Saturday, August 10, 2013

ફિલમની ચિલમ..... ૧૪ ઓગસ્ટ, ૨૦૧૩









અમિતાભ બચ્ચન ૭૦ વર્ષના ‘સિનીયર’ કે...? 

અમિતાભ બચ્ચનને યુ.કે.ના એક મૅગેઝીનના સર્વેમાં ૧૦૦ વરસની ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતા જાહેર કર્યા તેમાં વાચકોએ તો માત્ર અભિનયને આધારે મતદાન કર્યું હશે. પરંતુ, નવા નવા માધ્યમોનો છોછ નહીં રાખવાની હિંમત અને તેમાં નિષ્ઠાપૂર્વક લાગવાની લગન માટે પણ બચ્ચનને કોઇએ પુરસ્કૃત કરવા જોઇએ! યાદ તો કરો ‘કૌન બનેગા કરોડપતિ’ની પ્રથમ સિઝન ૨૦૦૦ની સાલમાં તેમણે હોસ્ટ કરી ત્યારે ટીવી પ્રત્યેની ફિલ્મ ઉદ્યોગની સુગ કેવી હતી? એવા સમયે તમામ સલાહકારોની ચેતવણીઓને અવગણીને એ માધ્યમને અપનાવ્યું અને આજે? ઘણાની દલીલ થશે કે એ તો તેમની આર્થિક મજબુરી હતી અને તે ઘટનાને ‘પડ્યા એટલે નમસ્કાર કરતા હતા’ એવું ગણાવવાની જરૂર નથી!

પરંતુ, મુદ્દો એ નથી કે એ ટીવીમાં લાચારીથી પહોંચ્યા કે મરજીથી ગયા. સવાલ એ માધ્યમને તે કેવી નિષ્ઠા, લગન અને નમ્રતાથી ઍડજ્સ્ટ થયા તેનો છે. શુટીંગના પ્રારંભિક દિવસોના અહેવાલો યાદ કરીએ તો જાણવા મળે કે એક નવા નિશાળિયાની માફક ક્વિઝ માસ્ટર સિધ્ધાર્થ બાસુના હાથમાં સંપૂર્ણ રીતે પોતાની જાતને તેમણે સોંપી દીધી હતી! વળી, જો ‘કેબીસી’ માટે ટીવીના પડદે આવવું એમાં મજબુરી હતી, તો બ્લૉગ શરૂ કરવામાં કઈ લાચારી હતી? સંપર્ક અને અભિવ્યક્તિના એ નવા માધ્યમને અપનાવનારા એ પ્રથમ સુપરસ્ટાર હતા. તે મિડીયમમાં પણ બ્લૉગ શરૂ કરીને અઠવાડિયે એકાદ-બે વાર બે-પાંચ લીટી લખીને છુટી ના પડ્યા. બચ્ચન સાહેબના બ્લૉગને નિયમિત ફૉલો કરનારા સૌને ખબર છે કે તેમનો બ્લૉગ મોટેભાગે મધરાતના દોઢ-બે વાગ્યાની વચ્ચે અપલોડ થાય છે, જ્યારે ‘જલસા’ કે ‘પ્રતિક્ષા’ જેવા તેમના બંગલામાં તેમને મદદ કરનાર કોઇ સહાયક હોવાની શક્યતા ઝીરો હોય. અમિતાભ બચ્ચનની અત્યાર સુધીમાં લગભગ ૨૦૦૦ બ્લૉગ પોસ્ટ થવા આવી છે. (૭મી ઓગસ્ટની વહેલી સવારે બે વાગીને આડત્રીસ મિનિટે તેમણે ૧૯૩૭મા દિવસની પોસ્ટ અપલોડ કરી છે!)

એ પછી તે ટ્વીટર અને હવે  ફેસબુક પર પણ છે. ત્યાં પણ રોજે રોજ નિયમિત તેમનાં સ્ટેટસ પોસ્ટ થાય જ છે. આ બધું નવાં નવાં માધ્યમો સાથે પૂરી લગનથી લાગી જવાનો તેમનો સ્વભાવ બતાવે છે અને તે પણ ૭૦ વરસની ઉંમરે! ‘યુવાની’ને ઉંમર સાથે નહીં પણ દિમાગ સાથે લેવા-દેવા હોય છે, એમ અમસ્તું કહ્યું હશે? તેમના કરતાં કંઇ કેટલાય વધારે કરોડ રૂપિયા કમાતા આજના ઘણાય ‘યુવા સ્ટાર્સ’ પોતપોતાના બ્લોગ અને ટ્વીટર-ફેસબુકનાં એકાઉન્ટ ખોલાવ્યા પછી જાતજાતની પાર્ટીઓની દોડાદોડીમાં નિયમિત ખાસ કશું કર્યા વગર હવાઇ ગયા છે.



જાતજાતની પાર્ટીઓમાં હવે ‘ઇફતાર’નો પણ સમાવેશ કરવો પડશે. કેમ કે ગયા મંગળવારની રાત્રે ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ માટે “મૈં ઇધર જાઉં યા ઉધર...” જેવો ઘાટ થયો હતો. એક બાજુ રિતિક રોશનની સાસરીમાં યોજાયેલી ઇફતાર દાવત તો બીજી બાજુ એકતા કપૂરે રાખેલો ઇફતાર મેળાવડો અને ત્રીજી તરફ શાહરૂખખાનના ‘મન્નત’ બંગલે યોજાયેલી ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના શો પછીની પાર્ટી! ‘ઇફતાર’ એ પવિત્ર રમઝાન મહિનાના અત્યંત કઠિન એવા ઉપવાસ છોડવાની મજહબી પ્રક્રિયા છે. પરંતુ, ફિલ્મ ઉદ્યોગના કેટલાકને માટે તો એ પણ એવોર્ડ ફંકશન કે પ્રિમીયર જેવો પ્રસંગ બનીને રહી ગયો હોય એમ લાગે છે. એટલે જ  ‘ઇફતાર’ પાછળ ‘પાર્ટી’ શબ્દ હોય, ત્યારે તેમાં પાર્ટીની આદત મુજબ શરાબ શોધનારા લોકો પણ કદાચ આવી જતા હોય છે!


આ સાલ એકતા કપુરની ઇફતાર પાર્ટીમાં સૌથી વધુ સેલીબ્રીટી આવ્યા, તેનું એક કારણ એ પણ હતું કે ‘બાલાજી’ની ફિલ્મ ‘વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ દોબારા’ની રજૂઆત આવતા સપ્તાહે થતી હોઇ એક રીતે એ તેની પ્રિ-રિલીઝ પાર્ટી હતી. અક્ષય અને સોનાક્ષીથી માંડીને અડધો અડધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ત્યાં ઠલવાઇ હતી. જ્યારે રિતિકના સફળ બ્રેઇન ઓપરેશન પછી તેનાં સાસરિયાં એટલે કે સંજયખાન પરિવારને અલ્લાહનો અને સૌ મિત્રો તથા શુભેચ્છકોનો આભાર માનવાનો એક મિલન સમારંભ હતી ઇફતાર દાવત. એ જ રીતે શાહરૂખને પોતાના પ્રોડક્શન ‘ચેન્નઈ એક્સપ્રેસ’ને વહેલી તકે ૧૦૦ કરોડની ક્લબમાં મૂકવા મિત્રો, યુનિટ તથા ખાસ તો મિડીયાની શુભેચ્છાઓ લેવાની હતી. હવે ૧૦૦ કરોડ કેટલા સમયમાં ક્રોસ થાય છે એ સ્પર્ધા થવાની. એટલે ટિકિટના ભાવ ૪૦ ટકા વધારવાની દરખાસ્ત પણ છે.

પરંતુ, ‘ભાગ મિલ્ખા ભાગ’ના દાખલા પરથી એ પાઠ ફરીથી પાકો કરવાનો છે કે તમારી વાર્તામાં દમ હોવો જોઇએ અને તે કહેવાની -સ્ટોરી ટેલીંગ-ની કળામાં નિપુણતા હોવી જોઇએ. જેમ કે ‘ભાગ મિલ્ખા..’ની સ્ક્રીપ્ટની કાગળ પર જ મજબુતી કેવી હશે કે સાઉથના એક્ટર પ્રકાશ રાજે તેમાં કામ કરવાનો રૂપિયો પણ ના લીધો! ફિલ્મના દિગ્દર્શક રાકેશ મેહરાએ એક ઇન્ટર્વ્યુમાં કહ્યું કે “પ્રકાશજીને સ્ક્રીપ્ટ મોકલી અને તે વાંચીને તે મારી ઓફિસમાં આવ્યા. કહે કે આ પિક્ચરમાં કામ કરવાના મારે તમને કેટલા રૂપિયા આપવાના છે? હું એ રકમ આપીશ.” એ મજાક નહતી. પ્રકાશ રાજે નિર્માણ દરમિયાન તો નહીં જ, ફિલ્મ પૂરી થઇ અને રિલીઝ થઇ ત્યારે પણ પૈસા ના લીધા તે ના જ લીધા. સોચો ઠાકુર!


તિખારો!

અત્યારે
સિક્વેલનો જમાનો ચાલે છે. બોક્સઓફિસ પરનો વકરો વૅલ હોય તો વૅલ નહીં તો?.... સિક!!



No comments:

Post a Comment