Saturday, August 31, 2013

ફિલમની ચિલમ..... સપ્ટેમ્બર ૦૧, ૨૦૧૩



સત્યાગ્રહમાટે અત્યારે શ્રેષ્ઠ સમય?



‘કૌન બનેગા કરોડપતિ’ના પડદા પાછળના સંચાલક અને ભારતીય ટેલીવિઝનના ઓરિજિનલ પ્રથમ ક્વીઝ માસ્ટર સિદ્ધાર્થ બાસુ, હિન્દી ન્યુઝ એન્કર દિબાંગ તથા એડવર્ટાઇઝીંગ ગુરૂ પિયુષ પાન્ડે જેવા જાણીતા સેલીબ્રીટીઝને જોવા હોય તો ૨૩મી ઓગસ્ટે રજૂ થયેલી ‘મદ્રાસ કાફે’માં જોઇ શકાય છે. એ સૌ સિનેમાના મોટા પડદે, પોતપોતાના ક્ષેત્રના ‘વીઆઇપી’ તરીકે, અલપ ઝલપ નથી દેખાતા. પણ ‘મદ્રાસ કાફે’ની વાર્તાનાં પાત્રો તરીકેનો ગંભીર અભિનય કરે છે અને સિદ્ધાર્થ બાસુનો તો જાસુસી સંસ્થા ‘રૉ’ માં જહોન અબ્રાહમના સિનીયર અધિકારીનો મહત્વનો રોલ છે. 


ફિલ્મ આખી જો કે નિર્માતા જહોનને ખેંચવાની છે. કેમ કે શ્રીલંકામાં ત્રાસવાદ અને રાજીવ ગાંધીની હત્યાના મુદ્દાને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી આ ફિલ્મમાં જહોન સિવાય અન્ય કોઇ જાણીતા ‘સ્ટાર’ નથી. વળી, એક હિન્દી ફિલ્મમાં અપેક્ષિત હોય એવી સૉંગ ઍન્ડ ડાન્સની કોઇ ધમાલ પણ નથી. તેથી સારા રિવ્યુને પગલે મલ્ટિપ્લેક્સની ઘરાકી મળી શકે. પરંતુ, સિંગલ સ્ક્રીન અને નાનાં સૅન્ટર્સમાં એવાં કલેક્શન મળવાની શક્યતા ઓછી છે. (તેને તમિલ સંગઠનોના વિવાદોનો જે સામનો કરવો પડ્યો અને કેટલાક વિસ્તારોમાં તે રજુ ના થઇ શકી, એ જોતાં ‘મદ્રાસ કાફે’ને બદલે ‘ચેન્નાઇ કાફે’ નામ હોત તો ફરક પડત કે?!)

તમિલ લોકોને કૉમેડીના નામે એક ચોક્કસ છબીમાં ટાઇપ કાસ્ટ કરતી ફિલ્મ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ નામ સાથે દેશ અને વિદેશોમાં મળીને ત્રણસો કરોડ મેળવી શકી અને આ ‘મદ્રાસ કાફે’ને તેના નિર્માણમાં લાગેલા ૩૫ કરોડ સુધી પહોંચતાં સુધીમાં તમિલ જુથોના જ નહીં, પ્રકાશ ઝાના પણ ‘સત્યાગ્રહ’નો સામનો કરવાનો છે.


‘સત્યાગ્રહ’ શુક્રવારે ૩૦મી ઓગસ્ટે રિલીઝ થશે, ત્યારે તે ‘રાજનીતિ’ પછીની એક ઑર પોલીટીકલ ફિલ્મ હશે અને તેથી તેના દિગ્દર્શક પ્રકાશ ઝા કહે છે એમ, તે ‘રાજનીતિ-ટુ’ હશે. આમ કહેવાથી અત્યારની હિટ ફોર્મ્યુલા પ્રમાણે તે સિક્વલ ગણાશે. સાથે સાથે કલાકારોમાં ‘રાજનીતિ’ના અજય દેવગન, મનોજ બાજપાઇ અને અર્જુન રામપાલ રિપીટ થવા ઉપરાંત જે કાસ્ટ ઉમેરાઇ છે, એ ફિલ્મની ટિકિટબારી પરની શક્યતાઓને વધારે ઉજળી બનાવે છે. કેમ કે ‘રાજનીતિ’ના નાના પાટેકર, નસીરુદીન શાહ, રણબીર કપૂરની ત્રિમૂર્તિની વિદાય સામે હવે ‘સત્યાગ્રહ’માં ‘... એક એકે હજારાં’ જેવા અમિતાભ બચ્ચન હશે! 

તેમના ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની આ જ દિવસોમાં, એટલે કે ૬ સપ્ટેમ્બરથી, નવી સિઝન ચાલુ થઇ હશે. એટલે ફિલ્મના મુખ્ય કલાકાર એવા બચ્ચન સાહેબ નિયમિત ટીવી પર દેખાશે એ લાભ પણ પ્રમોશનની રીતે ખરો. (સિનીયર બચ્ચનની લોકપ્રિયતાનો લાભ રિતિક રોશનની દિવાળીએ આવનારી  ‘ક્રિશ-૩’માં પણ લેવાવાનો છે..... તેમના મજબુત અવાજમાં તે અગાઉની બે ‘ક્રિશ’ ફિલ્મો સાથે ત્રીજા ભાગને જોડી આપશે. એ પોતે દેખાશે નહીં. પણ ગુલઝાર સાહેબે એવા અવાજ માટે જ લખ્યું છે ને?.... ‘મેરી આવાઝ હી પેહચાન હૈ!’
  
‘સત્યાગ્રહ’માં અમિતાભ બચ્ચન ઉપરાંત અજય દેવગન પણ ૧૦૦ કરોડનો હીરો છે જ. તેથી ફિલ્મની સેન્ચ્યુરી સિક્યૉર ગણાય  છે. સવાલ એ થવાનો કે એ કેટલા સમયમાં કરે છે. ‘સત્યાગ્રહ’ની ફેવરમાં જતો એક (કમનસીબ) મુદ્દો છે જીવન જરૂરી ચીજવસ્તુઓના રોજ વધતા ભાવ! તેને લીધે ભ્રષ્ટાચાર જેવા પ્રશ્ન પર કેન્દ્રિત થતી વાર્તા માટે આ સૌથી યોગ્ય સમય છે. (કારગીલ યુદ્ધ પછી આવેલી સની દેઓલની ફિલ્મ ‘ગદર એક પ્રેમકથા’નું ટાઇમીંગ અને રેકોર્ડ કલેક્શન યાદ છે ને?) એવી જ રીતે કટરિનાની જગ્યાએ કરિના છે, જે પણ ૧૦૦ કરોડ કમાનારી એક કરતાં વધુ ફિલ્મોમાં આવી ચૂકેલી છે. જો કે તેને એ સિદ્ધીનો જશ કેટલો મળતો હશે એ સવાલ ખરો. (આજે પણ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ માટે દીપિકાને નક્કી થયા મુજબની ‘કૅશ’ જરૂર મળી ગઇ હશે... પણ ‘ક્રૅડિટ’? એ તો હીરો શાહરૂખના જ ખાતામાં છે ને?)



કરિનાએ ‘થ્રી ઇડીયટ્સ’ અને ‘બૉડીગાર્ડ’ જેવી વિક્રમ સર્જક કમાણીવાળી ફિલ્મોમાં કામ કર્યા છતાં આજે પણ તે આમિરખાન કે સલમાનખાનનાં જ પિક્ચર ગણાય છે. હીરોની સરખામણીએ હિરોઇનની લોકપ્રિયતા ઓછી હોવાનું માનતા લોકોને ચોંકાવે એવું એક પરિણામ હમણાં આવ્યું છે. સ્ટાર્સ અને સેલીબ્રીટીઝ માટે ઑનલાઇન માહિતી મેળવનારા લોકોની સંખ્યામાં પ્રથમ નંબરે સલમાન છે અને બીજા સ્થાને? કટરિના! છતાંય જો કે સલમાન ‘મૅન્ટલ’ ફિલ્મમાં પોતાની હિરોઇન તરીકે ‘બીગ બૉસ’ની સના ખાન જેવી સાવ અજાણી છોકરીને લેવડાવી શકે છે. પરંતુ, કેટલી હીરોઇનો પોતાની મરજીનો હીરો લેવડાવી શકતી હશે? આ પણ ફિલ્મના ધંધાની વાસ્તવિકતા છે.


‘મૅન્ટલ’ એવા નામને કારણે હવે ઘણા અહેવાલોમાં ‘દબંગ સલમાન’ની માફક વિરોધીઓ ‘મૅન્ટલ સલમાન’ લખતા થયા હોઇ એ ફિલ્મનું નામ બદલવાનું તો લગભગ નક્કી છે. નવું નામ અગાઉ ‘જય હો’ ચર્ચાતું હતું અને હવે તે ‘આઝાદ’ રખાય એવી શક્યતાઓ વધી રહી છે. આઝાદ સલમાને પોતાના કોર્ટ કેસને લગતી માહિતી લોકોને આપવા ‘ધી સલમાન ફાઇલ્સ’ નામની વૅબસાઇટ શરૂ કરતાં અદાલતનો તિરસ્કાર કરવાના દાખલ થયેલા એક નવા કેસમાં ખુલાસો કરવાનો થયો છે. તેની સુનાવણી પાંચમી સપ્ટેમ્બરે હોઇ તે પહેલાં સલમાને હાઇકોર્ટમાં ધા નાખવી પડી છે. 

કોર્ટમાં મુંબઈના ગૅંગ રેપના આરોપીઓ સામે કામ શરૂ થાય તે પહેલાં તો એક મૅગેઝીનની એ ફોટોજર્નાલિસ્ટના ટેકામાં જે લોકો રોડ પર ઉતરી આવ્યા હતા, તેમાં સોનમ કપૂર પણ હતી. સામાન્ય રીતે ફૅશન માટે જાણીતી સોનમ એક સીધી સાદી છોકરીની માફક એ રેલીમાં સામેલ થઈ, ત્યારે ફરી એક વાર સાબિત થયું કે આપણા કેટલાક કલાકારો માત્ર કરોડો રૂપિયા માટે જ નહીં, કરોડો લોકો માટે પણ એટલા જ ભાવુક હોય છે!

 

તિખારો!


‘કોમેડી નાઇટ્સ વીથ કપિલ’માં ‘સત્યાગ્રહ’ના પ્રચાર માટે આવેલા અજય દેવગન અને પ્રકાશ ઝાની ફિલ્મનું ઑડિયન્સ વધે એવો પંચ મારતાં હોસ્ટ કપિલે કહ્યું કે  “પહલે સિર્ફ પ્યાઝ કાટને સે આંખોં મેં પાની આતા થા... અબ તો ટમાટર કાટને પર ભી આંસુ નિકલ આતે હૈં!”



  



2 comments:

  1. I watched Satyagraha, first day first show. Very ordinary and disappointing. Terrific cast is just wasted due to loose script and unnecessary long duration. The basic idea and concept are promising but the treatment is simply very ordinary.

    ReplyDelete
  2. which kind of treatment we want in such movie is a big question.is that treatment like "Chennai Express". I haven't seen CE but surely i can tell that CE is a movie with good treatment otherwise how can it beg for such fantastic collection. It is true that the screenplay of PJ's movies are slow and not viewer catching. But "Satyagrah" is a fantastic movie. Music (Background) may play a versatile role in success of a movie, in PJ's movie he want the viewer to listen realistic sounds.

    ReplyDelete