Monday, September 17, 2012

ડૉ. કુરિયન.. જરા સી હંસી, દુલાર જરા સા....!


થેન્ક યુ ફૉર આણંદ પૅટર્ન, સર!

ડૉ. કુરિયન અને ડેરીના નિમંત્રણ પર ‘અમૂલ’ને જોવા આવનાર દેશ-વિદેશના મહેમાનોની અવર-જવરને ધ્યાનમાં રાખીને આણંદ નગરપાલિકાએ વર્ષો પહેલાં એ રોડને સરસ બનાવ્યો. (ભૂલતો ના હોઉં તો અમૂલની આર્થિક સહાય સહ) અને તેનું નામ ‘અમૂલ ડેરી રોડ’ પાડ્યું. એટલું જ નહીં, ડૉ. કુરિયન જ્યાં રહેતા તે વિસ્તારને ‘ડૉ. કુરિયન ઍન્ક્લૅવ’ જાહેર કરાયો. તેની ફરતે આવતા રસ્તાઓ ઉપરથી ઘોંઘાટ કરતાં મોટાં વાહનો પસાર ના થઇ શકે તે માટે ગાડીઓની  ઊંચાઇ મર્યાદિત કરતી લોખંડની આડશો ઉભી કરવામાં આવી. પોતાના શહેરમાં વસતા કોઇ કવિ, લેખક, પેઇન્ટર કે સર્જનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત એવા મહાનુભાવને શાંતિથી પોતાનું કામ કરવાની સવલત આપવા વિદેશોમાં આવી વ્યવસ્થા કરાતી હોય છે. પરંતુ, આપણા દેશમાં અને ગુજરાતમાં? કદાચ પ્રથમવાર આમ થયું હતું. 


હવે ‘ઍન્ક્લૅવ’નો ડીક્ષનેરી અર્થ “એક દેશની અંદર વિદેશી સત્તાનો વિસ્તાર” એવો થાય છે. અહીં મુદ્દો શબ્દાર્થનો નહતો. તેની પાછળ શ્વેત ક્રાન્તિના એ ભીષ્મ પિતામહને જરૂરી શાંત એકાંત આપવાની ભાવનાનો હતો. પરંતુ, સમય સમય પર જ્યારે પણ  ડૉ. કુરિયન કોઇ વિવાદના કેન્દ્રમાં આવ્યા, ત્યારે એ તેમની આગવી દુનિયામાં વસે છે એવો આક્ષેપ કરનારા સૌને ‘ઍન્ક્લૅવ’ શબ્દ હાથવગો થતો. તેમની વિરુધ્ધ વિવાદો થવા સ્વાભાવિક પણ હતા. જુદા જુદા સમયે તેમના મતભેદો  જગજીવનરામ અને રાવ બિરેન્દ્રસિંગ જેવા કેન્દ્રના સિનીયર એગ્રીકલ્ચર મિનીસ્ટર્સ સાથે પણ થયા હતા!
એ બન્ને પ્રસંગે પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીએ અંગત રસ લઇને બેઉ પ્રધાનોને કુરિયનની કામગીરીમાં દખલ કરતા રોક્યા હતા. ઇન્દીરાજી તો ૧૯૬૫માં ડૉ. કુરિયનને અપાયેલા ‘પદ્મશ્રી’ ઍવોર્ડથી પણ ખુશ નહતાં.... તેમને ડૉ. કુરિયનની બેશુમાર કામગીરીની સરખામણીએ તે પુરસ્કાર ઓછો લાગ્યો હતો. તેથી એક જ વર્ષ પછી ૧૯૬૬માં પોતે અંગત રસ લઇને તેમને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાવ્યા હતા! (‘પદ્મ’ પુરસ્કાર એક જ મહાનુભાવને સતત બે વર્ષ-બૅક ટુ બૅક- મળ્યા હોય એવો એ કદાચ પહેલો પ્રસંગ.)

ડૉ. કુરિયનના મંત્રીઓ કે અધિકારીઓ સાથેના વિવાદોમાં કોણ સાચું હશે કે કોણ  ખોટું એની કોઇ ભાંજગડમાં ના પડીએ તો પણ કુરિયન સાહેબ તેમની સંસ્થાઓની સ્વતંત્રતા અને સ્વાયત્તતા સાચવવા જે ઝનૂનથી લડતા એ યાદ કરીએ તો તેમને એક સમયના એવા જ વિવાદાસ્પદ ચૂંટણી કમિશ્નર શેષાનના પૂર્વજ કહી શકાય. ડૉ. કુરિયનને કેટલીકવાર ‘સરમુખત્યાર’ પણ કહેવાયા હતા. પણ એ ખુલાસામાં કહેતા કે “ખેડૂતોની સંસ્થાઓમાં લોકશાહી અને તેમનાં હિત સચવાય તે માટે હું સરમુખત્યાર થતાં પણ નથી ખચકાતો!”

‘અમૂલ’ની સફળતા અને તેને પગલે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં તેમજ સરવાળે ઍન.ડી.ડી.બી.ના કારણે દેશભરમાં સહકારી ધોરણે દૂધનો ધંધો કેવી રીતે થાય તેની સમજ વિસ્તરી અને આજે એ સહજ પ્રક્રિયા લાગે છે. “ડેરી તો આવી જ હોયને?” એવી સ્વાભાવિકતા આવવાને કારણે ડૉ. કુરિયનની કામગીરીને ઇંગ્લીશમાં કહીએ તો ‘ટેકન ફૉર ગ્રાન્ટેડ’ ગણી લેવાતી. પરંતુ, જૂના દિવસો યાદ કરો તો દૂધ ઉત્પાદકોને કેવા શોષણમાંથી પસાર થવું પડતું એ ખ્યાલ આવે. અમારા ગામમાં તો માવાની ભઠ્ઠીઓ પણ ત્રણ-ચાર અને પૉલ્સનનો સંચો પણ ખરો. શિયાળામાં તો કેટલીયવાર દૂધનું પ્રમાણ વધી જાય તો એ ખાનગી વેપારીઓ લેવાની ના પાડે અને ભરવાડ બેનોને પાણીના મૂલે દૂધ વેચતાં જોઇ હતી.

ગામમાં ડેરી આવ્યા પછી ડેરીના સભાસદોના દૂધની ક્વૉલિટી ચકાસવા લેવાતા સૅમ્પલનું દૂધ ખરીદવાનું અમારા પિતાશ્રીએ રાખ્યું હતું. પછી તો અમારી દુકાને લાડુ, જલેબી અને ફરસાણ-ભજીયા ઉપરાંત દૂધ-દહીં પણ અમે વેચતા. અઠવાડિયે બે ત્રણ વાર છાશનાં વલોણાં કરીએ. બધા ભાઇઓએ બા સાથે  પિત્તળની મોટ્ટી ગોળીમાં વલોણાં ખેંચાવ્યાં અને ઝૈડકા પણ દેવડાવ્યા. એ દિવસોમાં દૂધ ભરવા આવનાર સૌ જોડે વાતો કરવાનું પણ થતું. ભૂતકાળના શોષણનો ખ્યાલ પણ એ સૌ આપે. જેમ કે ખાનગી વેપારીઓ દૂધની ક્વૉલિટી નક્કી કરવા દૂધની પવાલી કે બોઘરણામાં પહેલી બે આંગળી નાંખે અને બહાર કાઢે; જેટલું દૂધ ચોંટી રહે તે પ્રમાણેની ગુણવત્તા અને એ મુજબ પૈસા નક્કી થાય. દૂધનું વજન પણ વેપારી પોતાના વાસણ મારફત આશરે જ નક્કી કરે. પૈસા તરત ના મળે. 


 
એટલું જ નહીં, સમાજના અમુક કચડાયેલા વર્ગનું દૂધ લેવાય ત્યારે પણ અલગ વાસણોમાં લેવાય અને તે પણ સૌથી છેલ્લે! લે ત્યારે અધ્ધરથી જ લે. શિયાળામાં દૂધાળાં ઢોર વધારે દૂધ આપે ત્યારે ભાવ ઘટાડી દે. રોજ ચોક્કસ લીટરથી વધારે લેવાનું ના હોય. તેથી શિયાળામાં વહેલી સવારે ઉઠીને સીમમાંથી રીતસર દોટ કાઢીને ગામમાં વેપારીના સંચે પહોંચવું પડે.... રખેને તેની દૂધ લેવાના લીટરની મર્યાદા પૂરી થઇ જાય અને તે દિવસનો સરસામાન સમેટીને શહેર તરફ રવાના ના થઇ જાય! ઢોરના આરોગ્યની કોઇ ચિંતા એ વેપારી ના કરે. ઢોરને કપાસિયા કે ખોળ જેવા પરંપરાગત ખોરાક ખવડાવાતા. તેની ક્વૉલિટીની કે તેમાંનાં તત્વો, વિટામીન્સ વગેરેના પ્રમાણની કોઇ વૈજ્ઞાનિક ચકાસણી ના થઇ હોય.  એની સામે ડેરીની ‘સોસાયટી’ (કે ‘મંથન’માં સ્મિતા પાટિલ કહે છે એમ, ‘સિસોટી’)માં કુરિયન સાહેબનું ‘આણંદ પૅટર્ન’નું સંપૂર્ણ પૅકેજ આવ્યું, જેમાં નાત-જાત-ધર્મ કે ગરીબ-તવંગરના ભેદ ન હતા.

એટલે ડૉ. કુરિયનની  ‘આણંદ પૅટર્ન’નું સૌથી મોટું પ્રદાન એ કે તેનાથી દૂધના વેપાર અને ઢોરોની માવજત માટે તો ગ્રામ્ય પ્રજા જાગૃત થઇ જ; પણ સામાજિક સમાનતાનું પણ કેવડું મોટું યોગદાન! સોસાયટીમાં દૂધ ભરવાની લાઇનમાં હિન્દુ- મુસ્લિમ- બ્રાહ્મણ- પટેલ- હરિજન સૌ એક જ લાઇનમાં ઉભા રહેતા થયા, બધાનું દૂધ એક માપલાથી મપાય, એક મશીનમાં બધાનાં સેમ્પલની શીશીઓ સાથે મૂકાય તથા તેનો ‘ટૅસ’ (ટેસ્ટ) નીકળે અને દરેક પોતપોતાના દૂધની ગુણવત્તા અનુસારના પૈસા શાંતિપૂર્વક લે. 

આ કોઇ નાનીસુની સામાજિક ક્રાન્તિ હતી? સ્ત્રીઓને દર ટંકે પૈસા મળી રહેતા અને ઘરની રોજીંદી જરૂરિયાતો માટે પતિ પાસે હાથ લંબાવવામાંથી તેમને મળેલી મુક્તિ કેવી સ્વાયત્તતા આપી શકી તેનું યોગ્ય વિશ્લેષણ કોઇ રીસર્ચ સ્ટુડન્ટ કરશે કે? એ જ રીતે સમાજ જેમને ઢોર કરતાં પણ બદતર રીતે ટ્રીટ કરતો હતો એ સૌને પણ ‘માણસ’ ગણવાની શરૂઆત દેશનું નવું બંધારણ અમલમાં આવ્યાના થોડાક જ સમયમાં ગ્રામ્ય કક્ષાએ કરાવનાર ‘આણંદ પૅટર્ન’ના મુખ્ય વાહક તરીકે કદાચ કોઇ વાર ડૉ. કુરિયન સરમુખત્યાર થયા હોય તો પણ તેમના એવા તમામ ગુના માફ!

એ ઉપરાંત ડૉ. કુરિયન વિદેશોમાંથી મશીનરી કે આખે આખા પ્લાન્ટની ભેટ લઇ આવતા, તે આડકતરા આર્થિક યોગદાનની નોંધ તેમની શ્રધ્ધાંજલિમાં કોઇએ લીધી છે કે? એ હંમેશાં કહેતા “ભેંસ કેવી રીતે દોહવી તેની મને ખબર છે!” (આઇ નો હાઉ ટુ મિલ્ક એ કાઉ) તેમની એ આવડતથી ખેડૂતોની સંસ્થાઓને લાભ જ થયો હતો. છતાં એ જ વાત એક તબક્કે તેમની સામે ધરવામાં આવી હતી. તે દિવસોમાં ‘ઇન્ડીયન એક્સપ્રેસ’ માં એક લેખમાં એવી દલીલ કરાઇ હતી કે અમૂલની સફળતામાં એ બાબતનો પણ ફાળો છે કે કુરિયન કાચો માલ, મશીનરી અને ક્યારેક તો આખે આખા પ્લાન્ટ ભેટમાં લઇ આવ્યા હતા. જાણે કે કુરિયન કે તેમની ટીમનું અન્ય કોઇ પ્રદાન નહતું. ત્યારે મેં ‘ઇન્ડીયન ઍક્સપ્રેસ’ના તંત્રીને તે લેખ સામે પ્રમાણમાં (તે દિવસોનાં અંગ્રેજી છાપાંમાં છપાતાં નાનાં ચર્ચાપત્રોના પ્રમાણમાં) લાંબો પત્ર લખ્યો હતો અને તે ‘લેટર્સ’ વિભાગમાં  છપાયો પણ હતો. મારી દલીલ એક જ હતી કે જો એમ જ હોય તો સંપૂર્ણ સરકારી ભંડોળથી ચાલતાં જાહેર ઉદ્યોગનાં એકમો શાથી નફો નથી કરતાં?

ડૉ. કુરિયન સામે રીતસરનું પ્રચાર યુધ્ધ પણ એક સમયે શરૂ થયું હતું. તેમની ‘શ્વેત ક્રાન્તિ’ને ‘સફેદ જુઠાણું’ (‘વ્હાઇટ લાઇ’) કહેતી કવર સ્ટોરી  દેશના તે સમયના  સૌથી મોટા ઇંગ્લીશ સામયિકમાં આવી હતી. જો કે એમ ના થયું હોત તો જ આશ્ચર્ય થાત. કેમ કે ડૉ. કુરિયને ‘અમૂલ’ બ્રાન્ડને માત્ર દૂધના વેપાર પૂરતી સીમિત રાખવાને બદલે દૂધની અન્ય પ્રૉડક્ટમાં પણ ઉતારી હતી. હવે એ માત્ર ગામડામાં દૂધના સંચા ચલાવનારા વેપારીઓ સામે નહીં પણ મલ્ટિનૅશનલ કંપનીઓ સામે હરિફાઇમાં હતા.


જ્યારે ‘અમૂલ બેબી ફુડ પાવડર’ માર્કેટમાં આવ્યો, ત્યારે બજારમાં જાણે કે ભૂકંપ આવ્યો હતો. ત્યાં સુધી વિશ્વભરમાં એમ જ મનાતું કે દૂધનો પાવડર ગાયના દૂધમાંથી જ બને. પરંતુ, ડૉ. કુરિયનના મિશીગન યુનિવર્સિટીના સાથી તથા અમૂલ ડેરીના સિનીયર ટેક્નોક્રેટ અમારા દલાયા સાહેબે ભેંસના દૂધનો પાવડર વિકસાવ્યો. તે વખતે ‘યુનિસેફ’ના અધિકારીઓ સાથે કુરિયન અને દલાયાની ટૅગ ટીમે જે રજૂઆતો અને પ્રયોગો
જે સંજોગોમાં કરી બતાવ્યા હતા, જેને પગલે યુનિસેફની મદદથી મિલ્ક પાવડરની મશીનરી ૧૯૫૫માં આણંદ લાવી શકાઇ તેની રસપ્રદ વાત ક્યારેક કરવી છે. એમ તો કુરિયન સાહેબનાં ‘વન લાઇનર્સ’ પણ યાદગાર છે. એ બોલે એટલે તેમના મંતવ્યનું વજન પણ તેમના અવાજ જેટલું જ ભારે હોય!


દલાયા સાહેબે ભેંસના દૂધને મિલ્ક પાવડરમાં રૂપાંતરિત કરવાની શોધ કર્યા પછી ડૉ. કુરિયનની માર્કેટીંગ કુનેહની કમાલ શરૂ થઇ. ‘અમૂલ’ના પ્રચાર-પ્રસારને પગલે ઘેર ઘેર નાનાં બાળકોને ‘અમૂલ બેબી ફુડ’ જ અપાવા માંડતાં ‘ગ્લેક્સો’ અને ‘નેસ્લે’ને હાંફ ચઢાવી દીધો હતો. ‘અમૂલ’ ચૉકલેટ માર્કેટમાં પ્રવેશે અને ‘કૅડબરી’ને જબરદસ્ત હરિફાઇ પૂરી પાડે. ‘અમૂલ’નો આઇસ્ક્રીમ આવે અને ભલ ભલી જાણીતી કંપનીઓના બિઝનેસ ઠંડા ગાર થઇ જાય. ડૉ. કુરિયન ‘કૉ-ઓપરેટીવ હેડ’ કરતાં ‘કૉર્પોરેટ હેડ’ થઇ ગયા હોવાનું પણ કહેવાતું. કેમ કે બધી પ્રૉડક્ટ માટે ‘અમૂલ’ની ક્વૉલિટી અને પબ્લિસિટિનું એક સરસ ધોરણ હોય.


એ રીતે જોઇએ તો ડૉ. કુરિયન કદી લઘુતા ગ્રંથીથી ના પીડાયા. એ ચંદ્રકાન્ત બક્ષી કે અભિનેતા રાજકુમારની માફક સકારણ સુપિરિયારિટી કૉમ્પલેક્સવાળા જરૂર કહી શકાય.  તેથી ગામડા ગામમાં દૂધ ભરવા જનાર સામાન્ય દૂધ ઉત્પાદક વતીથી ચલાવાતા વહીવટની તો વળી કેવી જાહેરાતો હોય? એવી કોઇ લઘુતાગ્રંથીથી પીડાયા વગર કોઇ મલ્ટિનૅશનલની અદાથી શ્રેષ્ઠ ઍડ કેમ્પેઇન બનાવડાવ્યા. ‘અમૂલ બેબી’નાં દર થોડા દિવસે બદલાતાં ચબરાકીયાં અને ‘અમૂલ ધી ટેસ્ટ ઑફ ઇન્ડીયા’નું સૂત્ર કે અહીં નીચે મૂકેલી એક મિનિટની “જરા સી હંસી દુલાર જરા સા....”ની ઍડ ફિલ્મ શું શું ગણાવવું?  

  

વિચાર તો કરો? માત્ર ૨૪૭ લીટર દૂધ એકત્ર કરવાથી શરૂ થયેલી સરદાર પટેલના માર્ગદર્શન હેઠળની એક ચળવળને પગલે ‘અમૂલ’ અને પછી ‘ઍન.ડી.ડી.બી.’ના પ્રયાસોને કારણે આજે ભારત દુનિયાભરમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો ‘નંબર વન’  દેશ બન્યો છે. હવે ઇન્ડીયાની નૅશનલ જીડીપીમાં ૬% ફાળો દૂધનો છે અને ખેતીવાડીના જીડીપીમાં દૂધની આવકનો ભાગ ૨૬ ટકા છે! એટલે તેમની વિચારસરણી કે કામ કરવાની પધ્ધતિ સામે જે કોઇને જે પણ વાંધા હોય; પણ આ યોગદાન કેવડું મોટું છે, તે મનમાં રાખવું જોઇએ. તે વ્યક્તિની કદર થવી જ જોઇએ. તેમના મૃત્યુ સમયે બીજું કાંઇ પણ યાદ કર્યા વગર માત્ર અને માત્ર આ ભગીરથ કામગીરીનું પવિત્ર સ્મરણ કરવાનું હોય એમ સમજીને આ પ્રયાસ કર્યો છે. તેથી હું પણ માનું છું કે દૂધની પેદાશો માટે ‘ટેસ્ટ ઑફ ઇન્ડીયા’ ઉભો કરનાર ડૉ. કુરિયન માટે આખો ભારત દેશ ‘ટીયર્સ ઑફ ઇન્ડીયા’ વહાવતો હશે!






એક આણંદવાસી તરીકે અમને એ વાતનો પણ ગર્વ છે કે ડૉ. કુરિયનને છેલ્લાં વર્ષોમાં આફ્રિકાના દેશોએ
તેમના ડેરી ઉદ્યોગને વિકસાવવા નિમંત્ર્યા હતા. વળી એક તબક્કે તો પાકિસ્તાનના લશ્કરી શાસકે પણ કુરિયન સાહેબને  આકર્ષક પૅકેજ સાથે આમંત્રણ મોકલ્યું હતું. ત્યારે પહેલાં મજાકમાં તેમણે એમ કહ્યું કે “જનરલ મુશર્રફ સિવીલ ડ્રેસમાં (આણંદ) લેવા આવે તો વિચારું!” પછી ગંભીરતાથી એ ઓફરને નકારતાં કહ્યું હતું કે “હવે તો અંતિમ શ્વાસ આણંદમાં જ લેવા છે...”.  RIP Sir.... No words can express our gratitude enough!


 
 


3 comments:

  1. Superb Salilbhai....last cartoon also.....

    ReplyDelete
  2. See the current scenario, say post Kurian scenario, once started as co-operative movement, has now been converted into completely professional movement. Milk price is being hiked 4 times in a year and that to Rs. 2 per litre. Now brand "Amul" has not interest in milk, but interested in "products"..

    I salute Dr. Kurian that he lived in Anand till date. There are instances, after achieving their life goal people go back to native places, e.g. Sridharan of Konkan railway or Delhi Metro etc. Even a few people have left India also e.g. Palonji Mistry and M F Hussain..

    RIP Dr. Kurian once again...

    ReplyDelete
  3. good and informative writing! thanx.

    ReplyDelete