No match found !
‘We need Anand Pattern in Govt. also!'' હસતા હસતા ડૉ. કુરિયન ૧૯૭૭ના સપ્ટેમ્બરમાં કહી રહ્યા હતા. જેમને કદાચ ખબર ના હોય એવા સૌની જાણકારી માટે કહું કે ‘અમૂલ’ની પધ્ધતિએ ડેરીઓ ઉભી કરવાની પ્રક્રિયા ડેરીની દુનિયામાં (ખરેખર તો દુનિયાભરના ડેરી ઉદ્યોગમાં!) ‘આણંદ પૅટર્ન’ અથવા ‘અમૂલ પૅટર્ન’ તરીકે ઓળખાય છે. સવાલ એ હતો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ‘નાયબ મામલતદાર’ની પરીક્ષામાં રાજ્યભરમાં બીજા નંબરે પાસ થયા પછી મારે એ નોકરી સ્વીકારવી કે ‘અમૂલ’ની જ ચાલુ રાખવી?
’૭૭ના એ દિવસોમાં હું ‘અમૂલ’માં એટલે કે કણજરી ખાતેની તેની દાણ ફેક્ટરીના સ્ટોર્સ વિભાગમાં સુપરવાઇઝર તરીકે જૉબ કરતો. (ના જાણતા હોય એવા સૌને માટે ઉપયોગી એવી એક માહિતી એ પણ છે કે કણજરી ગામમાં આવેલી અમૂલદાણની એ જ કૅટલફીડ ફૅક્ટરીની લૅબમાં ‘ઍન.ડી.ડી.બી.’નાં હાલનાં ચૅરપર્સન અમ્રિતાબેન પટેલ ‘એ.એન.ઓ.’- ઍનીમલ ન્યુટ્રિશન ઑફિસર- તરીકે કામ કરતાં હતાં!)
મારો 'નિમણુંક પત્ર' સરકારમાંથી આવ્યો અને હાજર થવાના દિવસો ઓછા હતા. ડેરીમાંથી તાત્કાલિક રાજીનામું આપવામાં અમુક સમયનો પગાર જમા કરાવવો પડે. સ્વાભાવિક રીતે જ એવા પૈસા તો હતા નહીં! તેથી માતા-પિતા સાથે બેસીને એક તબક્કે તો સતત બદલીઓ થાય એવી સરકારી નોકરી સ્વીકારવા કરતાં આણંદ જ હેડક્વાર્ટર હોય એવી ‘ડેરી ઝિન્દાબાદ’ની વિચારણા પણ કરી હતી. એવા દિવસોમાં થયેલી પત્રકારો સાથેની એક મિટીંગ પછી કુરિયન સાહેબને મળીને ‘ભરવાપાત્ર પગારની માફી’ અંગે વિનંતિ કરી. સવાલ થવો લાઝ઼મી છે કે ડેરીના મારા જેવા અદના નોકરિયાતને વળી ડૉ. કુરિયનની પ્રેસ કૉન્ફરન્સ જોડે શું લેવા દેવા?
કનેક્શન એ કે ‘અમૂલ’ની જૉબ સાથે સાથે હું અમારા પારિવારિક સ્થાનિક સાપ્તાહિક અખબાર ‘આનંદ એક્સપ્રેસ’માં ‘ફિલમની ચિલમ’ ઉપરાંત ‘આણંદમાં હરતાં ફરતાં’ કોલમ પણ પેપરની શરૂઆતથી (૧૯૭૪થી) ‘એચ.બી.’ના ટૂંકા નામે લખતો. સ્થાનિક મુદ્દાઓને હાઇલાઇટ કરતી એ કોલમની લોકપ્રિયતાને લીધે, જગજીતસિંગની અદામાં, તે દિવસોમાં કહી શકાય એમ હતું કે “હમને ભી ઉસ શહરમેં રહકર થોડા નામ કમાયા થા....”!
ડેરી અને ‘એનડીડીબી’ની પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસારમાં લોકલ લેવલના અખબાર તરીકે તેની દરેક પ્રેસ નોટ અક્ષરસઃ છાપી દેવાની અને પ્રેસ કોન્ફરન્સ પણ નિષ્ઠાપૂર્વક આખે આખી રિપોર્ટ કરવાની પ્રથા રાખી હતી. બે ત્રણ વખત તો એવું બન્યું હતું કે ઇંગ્લીશ અખબારોના પ્રતિનિધિઓ જે વડોદરા કે નડિયાદથી આવવાના હોય એ મોડા પડ્યા હોય કે કોઇ કારણસર પહોંચી ના શક્યા હોય,ત્યારે મારી નોંધમાંથી તેમણે રિપોર્ટીંગ કર્યું હોય.
એક ક્ષણ પણ વેડફવાની નહીં.... એક સમારંભ પછી ચાલતા ચાલતા ડૉ. કુરિયન આપના આ વિશ્વાસુ સાથે કશીક ચર્ચા કરી રહ્યા છે. |
પત્રકારોની સાવ નાનકડી
દુનિયામાં આ કશું અજાણ્યું ના રહે અને ડેરીના પબ્લિસિટિ વિભાગને પણ ખબર હતી. તેથી
‘અમૂલ’ની કેટલીક જાહેરાતો ખાસ કિસ્સા તરીકે ‘આનંદ એક્સપ્રેસ’ને પણ, મોટાં અખબારોની
સાથે સાથે, મળતી હતી. એવા એક અધિકારી મિત્રને વચ્ચે રાખીને એ પત્રકાર પરિષદ પત્યા પછી
‘સાહેબ’ પાસે મુંઝવણ રજૂ કરી અને તેમણે સરકારમાં પણ આણંદ પૅટર્નની આવશ્યકતા છે એમ હસતાં
હસતાં કહીને મારી આર્થિક મુંઝવણનો ઉકેલ થઇ જશે એમ સધિયારો આપ્યો. તેના ૨૪ કલાક પૂરા થાય તે પહેલાં તો હેડ ઑફિસેથી મૅસેજ આવી ગયો અને
બીજે દિવસે બધું ક્લિયર થઇ ગયું! તેને લીધે જ સમયસર પહેલી ઑક્ટોબરે ડૅપ્યુટી મામલતદાર
તરીકે હાજર થઇ શકાયું હતું.
તેમની કાર્યશૈલીનો
મારા માટે એ અંગત પરિચય હતો. બાકી ડેરીના વહીવટમાં તો તેમની એ સ્ટાઇલ સર્વવિદિત હતી
જ. એ અંગેની વિગતે ચર્ચાઓ અલગ અલગ ફૉરમમાં થઇ છે. પ્રારંભિક દિવસોની તેમની સ્ટ્રગલની
વાત તેમણે પોતાના પુસ્તક ‘આઇ ટુ હૅડ એ ડ્રીમ’માં કરી જ હશે. (મારા જોવામાં આવ્યું નથી,
હજી જો કે). તેમના ૯૦ વરસના જીવનને મૂલવતા ઍનાલિસીસ પણ થયા છે, મરણ પછીના ગણત્રીના
કલાકોમાં પણ થયા છે અને હજી થયા કરશે. ખાસ કરીને અંતિમ વરસોમાં થયેલા વિવાદો અંગેનું
વિશ્લેષણ.
એ મતભેદો કઇ હદના વકર્યા
હશે તેનો અંદાજ અહીં કૅનેડામાં બેઠા પણ કરી શકાય છે. કેમ કે ઍન.ડી.ડી.બી.’ની સ્થાપના
તથા સંચાલનમાં ડૉ. કુરિયનના યોગદાન વિશે તે સંસ્થાએ સત્તાવાર રીતે શું લખ્યું છે તે જોવા આજે આ લેખ માટે ‘ઍન.ડી.ડી.બી.’ની વૅબસાઇટ જોઇ. તો તેમાં ડૉ. કુરિયનનો કોઇ ઉલ્લેખ
જ નથી! સ્વાભાવિક છે કે હાલના સત્તામંડળમાં એ ના જ હોય. પરંતુ, વૅબસાઇટની ‘સર્ચ’માં
‘ડૉ.કુરિયન’ લખો તો પણ રિઝલ્ટમાં ક્શું જ ના મળે. “ડૉ. કુરિયન નૉટ ફાઉન્ડ” એ કેવું?
અથવા તો 'No match found' જેવું કશુંક આવે એ ભલે તાત્ત્વિક રીતે સાચું પણ હોય કે કુરિયનની સાથે મૅચ થાય એવું કોઇ નથી મળતું! છતાં શું કોઇ સંસ્થા પોતાના ઇતિહાસમાંથી તેના સ્થાપકને બાદ કરી શકે? એ ખરું કે વેબસાઇટ
પર તે ૧૯૯૯થી છે એમ વંચાય છે અને તેના આગલા વરસે ૧૯૯૮માં અમ્રિતાબેન પટેલને ચાર્જ સોંપીને
ચેરમેન તરીકેથી ડૉ. કુરિયન છુટા થયા હતા. પરંતુ,
’૯૮ની સાલ સુધી એટલે કે સ્થાપનાનાં પ્રથમ ૩૦ વરસ કરતાં વધુ સમય સુધી જે વ્યક્તિએ પોતાની
જાતને જે સંસ્થા માટે સતત કાર્યરત રાખી હોય તેનું નામ નિશાન એ સંસ્થાના રૅકોર્ડ પર
ના દેખાય? એ તે કેવું ખુન્નસ?
તેથી ડૉ. કુરિયન છેલ્લા દિવસોના વિવાદો
ટાળી શકાયા હોત? એ સવાલનો જવાબ ડેરી ઉદ્યોગની ત્રણે સર્વોચ્ચ સંસ્થાઓ એન.ડી.ડી.બી.,
ફેડરેશન અને ‘ઇરમા’ના આંતરિક પ્રવાહોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જાણનારા કદાચ વધારે સારી
રીતે આપી શકે. જે સંસ્થાઓ પોતે ઉભી કરી હોય અને પોતાના હાથ નીચેની જે વ્યક્તિઓને તેનું
સુકાન સોંપ્યું હોય એ તેમના કહ્યામાં રહે એવી માનવ સહજ ઇચ્છા એ વિવાદોના મૂળમાં હશે
કે ખરેખર એ સંસ્થાઓ તેમનો રાહ ચૂકી રહી હતી અને એક સ્વપ્નદ્રષ્ટા તરીકે તેમને પોતાનું
સપનું ફંટાતું લાગતું હતું, તેનો નિર્ણય તો ઇતિહાસ જ કરશે.
પણ એક આણંદવાસી તરીકે અમારા એક નાનકડા નગરને વિશ્વના નકશા પર મૂકવા બદલ એ મહાવિભૂતિ
મારા મનમાંથી તો કદી નહીં વિસરાય... કોઇ વેબસાઇટ ઉપર તેમનું નામ હોય કે ના હોય શો ફેર
પડે છે? તેમને શ્રદ્ધાંજલિ આપવા અમૂલના કેમ્પસમાં ગામેગામથી ઉભરાયેલા દૂધ સોસાયટીઓના
હોદ્દેદારોના ફોટા જોઇ અને સભાસદોની ભીડના સમાચાર ‘નયા પડકાર’માં વાંચી એમ માનવાનું
મન થાય છે કે એ લાગણી મારા એકલાની નથી.
હું તો કદી એ વાત ભૂલી શકવાનો નથી કે જ્યારે વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીએ
‘અમૂલ’ જેવી ડેરીઓ આખા દેશમાં શરૂ થઇ શકે તે હેતુથી ‘ઍન.ડી.ડી.બી’ની સ્થાપના કરવાનું
કહ્યું ત્યારે તેમને અને પછી ઇન્દીરાજીને પણ ડૉ. કુરિયને એમ કહ્યું કે ‘ઍન.ડી.ડી.બી’નું
હેડક્વાર્ટર દિલ્હીમાં નહીં આણંદમાં જ રહેશે! (“દિલ્હીમાં તો અધિકારીઓ રહે છે... ખેડૂતો
ક્યાં હોય છે?!” એ તેમનું ફેમસ ક્વોટ.) જો એ બધી ઑફિસો દિલ્હીમાં હોત તો? બૉર્ડ ઑફ
ડીરેક્ટરમાં કેટલા આઇ.એ.એસ. અધિકારીઓ હોત એ અથવા તો ચૅરમૅન તરીકે પશુપાલન મિનીસ્ટ્રીમાંથી
રિટાયર થયેલા કોઇ સિનીયર સૅક્રેટરી કે એકાદા નકામા (જે બિચારા પાસે પ્રધાન થવા જેવું પણ કોઇ કામ ના હોય એવા ‘નકામા’!) રાજકારણીને બેસાડી દેવાયા હોત કે કેમ એ કલ્પના કરવા જેવી
છે.
આણંદ તથા સમગ્ર ચરોતરના વિકાસમાં ડેરી અને તેને સંલગ્ન તમામ સંસ્થાઓની મુખ્ય ઑફિસો એ નગરમાં હોવાનો કેટલો ફાળો છે, એ સમજાવવાની જરૂર છે ખરી? અહીં કૃષિ યુનિવર્સિટી કે વૅટરનરી કૉલેજ હોય એ બધું જ આજથી ૪૦ વરસ પહેલાં ’૭૦ના દાયકામાં આવી ગયું હોય તો એ શાના પ્રતાપે? પછીનાં વર્ષોમાં ગામડાની પ્રજાનાં હિતોને ધ્યાનમાં રાખીને મૅનેજરો તૈયાર કરતી ઇન્ડીયન ઇન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ મૅનેજમૅન્ટ ઍસોસીએશન અર્થાત ‘ઇરમા’ જેવી સંસ્થાનો ક્રાન્તિકારી વિચાર આવે. દેશની અને કદાચ એશિયાભરની એવી એ પ્રથમ શિક્ષણ સંસ્થા ઉભી થાય. તેમાં ભણવા દેશભરના તેજસ્વી યુવાનો અને યુવતિઓ તેના કૅમ્પસમાં આણંદ એ રીતે આવે જેમ સીધા કલેક્ટર થવા એવા સૌ મસુરી જતા હોય છે! આણંદ માટે એ કેવા ગૌરવની વાત હતી/છે એ સમજવા ચરોતરવાસી હોવું આવશ્યક નથી.
એવા વિઝનવાળા ડૉ. કુરિયનને રાજકારણીઓની અને તે કરતાંય વધારે તો તેમની દખલગીરીની ભારે સુગ હતી. તેથી તેમણે હંમેશાં સીધો સંપર્ક વડાપ્રધાન કક્ષાનો જ રાખ્યો હતો. તેમની એ ડાયરેક્ટ કૉન્ટેક્ટ લાઇન. તેમાં વચ્ચે કેન્દ્રના પણ કોઇ મિનિસ્ટર સુધ્ધાં ના આવી શકે. ‘નો મિડલમૅન’! (વચેટિયા વગરનો દૂધ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે સીધો સંબંધ એ સૂત્ર પર તો ડેરીનું સપનું સાકાર થયું હતું.) એટલે જ એ પોતે એક કરતાં વધુ વખત માન્ય કરી ચૂક્યા હતા કે વહીવટમાં તેમને સંપૂર્ણ છુટો દોર આપનારા ત્રિભોવનદાસ પટેલ જેવા નિષ્ઠાવાન સહકારી આગેવાન ના મળ્યા હોત તો અમૂલની સફળતા આટલી કદાચ ના હોત.
રાજકારણીઓની દખલનો અનુભવ અન્ય રાજ્યોમાં ડેરીના અને ગુજરાતમાં તેલ જેવા વ્યવસાયમાં પછી થયો; ત્યારે ત્રિભોવનકાકા જેવા લીડર અને કુરિયન જેવા સંચાલક બન્ને ભેગા થાય તો જ ચમત્કારિક પરિણામો મળી શકે એ સત્ય સૌને પણ સમજાયું હતું. તેથી કુરિયન ‘અમૂલ’ની મુલાકાતે ન્યુઝીલેન્ડના કોઇ ડેરી સાયન્ટિસ્ટને બોલાવે કે કોઇ પ્લાન્ટના ઉદઘાટન માટે તત્કાલિન વડાપ્રધાનને નિમંત્રે તેમાં ‘કાકા’ની કશી પાડાપૂછ નહીં અને સભાસદોના હિતમાં મંડળીઓની મિટીંગમાં જે પૉલીસી નક્કી થાય એમાં કુરિયન સહિતના કોઇ મૅનેજરનું કશું ઇન્ટરફિયરન્સ નહીં. આ લક્ષ્મણ રેખા નક્કી.
વળી, કુરિયન સાહેબના સંપર્કોમાં ‘કોઇ બિચોલિયા નહીં’! તેથી જવાહરલાલ નહેરૂથી શરૂ કરીને ઇન્દીરા ગાંધી હોય કે રાજીવ ગાંધી અને પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદથી માંડીને લગભગ તમામ પ્રેસીડેન્ટ્સને તેમણે આણંદ નિમંત્ર્યા. સૌ પ્રેમથી આવે અને સરકારી વહીવટમાં હોવાને કારણે એવી મુલાકાતો વખતે કરવાના બંદોબસ્તને લીધે અકળાતા અધિકારીઓને જોવાનો સ્વ અનુભવ પણ આ લખનારને રેગ્યુલર જોવા મળતો. પણ એવા તમામ મહાનુભાવોની એવી પ્રત્યેક મુલાકાત વખતે આણંદવાસીઓની છાતી ગજ ગજ ફુલે.
એ સિવાય પણ નિયમિત ધોરણે વિદેશી મહેમાનો આવે. એ બધાને ડેરીના તમામ પ્લાન્ટની ચોખ્ખાઇ ઉડીને આંખે વળગે. આજે મલ્ટિપ્લૅક્સ કે મૉલમાં જે સ્વચ્છતા જોવા મળે છે, તે ‘અમૂલ’ના પ્લાન્ટમાં રખાવવાનો કુરિયન સાહેબનો દાયકાઓ પહેલાંથી આગ્રહ. ફુડ પ્રોડક્ટ એટલે કે દૂધ, દહીં, છાશ,ચોકલેટ, શ્રીખંડ અને આઇસ્ક્રીમ વગેરેના ઉત્પાદન, અને સંગ્રહ માટેની આદર્શ ચોખ્ખાઇ દેશી-વિદેશી મહેમાનોને આશ્ચર્યચકિત કરી દેતી. સ્વચ્છતાનો એ ઝનૂની આગ્રહ માત્ર માણસો માટેના જ નહીં પશુઓના આહારમાં પણ એટલો જ. હું જ્યાં નોકરીમાં હતો, તે દાણ ફેક્ટરીમાં તો આખો વખત ડાંગરનાં છોડાંની કુસકી સહિતના નર્યા પાવડર ઉડતા હોય. પણ એ બધો પાવડર સાફ કરવાનું અને પોતું મારવાનું આખો વખત સતત ચાલે; તે માટે સફાઇ કર્મચારીઓ વધારે રાખવા પડે તો તે રાખીને પણ પ્લાન્ટ સ્વચ્છ જ રાખવાનો હોય.
કુરિયન સાહેબ ગમે તે વખતે આવી જાય એ બીક સતત રહે. બધા અધિકારીઓ અને કર્મચારીઓ અધ્ધર જીવે જ હોય. ખરી પરીક્ષા બિચારા બાગાયતવાળાઓની થાય. તેમને કમ્પાઉન્ડમાંની ઘાસની લૉન પણ મેઇન્ટેઇન કરવાની હોય. એ ઘાસ તો નિયમિત કપાવું જ જોઇએ; સાથે સાથે તેના ઉપર પાવડર ઉડીને પડ્યો હોય તો તે પણ સાફ થયેલો હોવો જ જોઇએ. દૂધના કે ચૉકલેટના પ્લાન્ટમાં હોય એવી જ લીલીછમ લૉન પશુઆહારની ફેક્ટરીના કમ્પાઉન્ડમાં પણ દેખાવી જોઇએ. એવી સ્વચ્છતા રાખવા ગમે એટલો ખર્ચ થાય તે અંગે કોઇ ચંચુપાત નહીં.
વળી, એ બધી સ્વચ્છતા માત્ર ‘વીઆઇપી’ મહેમાનોને જ નહીં પણ દૂધ ઉત્પાદકોનેય નિહાળવા મળે. રોજ ગામે ગામથી મંડળીઓના સભાસદોની મુલાકાત હોય. મુલાકાતીઓને અમારા વડીલ મિત્ર રવીન્દ્ર યાજ્ઞિક અને તેમની ‘પીઆર’ વિભાગની ટીમ પ્લાન્ટની વિગતો સમજાવે. ડેરીના માલિકો એવા મેમ્બર્સ તદ્દન પારદર્શક રીતે જોઇ શકે કે ગામની મંડળીએ જમા કરાવેલું તેમનું દૂધ કયા કયા પ્રોસેસમાંથી પસાર થાય છે, તેનો સંગ્રહ કેવા ઠંડા સ્ટોરેજમાં થાય છે, તેનાં બટર, ચીઝ અને ચૉકલેટ જેવાં ઉત્પાદનો કેવી રીતે બને છે અને તેમનાં પશુઓ માટેનો આહાર કણજરી ફેક્ટરીમાં કયાં કયાં આરોગ્યપ્રદ તત્વોથી બને છે તેમજ એ જ કમ્પાઉન્ડમાં તેમની ભેંસોની ઑલાદ સુધારવા માટે કાર્યરત ‘એ.આઇ. સેન્ટર’માં ચાલતી કૃત્રિમ વીર્યદાનની થતી કાર્યવાહીની પણ સમજ મળે.
તેને કારણે “સ્વચ્છતા એ પશુપાલનની પ્રાથમિક જરૂરિયાત છે” એ સત્ય ઓછું ભણેલા ખેડૂતોની અને ખાસ તો ગ્રામ્ય મહિલાઓની માનસિકતામાં ઉતારવાની કેટલી મોટી સેવા થતી હતી! ચરોતરમાં તો કહેવાતું કે ‘ઢોરની ઠાઠો કરવા તેની પાછળ ઢોર થવું પડે’ અને તેથી થોડી ઘણી ગંદકી તો હોઇ શકે એવું મનાતું. એ સમાજને સંપૂર્ણ સ્વચ્છતાનો સંદેશ કોઇ શાળા વગર આડકતરો ભણાવાયો એ સામાજિક યોગદાન કોઇ ઇતિહાસકારે નોંધ્યું હશે કે? સોસાયટીએ દૂધ ભરવા આવનાર મહિલાઓના માથે સ્વચ્છતાને કારણે ચમકતી પવાલીઓ અને બોઘરણાં એ ખેડા જિલ્લાની સાંજનું કાયમી દ્રશ્ય!
પશુ પાલકની બેદરકારી અથવા તો ગમાણ કે તેની ગંદકીને કારણે પશુ બિમાર થાય તો તેની સારવાર માટે વેટરનરી ડૉક્ટર ડેરીમાં ૨૪ કલાક (૨૪x૭) ઉપલબ્ધ હોય અને તે પણ એકાદ બે નહીં જુદા જુદા રૂટના સંખ્યાબંધ. તેમની ગામે ગામ રેગ્યુલર વિઝીટ પણ થાય. આમ સવાર-સાંજ ગમે તે ભાવે દૂધ લઇને દૂધ ઉત્પાદકોને તથા તેમનાં પશુઓને તેમના હાલ પર છોડી દેતા વચેટિયા વેપારીઓની જગ્યાએ ‘આણંદ પૅટર્ન’માં ડૉ. કુરિયને દૂધાળાં ઢોરના જીવનના આદર્શ ખોરાકથી લઇને તેમના આરોગ્યની કાળજી અને તેમને સાયન્ટિફિક રીતે સુધારેલી તંદુરસ્ત ભાવિ ઑલાદ મળે તે સહિતનું સંપૂર્ણ પૅકેજ હતું.
નેચરલી, દેશ-પરદેશના ‘વીવીઆઇપી’ તેનાથી પ્રભાવિત થતા. પણ તે દિવસોમાં મુશ્કેલી એક જ થતી... ડેરી સુધી પહોંચવાનો રસ્તો (બધી રીતે!) હાઇવે જેવો સપાટ નહતો. પરંતુ, અમારી આણંદ નગરપાલિકાએ એ ખરબચડા સિંગલ રોડનો એક સરસ રસ્તો તો કાઢ્યો જ. ઉપરાંત તેમની કદર તરીકે કદાચ આખા ભારતમાં ક્યાંય ના હોય એવી રીતે ડૉ. કુરિયનને આણંદમાં એક સવલત આપીને સન્માન્યા! ( કેવી રીતે? તે અને બીજી વાતો આવતી કાલે... મને તો વાતો કરતાં થાક નથી લાગ્યો. પરંતુ, વાચકનો પણ વિચાર કરુંને?.... દૂધ હોય તોય શું? પ્રમાણસર સારું!!)
A great tribute by salil bhai....really when we took our college students for industrial visit at amul......we got stunned by seeing that world class infrastructure....and ya...we each time all students and staff were offered milk.......
ReplyDeletei had three four ocassions to see him and talked to him as a reporter and also as a human being by the grace of dr. dilavarsinh ji jadeja , the then vice chancelar of the s.p. uni. he was always very simple and kind hearted.
ReplyDeleteWorld will miss him always...
ReplyDeleteNice opening coverage on Dr.Kurien....waiting for the full article before I comment...
ReplyDeletegood salilbhai.dr.kuriyan 82 pachi kelendar jovanu bhuli gaya hata.jeni temne moti kimmat chukvi.
ReplyDeleteNice article. Enjoyed.JSK. Bansi
ReplyDeleteNice article. Enjoyed. JSK. Bansi
ReplyDeleteસરસ, હૃદયપૂર્વકની અંજલિ. બીજા ભાગની પ્રતીક્ષા
ReplyDelete