Sunday, September 2, 2012

દિલીપ કુમાર (૧)


દિલીપકુમાર: સિનેમાના શોખને  ઘેલછામાં બદલનાર કલાકાર

  
ઓ.પી.નૈયર, મનુમામા અને કોઈ ભજનની લોકપ્રિયતાને  શું લાગે વળગે? પણ કેટલાંક રહસ્યોના ખુલાસા યાદગાર હોય છે. બહુ નાનપણની આ વાત છે. અમારા સાવ નાનકડા ગામ કઠાણા (સ્ટેશન)માં અમુક સિઝનમાં લગભગ આંતરે દિવસે કોઈક’ને કોઈકને ત્યાં ભજન થતાં. 'રાત્રી જગો' ના નામે ઓળખાતા એ કાર્યક્રમમાં વચ્ચે આવતા વિરામ સમયે ચા સાથેના નાસ્તામાં અમારી દુકાનનું ચવાણું જ હોય. સેવ-ચેવડો, ચણાની દાળ અને તીખી-મોળી પાપડીનાં મોટાં પડીકાં સાથે ઝીણાં સમારેલાં ડુંગળી-ટામેટાં લેવા આવનારને અમારી દુકાનનો નોકર ભગો કહેશે, ''ધજાઓ વહેલી ફરકાવજો..''  કેમકે તેને તેમાં ગવાતું  ''તારી ધોળી ધજાઓ ફરકે, એ જોઈ મારું મન મલકે શામળિયા...'' એ ભજન બહુ ગમે.  

દિવસ દરમિયાન ભજિયાં પાડતાં કે જલેબીને ચાસણીમાં ઝબોળતાં એકાદ-બે વાર તો એ ભજન ગણગણે જ.  એટલે અમને બધાને પણ એ ગમતું થઇ ગયેલું. ભગો આ રીતે અમારી ફરમાઇશ મોકલતો, જેથી સુતા પહેલા અમે તે સાંભળી શકીએ. તેથી એ દિવસોમાં  થતાં ભજનોમાં એ મોટેભાગે વહેલું  જ ગવાય.  ભજનમાં છેલ્લે ઢોલક અને નરઘાં (તબલાં) સાથે  મંજીરાની જે રમઝટ થાય તે રાત્રે છાપરા ઉપર સુતા સુતા સાંભળવાનો આનંદ કેવી રીતે વર્ણવવો?

રાત્રીજગો સીમમાં હોય ત્યારે તો માત્ર તેનો ઢાળ જ સંભળાય. અંતરાના શબ્દો ખબર ના પડે. એવામાં એક વાર બોરસદ  મોસાળમાં 'ભજનાવલી'  જોવા  મળી અને તેમાં પહેલું જ ભજન    ''તારી ધોળી ધજાઓ ફરકે...'' ! ભજનની શરૂઆતમાં કૌંસમાં લખેલું, "ઉડે જબ જબ ઝૂલ્ફે તેરી... એ ઢાળ '' . એટલું જ નહીં, એ વાક્ય  તે પુસ્તિકામાં એક કરતાં વધુ ભજન પહેલાં લખેલું હોય. આ કયા ગીતનો ઢાળ છે? એવી બાળસહજ ઇંતેજારીનો અંત ઠેઠ ૧૯૬૭માં આવ્યો, જયારે અમારા મનુમામા એ 'રામ ઔર શ્યામ' પિક્ચર બતાવ્યું અને એક આજીવન ઘેલછા તરફનો કલાત્મક ધક્કો મારી આપ્યો!  

 ત્યાં સુધી રાજેન્દ્ર કુમાર મારા ગમતા -ફેવરીટ- એક્ટર. દિલીપ કુમાર વિષે ઝાઝી જાણકારી નહિ. બોરસદમાં એક દવાની દુકાન ઉપર ‘સનટોન’ કે એવા કોઈ ટુથ પાવડરની જાહેરાતમાં બત્રીસી દેખાડીને હસતા દિલીપ કુમારનો ફોટો જોયો હોય તે માફ. પિતાજી  આર.એસ.એસ.વાળા. એટલે દિલીપ કુમાર મુસ્લિમ છે એ ખુલાસો પણ થયા કરે. વડોદરા બોર્ડીંગમાં પણ મોટેભાગે રાજ કપૂર કે રાજેન્દ્ર કુમારના જ  ચાહકો જોવા-સાંભળવા મળે.  એવા સંજોગોમાં મનુમામા દિલીપ કુમારનું  'રામ ઔર શ્યામ' જોવા વડોદરાની નવરંગ  ટોકીઝમાં લઇ ગયા. તે વખતે ફિલ્મના આગોતરા વખાણને લીધે બીક હતી જ કે આમાં પણ  'અનુપમા'વાળી ના થાય તો સારું! 'અનુપમા' બતાવતાં પહેલાં (અને પછી પણ) મામાએ પિક્ચરની અને શર્મિલા ટાગોરની જે પ્રસંશા કરેલી એ સોળ- સત્તર વરસની ઉંમરે બહુ અજુગતી લાગેલી.  

ફ્રેન્કલી કહું તો એ વખતે 'અનુપમા'  ભારે બોરિંગ ફિલમ લાગેલી. અઢી કલાકના પિક્ચરમાં સાવ ગણતરીના સંવાદો બોલનાર શર્મિલા, તો   પ્રિય વૈજયંતીમાલા કે મીનાકુમારીની નજીક પણ ના આવી  શકે એવું ગંભીરપણે લાગેલું. પણ જેમના પૈસે પિક્ચર જોવા મળતું હોય તેમની પસંદગી વિરુધ્ધનો મત વ્યક્ત કરીને ભાવિ મનોરંજન કાર્યક્રમો  શું કામ જોખમમાં મૂકવા? એવી કિશોરવયની સાદી સમજ. મામાએ નવા જ રીલીઝ થયેલા 'રામ ઔર શ્યામ' નાં વખાણ તો પિક્ચર જોવા જતાં પહેલાં કર્યાં જ; વધારામાં  તેમણે સિનેમાની બેઝિક સમજણ આપતા હોય એમ સમજાવ્યું કે “રાજેન્દ્ર કુમારનાં પાત્રો સારાં હોય છે, જયારે દિલીપ કુમારની એક્ટિંગ સરસ હોય છે”. પણ મનમાં  'અનુપમા' સ્વાભાવિક રીતે  જ ડોકાયા કરે. એમ થયા કરે કે રાજેન્દ્ર કુમાર જેવી હેર સ્ટાઈલમાં ફોટા પડાવનાર મામાના મુખેથી દિલીપકુમારનાં વખાણ?

પરંતુ, આ વખતે મનુમામા સાચા પડયા!  'રામ ઔર શ્યામ'માં દિલીપ કુમારની એક્ટિંગ જોતાં ચકિત થઇ જવાયું. માય ગોડ! તદ્દન બીકણ એવા 'રામ' ના પાત્રમાં પ્રાણની એક બુમે થરથર  કાંપતા દિલીપ કુમાર અને 'શ્યામ' તરીકે પ્રાણ પાસેથી હંટર છીનવીને તેમને જ  ફટકારતા  દિલીપ કુમાર કેટલી સરસ રીતે બે તદ્દન વિરોધાભાસી અભિનય કરતા હતા. ‘શ્યામ’
હોટલમાં ટેબલ ભરીને ખાય અને તેનું બીલ ‘રામ’ને માથે પડે એ રાજ કિશોર સાથેનો કોમેડી સીન હોય કે નિરૂપારોયને એક ભાઇ તરીકે લાગણીભીનું આશ્વાસન આપતા હોય બધે જ પરફેક્ટ લાગતા હતા દિલીપ કુમાર.  પિક્ચર પત્યા પછી અને મામાથી છુટા પડ્યા પછી પણ દિલીપ કુમાર મારા મનમાંથી ખસતા નહતા.  હું વેચાઈ ગયો હતો... દિલીપ કુમારને ! 

તે દિવસે ગામડા ગામમાંથી વડોદરા ભણવા આવેલો એક સીધો સાદો વિદ્યાર્થી દિલીપ કુમાર અને સિનેમાની લતે ચઢી ગયો. એ વરસ હતું કોલેજનું પહેલું વર્ષ. ત્યારે 'પ્રિ.કોમર્સ' તરીકે ઓળખાતા (આજનું ૧૨મું ધોરણ એવા) એ સમયમાં સ્વતંત્રતાનો એક નવો જ એહસાસ હતો. સવારની કોલેજ એટલે ૧૨ વાગ્યા પછીનો આખો દિવસ ફ્રી મળે. કોલેજમાં પણ હાજરી લેવાય નહિ. સો જેટલા વિદ્યાર્થીઓમાં ‘આવનારાની ગણત્રી નહીં અને જનારાનો હિસાબ નહીં’ જેવો ઘાટ હોય. કોણ આવ્યું અને કોણ નહીં એ પૂછનાર કોઈ નહીં. નીરસ લાગતા લેકચરરનો બોરિંગ  પીરીયડ છોડવાની ફેશન અને કેન્ટીનમાં બેસીને જુદા જુદા વિષયો ઉપર ચર્ચા કરતા અન્ય વિદ્યાર્થીઓ. 

ચારે તરફ મુક્તિનો એવો અકલ્પ્ય અનુભવ, જેમાં કોઈ વાતે તમને કોઈ પૂછે નહિ. જ્યાં રહીએ તે બોર્ડીંગમાં પણ ચડ્ડી પહેરીને સ્કૂલે જતાં બાળકોને બદલે પેન્ટ શર્ટ પહેરીને ભણવા જતા વિદ્યાર્થીઓના ‘કોલેજ વિભાગ’માં રહેતા હોઇ એક અલગ  સ્તરમાં ગણાઈએ. એવા એ દિવસોમાં મનુમામાએ 'રામ ઔર શ્યામ' બતાવ્યું  હતું! વિદ્યાર્થી તરીકે મળેલી એ નવી આઝાદીના દિવસોમાં   "સારી રીતે ભણીને વહેલા વહેલા ગ્રેજુએટ થઇ જાવ તો  જિંદગીની દિશા અને પરિવારની આર્થિક  દશા બદલી નાખી શકશો''  એવી શિખામણ - કમ - ચેતવણી  કોલેજના પ્રાધ્યાપકો, બોર્ડીંગના ગૃહપતિ, સમજુ સિનીયર વિદ્યાર્થીઓ અને ખાસ તો માતા - પિતા સૌ પોતપોતાની રીતે  આપતા હતા. પરંતુ, એ તમામ  ''ગજેન્દ્ર બાબુ'' એમ પ્રાણને પડાકારવા ત્રાડ પાડતા 'શ્યામ' - દિલીપ કુમાર-ની મર્દાના ગર્જનાને પગલે પડતી તાળીઓ અને સીટીઓમાં ક્યાંય ખોવાઈ ગઈ.
 
 તે રાત્રે સતત એમ જ લાગ્યું કે દિલીપ કુમાર સિવાય હવે જાણે કે જીવનમાં બીજું કશું હતું જ નહીં. એ ચુંબકીય ખેંચાણ સિનેમાનું હતું કે દિલીપકુમારનું? એવી બારીકીમાં ત્યારે પડવાનું ભાન પણ ક્યાં હતું? હવે ચટપટી લાગી કે દિલીપ કુમારની બીજી કઈ ફિલમ છે? બીજે દિવસે પેપરમાં જોયું. તો મેટીની શોમાં નજીકના એક થીયેટરમાં 'નયા દૌર' ચાલે. હવે સમયનું કોઈ બંધન તો હતું નહિ. એટલે  ઉપાડી સવારી 'નયા દૌર' તરફ અને ત્યાં ખુલાસો થયો ભગાના પ્રિય ભજનનો! પેલા ઢાળનું મૂળ ગાયન '' ઉડે જબ જબ જુલ્ફેં તેરી...” તો આ પિક્ચરનું હતું. વળી,  દિલીપ કુમાર તો અહીં પુરબહારમાં ખીલેલા હતા. કેમ કે અહી 'રામ'વાળી ભીરુતા તો બતાવવાની જ નહતી. બસ 'શ્યામ' હી 'શ્યામ'!  તેમાં  ઘોડાગાડીવાળા તરીકે તે 'કુંદન' ( જીવન)ને ગામમાં બસ લઇ આવવા બદલ એમ કહે કે   ''અમીર ઔર ગરીબ કા કાહે કા ઝગડા, બાબુ? ઝગડા તો હાથ ઔર મશીન કા હૈ'' અને આખા શરીરમાંથી એક ઝણઝણાટી પસાર થઇ જાય. પેલા (ભગાના પ્રિય)  ભજનના મૂળ ઢાળનું ઓ.પી. નૈયરનું સ્વરબધ્ધ કરેલું ગીત  ''ઉડે જબ જબ જુલ્ફેં તેરી, કંવારીયોં કા દિલ મચલે...'' દિલીપ કુમાર જબરી મસ્તીથી વૈજયંતીમાલા સાથે ગાય! 


 તો "યે દેશ હૈ વીર જવાનોં કા અલબેલોં કા મસ્તાનોં કા..."માં  અજીત સાથે ભાંગડા કરતા તે ગાય અને થાય કે આવો નાચ કરતું બીજું કોઈ નથી. દિલીપ કુમાર  તેમના જિગરી દોસ્તની ગેરસમજ બદલ પ્રેમિકા પાસે આંસુ પાડે અને અનાયાસ આંખ  ભીની થઇ જાય. જ્હોનીવોકર ફોટો પાડતા પહેલાં  'ઈસ્માઈલ પ્લીઝ' એમ કહે અને એ  બોલી ઉઠે કે ''ઈસ્માઈલ આજ કામ પે નહિ આયા...'' ત્યારે એક ગ્રામ્યજનની  નિર્દોષતા પણ એટલી જ માસુમ લાગે.  એ બેન સાથે ગમ્મતભરી નોંકઝોંક  કરતા હોય કે ઈન્ટરવલ પહેલાં  અજીત જોડે એ ફાઇટ કરતા હોય કશુંય બનાવટી ના લાગે. ક્યાંય એ ઓછા ના ઉતરે. દિલીપ કુમારે 'રામ ઔર શ્યામ'  અને 'નયા દૌર'ના તેમના અભિનયથી ભૂરકી જ એવી નાખી કે જિંદગીમાં પહેલીવાર એક એવું ગાંડપણ કર્યું જેણે ખરેખર જ જીવનની દશા અને દિશા બન્ને બદલી કાઢ્યાં. 

રાજેન્દ્ર કુમાર જેવા દેખાતા મનુમામા તો સાંજે પાછા બોરસદ જતા રહ્યા હતા. પણ અમારા પ્રથમ ફેવરીટ હીરો રાજેન્દ્ર કુમારનો પ્રિય અભિનેતા તરીકેનો એ છેલ્લો દિવસ. બીજે દિવસે  ૧૨ના શોમાં 'નયા દૌર'  જોયા પછી  ૩ થી ૬માં  'રામ ઔર શ્યામ'  જોવા બેસી ગયો! સતત ૬ કલાક અસ્તિત્વ દિલીપકુમારમય. એવું સળંગ ચાર દિવસ કર્યું: રોજ  ૧૨ના શોમાં 'નયા દૌર'  અને ૩ થી ૬માં 'રામ ઔર શ્યામ'! પરિણામ એ આવ્યું કે સાતમા ધોરણ સુધી  કાયમ વર્ગમાં પહેલો નંબર લાવનાર એક નિયમિત અને સંનિષ્ઠ વિદ્યાર્થી કોલેજના પ્રથમ જ વરસના અંતે જિંદગીમાં પહેલીવાર નાપાસ થયો! 

'નયા દૌર' 
થી 
દિલીપ કુમારની અને  સિનેમાની કંઠી બાંધી તે આજ સુધી ભક્તિભાવે યથાવત છે અને  એનો કદી લગીરે અફસોસ નથી થયો. બલકે જીવનભર એવાં ગાંડપણ કર્યે જ રાખ્યાં. વરસો પછી ફરી એ પાગલપન નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલના અભિનયથી અભિભૂત થઇને 'ચક્ર' ફિલ્મ વખતે કર્યું. તે દિવસે અમદાવાદમાં ૧૨ના, ત્રણના અને ૬ના એમ સળંગ ત્રણ શોમાં 'ચક્રજોયું અને સોને પે સુહાગા જેવો રાત્રે પાછો નસીરુદ્દીન શાહનો તખ્તાનો અભિનય તેમના અંગ્રેજી નાટકમાં રૂબરૂ જોયો! એ ઘેલછાનું ઇનામ શું? તે સાલના 'ફિલ્મફેર' એવોર્ડમાં નસીર તથા સ્મિતા પાટીલને નોમીનેટ કર્યાં અને તમામ કેટેગરીમાં અમારા  જ સૂચવેલા કલાકારોને ટ્રોફી મળી. તે સાચી પૂર્વ ધારણા બદલ 'ફિલ્મફેર' તરફથી  રૂ.દસ હજારનું ઇનામ એવા ચાર વાચકોને વહેંચાતાં ચોથા હિસ્સે રૂ.અઢી હજાર જીતી શકાયા હતા!  

 'રામ ઔર શ્યામ'  આવેલું નવરંગ ટોકીઝમાં  જેમાં અમારા દુરના સગા અને બોરસદના જ એવા ઠાકોરભાઈ બુકિંગ ક્લાર્ક. રોજ તેમની પાસે જ ટીકીટ લેવાની થાય. ચોથા દિવસે તેમણે ચિંતાથી પૂછ્યું ''ભાણાભાઇ, કોલેજમાં  રજાઓ   છે?''  ત્યારે  એ  સિલસિલો અટક્યો.   ટીકીટ ઉપર અપર સ્ટોલ કે  બાલ્કનીના સીટ  નંબરની  સાથે સાથે ઇકોનોમિકસ અને બુક કીપિંગના પુસ્તકોના ચેપ્ટર નંબર પણ એટલા જ અગત્યના છે એવી મિત્રોની સલાહ ઉપર વિચારણા શરુ કરી. પણ  ગંભીર અમલ? કદી શક્ય ના બન્યો!  કેમકે  દિલીપ કુમારે સંપૂર્ણ કબજો લઇ લીધો હતો.  એ હજી આજે પણ નથી છૂટ્યો.... રાજેશ ખન્નાથી અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનથી રણબીર કપૂર સુધીના બધા જ એકટરોના સમય જોયા છતાં! તે દિવસોમાં આજના જેવી સગવડો ક્યાં હતી? અત્યારની પેઢી કેટલી નસીબદાર છે કે તેમના પ્રિય કલાકારની કોઈ પણ ફિલ્મ કે તેનું ગીત -સંગીત કોમ્પ્યુટર કે ઇવન સેલ ફોન ઉપર એક ક્લિક કરતા સાંભળવા મળે છે.  તે દિવસોમાં તો કોઈ ફિલ્મ ગમતી હોય તો એ જયારે આવે ત્યારે અને જે ટોકીઝમાં લાગે ત્યાં જ જોવા મળી શકે.  


 એટલે  દિલીપ કુમારની  'મધુમતી', 'યહૂદી', 'પૈગામ', 'કોહીનુર', 'લીડર' કે  'દિલ દિયા દર્દ લિયા' જેવી અગાઉ આવી ગયેલી  ફિલ્મો મોર્નિંગ અને મેટીની શોમાં  ભણવાનો કોર્સ પૂરો કરવાની ધગશથી જોવા માંડી. 'મુગલે આઝમ' અને 'ગંગા જમુના' સરખી ક્લાસિક ફિલ્મો  તો ના ગમતી ટોકીઝમાં આવે તો પણ ડાકોર પૂનમ ભરવાની હોય એટલી ધાર્મિકતાથી  જોઈ જ આવવાની.  તેમના વિષે જ્યાં જે મળે એ વાંચવું - સાંભળવું  એ એક આદત બની ગઈ. દિલીપ કુમારના ઈન્ટરવ્યુ, તેમની જીવનકથા, તેમની ફિલ્મોના રીવ્યુ, તેની ચર્ચાઓ બધું કટિંગ કરીને રાખવાની ટેવ  પડી. કાળક્રમે એ ટેવ તમામ કલાકારો માટે વિસ્તરી. તેનું એક અદભૂત ફળ ચાર દાયકા પછી રાજપીપળામાં મળ્યું. 

રાજપીપળા સ્થિત પત્રકાર અને  અમારા કરમસદના મિત્ર સોહંગ બ્રહ્મભટ્ટે તે દિવસોમાં, ૨૦૦૫ના ડીસેમ્બરમાં, સંદેશો આપ્યો કે ત્યાં દિલીપ કુમારને રૂબરૂ જોવા/મળવાની તક હતી. બીજા જ દિવસે અમે સવારી ઉપાડી રાજપીપળા!  ત્યાં જઇને જોયું તો કોઈને ઈન્ટરવ્યુ તો ઠીક નજીક જવાની પણ તક ન મળે એવો સખ્ખત બંદોબસ્ત.  શુટિંગના સ્થળે દિલીપ સા’બ ખાસ આવે નહીં. તે દિવસે નસીબજોગે  સાઈરાબાનુ અને દિલીપ કુમાર બન્ને હતાં. શુટિંગ જોતા સૌની ભીડ વચ્ચેથી, સોહંગે સ્થાનિક પરિચયો કામે લગાડીને, ગમે તેમ કરીને, દિલીપ કુમારના ફોટા અને તેમના વિશેના લેખો, સમાચારોનાં કટીંગ વગેરેની એ ફાઈલ સાઈરાબાનુ  સુધી પહોંચાડી. મોકો મળતાં જ એ ભીડમાં પણ આલ્બમ એ સ્ટાર કપલને બતાવ્યું. સાઈરાજી તો એ દળદાર સંગ્રહ જેવા આલ્બમને જોઇને એવાં ખુશ થઇ ગયાં કે  જોયા પછી  તે  દિવસે તો  પરત આપવાનો ઇનકાર કરી દીધો અને અમારો જીવ અધ્ધર!   (વધુ આવતા હપ્તે)

તસ્વીર: સોહંગ બ્રહ્મભટ્ટ, કરમસદ
તસ્વીર: સોહંગ બ્રહ્મભટ્ટ, કરમસદ




2 comments:

  1. વાહ......કહેવો પડે તમારો દિલીપકુમાર પ્રત્યે નો ભક્તિભાવ!!!!!!!
    સાચે જ બહુ સહજતાથી તેઓ પાત્રને જીવી જતા.ક્યાંય અભિનય ના લાગે. એકદમ કુદરતી લાગે.ટ્રેજેડી કિંગ કોમેડી ના પણ બાદશાહ હતા. નવા એપિસોડ નો બેસબ્રી થી ઇન્તઝાર છે.

    ReplyDelete
  2. Only living legend in Bolywood.Another living legend in politics is Atalbihari.Both are retired.JSK.Bansi. Sorry I could not talk with you today.Pl phone again.

    ReplyDelete