Saturday, June 16, 2012




આંખોં કો વિઝા નહીં લગતા
સપનોં કી સરહદ નહીં હોતી!


જગજીતસિંગની અકલ્પનીય વિદાયને હજી વરસ પણ પુરું નથી થયું અને મેહદી હસન પણ ચાલ્યા ગયા. એ ખરું કે મેહદી હસન છેલ્લાં કેટલાંક વરસોથી લાચાર સ્થિતિમાં જીવતા હતા અને તેમની ઉંમર પણ ૮૪ વરસની હતી. તેથી રોજબરોજની ભાષામાં એ ખર્યું પાન હતા અને કેન્સરના ત્રાસમાંથી છુટ્યા એમ પણ કહી શકાય. પરંતુ, ગઝલના ચાહકોની બે ત્રણ પેઢીઓને તેમના અવાજથી ન્યાલ કરી દેનાર કલાકાર જાય ત્યારે એક આખો યુગ સમાપ્ત થયાનો એહસાસ થતાં આંખ તો ભીની થાય જ ને? 
મેહદી હસનના અવાજ સાથેનો પરિચય મારા જેવા ઘણાને તો લતા મંગશકરે કરાવેલો એમ કહી શકાય!  વરસો  પહેલાં (કદાચ ૨૫-૩૦ વરસ અગાઉ) જ્યારે શ્રોતાઓ માટે સંગીતના સંપર્કમાં રહેવા માટે રેડિયો સિવાય કોઇ સાધન નહતું , ત્યારે (મોટેભાગે)  ઓલ ઇન્ડીયા રેડિયોની ઉર્દુ સર્વિસ ઉપરથી લતાજીએ મેહદી હસનની એટલી ભારે પ્રશંસા કરી કે ચોંકી જવાયું.  તેમના જેવાં ગાયિકા એમ કહે કે “મેહદી હસન સાહબ કી ગઝલ સુન કર મૈં સોતી હું ઔર ઉન્હેં સુનતે હુએ મૈં જાગતી હું...” તો તો હદ જ થઇ જાયને?  એક તો એ મુસ્લિમ અને પાછા પાકિસ્તાનના  પછી કયો દેશભક્ત સહન કરી શકે? એક વાર તો લતાજી માટેનું માન ઉતરી જાય એવો આઘાત લાગ્યો હતો. પણ જ્યારે “રંઝીશ હી સહી, દિલ હી દુખાને કે લિયે આ...” સાંભળી તે દિવસ હતો અને આજનો દિવસ છે.... મેહદી હસનની ગેર ફિલ્મી ગઝલ સાંભળવાનો રસ ઓછો થતો જ નથી. પેશ હૈ વહી ગઝલ વહી પુરકશિશ આવાઝ મેં....


‘‘રંઝીશ હી સહી...”નો અમારા માટે રેખાનો પણ રેફરન્સ છે. મેહદી હસન ૧૯૭૮માં પહેલીવાર મુંબઈ આવ્યા, ત્યારે એક ખાનગી મહેફિલમાં સ્વાભાવિક રીતે જ તેમણે એ ગઝલ પણ ગાઇ હતી. “રંઝીશ હી સહી.....” રેખાને ખુબ પસંદ છે એમ બહાર આવ્યા પછી ક્લાસિકલ મ્યુઝિક કે પછી ઉર્દુ એકેયમાં સમજ ના પડતી હોય એવા સૌએ પણ મેહદી હસનની કેસેટ રાખવા માંડી હતી. એ કેસેટ એક સ્ટેટસ સિમ્બોલ થઇ ગઇ હતી. મેહદી હસનની એ મહેફિલમાં અમિતાભ અને રેખા પણ આવ્યાં હતાં. તેનો અહેવાલ ‘સ્ટાર એન્ડ સ્ટાઇલ’માં તે પછીના દિવસોમાં આવ્યો, ત્યારે દેવીયાનિ ચૌબલે એ બે સ્ટાર વચ્ચે કંઇક રંધાય છે એવું પહેલી વાર લખ્યું. પરંતુ, ત્યારે એ કોઇ માનતું નહતું.  એ કોઇ પિક્ચરનો પબ્લીસીટી સ્ટંટ હોવાની શક્યતા વધારે લાગી હતી. પણ દેવીનું લોજિક એકદમ નિરાળું હતું. તેમણે લખેલું  કે જ્યારે સાથે કામ કરતાં  હીરો - હીરોઇન જાહેરમાં અલગ થલગ રહે કે ઔપચારિક રીતે મળે, ત્યારે મને દાળમાં કાળું લાગે! તે દિવસથી શરૂ થયેલી એ ગોસીપનો સિલસિલો હજી ક્યાં અટક્યો છે?

અમારે માટે તો મહેદી હસનને સાંભળવા એટલે ગઝલની કોલેજમાં એડમિશન લેવા જેવું હતું. ફિલ્મી ગીતો અને ખાસ કરીને મદન મોહનના સંગીતમાં બનતી ગઝલો તેમાંના શાબ્દિક ‘પંચ’ને લીધે આકર્ષતી જ હતી. પણ અહીં મામલો જુદો હતો. મેહદી હસન તો શેરની પહેલી પંક્તિને જુદા જુદા આરોહ અવરોહ સાથે ગાઇને બીજી પંચલાઇન માટેની ઇન્તેજારી એટલી વધારતા હતા કે થતું કે આ તો અલગ જ પ્રકાર છે. વળી ઉર્દુ શાયરી પણ અસલ સ્વરૂપમાં જ રહેતી. એટલે પ્રાથમિક શાળા કે હાઇસ્કુલ જેવી રચનાઓ સમજતા માણતા થયા વગર સીધા મહેદી હસનને સાંભળવા જનારને જે મુશ્કેલી પડી શકે, એવી તકલીફ આરંભમાં પડી હતી. પણ ભલું થજો સંપાદક કવિ પ્રકાશ પંડિતનું કે રેલ્વે સ્ટેશનો ઉપર એ. એચ. વ્હીલરના સ્ટોલ ઉપર મળતી તેમના સંપાદનની ચોપડીઓના સહારે ઉર્દૂના અઘરા શબ્દોની સમજ ઉઘડતી હતી.  તેમાં જગજીત-ચિત્રાની ગઝલો પણ મદદરૂપ થઇ.

જગજીતસિંગની શરૂઆતની ગઝલો સાંભળો તો  સમજાય કે શા માટે તે કોઇ જમાનામાં ‘મેહદી હસન ઓફ ઇન્ડીયા’ ગણાતા હતા. જો કે મેહંદી હસનને અન્ય ગાયકોથી  અલગ પાડનારી બે બાબતો. એક તો ગાતી વખતે તેમનો ઠરડાતો હોય એવો લાગતો ‘હસ્કી’ અવાજ અને બીજું તેમનું હાર્મોનિયમ. તેમના જેટલી પાતળા સૂરવાળી વાજાપેટી કેટલા ગાયકો રાખતા હશે? અને તે પણ ક્યારેક આટલું ખરજમાં સરી જતા ગાયક! 

એ ખરજની સ્વરપેટી અને તીણા સુરની વાજાપેટીનું કોમ્બીનેશન એક બીજાનાં પૂરક બનીને જુદો જ માહૌલ ઉભો કરે. તેમાં ઉર્દૂના અઘરા શબ્દો અને શાસ્ત્રીય સંગીતની બારીકીઓ ઉમેરો તો એ સ્પષ્ટ થઇ જાય કે ‘ખાં સાહેબ’ને સાંભળવા એક વિશીષ્ટ મુડ અને નિરાંત જોઇએ. એમને પોપકોર્ન ખાતા ખાતા અને લેટેસ્ટ ગોસીપની ચર્ચા કરતા કરતા ના સાંભળી શકાય! (હકીકતમાં તો કોઇ પણ ગઝલ ગાયકને એ રીતે સાંભળવા એ તે કલાકારનું અપમાન કહેવાય. ગુલામ અલીએ વડોદરામાં એકવાર પોતાનું ગઝલ ગાયન અટકાવી દીધું હતું, કારણ કે પહેલી લાઇનમાં બેઠેલા કલેક્ટર અને કમિશ્નર જેવા ‘વીઆઇપી’ઓ માટે ચા-નાસ્તો પિરસાતાં હતાં. ગુલામ અલીએ કહ્યું કે તમે સૌ એ બધું પતાવો પછી આપણે કાર્યક્રમ આગળ ચલાવીશું!)

તેથી મને હમેશાં એવું લાગ્યું છે કે જગજીતસિંગે મહેદી હસનની જ ગાયકીને વધારે લોકભોગ્ય રીતે અને શ્રોતાઓને સહેલાઇથી સમજાય એવી રીતે પ્રસ્તુત કરી. જેમ કેટલાક લેખકોના લેખક હોય છે, એમ મહેદી હસન ગઝલ ગાયકોના ગાયક હતા! આપણા હરિહરન કે અનુપ જલોટા અને પંકજ ઉધાસ જેવા સૌ ગઝલ સિંગર્સે તેમને આપેલી શ્રધ્ધાંજલિ અને તેમાંના ઉસ્તાદજી સાથેના તેમના સંબંધો વિશે વાંચવાથી પણ એ વધારે સ્પષ્ટ થશે. હકીકતમાં તો જગજીતસિંગ પણ શરૂઆતમાં મેહંદી હસન જેવું જ ગાવા પ્રયત્ન કરતા લાગતા હતા. અહીં જગજીતસિંગે ગાયેલી પાકિસ્તાની શાયર કતિલ શિફાઇની એક રચના પ્રસ્તુત છે. 

આ પણ આમ તો એ ‘જગ-જીત’ થયા પછીના શરૂઆતના દિવસોની છે, જ્યારે ગિટાર અને વાયોલિન જેવાં પાશ્ચાત્ય વાદ્યો તેમના ઓર્કેસ્ટ્રામાં શામેલ થઇ ચૂક્યાં હતાં. છતાં અવાજમાં મહેદીની છાંટ વર્તાશે. તેમને ખરેખર ‘છોટે મેહદી’ તરીકે સાંભળવા હોય તો ૧૯૭૩નું  આલ્બમ ‘મેજીક’ સાંભળવું અને તેમાં પણ “દાસ્તાને ગમે દિલ ઉન કો સુનાઇ ન ગઇ, બાત કુછ  બિગડી ઐસી કિ બનાઇ ન ગઇ!” સાંભળવી. અભી તો “વો દિલ હી ક્યા તેરે મિલને કી જો દુઆ ન કરે....” પર ગૌર ફરમાઇયે!

 
જગજીતસિંગે ખાં સાહેબનું ઋણ તેમની પોતાની હયાતિમાં ઉતારવાનો પ્રયાસ તેમની રીતે કર્યો હતો. એ દિવસોમાં બિમારીને કારણે મહેદી હસનનું ગાવાનું બંધ  થયાના સમાચાર આવ્યા હતા. સિમ્ફનીના રચનાકાર બિથોવન (કે પછી અભિજીત વ્યાસ સૂચવે છે એમ, બિટોવન)ના કાન સાંભળતા બંધ થઇ ગયા તે પછીની સંગીત જગતની કદાચ એ સૌથી કરૂણ ઘટના હશે. શરૂઆતમાં સ્ટ્રોકને કારણે એમનું એક તરફનું  અંગ કામ કરતું બંધ થઇ જતાં હાર્મોનિયમ ઉપર પાણીના રેલાની માફક ફરતી આંગળીઓ હાલતી બંધ થઇ ગઇ. એક જમાનામાં- નાનપણમાં- પોતાના વતન જયપુરમાં હજાર દંડ પીલનારા તેમના અખાડીયન શરીરને એક એક કોળિયો ભરવા કોઇનું મોહતાજ રહેવું પડતું. વધારામાં આઘાતજનક વાત એ પણ હતી કે ખાસા સમય સુધી પાકિસ્તાનની  ફિલ્મોના લોકપ્રિય પ્લેબેક સિંગર રહી ચૂક્યા છતાં કેન્સરના રાજરોગ સામે લડી શકાય એવી મજબુત નાણાંકીય વ્યવસ્થા તેમની પાસે નહતી. કારણ બહુ સ્પષ્ટ હતું.

પાકિસ્તાનમાં કે ઇવન ભારતમાં ગાવા એકલાથી તે દિવસોમાં કોઇ કલાકારનું ઘર ચાલી શકે એ શક્ય નહતું.  હવે ગાયકોની તો સ્થિતિ એવી રહી નથી. પણ અમને લેખકોને તો આજે પણ લોકો પૂછતા જ હોય છે (અને વાજબી  રીતે જ પૂછતા હોય છે) કે “તમારી એ એક્ટીવીટી તો બરાબર. પણ આમ બીજું શું કરો છો?”  મતલબ કે ગાવા - વગાડવા - પેઇન્ટીંગ દોરવા - કવિતા કરવા કે લેખો લખવાથી એવી આવક ના થાય જે ઘર ચલાવી શકે. તેની સાથે સાથે નિયમિત આવક માટે બીજો રોજગાર પણ હોવો જ જોઇએ!  મેહદી હસને પણ ભાગલા પછી પાકિસ્તાન જઇને ગાવા ઉપરાંત ફર્ગ્યુસન ટ્રેક્ટર અને ડીઝલ એન્જીનના મિકેનિક બનવાની બાકાયદા તાલીમ લીધી હતી.

એટલું જ નહી ‘બેસ્ટ મિકેનિક’નું સર્ટિફિકેટ પણ મેળવ્યું હતું! (અબ્બાજાન કહેતા, “જો ભી કરો અવ્વલ દરજ્જે કા કરો.” અને મેહદી હસને એ કરી બતાવ્યું હતું.) ખુદ મેહદી હસને એક ઇન્ટર્વ્યુમાં ગર્વપૂર્વક એ કહેલું છે કે પાકિસ્તાનના ભાવલપુર જિલ્લાનાં ખેતરોમાં તેમણે ફીટ કરેલાં ડીઝલ એન્જીન ત્રણસો જેટલાં હશે. એવા મજબુત વ્યક્તિને છેલ્લાં વરસોમાં ભારે મજબુરીઓનો સામનો કરવો પડ્યો. બે એક વરસથી તો એ કોઇને ઓળખી પણ નહતા શકતા. શારીરિક અને આર્થિક રીતે નિ:સહાય અને લાચાર મેહદી હસનના સમાચાર વહેતા થયા અને જગજીતસિંગ પોતાના એ સિનીયરનું ઋણ ઉતારવા પાકિસ્તાન ગયા. ત્યાં જગજીતસિંગે મેહદી હસન સા’બના ઇલાજ માટે કોન્સર્ટ કરી. તેમાં ટહેલ નાખીને લગભગ ૧ કરોડ રૂપિયા તાત્કાલિક એકત્ર કરી આપ્યા હતા; જે પાકિસ્તાનના જરૂરતમંદ કલાકારોને મદદરૂપ થવાનું એક કાયમી ફંડ થયું.

મેહદી હસન પહેલીવાર ભારત આવ્યા ત્યારની એક કોન્સર્ટમાં સંગીતકાર નૌશાદે તેમનો પરિચય આપતાં જે કહ્યું હતું, તે અત્યારે યાદ આવે છે, “રેહતી દુનિયા તક ઉન કી આવાઝ કા નૂર ઝગમગાતા રહેગા..”  તો મેહદી હસનના ગળાની તારીફ કરતાં લતા મંગેશકરે એમ કહ્યું છે કે, ‘તેમના ગળામાં ભગવાન બોલતા હતા’! એ બધું કેટલું સાચું છે! ખાં સાહેબ ખુબ બિમાર હતા ત્યારે ગુલઝારે મેહદી હસનને પોતે કેવા મિસ કરે છે એ વાત તેમના ગુલઝારીય અંદાજમાં માત્ર ૩૭ સેકંડમાં કહી બતાવી હતી! અમારા જેવાને જે કહેવા કોલમોની કોલમો ભરવી પડે એ જ વાત કવિ બે જ પંક્તિમાં કેટલી સચોટ રીતે કહી જાય છે... સાંભળો.. પ્લીઝ!


મેહદી હસનની ગાયકીને જગજીતસિંગ ‘ડીસિપ્લીન્ડ સિંગીંગ’ કહેતા. એવા મેહદી હસન તો આજે નથી રહ્યા. પણ તેમની એ શિસ્તબધ્ધ ગાયકી આપણી પાસે ટેપમાં, સીડીમાં કે યુટ્યુબ ઉપર સચવાયેલી છે, એ શું નાનીસુની વાત છે? કેમ કે મેહદી હસનની ગાયેલી કેટલીક ગઝલો તો ગમે એટલી વાર સાભળો ધરવ થાય જ નહીં. એ પૈકીની મને ગમતી  એક રચના અહીં મૂકું છું. સાથે શાયર એહમદ ‘ફરાઝ’ના શબ્દો પણ મૂક્યા છે, જેથી સાંભળવા અને સમજવામાં સરળતા રહે.  

 
અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલે,
            જિસ તરહ સુખે હુએ ફુલ કિતાબોં મેં મિલે...!"       
 તુ ખુદા હૈ મેરા ઇશ્ક ફરિશ્તોં જૈસા
                દોનોં ઇન્સાં હૈ તો ક્યૂં ઇતને હિજાબોં મેં રહે
ગમ - - દુનિયા ભી ગમ- - યારમેં શામિલ કર લો
                 નશા બઢતા હૈ શરાબેં જો શરાબોં મેં મિલે
અબ વો મૈં  હૂં, તુ હૈ, વો માઝી હૈફરાઝ
                 જૈસે દો સાયે તમન્નાઓં કે સરાબોં મેં મિલે   
ઢૂંઢ ઉજડે હુએ લોગોં મેં વફા કે મોતી,
                 યે ખઝાને તુઝે મુમકિન હૈ ખરાબોં મેં મિલે
     
 
અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલે,
               જિસ તરહ સુખે હુએ ફુલ કિતાબોં મેં મિલે...!"

   
મેહદી હસનની અંતિમ ક્રિયા વખતે નમાઝ અદા કરતા તેમના ચાહકો





7 comments:

  1. ખબર નહિ પણ કેમ એવું યાદ રહી ગયું છે કે મહેંદી હસન બૌધિકો ના પ્રિય ગઝલકાર કહેવાતા....એમને જે ગઝલો ગાઈ છે એ પહેલી વખત સાંભળો તોહ અઘરી લાગે.કદાચ ઉર્દુ નો મહાવરો ના હોવા ને કારણે પણ સંભાળવાની મજા તોહ આવે જ....ગુલઝાર નો વીડિઓ સંદેશ સોને પે સુહાગા સલીલભાઈ.....

    ReplyDelete
  2. સલીલસર, યથોચિત શ્રધાંજલિ.
    મલ્લિકા-એ-તરન્નુમ નુરજહાંએ એમ કહેલું કે "તાનસેનકે બારેમેં સુના હૈ, મગર હમારી ખુશકિસ્મતી હૈ કે હમને મહેદીહસનકો ગાતે હુએ દેખા હૈ" નુરજહાં દ્વારા ખાંસાહેબની પ્રશસ્તિની એક અન્ય વીડિઓ લીંક .. http://youtu.be/Sy_TvdHkT6A

    ReplyDelete
  3. Dear Salilbhai,
    # 1 if i am not making any mistake the name of album was "black magic" not the "magic" i may be wrong as album was released before my birth but i didnt come across to "magic" in my research when i started to buy his all albums.

    # 2 if my memory is not misleading me then late Mehndi hasan recorded his last ghazal for Hindi movie with Talat AziZ for movie "Dhun" ghazal was" main atma tu parmatma"

    # 3 HMV rereleased Jagjit's old ghazals with imporved sound quality and name of album was "rare gems"

    # 4 i am AC plant of Jagjit singh but this is an honest statement w/o any bios. no one can compose and sing NAZAM like Jagjit Singh.

    # 5 waiting for your post on Yanni after reading your FB status.
    Regards,
    Chirag (with this post i am reminding again for the book : - ) )

    ReplyDelete
  4. i also remember that, in baroda.
    Gulam ali saab ne khana to thik lekin camera bhi bandh karwa diya tha. wo pal jab hum log sath sath ambasador me gaye the........

    ReplyDelete
  5. apropriate title for that......gulzar sab ki ye baate bahut dil chhu le ti hee......

    ReplyDelete