Saturday, September 22, 2012

દિલીપ કુમાર (3)






કોલેજના દિવસોમાં
  પણ દિલીપ કુમાર સ્ટાર જ હતા....
દિલીપ કુમારને તેમના ટીચર ફાધર આઈઝેક ઉપર ગુસ્સો  એટલા માટે આવ્યો કે તેમણે આપેલી સ્ક્રીપ્ટમાંની દિલીપ કુમારની ભૂમિકા એક યુવતીની હતી! હવે આ મર્દાનગીના પર્યાય સમા પઠાણોના ફરજંદને  તેના ગોરા ગુલાબી વાનને કારણે કોઈ અંગ્રેજ પ્રોફેસર સ્ટેજ ઉપર નાજુક  નમણી ખુબસુરત છોકરી  તરીકે પેશ કરવાની દરખાસ્ત કરે ત્યારે કેવી અકળામણ થાય? તેમાં ય વળી યુસુફ તો ફૂટબોલ જેવી ખડતલ રમતના પોતાની કોલેજના એક સ્ટાર પ્લેયર હતા. ઘણા ઓછાને ખબર હશે પણ દિલીપ કુમાર તે દિવસોમાં એક વ્યવસાયી  (પ્રોફેશનલ) ખેલાડી થઇ ચુક્યા હતા. તેમની પોતાની વિલ્સન કોલેજ ઉપરાંત અન્ય  ટીમ માટે પણ રમતા હતા અને તે પણ બાકાયદા પૈસા લઈને!   મુંબઈની બીજી જાણીતી ખાલસા કોલેજની  ટીમ યુસુફને પોતાના તરફથી રમવા બોલાવતી અને એક મેચના દોઢસો રૂપિયા ચુકવતી.  સોંઘવારીના  ૧૫૦ રૂપિયા એ કેટલી મોટી રકમ કહેવાય એ સમજાવવાની જરૂર છે ખરી? 
 
એટલે પોતાના જેવા સ્ટાર 'પ્લેયર'  હીરોને કોઈ હિરોઈન બનાવવાની દરખાસ્ત કરે ત્યારે કેવું અપમાન લાગે? એ વાત ખરી કે તે  જમાનામાં નાટકોમાં સ્ત્રી પાત્રો પણ પુરુષ કલાકારોએ ભજવવાં પડતાં. કેમ કે સારા ઘરની કોઈ છોકરીને તેના ઘરના વડીલો અભ્યાસ કરવાના દિવસોમાં એવી ઈતર પ્રવૃત્તિની પરવાનગી નહતા આપતા. દિલીપ કુમાર કહે છે કે તે દિવસ પછી ફાધર આઈઝેક સાથે તેમણે મૈત્રીભર્યા સંબંધો કદી ના રાખ્યા. નાટકમાં અભિનય માટે સ્ટેજ  ઉપર આવવાની દિલીપ કુમારની ઈચ્છા આમ પણ હતી જ નહિ. કેમ કે તેમની શરમાળ પ્રકૃતિને કારણે તો એ પીરીયડ છોડી દેવાનું પસંદ કરતા! તે દિવસોમાં વર્ગમાં બેઠક વ્યવસ્થા એવી રહેતી કે છોકરીઓ આગળની જ બેંચ ઉપર બેસે. તેથી છોકરાઓને પોતાની બેઠક લેવા જતાં છોકરીઓને પસાર કરીને જ જવું પડે. શરમાળ દિલીપ કુમાર વર્ગ શરુ થવાના સમય પહેલા આવીને છોકરીઓ આવે તે અગાઉ પોતાની સીટ મેળવી લેતા. 

જો મોડા પડે અને ભૂલે ચુકે છોકરીઓ પાસેથી પસાર થઇ જવાનું થશે એવો અણસાર આવી જાય તો એ ક્લાસ છોડી દેવાનો….પણ લેડીઝ સેક્શન પાસેથી પસાર નહિ થવાનું! ઘણીવાર કોઈ કોઈ વિષય માટે વિદ્યાર્થીઓને એક વર્ગમાંથી બીજા વર્ગમાં જવાનું થતું. એવા સમયે યુસુફભાઈ દોટ કાઢીને વહેલા વહેલા બીજા ક્લાસમાં પહોંચી જાય, જેથી છોકરીઓની પાટલી પાસેથી પસાર ના થવું પડે. આટલા શરમાળ અને સ્ત્રીઓની નજરથી બચતા એ જ  વ્યક્તિ  અભિનયની દુનિયામાં પ્રવેશ્યા પછી મહિલા પ્રેક્ષકોના અને ખાસ તો તેમની હિરોઈનોના અત્યંત  પ્રિય એક્ટર થયા એ કેવડું મોટું પરિવર્તન કહેવાય?  એક  પ્રેમી તરીકે  પડદા ઉપર નરગીસ, મધુબાલા અને વૈજયન્તીમાલાથી માંડીને ઠેઠ સાઈરાબાનુ  સુધીની નાયિકાઓ  સાથેનાં તેમનાં પ્રણય દ્રશ્યો અને પડદા બહારની વાતો -ગોસીપ-ને કારણે એક કરતાં વધુ  હિરોઈનો સાથે તેમના રોમાન્સની અને સંભવિત લગ્નની વાતો દિલીપ કુમારના જીવનમાં સતત સંભાળતી રહી.

પણ જો વિશ્વ યુદ્ધ ના થયું હોત તો યુસુફ ખાન કદાચ એક્ટર  દિલીપ કુમાર બન્યા જ ના હોત. એ રીતે જુઓ તો એમ કહી શકાય કે હિટલર કાંઈ સાવ નકામો સરમુખત્યાર નહતો. તેને કારણે આપણને દિલીપ કુમાર મળ્યા!! હકીકતમાં તો ચાલીસીના દાયકાના એ દિવસો એવા હતા કે આજે જેને 'કળા'નો દરજ્જો મળ્યો છે એ જ વ્યવસાયને  સમાજમાં એટલું માન સન્માન મળતું નહતું. અભિનય કરનારા  કલાકારોના   તો 'ભાંડ - મિરાસી' કહીને  ઉપાલંભ થતા.  નાટક - ચેટક કરે એ  સારા ઘરના છોકરા - છોકરીઓના સંસ્કાર નહતા ગણાતા. 

પછીનાં વર્ષોમાં દિલીપ કુમારના મજબુત  હરીફ ગણાયેલા  રાજકપૂરના દાદા દિવાન બશેસરનાથ  પણ  દિલીપ કુમારના પિતાજીની માફક જ પેશાવરના જ
હતા. મુંબઈ જેવા શહેરમાં પોતાના હમવતન મિત્ર સાથે મળવાનો પણ સિલસિલો ચાલે. એવી લગભગ દરેક  મુલાકાત વખતે સરવરખાન તો કાયમ તેમના મિત્રને  એમ કહીને ઉશ્કેરતા કે તેમના દીકરાને નાટકો કરવા દીધા પછી એ પોતાની મુંછ કઈ રીતે ઊંચી રાખી શકે છે? પણ સમયનું ચક્ર એની રીતે ફરતું રહે છે અને આજે જેની તમે મજાક મશ્કરી કરીને ઉતારી પાડતા હોવ એજ વ્યક્તિ કે વ્યવસાયને શરણે તમારે જવું પડે એવા પણ સંજોગો ઉભા થઇ શકે. વિશ્વ યુદ્ધ શરુ થતા આખી દુનિયામાં ઉથલપાથલ થઇ ગઈ. દેશમાંનાં  વાહન વ્યવહારનાં બધા સાધનો યુદ્ધને લગતી કાર્યવાહી માટે વપરાવા માંડ્યા.

પરિણામ એ આવ્યું કે પોતાના વતન પેશાવર તથા દિલ્હી, કલકત્તા  અને મુંબઈ પાસેના નાસિક -દેવલાલી જેવા સ્થળોની  વાડીઓમાંથી દ્રાક્ષ, સફરજન અને મોસંબી વગેરે લીલા ફળની હેરફેર ઉપર બહુ જ ગંભીર અસર પડી. રોજના પાંચ - છ વૅગનની હેરફેર કરતા ખાન સાહેબને હવે અઠવાડિયે એકાદ જ
વૅગન મળવા માંડ્યું. માલ ખરીદનાર સાથેના કરારનો અમલ ના થાય તો પેનલ્ટી ભરવાની અને બીજી બાજુ વાડી કે ગોડાઉનમાં પડેલા ફળ બગડી જાય તો નુકશાની વેઠવાની!

સરવરખાનનો વિશાળ કબીલો ભયંકર આર્થિક મુશ્કેલીમાં આવી ગયો. સ્ટોકમાં પડેલો માલ વાડીમાંથી રવાના કરી શકાય નહિ અને પડ્યા પડ્યા ફળ બગડી જવાનો ભય પણ રહે. તેથી નાછૂટકે
  તે સસ્તા ભાવે વેચીને ખોટ ખાવાથી શરૂઆત કરી. પણ  જથ્થો જ એટલો બધો હતો કે પછી તો એ ફ્રુટ મફત વહેંચવાનું શરુ કર્યું. ઘેર ઘેર પહોંચાડાતા કરંડિયા પણ લોકો કેટલા લે? સગા અને પડોશીઓ અથાણા પણ કેટલા નાખે? દરેક શહેરમાં પડેલા માલની એ હાલત હતી કે  દિલીપ કુમાર કહે કે પોતે તે દિવસોમાં જ્યાં હતા ત્યાં છેવટે પશુઆહાર તરીકે પણ ફળો જ મુકવા માંડ્યા. ભેંસો અને ગાયોને તગારાં ભરીને દ્રાક્ષ નીરવાના દ્રશ્યો પણ જોયાં. યુદ્ધ આજે પતે કાલે પતે એમ રાહ જોનારા સૌને નિરાશા થઇ. મહિનાઓ નહિ એ વરસો સુધી ચાલ્યું.

પરિણામે લેણિયાતોને આપેલી જબાન સાચવવા વાડીઓ - ખેતરો અને ધંધો વેચવા પડ્યા. પેશાવરનું ઘર હોય કે દેવલાલીનો બંગલો સઘળું વેચાઈ ગયું! કૌટુંબિક ઝરઝવેરાત અને
  ઘરની મહિલાઓના ઘરેણા કશું રહ્યું નહિ. બધું  વેપારની ખોટમાં  સ્વાહા  થઇ ગયું.  લાલાજીને સાવ નાના પાયે બટાકા -ડુંગળીનો ધંધો કરવાનો વારો આવ્યો. ઘરની આ હાલત જોઈ કયો દીકરો બેસી રહે? એટલે  જે યુસુફભાઈ કોલેજના અભ્યાસ દરમિયાન મેટ્રો સિનેમા સામેની તે દિવસોની લાયબ્રેરીમાં નિયમિત જતા અને મેગેઝીનોમાં લખતા લેખકો સાથે નિયમિત પત્ર વ્યવહાર કરતા તથા એક તબક્કે લેખક બનવાના પણ સપના જોતા તેમને એ બધું ભૂલીને નોકરી શોધવાનો વારો આવ્યો!

નોકરી મળી પુનાની આર્મી કેન્ટીનમાં. હોદ્દો કહેવાય તો આસીસ્ટંટ  મેનેજરનો. પણ  પગાર હતો મહિનાના માત્ર ૩૬ રૂપિયા!   કેન્ટીનમાં  આવતા  બ્રિટીશ સૈનિકો અને ઓફિસરોને નિયમિત ફ્રુટના બોક્સ લઇ આવતા જોઈ યુસુફનો વેપારી જીવ સળવળી ઉઠ્યો. અધિકારીઓને વિશ્વાસમાં લઇને ફરીથી ફળનો વેપાર શરુ કર્યો. ફ્રુટની ક્વોલીટી અને આપણા  'મિસ્ટર પઠાણ'ની વેપારની પધ્ધતિ એટલી સરસ કે  બોણી  અગિયાર વાગે કરે અને બે - અઢી  વાગે તો બધો માલ વેચીને છુટ્ટા થઇ જતા. પહેલા દિવસે  યુસુફભાઈને ૨૨ રૂપિયાનો નફો થયો!  મહીને છત્રીસ રૂપિયાના પગારની જગ્યાએ રોજ વીસ પચીસ રૂપિયા નફો  મળે એ કેવી મોટી તરક્કી હતી. થોડોક સમય ધંધો સરસ ચાલ્યો અને પૈસાની બચત પણ થવા લાગી.


સહેજ ગાડી પાટે ચઢતી લાગી અને વળી જાણે કે નસીબ રિસાયું. એક સરકારી ફતવો બહાર પડ્યો કે આર્મીની કેન્ટીનમાં કશું બહારનું વેચી ના શકાય! એટલે ફ્રુટનું વેચાણ બંધ કરવું પડ્યું. પણ ત્યાં સુધીમાં પાંચ હજાર રૂપિયા જેવી માતબર રકમ યુસુફ ખાન બચાવી શક્યા હતા. પૂનામાં રહ્યાને
  છ મહિના પણ થઇ ગયા હતા. તેથી  ઈદના શુભ દિવસે પાછા ઘેર ઉપડ્યા. નક્કી કર્યું કે પોતાની પાસેની બચત મા-બાપને આપીને તેમને તથા બાર ભાઈ - બેનોના વિશાળ કુટુંબને તહેવારના દિવસે સુખદ આશ્ચર્ય આપશે. પણ તેમને ક્યાં ખબર હતી કે શું થવાનું હતું
બપોરે ઘર કામ પતાવીને અમ્મીજાન પોતાની રૂમમાં આડે પડખે થયાં હતાં.  રોજ એ સમયે બાળકો મમ્મીના પગ દબાવી આપે.

તે દિવસે
  દિલીપ કુમારે જોયું કે અમ્મી હજી એકલાં જ હતાં અને પોતે ઘણા દિવસથી તેમને પગચંપી કરી આપી નહતી. યુસુફે સુતેલાં મમ્મી ના પગ દબાવતા અગાઉ ત્યાં  કપાળ અડકાડ્યું અને પ્રેમથી ચુંબન કરી પેલી  પાંચ હજાર રૂપિયાની  બચત રીતસર માતાના ચરણોને ધરી. મા તો આટલા બધા રૂપિયા જોઇને ચમકી ગયાં! યુસુફે ખુલાસો કર્યો કે પોતે પણ પરિવારની પરંપરાનો  ફ્રુટનો બીઝનેસ કર્યો છે અને આ તેની છ મહિનાની કમાણી છે. કઈ માતા આનંદ વિભોર ના થઇ જાય? અમ્મીજાને એ શુભ સમાચાર ઉત્સાહભેર પતિને આપ્યા. સરવરખાનના હાથમાં પાંચ હજાર રૂપિયા મુક્યા અને આ શું? દીકરાને ભેટીને શાબાશી આપવાની તો દૂર રહી, ગુસ્સાથી રાતાચોળ સિનીયર ખાન સાહેબે એ પાંચ હજાર રૂપિયાની નોટો ઉઠાવી અને બારીની બહાર ફેંકી દીધી! ( વધુ આવતા હપ્તે)      

No comments:

Post a Comment