ચિત્રાને) એક ખાસ લાઇફ સ્ટાઇલની આદત છે, તે બદલવાની જરૂર નથી.એ જ મુલાકાતમાં ચિત્રાસિંગે એમ પણ કહેલું છે કે “જગજીત અને મિસ્ટર દત્તા આજે પણ ક્લોઝ ફ્રેન્ડ છે અને મારા સુખી લગ્નજીવનનો યશ હું એ બન્નેને આપું છું...”

ઇન્ટર્વ્યુ કરનાર પત્રકાર ઇન્ગ્રીડ અલબકર્કે ચિત્રાજીના સૌંદર્યની પ્રશંસા કરતાં લખ્યું હતું કે  મેં જિંદગીમાં જોયેલી સૌથી ખુબસુરત સ્ત્રી મારી સામે બેઠી હતી. પોતાની કોમેન્ટમાં તેમણે લખ્યું કે “તેમના સફળ લગ્નજીવનની ક્રેડીટ હું ચિત્રાને આપું છું..” જોયું? જ્યાં બધાં પાત્રો શાલિન અને પોઝીટીવ હોય ત્યાં કોને વધારે જશ આપવો તેની મીઠી મુંઝવણ થાય! અમારા જેવા સિનેમામાં ઋષિકેશ મુકરજીના અને લેખનમાં ર.વ. દેસાઇના ઘેલા ચાહક તથા પત્રકારત્વના ઓલ્ડ સ્કૂલના વિદ્યાર્થીને એવી સ્ટોરીમાં પણ સ્કૂપ લાગે છે અને તેથી ૨૫ વરસ જૂનો એ ઇન્ટર્વ્યુ અહીં વિગતે ટાંક્યો છે. એ જગજીત સિંગ અને તેમના જીવનને તથા તેમાં આવેલાં પાત્રોને સમજવામાં કદાચ ઉપયોગી થશે એ લાગણી પણ ખરી. 

જગજીતસિંગની જીવન કથા આમ તો જાણીતી જ છે. એ ૧૯૬૫માં રૂ.૪૦૦ લઇ મુંબઇ આવ્યા. અહીં મહિને ૪૦ રૂપિયામાં રહેવા - ખાવા પીવાની  સગવડ થતી હોઇ ૧૦ દસ મહિનાનો જોગ કરીને આવ્યા હતા. પણ આવતાંમાં જ ગાવાના નાનાં મોટાં કામ તો મળવા લાગતાં કદી સ્ટ્રગલ કરવાનો વારો નહતો આવ્યો. એ કહેતા કે ભૂખ્યા પેટે પબ્લીક પાર્કમાં પડી રહેવું પડ્યું હતું એવી કાલ્પનિક સંઘર્ષ કથા મારે ઘડવાની જરૂર નથી. સંગીતે મને કદી ભૂખ્યો રાખ્યો નથી!

’૬૭માં ચિત્રાજી સાથે પ્રથમ વાર મળ્યા અને ૧૯૬૯માં લગ્ન કર્યાં. તે જ વર્ષે ’૬૯માં જગજીતની ચાર ગઝલની પહેલી ઇપી રેકોર્ડ બહાર પડી. ’૭૧માં ચિત્રાસિંગની ઇપી માટે સંગીતકાર ખય્યામને પસંદ કર્યા હતા. પણ કોઇ કારણસર વાત જામી નહીં. છેવટે જગજીતે પોતે જ એ ચાર ગઝલો કમ્પોઝ કરી અને પતિ -પત્ની બન્નેને વિશ્વાસ આવ્યો કે તેઓ સ્વતંત્ર કામ કરી શકે એમ છે. એવા દિવસોમાં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની અદભૂત ફિલ્મ ‘આવિષ્કાર’માં “બાબુલ મોરા નૈહર છુટો હી જાય...” ઉપર રિયાઝ કરતા પાડોશી કપલ તરીકે પડદા ઉપર એક પણ વાર દેખાયા વગર માત્ર તેમના અવાજથી તેમને માટેની ઉત્સુક્તા ઉભી કરી શક્યાં. છેવટે લગ્નના ૭ વરસ પછી ૧૯૭૬માં ‘અનફર્ગેટેબલ’ એલ.પી. આવી અને પછી જે ઇતિહાસ રચાયો તેના આપણે માત્ર સાક્ષી જ નહીં હિસ્સેદાર પણ છીએ જ.

પણ જગજીત - ચિત્રાનાં લગ્ન અને મિસ્ટર દત્તાના તેમની સાથેના સંબંધો જે રીતે વિકસ્યા તે જોતાં ગુલઝારની પેલી પંક્તિઓ સાકાર થતી નથી લાગતી?... “હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છોડા કરતે...” (હું શરૂઆતમાં એ પંક્તિ આમ ગાતો,  “હાથ છૂટે ભી તો રિશ્તે નહીં તોડા કરતે...” અને હવે તેનું રિવર્સ આમ પણ કહું છું, ‘હાથ છૂટે ભી તો હાથ નહીં તોડા કરતે!’) ગુલઝાર અને જગજીતસિંગમાં કવિતા પ્રેમ ઉપરાંતનું એક કોમન પાસું શું? એ બન્ને સરદારજી અને બેઉએ શીખ ધર્મની જરૂરિયાત મુજબ રાખવાના કેશ (કે કિરપાણ પણ!) રાખ્યા નહીં.... પાઘડી બાંધી નહીં. એવી એ જોડીએ કરેલાં કામો યાદ કરો તો? ‘મિર્ઝા ગાલિબ’ કે ‘મરાસિમ’ જેવાં આલ્બમ્સ તો જાણીતાં છે. પણ ‘ગઝલ કા સફર’ કેટલાને ખ્યાલમાં હશે?

‘ગઝલ કા સફર’ જગજીત અને ગુલઝારે એચ.એમ.વી. સાથે મળીને કરેલું ગઝલના પ્રત્યેક દૌરનું અદભૂત ઓડીયો ડોક્યુમેન્ટેશન છે. જે સમયે યુ ટ્યુબ જેવી સગવડ કદાચ ઉપલ્બ્ધ નહતી, ત્યારે એ બેઉ અ‘સરદાર’ સરદારોએ દસ કેસેટના સંપુટમાં ૧૧૦ ગઝલોનો સંગ્રહ જાતે પસંદ કરીને આપ્યો હતો. તેમાં ૧૯૪૦થી ૧૯૯૦ સુધીના ૫૦ વર્ષના દૌરને કવર કર્યો હતો. ‘ગાલિબ’, ‘દાગ’, ‘મીર’ અને બહાદુરશાહ ઝફરથી માંડીને હસરત મોહાની તથા કતિલ શિફાઇ જેવા શાયરોના કલામ હતા. જો યાદશક્તિ બરાબર સાથ આપતી હોય તો, તેના શબ્દોની બુકલેટ પણ સાથે આપી હતી.

શ્રોતાઓને દરેક સમયની ગાયકીનો ખ્યાલ આપવા આલ્બમમાં લીધેલા ગઝલ ગાયકો કેવા કેવા? તેમાં બેકગ્રાઉન્ડમાં “ફિર મુઝે દીદા- એ - તર યાદ આયા...” ગાતા કે.એલ. સાયગલથી પ્રારંભ થાય અને રસ્તામાં મળે  બેગમ અખ્તર (મૂળ તો નામ અખ્તરીબાઇ ફૈઝાબાદી) જેમના કંઠે “અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા...” (શકીલ બદાયૂનિ) અને સુદર્શન ફાકિરની “કુછ તો દુનિયા કી ઇનાયત ને દિલ તોડ દિયા....” જેવી ઓલ ટાઇમ ગ્રેટ ગઝલો ગવાતી હોય.

 એવા એ  એક જ  ગઝલ સંગ્રહમાં તમને રફી, મુકેશ, તલત મેહમૂદ અને લતા- આશા તથા સુધા મલ્હોત્રા જેવા પ્લેબેક સિંગર્સના અવાજમાં ગવાયેલી લોકપ્રિય ગઝલો તો મળે. સાથે સાથે મેહંદી હસન, ગુલામ અલી કે હબીબ વલી મહંમદ જેવા પાકિસ્તાની ગાયકોની ગાયકી પણ માણવા મળે. તે સંપુટમાં ૧૪ વરસની કિશોર વયે ગુજરી ગયેલા માસ્ટર મદનનો પણ સમાવેશ હોય અને સી.એચ. આત્માનો પણ અવાજ હોય. એ મહેફિલમાં મલ્લિકા પુખરાજ, ફરિદા ખાનમ (“આજ જાને કી ઝિદ ના કરો...”), આબિદા પરવીન, ઇકબાલ બાનો, છાયા ગાંગૂલી જેવી ક્લાસિકલ ગાયકીથી દિલ દિમાગ ઉપર છવાઇ જનારી  મહિલાઓ પણ તેમના ઇલાયદા અવાજથી માહૌલ જમાવતી હતી.

 એ કામ નાનું નહતું. દિવસો નહીં મહિનાઓની મહેનત હતી.તેમાં ગઝલ ગાયિકીમાં પોતાના હાથે તૈયાર થયેલા હરિહરન, વિનોદ સેહગલ ( ‘મિર્ઝા ગાલિબ’ આલ્બમમાં જેમનો અવાજ સૌથી પહેલો સંભળાય છે, “હૈ ઔર ભી દુનિયામેં સુખનવર બહોત અચ્છે...” એ ગાનાર વિનોદ સેહગલ જગજીતના શાગીર્દ), ઘનશ્યામ વાસવાણી તથા તેમની અસરથી તદ્દન મુક્ત અને અલગ એવા પંકજ ઉધાસ સહિતના ગાયકોનો સમાવેશ કર્યો હતો. (કોઇ અમને રોકો... નહીં તો આ બધાં નામો લખતી વખતે જે હલચલ મનોજગતમાં થઇ રહી છે, તેને લીધે આજે જગજીત બાજુ ઉપર રહી જશે અને ‘ગઝલ કા સફર’ ચાલ્યા કરશે!)

કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યાવસાયિક સફળતા જે કક્ષાની જગજીતસિંગે જોઇ હતી એવી અન્ય કોઇ ગઝલ ગાયકે જોઇ નહતી. એ સંપુટ કર્યો, ત્યારે ૧૯૯૩માં લતા મંગેશકર સાથેનું તેમનું આલ્બમ ‘સઝદા’ રેકોર્ડ કંપનીઓના ઇતિહાસમાં સૌથી વધુ વેચાણ ધરાવતા ગઝલ આલ્બમનો વિક્રમ સર્જી ચૂકી હતી. એમણે બીજા ગાયકોને યાદ ના કર્યા હોત તો લગભગ મોનોપોલીને કારણે કદાચ શ્રોતાઓના મનમાં જગજીત પોતે વધારે પ્રસ્થાપિત થયા હોત.

 પરંતુ, જે માર્ગે ચાલીને પોતાને સફળતા, ઐશ્વર્ય અને પ્રસિધ્ધી  પ્રાપ્ત થયાં હતાં એ રસ્તાને વધાવવાનો એ ઉપક્રમ હતો. આજે પોતે રાજમાર્ગ પર ચાલતા હોવા છતાં જ્યારે એ નાનકડી કેડી હતી; ત્યારે જે પ્રારંભિક પથિકોએ તેમાં આવતા કાંટા અને અણીદાર પથ્થરોની પીડા વેઠી હતી તેમની હિંમતને બિરદાવવાનું એ પાવન કાર્ય હતું. એ સૌએ ગઝલને જીવાડી હતી અને વર્તમાન સમયના ગઝલ ગાયકો એ શમ્માને આગળ ધપાવવાના હતા.  એ તમામને પોરસીને ગઝલને એક ફોર્મ તરીકે વધુ માન્યતા અપાવવાનો એ જબરજસ્ત પ્રયાસ હતો. જગજીતસિંગને અપાયેલી અનેક શ્રધ્ધાંજલિઓ પૈકીની એક આ પણ હોવી જ જોઇએ.

 એ જ દિશાના અન્ય એક મહાકાર્યનો ઉલ્લેખ અગાઉ કરેલો છે. ઉર્દૂ શબ્દોના હિન્દી, અંગ્રેજી અને મરાઠી અર્થોવાળી ડીક્ષનેરી “આઇના એ ગઝલ”ને જગજીતે આપેલો ટેકો યાદ કરો અને સમજાય કે એ માણસ ગઝલને કેટલો બધો પ્રેમ કરતા હતા. તેમની ગઝલની ધૂન કદાચ સાંભળેલી લાગે. પણ કવિતાની પસંદગીમાં  પોતે ઉભું કરેલું એક ખાસ ધોરણ જોઇ જ શકાતું.  તેમણે ‘ક્લોઝ ટુ માય હાર્ટ’ એ આલ્બમમાં પોતાની પસંદગીનાં ફિલ્મી ગીતો ગાયાં હતાં. એમ કરીને પાર્શ્વ ગાયકોને પણ પોતાની રીતે શ્રધ્ધાંજલિ આપી હતી.
તે આલ્બમને લગતી એક અંગત વાત કરીને આજે આ લેખમાળા પૂરી કરવી છે. સુરતની જે મુલાકાતનો ફોટો મારા પ્રોફાઇલમાં અહીં ફેસબુક ઉપર મૂક્યો છે, તે દરમિયાન થયેલી વાતચીતમાં ક્યા ફિલ્મી શાયરનું કયું ગીત ગમે? એવો સવાલ પૂછ્યો હતો. ત્યારે ગણત્રી એવી પણ ખરી કે તે વખતે ‘આરપાર’માં ચાલતી ગીતકારો વિશેની લેખમાળામાં (અને સરવાળે તો તેના પ્રસિધ્ધ થનારા પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’ના) કોઇ વિભાગમાં એ મૂકી શકાય.તે વખતે ઉતાવળ હોઇ એટલું જ કહીને વાત પૂરી કરી હતી કે “ઐસે હી એક પ્રોજેક્ટ પે હમ લોગ કામ કર રહે હૈં. જલ્દ હી આપ કો પતા લગ જાયેગા...”

તેથી જ્યારે ‘ક્લોઝ ટુ માય હાર્ટ’ આલ્બમ આવ્યું, ત્યારે લતા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોર કુમાર, તલત મેહમૂદ, હેમંત કુમાર વગેરે પાર્શ્વ ગાયકોનાં ગીતો તેમણે ગાયાં હતાં. જે ક્ષેત્રમાં પોતે મર્યાદિત કામ કરી શક્યા હતા એ પ્લેબેક સિંગીંગના સિનીયર્સને પણ તેમણે પોતાની રીતે સલામ કરીને ઋણ મુક્ત થયા હતા. તેમણે ગાયેલી ગઝલોએ અમારા જેવા અગણિત શ્રોતાઓને પોતપોતાની લાગણીઓને અભિવ્યક્ત કરવામાં જે સરળતા કરી આપી હશે તેનું ઋણ કેવી રીતે ઉતરશે?

કેમ કે તેમના એક એક આલ્બમની પ્રત્યેક ગઝલ અને તેના એક એક શેર પર કેટ કેટલું ભાષ્ય થઇ શકે એવું છે અને તેમના ઘેલા ચાહકોએ પોતપોતાની રીતે કર્યું જ હશે્ને? કોઇએ ગાંડી ઘેલી ભાષામાં, તો કોઇએ વિદ્વતાપૂર્વક, કોઇએ સ્મિત કરીને અને કેટલાયે અગાશીમાં ઠંડી પથારીમાં સૂતે સૂતે ભીંજાતી આંખે કરેલાં એ બધાં ભાષ્યની કલ્પના કરીએ તો એ કેવડો મહાસાગર થાય! વિશ્વભરના ચાહકોની એવી ભીડમાં આ છ લેખ પણ એ સૌ સંવેદનશીલ ભાવક જેવા જ એક દ્વારા અપાયેલી એક નાનકડી અંજલિ જ છે. એવા અસંખ્ય ચાહકોને એમ પણ લાગ્યું હશે કે જગજીતસિંગના મૃત્યુમાં તેમના કમ્પોઝીશન કરતાં ઉલ્ટું થયું હતું.
જગજીતસિંગની બંદીશની એક ખાસિયત રહેતી કે એ શરૂ થાય તો તેનો સમા (મુડ) બાંધતી ધૂન તો હોય જ. પણ એ પૂર્ણ થાય ત્યારે, ગાયકી પત્યા પછી, પણ મ્યુઝિકના પીસ વાગતા રહે અને ધીમે ધીમે એ તર્જ ઓસરતી જાય... ફેડ આઉટ થાય. ગમે એટલી લાંબી રચના હોય તો પણ એમની ગાયકી એવી હોય કે ક્યારેય કંટાળો ના આવે.  એટલી મુલાયમતાથી એ તે કૃતિમાંથી તમને પાર ઉતારે કે સમય ક્યાં જતો રહે તે ખબર ના પડે. કોઇ ગઝલ કે નઝમ કદી ઉતાવળે પૂરી ના કરે. છેલ્લે ફેડ આઉટ થતું  સંગીત એવું વહેતું રહે કે કવિતાનો કેફ ક્યાંય સુધી ચઢેલો રહે. એક માત્ર જીવનનું કાવ્ય પૂર્ણ કરતી વખતે એમ લાગે કે ધીમે ધીમે ફેડ આઉટ થવાને બદલે અચાનક જ (એબ્રપ્ટલી) પતાવી દીધું. પણ પછી થાય છે કે એ તો કમ્પોઝીશન જ ક્યાં એમનું હતું? અને જેનું હોય છે એને ક્યાં કશી પરવા હોય છે મારા કે તમારા આંસુઓની?!

 

4 comments:

  1. Wah!

    You wrote after a good break but worth coming to this page "everyday" just waiting for something.

    Thanks you Sir!


    ReplyDelete
  2. Nice compilation... ek j bethake badhu j vanchi gayo...Thanks..

    ReplyDelete
  3. suprabhat sari thai Bahut khoob.Read it
    drpatel

    ReplyDelete
  4. wonderful writing! keep it up!

    ReplyDelete