Monday, August 5, 2013

૧૦૧મી પોસ્ટ નિમિત્તે..... માત્ર કેટલીક ‘ઇચ્છાઓ’ જ!




એક સો પોસ્ટ અને જરીક લાઉડ થિંકીંગ....

૧૦૦ કરોડની ફિલ્મોના સમયમાં બ્લૉગ પોસ્ટની સેન્ચ્યુરીનો પણ એક વિશેષ આનંદ હોય છે. આમ તો મારો શરૂઆતનો ઉમંગ જોતાં સો પોસ્ટ સુધી પહોંચવાનું ત્રણ કે વધુમાં વધુ ચાર મહિનામાં પતી જવું જોઇતું હતું. પરંતુ,  ‘આરંભે શુરા..’ એ મ્હેણું આપનાર બાપડા/બાપડી પૂર્વજને, મિત્રોની દેખાદેખી અતિ ઉત્સાહભેર બ્લૉગ શરૂ કરી દેનાર, અમારા જેવાની કલ્પના તો ક્યાંથી હશે? અમારે માટે તો બ્લૉગ શરૂ કરવાની લાલચ ભારતમાં બ્લૉગ-યુગના પ્રારંભે અમિતાભ બચ્ચન પોતાના ‘બીગ અડ્ડા’ પર જે ખેલ કરતા તેને લીધે વિશેષ સળવળતી થયેલી. 





પણ ‘લાંબા સાથે ટૂંકો જાય...’ની ચેતવણી, ખાસ કરીને પરિવારમાંથી, મળી હોવા છતાં ૨૦૧૨ના મે મહિનામાં આ બ્લૉગની વિધિવત શરૂઆત કરી ત્યારે બહુ અરમાન હતાં. તે વખતે ઉર્વીશ કોઠારી, શિશિર રામાવત, હિમાંશુ કીકાણી (સાયબર સફર), જય વસાવડા, કિન્નર આચાર્ય જેવા મિત્રો અને ‘ટહુકો’થી માંડીને ‘લયસ્તરો’ અને ‘રીડ ગુજરાતી’ જેવા બ્લૉગ જે રીતે અભિવ્યક્તિના આ નવા માધ્યમનો લાભ લેતા હતા, તેના વાદે ચડ્યા. ત્યારે એમ હતું કે છાપાની કોલમના લખાણનું દસ્તાવેજીકરણ કરવા ઉપરાંત અખબારમાં ના લખી શકાય એવા વિષયો પર વાતો કરવાના અંગત પ્લૅટફૉર્મ તરીકે પણ આ માધ્યમનો ઉપયોગ કરીશું. 



 એ રીતે આરંભ સરસ થયો. બ્લૉગની મુલાકાત લેતા વાચકોના આંકડા બહુ પ્રોત્સાહક હતા. ખાસ કરીને વિસ્તારની રીતે. આમ જોવા જઈએ તો ભારત, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુ.કે. જેવા દેશોના આંકડા સ્વાભાવિક હતા. પરંતુ, મઝા ત્યારે વધતી ગઈ જ્યારે રશિયા, યુક્રેઇન, જર્મની, નેધરલેન્ડ, ઓમાન, સાઉદી અરબિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી પણ વિઝીટર્સ નિયમિત આવતા દેખાયા. 

એ અદભૂત પ્રતિભાવને કારણે એક વાર તો મુડમાં આવી જઇને એવી પણ જાહેરાત કરી દીધી કે રોજ બ્લૉગ પર કશુંકને કશુંક મૂકવામાં આવશે. તેનું લોજિક પણ કેવું આપ્યું? જો બચ્ચન જેવા અત્યંત વ્યસ્ત સેલીબ્રીટી રોજનીશીની માફક દરરોજ બ્લૉગ લખી શકતા હોય તો આપણે કેમ નહીં? પણ ટેકનીકલી ચેલેન્જ્ડ વ્યક્તિ માટે રોજે રોજ બ્લૉગ સજાવવાનું કેટલું અઘરું સાબિત થનારું હતું એ ક્યાં ખબર હતી? અહીં વિદેશમાં ફ્રી લાન્સ પૅરાલિગલ તરીકે કામ કરવું, કોર્ટોમાં સમયસર  પહોંચવું, ક્લાયન્ટના પેપર્સ દાખલ કરવા, સાથે સાથે ગુજરાતી અને હિન્દી અખબારના સાપ્તાહિક લેખો લખવા, ઇન્ડિયામાં બેઠેલા મિત્રો-સગાઓ સાથે આદત અનુસાર નિયમિત ફોનથી સંપર્ક કરવામાં કોઇ બાંધછોડ ના કરવી અને અહીં ટોરન્ટોમાં વિકસી શકેલા થોડાક સંબંધોને ન્યાય આપવો... આ સઘળું ભેગું થતાં માનસિક અને શારીરિક બન્ને મોરચે તકલીફો શરૂ થઈ.

એ બધું પરિવારજનો માટે તો ‘દેખેલા હૈ’ (Deja Vu) જેવું હતું. કેમ કે ઘરનાં સૌએ અગાઉ ‘નવજીવન એક્સપ્રેસ’ દૈનિક અખબાર ચલાવતી વખતનો સ્ટ્રેસ અને તેને પગલે થયેલી મૅડીકલ ઇમરજન્સી અનુભવેલી. એટલે તાત્કાલિક ધોરણે બ્લૉગ અને ફેસબુકમાંથી ફરજિયાત રજા લેવડાવી દીધી. બ્લૉગ માટે મનમાં ઉગતા ઢગલાબંધ આઇડીયાના અમલ માટે જીવ અધીર હતો. પણ સાહિર સાહેબની ક્ષમાયાચના સાથે ‘કભી કભી’ સ્ટાઇલમાં કહું તો, “મગર યે હો ન સકા...મગર યે હો ન સકા... ઔર તબ યે આલમ થા કિ ન બ્લૉગ ન ફેસબુક...”!

એટલું જ નહીં, કેટલાક દિવસ તો લેપટોપને પણ અસ્પૃશ્ય બનાવી દેવાયું હતું. પછી સિગરેટની જાહેરાતના સ્લોગન ‘ધીમી બળે છે અને વધુ લિજ્જત આપે છે’ના પૂર્વાર્ધને ગાઇડલાઇન બનાવીને ધીરે ધીરે આગળ વધવાનો અમલ શરૂ કર્યો. આહિસ્તા આહિસ્તા હાથ બેસતો ગયો અને દર અઠવાડિયે કોઇની પણ મદદ વગર છાપામાં પ્રસિધ્ધ થયેલા લેખો મૂકતાં ફાવવા માંડ્યું. અત્યારે ગર્વપૂર્વક કહી શકું એમ છું કે એક પણ વાર (મારું પોતાનું કે અન્ય કોઇનું પણ!) માથું દુખાડ્યા વગર દર વીકે બે આર્ટિકલ તેમજ તેને લગતા ફોટા અને વિડીયો અપલોડ કરવાની કુશળતા પ્રાપ્ત કરી લીધી છે. એ સાપ્તાહિક દર વધારવાની આજે માત્ર ‘ઇચ્છા’ જાહેર કરવી છે. 



એવી એક ‘ઇચ્છા’ પુસ્તકો પબ્લીશ કરવાની પણ છે. છેલ્લાં પાંચ વરસમાં પુસ્તકને લાયક લખેલા લેખોને માત્ર ફાઇલોમાં રાખવાને બદલે વાચકો સુધી પહોંચાડવાની પણ ધખના છે. આ સાલ જે રીતે મારા એક માત્ર પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’ની બીજી આવૃત્તિ ‘સાર્થક પ્રકાશન’ના મિત્રો ઉર્વીશ કોઠારી, ધૈવત ત્રિવેદી અને દીપક સોલિયાએ પ્રસિધ્ધ કરી, તેનાથી પાનો ઑર ચઢેલો છે. ‘કુમાર કથાઓ’ અને ૧૯૬૦ થી ૧૯૮૦ના સંગીતની સાલવાર સમીક્ષાની તાજેતરમાં જ પૂર્ણ થયેલી હિન્દી સિરીઝના પુસ્તક મારા તાત્કાલિક પ્લાનમાં છે.

  

બ્લૉગની સજાવટમાં આજથી જે ફેરફાર દેખાય છે, તેમાંની ૪૫થી ૫૦ ટકા કામગીરી આપના આ લેખકે જાતે કરેલી છે. તેની શાબાશી મળે તે માટે કોઇનીય રાહ જોયા વગર ટેકનીકલ એક્સપર્ટ એવા મારા દીકરા સનીને બરડો ધર્યો અને તેણે ખુશ થઇને એક નહીં, બે ત્રણ ધબ્બા મારીને ‘વેલડન અબ્બા’નો ભાવ વ્યક્ત કર્યો. કોમ્પ્યુટરની સ્કીલ્સને સતત શીખતા રહેવાની મઝાને કારણે આજકાલ હું અઢી-ત્રણ કલાકની આખી ફિલ્મમાંથી પસંદગીનો ભાગ કાપીને એટલો વિડીયો ‘યુ ટ્યુબ’ પર મૂકવાનું પણ શીખી રહ્યો છું.

તેને લીધે ટૂંક જ સમયમાં જૂના ચરિત્ર કલાકારોની સિરીઝ ‘યે આજ ભી જિન્દા હૈં!’ ના કલાકારોના અભિનયને હાઇલાઇટ કરતા અને ‘યુ ટ્યુબ’ પર નહીં જોવા મળતા સંવાદોવાળા સીન્સને ‘યુ ટ્યુબ’ પર અપલોડ કરવાની પણ ‘ઇચ્છા’ છે. તે દિશાના પ્રથમ સોપાન તરીકે નાના પલશીકરના ‘કાનૂન’ ફિલ્મના એક સીનને કટ કરીને અપલોડ કર્યો છે. એમ કરતી વખતે દેહને સંજીવનિ છાંટીને પુનઃ જીવંત કરતા ઋષિ મને યાદ આવ્યા હતા. એ ક્લિપ પલશીકર દાદાની એવોર્ડ અપાવનારી ‘કાનૂન’ ફિલ્મની એક્ટીંગનું પ્રતિનિધિત્વ કરાવનારી તો નથી જ. પણ એ મારી જાતે તૈયાર કરેલી પ્રથમ ક્લિપ છે. તે વિડીયોની લિન્ક આ મુજબ છે.



એ ઉપરાંત બ્લૉગ પર મેગેઝીનની માફક વિવિધ વિભાગો કરવાની પણ ‘ઇચ્છા’ છે. એ બધીય ઇચ્છાઓ, કેવી રીતે ક્યારે અને સૌથી મહત્વનું કે તે પૈકીની કેટલી, હકીકતમાં ફળીભુત થાય છે; તે માટે ગુજરાતી ટીવી ચેનલોના એન્કર્સને બહુ ગમતો શબ્દપ્રયોગ કરીને કહું તો “એ જોવાનું રહેશે”!

દરમિયાન બ્લૉગના નવા રંગ-રૂપ અને સજાવટ માટેનો તથા ૧૦૦ પોસ્ટની સફરનો આપ સૌનો પ્રતિભાવ જાણવો પણ ગમશે.

મળતા રહીશું....નિયમિત....લગભગ!!
   

6 comments:

  1. ડાયરેક્ટ દિલ માંથી નીકળેલું અંતર ની અંદર ની ઝાંખી કરાવતું લખાણ..

    ReplyDelete
  2. Wish you all the very best!

    ReplyDelete
  3. સરસ..... મને તો ખબર જ નહોતી કે ૭૦ના દાયકાથી પડેલી ફિલમની ચિલમ વાંચવાની આદત કમનસીબે સંદેશમાંથી દિવ્ય ભાસ્કરમાં તમારી કોલમની ટ્રાન્સફરથી બંધ થઇ હતી તે ફરી ઉભી થાય તેવી તક મળશે.

    ReplyDelete
    Replies
    1. પ્રિય કારીયા સાહેબ,
      આ બ્લૉગ પણ હજી વરસ દહાડાથી જ શરૂ કર્યો છે. ‘ફિલ્મની ચિલમ’ સિન્ડીકેટ કોલમ તરીકે અહીં કેનેડાના એક અખબાર ‘ગુજરાત એબ્રોડ’ અને ભારતમાં ‘મુંબઈ સમાચાર’માં ત્રણેક વરસથી ચાલે છે.
      તમે જાણતા જ હશો કે જુના લેખો જોવા માટે લેખના અંતે આવતી સવલત Older post પર ક્લિક કરવાથી જઈ શકાશે.
      ફરીથી મળતા રહીશું.... હર્ષા યાદ પાઠવે છે.
      -સલિલ

      Delete
  4. Sir, Congratulations on reaching magic 101 figure...I liked the contents and reading them makes me a regular visitor of your blog....Yes, happy and informative compilation and presentation.Well, with utmost humility, I inform about my blog having the same number of articles at blog.desaieyehospital.com.

    ReplyDelete
  5. Many Congratulations sir....!!

    ReplyDelete