Saturday, August 24, 2013

ફિલમની ચિલમ.... ઓગસ્ટ ૨૫, ૨૦૧૩


     
ફિલમનો ધંધો કે બોર્ડની પરીક્ષા?

એકતા કપૂર અને ગુજરાતમાં એસ.એસ.સી. બોર્ડની સાયન્સ સ્ટ્રીમમાં ભણતાં બાળકોનાં માતા-પિતામાં એક વાતે સમાનતા લાગે છે. કેમ કે ગયા શુક્રવારે રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ - દોબારા’એ શરૂઆતના ચાર દિવસમાં લગભગ ૪૦ કરોડનો વકરો કર્યો જે એક જમાનામાં ‘અધધ કલેક્શન’ કહેવાતું. આજે એવા ધરખમ આંકડાની કોઇ ખુશી નથી. બલ્કે ફિલ્મ સાથે જોડાયેલા સૌની હાલત બોર્ડમાં ૯૦ ટકા લાવવા છતાં હતાશા અનુભવતાં મા-બાપ જેવી થઈ ગઈ છે! સ્ટુડન્ટની (અને પૅરૅન્ટ્સની પણ!) તનતોડ મહેનત અને દોડાદોડી છતાં અન્ય વધારે સફળ વિદ્યાર્થીઓએ ૯૪-૯૫ કે ૯૭ ટકા મેળવ્યા હોઇ મૅરિટ લીસ્ટમાં ધાર્યું સ્થાન નહીં મળે એ વાસ્તવિકતાથી નિરાશા આવવી સ્વાભાવિક છે. જ્યારે એક જમાનામાં ‘ફર્સ્ટક્લાસ મૅટ્રિક’ને પ્રથમ પ્રિ.સાયન્સમાં અને આગળ જતાં મૅડિકલમાં જવાના રસ્તા ખુલી જતા; એની સાક્ષી કેટલાય સિનીયર ડૉક્ટર્સ પુરાવશે. 


એ જ રીતે ફિલ્મોમાં એક સમયે (એટલે કે ‘વન્સ અપૉન એ ટાઇમ’!) ‘હમ આપકે હૈં કૌન’ કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નાં કલેક્શનના રેકોર્ડ ક્યારે તૂટશે એમ થતું. હવે છેલ્લાં થોડાં વર્ષોમાં દર સાલ અને હવે તો દર મહિને કે દર મોટા પિક્ચરે નવા નવા વિક્રમો સર્જાતા રહે છે. તેથી ‘એ’ ગ્રેડના સ્ટાર્સ માટે ૧૦૦ કરોડથી ઓછો આંકડો થવાની શક્યતા એ પેલા વિદ્યાર્થીની જેમ લમણે હાથ દેવા જેવી સ્થિતિ થાય. ત્યારે એકતા કપૂર માટે પહેલું નિશાન પ્રથમ સપ્તાહના અંતે ઍટલીસ્ટ પચાસ કરોડ સુધી પહોંચવાનું રહેશે. બીજા સપ્તાહે તો  આ સાલની સૌથી મોટી હિટ કહેવાતી ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ને પણ બે ઉપર એક ટિકિટની રક્ષાબંધન-સ્કીમ મૂકવી પડી હતી!

‘વન્સ અપોન...’ માં સંવાદો સરસ લખાયા છે અને એકતાની સિરીયલની જેમ અમુક ઍપિસોડ પણ સારા થયા છે. પરંતુ, એ બધું એક દોરમાં પરોવાયેલી માળા જેવું નથી થતું. એક ડાયલોગ “હમારે ધંધે કી એક સેઇંગ હૈ કિ....” વારંવાર કહેવાય છે, એ ઉપયોગમાં લઈને કહી શકાય કે “હમારે ધંધે કી એક સેઇંગ હૈ કિ....  અગર પિક્ચર ચલતી હૈ તો હીરો કો ક્રેડિટ મિલેગી ઔર નહીં ચલી તો બાકી સબ લોગોં કી ગલતી હોગી!!”  હવે પ્રેક્ષકો ફિલ્મમાં ઇમરાનખાન સોનાક્ષી સિન્હાને શીખવે છે એમ ‘થેંક લે ઔર વટક લે’ અર્થાત ‘આભાર તમારો... હવે નીકળો અહીંથી’ એમ કહી દેશે, એ શક્યતા ઉભી થતાં જ  દોષારોપણ થશે. ડોન્ટ માઇન્ડ બટ, સોનાલી બેન્દ્રેનો દોઢ સીનનો રોલ હોય કે ‘ટીકુ તલસાણિયા’ એમ બોલી રહો એ પહેલાં તો ગુજરાતી તખ્તાના આ લોકપ્રિય કલાકારનું કામ પૂર્ણ થઇ ચૂક્યું હોય એવી અન્ય કલાકારોની નારાજગી તો જ્યારે બહાર આવશે ત્યારે ખરી; પણ મુખ્ય એક્ટર અક્ષય અને નિર્માતા એકતાના તો દાવ મોટા હતા. તેથી અક્ષયને ‘બાલાજી’ના માર્કેટીંગમાં ખામી દેખાશે, તો એકતાને પ્રમોશનમાં અક્ષયે પૂરતો સાથ ના આપ્યો એમ લાગશે. (ઑલરેડી ફિલ્મ રિલીઝ થયા પછી અક્ષય અન્ય પિક્ચરના શુટીંગ માટે ઉપડી ગયાનો ગણગણાટ તો શરૂ થઈ ચૂક્યો છે.) 


એટલે હવે ઓછા વકરાનું પોસ્ટમોર્ટમ થશે. પ્રારંભમાં ટાઇટલના અંતે ‘અગેઇન’ એમ લખીને શરૂ કરેલા પ્રચાર પછી જ્યોતિષની સલાહ મુજબ હિન્દી ‘દોબારા’ લખાયું અને છતાં પહેલા બે દિવસમાં થયેલું ‘દો - બારા’ એટલે કે ચોવીસ કરોડનું કલેક્શન દોબારા ના મળ્યું! ત્રીજા દિવસથી વકરો ૮-૯ કરોડનો એક આંકડામાં થઇ ગયો.  શું માર્કેટની પેલી ગોસીપ સાચી હશે કે ઇદના દિવસે બે ફિલ્મો ના ટકરાય તે માટે જીતેન્દ્રની મધ્યસ્થી મારફત એકતાએ પોતાની ડેઇટ પાછળ ખસેડવા શાહરૂખ સાથે સમજૂતી કરી હતી. તેની એક શરત મુજબ ચોક્કસ સંખ્યાના સ્ક્રીન પરથી ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ ઉતારી લેવાની હતી. તે નહીં ઉતારવાને લીધે બે હજારને બદલે ૧૬૦૦ જ સ્ક્રીન ઉપલબ્ધ થવાથી, એક અંદાજ અનુસાર, કલેક્શનમાં દસેક કરોડનો ઘાટો રહ્યો. (શાહરૂખ તરફથી ખુલાસો થયો છે કે સમજુતી મુજબનાં થિયેટર્સમાંથી ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ ખસેડી લેવાઇ હતી.)




તેથી હવે એમ લાગે છે કે પહેલાં જે રીતે ૨૫ અઠવાડિયાંની ઉજવણી રજત જયંતિ કહેવાતી હતી, એમ બૉક્સ ઑફિસના કલેક્શનના આંકડાને સૅલીબ્રેટ કરવાની નવી પ્રથા શરૂ કરવી પડશે! એ રીતે જોઇએ તો ‘વન્સ અપૉન.... દોબારા’ વકરાની સુવર્ણ જયંતિ તરફ આગળ વધી રહ્યું છે એમ કહી શકાય. ગોલ્ડન જ્યુબીલીની ઉજવણી ગયા અઠવાડિયે શ્રીદેવીએ પણ કરી.... પોતાની જિંદગીનાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યા બદલ. ‘શ્રી’નો જન્મદિન હોઇ મોટા ભાગની ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાજર હતી. તેમાં ઉપસ્થિત સુસ્મિતાસેનને પોતાની હાજરી કદાચ ફળે. સુસ્મિતાએ શ્રીદેવીને શુભેચ્છાઓ આપવા ઉપરાંત પોતાના પ્રોજેક્ટ ‘ઝાંસી કી રાની’નો પણ મમરો લગે હાથ મૂક્યો છે. 


હવે જો શ્રીદેવી નિર્માતા પતિ બોનીકપૂરને સંમત કરી શકશે તો ‘સુશ’ ખમીરવંત રાણી લક્ષ્મીબાઇ બનશે. એક શક્યતા એવી પણ છે કે દિગ્દર્શનનો દોર સુસ્મિતા પોતે રાખવાની હોઇ શ્રીદેવી માટે ટાઇટલ રોલની  ડીલ માંગવામાં આવે. એવા સંજોગોમાં બે વરસથી એ પ્રોજેક્ટને લીધે બીજી ઓફર્સ નહીં સ્વીકારનાર સુસ્મિતા શું કહેશે? ‘મેરી ઝાંસી નહીં દુંગી’?  સુસ્મિતા પણ આમિરખાનની જેમ મજબુત સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં સમય લઈ રહી છે. આમિરની પરફૅક્શનિસ્ટ તરીકેની છાપ એવી છે કે તે અન્ય નિર્માતાની ફિલ્મમાં પણ પોતાનું ધાર્યું કરાવી શકે છે. 

જેમ કે આમિર અત્યારે યશરાજની ‘ધૂમ-૩’માં કામ કરે છે અને તેના મ્યુઝિકમાં પણ આમિરની સંમતિ આવશ્યક હોય છે. એક રિપોર્ટ મુજબ તો, સંગીતકાર પ્રિતમની ધૂનો સાંભળવા માટે આમિરે છ મહિને સમય ફાળવ્યો હતો. તેમાં પણ પ્રિતમે સંભળાવેલી સાત ધૂનો પૈકીની ત્રણ જ મંજુર રાખી હતી. મઝાની વાત એ છે કે આમિરે રિજેક્ટ કરેલી એક તર્જ પરથી બનેલું ‘યે જવાની હૈ દીવાની’નું ગાયન “બદતમીઝ દિલ...” આ સાલનું સુપરહિટ ગીત સાબિત થયું છે. હોતા હૈ, હોતા હૈ.... એમ તો “દમ મારો દમ...” ખુદ દેવ આનંદે રિજેક્ટ કર્યું જ હતુંને? સંમત થયા પછી પણ ફિલ્મમાં એક જ અંતરો રાખ્યો હતો. (હોતા હૈ... હોતા હૈ!) 


 

તિખારો!

અમિતાભ બચ્ચન હવે રૂપિયાને બદલે ડૉલરમાં પેમેન્ટ લેવાનું નક્કી કરે તો?..... એ ‘દીવાર’ના મૂળ ડાયલોગમાં સહેજ ફરક કરીને કહેશે, “મૈં આજ ભી ગિરે હુએ પૈસે નહીં લેતા!!” 









3 comments:

  1. The way you have said about 100 crore collection scheme is really ultimate. Most of the people do not have clear thought about maximum screen release....
    Great writing again sir...

    ReplyDelete
  2. Tikharo to bas tamaro j!

    Good laugh :)

    ReplyDelete