Sunday, June 24, 2012

ફિલમની ચિલમ.... ૧૯૮૦ એટલે ‘ડીસ્કો’ની લોકપ્રિયતાનું વર્ષ!





આમ તો હિન્દી ફિલ્મ સંગીતના રસિયાઓ માટે ૧૯૮૦નું વર્ષ એ ધરતીકંપનું વરસ પણ કહેવાય છે; કારણ કે તે સાલ ૩૧મી જુલાઇએ પુરૂષ પાર્શ્વ ગાયકોમાં અનિવાર્ય અવાજ જેવા મહંમદ રફીનું નિધન થયું હતું. તેનાં ચાર જ વરસ પહેલાં ૧૯૭૬માં દર્દીલાં ગીતોના મધુર ગાયક અને રાજકપૂર જેમને પોતાનો ‘આત્મા’ કહેતા હતા તે મુકેશનો પણ અચાનક દેહાંત થયો હતો. સંગીતની દુનિયામાં એક ગજબનો સુનકાર છવાઇ ગયો હતો. એટલા માટે જ નહીં કે એ બન્ને દિલીપ કુમાર અને રાજ કપૂર જેવા ટોપ સ્ટાર્સના અવાજ હતા. પણ એ બેઉ તેમના જીવનના છઠ્ઠા દસકમાં વિદાય થઇ ગયા હતા. મૃત્યુ સમયે મુકેશ ૫૩ વર્ષના હતા અને રફી ૫૬ના! તે પછી ૧૯૮૭માં કિશોર કુમાર પણ ૫૮ વરસે ગુજરી જતાં આગળ ઉપર એ સવાલ પણ થવા લાગ્યો કે આપણા ટોપ પ્લેબેક સિંગર્સ ‘વન’ પસાર નથી કરી શકતા કે શું? 


ગમે તેમ પણ ૧૯૮૦માં આવડા મોટા ભૂકંપ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તૈયાર નહતી. ખાસ કરીને એટલા માટે કે ‘આરાધના’ની અપ્રતિમ સફળતાને પગલે જે રીતે કિશોરકુમાર પાર્શ્વ ગાયનમાં છવાઇ ગયા હોવા છતાં રફી સાહેબે પોતાનો ગઢ સાચવી રાખ્યો હતો. કિશોર કુમારને વધારે મહત્વ આપનારા આર. ડી. બર્મનના સંગીતમાં જ ૧૯૮૦માં ‘ધી બર્નીંગ ટ્રેઇન’ની કવ્વાલી “પલ દો પલ કા સાથ હમારા…”, ‘અબ્દુલ્લા’ નું “મૈંને પૂછા ચાંદ સે કિ દેખા હૈ કહીં…” અને ‘શાન’ માં “યમ્મા યમ્મા…” તથા “જાનું મરી જાન, મૈં તેરે કુરબાન…” જેવાં ગાયનો મહંમદ રફીએ ગાયાં હતાં.

એ જ રીતે ૧૯૮૦નું આખું વરસ રેડિયો ઉપર ખુબ વાગેલું ‘આપ તો ઐસે ન થે’નું ઉષા ખન્નાએ કમ્પોઝ કરેલું ગીત “તુ ઇસ તરહ સે મેરી ઝિન્દગી મેં શામિલ હૈ…” મનહર અને હેમલતા ઉપરાંત રફીના અવાજમાં પણ હતું.  જ્યારે ખય્યામના સંગીતમાં ‘ચંબલ કી કસમ’માં સાહિરની કલમે નીકળેલું આ નાજુક યુગલ કાવ્ય “સિમટી હુઇ યે ઘડીયાં, ફિર સે ન બિખર જાયેં…” અને એ જ ગાયકો રફી – લતાના સંયુક્ત સ્વરમાં મળેલું ‘સ્વયંવર’નું ડ્યુએટ “મુઝે છુ રહી હૈ, તેરી ગર્મ સાંસેં, મેરે રાત ઔર દિન મહકને લગે હૈં…” પણ ૧૯૮૦માં જ મહેંકેલું! તે સાલ લક્ષ્મીકાન્ત પ્યારેલાલે પણ ‘દોસ્તાના’ (“મેરે દોસ્ત કિસ્સા યે ક્યા હો ગયા હૈ…”) અને ‘કર્ઝ’ (દર્દે દિલ દર્દે જિગર, દિલ મેં જગાયા આપને…) જેવાં હીટ આલ્બમ આપ્યાં હતાં.

ટૂંકમાં, જ્યારે તેમનો ઇન્તકાલ થયો ત્યારે પણ રફી સાહેબ મ્યુઝિકની દુનિયામાં પોતાની રીતે અડગ અને મજબુત ઉભા હતા. પરંતુ, સામે પક્ષે કિશોર કુમારનો સિક્કો તો ’૮૦માં પણ એવો જ રણકતો હતો. એક તરફ ‘કર્ઝ’નું ડીસ્કો સોંગ “ઓમ શાંતિ ઓમ…” યુવાનોમાં ક્રેઝ બન્યું હતું. તો બીજી બાજુ ‘થોડી સી બેવફાઇ’નું ગંભીર શિર્ષક ગીત “હઝાર રાહેં મુડ કે દેખીં, કહીં સે કોઇ સદા ન આઇ…” પણ એટલું જ લોકપ્રિય થયું હતું. હકીકતમાં તો તે વરસના ફિલ્મફેર એવોર્ડમાં એ ગીત બે પુરસ્કાર જીતી ગયું હતુ. તે યુગલ ગીત ગાવા બદલ કિશોર કુમારને ગાયકનો અને એ અદભૂત કવિતા લખવા બદલ ગુલઝારને ‘શ્રેષ્ઠ ગીતકાર’નો એવોર્ડ મળ્યા હતા. ગુલઝારે કદાચ પોતાના અંગત જીવનમાંથી પ્રેરણા લઇને લખી હોય એવી અદભૂત આ પંક્તિઓ, તો અલગ થયેલાં કેટકેટલાં કપલના દિલની લાગણીઓને વ્યક્ત કરે છે... આજે પણ! 

“તુમ્હેં યે ઝીદ થી કિ હમ બુલાયેં, હમેં યે ઉમ્મીદ વો પુકારેં
હૈ નામ હોઠોં પે અબ ભી લેકિન, આવાઝ મેં પડ ગઇં દરારેં....”

શું કવિતા છે, આ! ગમતી વ્યક્તિને બોલાવવાની ઇચ્છા છતાં એક વાર કોઇ વાતે ખાંચો પડી જાય પછી તેને બોલાવો તો પણ એક ખટકો તો રહી જ ગયો હોય એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ, તેને અવાજમાં પડેલી તિરાડ કહેવી એ ગુલઝાર જ કરી શકે. જેમ ફ્લ્યુટ એટલે કે બંસરીમાં તિરાડ પડી જાય પછી પણ તેમાંથી સૂર તો નીકળે જ. પણ તે અવાજ બોદો હોય. એ ઉપમા સાથે સંબંધમાં પડતી તિરાડને અવાજમાં પડતી દરાર કહેવાનો કસબ તો ગુલઝાર જ કરી બતાવે. 

એ ગીતની એક બીજી નોંધપાત્ર બાબત એ છે કે તેમાં લતા મંગેશકરનો અવાજ અદ્દલ શબાના આઝમી જાતે ગાતાં હોય એવો લાગે છે.... ખાસ કરીને “હમારી થોડી સી બેવફાઇ...” એ શબ્દો. (વિડીયો ધ્યાનથી સાંભળવા વિનંતિ છે. સામાન્ય રીતે મ્યુઝિકની વાત કરતાં ફિલ્મની ક્લીપ જરૂર ના હોય તો મૂકવાનું હું ટાળતો હોઉં છું. પણ આ અઠવાડિયે રાજેશ ખન્નાની તબિયતના સમાચાર આવ્યા હોઇ, બાબુ મોશાય....એક ક્લીપ તો રખના હૈ, રે!) 


જો કે તે સાલ શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ ‘કુરબાની’ના ગાયન “આપ જૈસા કોઇ મેરી ઝિન્દગી મેં આયે…” ગાવા બદલ નાઝિયા હસનને મળશે એ વિશે કોઇને શંકા નહતી. ડીસ્કોના એ વર્ષમાં ‘એલ.પી.’એ “ઓમ શાન્તિ ઓમ…”ની ધૂન ગવડાવીને યુવાનોને નચાવ્યા હતા, તો ભપ્પી લહેરીએ ‘પ્યારા દુશ્મન’માં ઉષા ઉથ્થુપ પાસે “હરિ ઓમ હરિ…”ના નામ સ્મરણ કરાવીને કલ્પના ઐયર પાસે ડાન્સ કરાવ્યો હતો. જ્યારે પંચમદાએ ‘શાન’માં આશા ભોંસલે પાસે ‘શાન’નું ટાઇટલ ગીત ગવડાવીને ડાન્સનું જ નહીં પણ ખુદ આશાજી માટે પણ આઇડેન્ટીટી કાર્ડ આપ્યું. આજે ૩૦ વરસ પછી પણ આશા ભોંસલે કોઇ જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય, ત્યારે ‘આર. ડી.’ની ધૂન પર “પ્યાર કરનેવાલે, પ્યાર કરતે હૈં શાન સે…” એમ ગાતાં ગાતાં જ એન્ટ્રી પાડે છે.

આમ એક કરતાં વધુ ડીસ્કો ગાયનો તે સાલ ઉપલબ્ધ થયાં હતાં અને છતાં ‘કુરબાની’ના “આપ જૈસા કોઇ….”ની પોપ્યુલારિટીની તોલે કોઇ નહીં! તેમાં દિગ્દર્શક ફિરોઝખાને ઝિન્નત અમાનને જે ઉત્તેજક રીતે પ્રસ્તુત કરી હતી, તેનું પણ યોગદાન ખરું જ.  તેમ છતાંય એ ક્રેડીટ કલ્યાણજી આનંદજીને જ કે નાઝિયાએ ગાયેલી બિડ્ડુની એ ધૂન લોકપ્રિય થવા છતાં ‘કુરબાની’નાં અન્ય ગીતો પણ કેવાં જોરદાર ચાલ્યાં હતાં તેની અને ૧૯૮૦ની અન્ય વાતો આવતા વખતે.

તિખારો!
 
“આપ જૈસા કોઇ મેરી જિન્દગી મેં આયે તો બાપ બન જાયેં...!”




(આ તિખારો ‘સંદેશ’માં છપાયા પછીના
દિવસોમાં તે ટ્વીસ્ટ કરાયેલી ધ્રુવ પંક્તિ ઉપર આપણા એક પ્રસિધ્ધ હાસ્યલેખકે આખો હાસ્યલેખ  લખ્યો હતો અને મિમિક્રીમાં પણ જુદી જુદી રીતે સાંભળવા મળતો!)

8 comments:

  1. સલિલ સર,

    આજે પણ ’આપ જૈસા કોઈ...’ સાંભળવું ગમે છે. ડીસ્કો યુગ ખરો પણ આજના રોક કરતા તો વધારે ગમતો હતો જ...

    સેમ

    ReplyDelete
    Replies
    1. દરેક પેઢીનું ગમતું સંગીત અલગ હોવાનું, સેમ. જે સંગીતમાં મધુરતા હોય અને શબ્દો અર્થપૂર્ણ હોય એનું આયુષ્ય વધારે રહેવાનું. આપણે તો દસ દસ વરસના જમ્પ મારીને મ્યુઝિકનો એક વ્યાપ બતાવવો છે. હવે ૧૯૯૦નું વર્ષ હશે.

      સંગીતના સંશોધનમાં જેમ જેમ વર્તમાન સમયની નજીક પહોંચું છું, એમ એમ એ હકીકત વધારે સમજાય છે કે હિન્દી ફિલ્મોના દરેક દૌરનું સંગીત અગાઉના ટાઇમ કરતાં અલગ બનતું હોવા છતાં અનિવાર્ય અંગ રહ્યું જ છે. આધુનિક સમય પણ તેમાંથી બાકાત નથી. શાયર કહે છેને “હર ફૂલ કી અપની મહક હોતી હૈ!”

      હું તો વર્ષોથી માનતો આવ્યો છું કે `જૂનું સોનું' ખરું.... પણ નવું બધું કથિર નથી હોતું. કેટલુંક તો પ્લેટિનમ હોય છે. તેનો પણ પરિચય અહીં કરાવવાની ગણત્રી છે જ.... Watch this space!

      Delete
  2. 1980 ની સાલ મમળાવવાની ખુબા જ મજા આવી!

    ReplyDelete
  3. “તુમ્હેં યે ઝીદ થી કિ હમ બુલાયેં, હમેં યે ઉમ્મીદ વો પુકારેં
    હૈ નામ હોઠોં પે અબ ભી લેકિન, આવાઝ મેં પડ ગઇં દરારેં....”

    Only Gulzar can translate emotions into such poetry...thanks for mentioning it....Nazia Hasan was not just a good singer but equally pretty who could have been a actor....alas....and as usual loved the whole write up....

    ReplyDelete
  4. 'Yamma Yamma was to be sung by Kishore and Rafi.But Ramesh Sippy insisted on RD singing it.RD ,generally, sang on high scale but with Rafi he offered to lower the scale,but Rafi made him keep high scale and he himself sang on high scale!That was Rafisaab.AND it turned to be the last song of Rafi for and with RD.

    ReplyDelete
    Replies
    1. Thanks Ajaybhai.... your comments always adds value to original article. One of these days, I am going to use the audio that you have shared with me of Pyarelalji talking about R D Burman on this very blog.

      Delete