ફાધર્સ ડેએ ‘સન’ સનીની સનસની.... યાનિ? યાની!
આ પોસ્ટ વાંચવી શરૂ કરો તે પહેલાં મહેરબાની કરીને નીચે મૂકેલો વિડીયો જુઓ જેમાં જગવિખ્યાત સંગીતકાર યાનીના એક લાઇવ શોમાં તેમનું સૌથી લોકપ્રિય થયેલું કમ્પોઝીશન ‘સેન્તોરીની’ જોવા-સાંભળવા મળશે. એ ૧૯૯૪માં, ગ્રીસના એથેન્સ ખાતે આવેલાં એક્રોપોલીસનાં ખંડેરોના બેકગ્રાઉન્ડમાં, થયેલા અત્યંત જાણીતા પરફોર્મન્સનો ભાગ છે. કદાચ આ શો પછી જ યાની દુનિયાભરમાં જાણીતા થયા.
પહેલીવાર આ ક્લીપ જ્યારે વરસો પહેલાં ટીવી ઉપર બતાવાઇ, ત્યારે એ આખું કમ્પોઝીશન અત્યંત ગમી ગયું. એ લાઇવ પર્ફોર્મન્સમાં પોતાની જ રચનાને માણતા યાની ખુદ એટલા ચાર્મીંગ લાગ્યા કે આણંદમાંના અમારા કેસેટ સ્ટોરવાળા મિત્ર પાસે અમદાવાદ શોધખોળ કરાવીને તેની ઓડિયો તો શોધી જ કાઢી. પછી થોડો સમય તો ઘરમાં, જગજીતસિંગની માફક, લગભગ રોજ ‘સેન્તોરીની’ સાંભળવાનો જાણે કે નિત્યક્રમ થઇ ગયો હતો. એટલે જ્યારે ગઇ કાલે ‘ફાધર્સ ડે’ની રાત્રે દીકરો સની ‘યાનિ લાઇવ’ જોવા-સાંભળવા અહીં ટોરન્ટોના વિશાળ હોલ ‘સોની પર્ફોર્મીંગ આર્ટ’ ખાતે લઇ ગયો, ત્યારે એક અદભૂત રોમાંચ હતો. વરસો પહેલાં જે કલાકારને માત્ર ટીવીના પડદે જોઇને અમે સૌ રોમાંચિત થઇ ગયા હતા; તેમને રૂબરૂ પરફોર્મ કરતા જોવાનો લાઇફ ટાઇમનો દુર્લભ લહાવો મળવાનો હતો. થિયેટરની બહાર પ્રવેશ માટેની વિશાળ લાઇનમાં અહીંની કોલેજમાં મને કોમ્પ્યુટર શીખવનારા રશિયન ટીચર યુરી પણ સહકુટુંબ આવ્યા હતા. તેમણે બૂમ પાડી અને અમે મળ્યા. તેમનાં પત્નીને અને દીકરીને મેં કહ્યું કે મારાથી ફેસબુક અને બ્લોગ જેવાં માધ્યમો ઉપર વધારે પ્રવૃત્ત રહી શકાતું હોય તો ખાસ્સો યશ યુરીને પણ આપવાનો થાય.
એક નાના બાળકની જેમ હું તો સોની થિયેટરને અને તેના માહૌલને આંખોમાં (અને મારા વફાદાર નોકિયાના N72 સેલફોનના કેમેરામાં) ભરતો અંદર દાખલ થયો અને સરપ્રાઇઝ... સરપ્રાઇઝ!!
કાર્યક્રમની શરૂઆત અને ખુદ યાનીની એન્ટ્રી જ ‘સેન્તોરીની’ સાથે થઇ અને મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. અમે છેલ્લેથી આઠમી લાઇનમાં હતા. (યુરી પરિવાર અમારી બિલકુલ પાછળની સીટ પર હતું,) એટલે બધે દૂરથી N72માં યાની તો ઠીક સ્ટેજનો પણ ફોટો બરાબર આવે એમ નહતો. હોલના ફોયરમાંથી પાંચ ડોલરનું ભાડું આપીને લીધેલું બાયનોક્યૂલર પણ કશા કામનું નહતું. જે થાય તે આંખની કીકી અને કાનના પડદાની મદદથી ઝીલી લેવાનું હતું. આપણું પોતાનું કહેવાય એવું અંગત ડોક્યુમેન્ટેશન નહીં થાય એ નાનકડો અફસોસ જરૂર હતો. પરંતુ, આનંદનો જે ઓચ્છવ મનમાં થતો હતો તેની સામે એ કશું જ ના કહેવાય. કેમ કે ‘સેન્તોરીની’ની ધૂન શરૂ થઇ કે આખું થિયેટર ચિક્કાર તાળીઓના ગડગડાટથી ગૂંજતું હતું. મેં સનીનો હાથ મજબુતીથી પકડીને દબાવ્યો અને કહ્યું “મારા તો પૈસા વસુલ થઇ ગયા.... હવે પછી જે સાંભળીએ તે બધું બોનસ જ હશે!” અને બોનસ પણ કેવું?
એક પછી એક રચનાઓ રજૂ થતી ગઇ અને લગભગ દરેકમાં તેમના સાથી સાજીંદાઓ પૈકીના એકાદ બે કલાકાર હાઇલાઇટ થતા ગયા. પ્રત્યેક કલાકારને મળતી મિનીટો સુધીની તાળીઓની દાદ સાંભળીએ અને ટોરન્ટોના કદરદાન ઓડિયન્સને પણ નતમસ્તકે દાદ દેવાનું મન થઇ જાય. તેમાં પણ ડ્રમ વગાડનાર કલાકારને કેટલીય વાર સુધીનો મળેલો પ્રલંબ અને અવિરત તાળીઓનો ગુંજારવ તો હજી જાણે કે કાનમાં ગૂંજ્યા કરે છે. જે પ્રકારની દાદ માટે કોઇપણ આર્ટીસ્ટ જીવનભર તરસી શકે એવી દાદ આપવાનો અમારો પોતાનો અને તે આપતા અન્ય સૌને માણવાનો આનંદ પણ અકલ્પનીય હતો. (બાકી અમારે તો ઘણા કાર્યક્રમોમાં એવું પણ બન્યું છે કે કલાકારોની નાનીશી પણ હરકતથી ખુશ થઇને આપણે તો તાળીઓ પાડી ઉઠીએ.... પણ અન્ય સૌ અદબ ના છોડે તે ના જ છોડે! આપણને ભોંઠા પાડીને જ છોડે!) પણ એ રાતનું ક્લાઇમેક્સ તો હજી બાકી હતું.
છેલ્લે કાર્યક્રમ પૂરો થયો હોય એમ યાની, સૌ પ્રેક્ષકોને ‘ગુડનાઇટ... બાય.. બાય...” કહીને દોડતા, નેપથ્યમાં જતા રહ્યા. સ્ટેન્ડીંગ ઓવેશન તરીકે લોકો ઉભા થઇને સતત તાળીઓ પાડતા જ રહ્યા... પાડતા જ રહ્યા.... પાડતા રહ્યા અને આશ્ચર્ય! યાની પાછા સ્ટેજ ઉપર આવ્યા. વધુ એક રચના સંભળાવી. વળી અંદર ગયા અને વળી એ જ તાળીઓનો અનરાધાર વરસાદ... પાછા એ પરત આવ્યા. હવે લાગ્યું કે આ તો એક આયોજનબધ્ધ થતી કાર્યવાહી છે, પોતાના ચાહકોને તલસાવવાની અને પાછા આવતી વખતે મહદ અંશે સમગ્ર પ્રેક્ષકગણનો તથા દર્શકોના પ્રતિનિધિ સમા સ્ટેજ નજીક ઉભેલા સૌનો અંગત આભાર માનવાની! (પ્રોગ્રામ પછી સનીએ સમજાવ્યું કે તેને ‘ઓન્કોર’ Encore કહેવાય... આપણને તો એટલી સમજ પડી કે એવું થાય ત્યારે સ્ટેજની એક કોર પહોંચી જવું!) મેં નક્કી કર્યું કે જો આ વખતે એ મંચ છોડીને જાય તો સાહસ કરીને શરૂઆતની લાઇનોમાં દોડી જવું. તૈયારી રૂપે મેં બેઠકોની બે લાઇન વચ્ચેની ખુલ્લી જગ્યામાં મંચ તરફ ચાલવા માંડ્યું. જેવા એ સ્ટેજ છોડીને અંદર ગયા મેં રીતસરનું વોકેથોન જ કર્યું.
લાંબી ફલાંગે પહેલી લાઇનમાં ઠેઠ સ્ટેજની ધારે મારા પહોંચતા સુઘીમાં તો યાની મંચ ઉપર પરત આવી ગયા હતા. મેં કેમેરા ઓન રાખ્યો હતો. ફટાફટ સ્વીચ દબાવતો ગયો. ફોટાની ક્વોલીટી ચકાસવાનો સમય નહતો. યાની મંચના પેલા ખૂણેથી આ છેડે આવતા ગયા અને સ્ટેજની ધારે ઉભેલા સૌ પ્રશંસકોના હાથને ઉતાવળે અડવાનો તે પ્રયત્ન કરતા હતા. મારી નજીક આવ્યા અને મારા હાથને પણ એ અડ્યા!
એ પછી તે પોતાની ખુરશીમાં બેઠા અને હાંફતા હાંફતા ’ને હસતા હસતા સૌનું આભાર દર્શન તેમની સ્ટાઇલમાં કરતા રહ્યા.
જ્યારે પણ એ સ્ટેજના અમારા ખુણે જોતા ત્યારે મને તો એમ લાગતું કે એ મારા N 72ના ખૂણાને (એંગલને!) જ પોઝ આપી રહ્યા હતા. (કદાચ આપતા પણ હોય.... કોને ખબર?!)
હું તો જ્યાં સુધી સિક્યુરિટિએ આવીને બધાને પાછા પોતાની સીટ ઉપર ના મોકલ્યા, ત્યાં સુધી ક્લીક કરતો રહ્યો. પાછો ઘૂમ્યો અને જોયું તો મારી પત્ની હર્ષા પણ અમારા ટોળાની ઠેઠ નજીક આવી પહોંચી હતી. અમે બન્ને રાજીના રેડ જ નહીં રાજીના ગ્રીન, યલો, બ્લ્યુ.... બલ્કે રાજીના મેઘધનુષ હતાં!
યાનીના પરફોર્મન્સના સાક્ષી બનવા ઉપરાંત તેમને આટલા નજીકથી જોવાનો લહાવો મળ્યો હતો. તે બદલ ફાધર્સ ડેનો આભાર માનવો કે સનીનો? એ ગુંચવાડો અમારા મનમાં હતો જ નહીં. કેમ કે અમને તો ખબર જ હતી કે ‘ફાધર્સ ડે’ તો એક ઇત્તફાક જ હતો. બાકી મહિનાઓ પહેલાં, જ્યારે યાનીની કોન્સર્ટ ટોરન્ટોમાં થવાની જાહેરાત આવી, ત્યારથી સનીએ તો ઓન લાઇન ટિકીટ્સ બુક કરાવી જ દીધી હતી. એને ખબર હતી કે મને યાનીનું મ્યુઝિક ખાસ કરીને ‘સેન્તોરીની’ કેટલું ગમે છે.
મા-બાપના શોખનું આટલા વહાલથી જતન કરતા દીકરા હોય, પછી કોઇ એક દિવસને વિશીષ્ટ નામ હોય કે ના હોય શું ફરક પડે? Everyday is a Father's Day, Mother's Day and Children Day. What say?
થેંક્યુ, સન સની!
What a memorable Father's day gift from a son !!!!
ReplyDeleteSo happy for you and Yanni is also lucky as he got an opportunity to touch Amitabh Bachchan of Gujrati Column Writing...:)
ReplyDeleteWow ... Lucky you definitely. The best Father's day gift from your son. While reading I feel the happiness. It is said that happiness and laugh is contagious so be it. Thanks for sharing this magic moments. :)
ReplyDeleteફાધર્સ ડેએ ‘સન’ સનીની સનસની.... યાનિ? યાની!
ReplyDeleteI always like this style.... You are great !!
As a great fan, I wish you write book on Gulzar...
.... રાજીના મેઘધનુષ હતાં!
ReplyDelete:) thank you for sharing such colourful experience....
now i can't wait for his concert in NJ on 29th june. i have also got my tickets 2 months back.
ReplyDelete-Chirag Shah
તમે કેટલા નસીબદાર છો... મને અત્યારે તમારી હળાહળ ઈર્ષ્યા આવે છે.. મારુ એક સ્વપ્ન છે કે જીવનમાં ક્યારેય પણ મોકો મળે તો આ સંગીતના ભગવાનને સહપરિવાર - લાઈવ સાંભળવા...ખૂબ ખૂબ ઈર્ષ્યા સાથે ખૂબ ખૂબ અભિનંદન... સની ભાઈને પણ સલામ.. :)
ReplyDelete