Monday, September 10, 2012

દિલીપ કુમાર - ૨





દિલીપ કુમાર વિશેનો આલ્બમ જેવો અમારો  સંગ્રહ પરત આપવાનો સાઈરાજીએ ગમ્મતભર્યો  ઇનકાર કર્યો. પણ  સાથે સાથે  એક સાદો ઉપાય પણ બતાવ્યો. તેમણે એક રાત  પુરતો એ સંગ્રહ રાખીને  તેની ફોટોકોપી કાઢી લેવાની ઈચ્છા વ્યક્ત કરી. સામે અમે પણ 'સાહેબ'નો ઈન્ટરવ્યુ માગ્યો અને તેમણે સંમતિ આપી. તે રાતે એક તરફ  રાજપીપળામાં કોઈ કોપી સેન્ટરમાં જ્યારે ફિલ્મના  યુનિટ મેમ્બર દિલીપ સા'બ વિશેના લેખોની નકલ કાઢી રહ્યા હશે, ત્યારે અમે દુરદર્શનના પ્રશાંત જાધવનો સંપર્ક કરતા હતા. બીજે  દિવસે રાજપીપળાના સર્કીટ હાઉસના પ્રાંગણમાં દુરદર્શન માટે દિલીપ કુમારની મુલાકાત લીધી.  એક કરતાં વધુ વખત દુરદર્શન અમદાવાદ ઉપરથી પ્રસારિત થયેલી એ મુલાકાત ખરેખર તો દિલીપ કુમાર સાથે એક જ ફ્રેમમાં આવવાની જિંદગીભરની  મહત્વાકાંક્ષાના  મોક્ષ સમાન  હતી.  

કેમેરા સમક્ષની એ વાતચીતના અંતે દિલીપ કુમાર એમ બોલતા હતા કે "હું, તમે કે બીજા કોઈ પણ નહિ હોય ત્યારે પણ આ આકાશ, આ ધરતી, નદીઓ, પહાડો  એ સઘળી કુદરતની અદભુત સૃષ્ટિ રહેવાની છે...."  ત્યારે જ  અચાનક એ બેઠા હતા તેની પાછળથી  ખળખળ અવાજ કરતો પાણીનો પ્રવાહ શરુ થયો.  હકીકતમાં તો  નિયત સમયે  સર્કીટ  હાઉસ દ્વારા પાણી છોડવાની કરાતી  રોજીંદી  કાર્યવાહીનું  જ એ પરિણામ હતું. પણ ઈત્તફાકથી તેનું ટાઈમિંગ  ખુબ સરસ થયું.  ઝરણાની માફક વહેતા દેખાતા એ પાણીના પ્રવાહને લીધે એક અણધારી પણ અદભુત દ્રશ્ય રચના કેમેરામાં કંડારાઈ ગઈ.



રાજપીપળાને કુદરતે જે સૌન્દર્ય બક્ષ્યું છે, તેને લીધે એ નગરના રહેવાસીઓ ગૌરવપૂર્વક એને 'ગુજરાતનું પેરીસ' પણ કહેતા હોય છે. તે ઈમેજને   બિલકુલ અનુરૂપ ખુબસુરત દ્રશ્ય રચના અનાયાસ રચાઈ ગઈ.  એ શહેરના પ્રેમીઓમાં અમે પણ જોડાઈ ગયા. રાજ પીપળા હવે અમારા માટે તો  પેરીસ નહિ, કાશી-અયોધ્યા કે મક્કા - મદીના જેવું પવિત્ર સ્થળ છે. કેમ કે અહીં જ એ કલાકાર સાથે રૂબરૂ મળાયું હતું ; જેમની 'મુગલે આઝમ' કે 'ગંગા જમના' થી લઈને ઠેઠ 'શક્તિ' સુધીની ફિલ્મો અગણિત  વખત જોઈ હતી. આ એ જ  સ્ટાર હતા જેમણે ફિલ્મોનું ગાંડપણ લગાડ્યું હતું. હકીકતમાં તો આ લખનારને  ફિલ્મો અને કલાકારો વિષે લખતા કરવાની ગંગોત્રી દિલીપ કુમાર હતા.


એ જ વાત જયારે  તેમને  ઈન્ટરવ્યુ પહેલાની અનૌપચારિક  વાતચીતમાં કહી, ત્યારે એ અતિ નમ્ર ઇન્સાને શું જવાબ આપ્યો હતો, જાણો છો?  "શુક્રિયા. લેકિન યે મીડીયમ હી ઐસા હૈ કી મેરી નહિ તો કિસી ઔર વજહ સે ભી આપ ફિલ્મો કી તરફ ખીંચતે હી. કયું કી આપ મેં વો જઝબા મૌજુદ થા." મુલાકાત પછી સાઇરાબાનુએ પોતાના હસ્તાક્ષરમાં એક સરસ અને કોઇ સ્ટાર પોતાના ચાહકને લખે તેના કરતાં વિગતે એક પ્રશંસા પત્ર લખી દીધો. તેના ઉપર દિલીપ કુમારે જ્યારે હસ્તાક્ષર કર્યા, ત્યારે તેમના વિષે જાણકારી એકત્ર કરવાની વરસોની આરાધનાની પ્રસાદી જેવો એ લાગ્યો હતો. આજે પણ એ મહામૂલી મુડીની માફક સચવાયેલો છે.

દિલીપ કુમાર વિષે સંગ્રહાયેલી એ  વિગતોમાં જગજાહેર એ હકીકત તો ખરી જ કે તેમનું અસલ નામ ‘દિલીપ’ નહતું. મૂળે તો એ યુસુફખાન પઠાણ હતા. પણ જે ગાળામાં ફિલ્મોમાં અભિનય કરવા એ આવ્યા, તે સમય ભારતીય ઉપમહાખંડના ઈતિહાસનું  સૌથી લોહિયાળ પ્રકરણ હતું. કોમી હુલ્લડોએ  દેશભરમાં હિંદુ અને મુસ્લિમ બંને ધર્મના લાખો લોકોને રહેંસી નાખ્યા હતા કે બેઘર કરી કાઢ્યા હતા. એવા માહૌલમાં ફિલ્મો અને તેના કલાકારો પ્રત્યેની વફાદારીઓ ધાર્મિક રંગે રંગાયેલી હતી. તેમાં કોઈ આશ્ચર્ય પણ નહતું. વળી દિલીપ કુમારનું મૂળ વતન પેશાવર હતું જે ત્યારે તો ‘એન ડબલ્યુ એફ પી’ એટલે કે નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર પ્રૉવિન્સ તરીકે ઓળખાતો પ્રદેશ હતો.

ત્યાંના  ખૂંખાર પઠાણ તેમની  પર્સનૅલિટીને કારણે દેશભરમાં  બે વ્યવસાયોથી જાણીતા હતા. એક તો કાજુ, બદામ અને  પીસ્તા જેવા સુકા મેવા વેચતા રવીન્દ્રનાથ ટાગોરના યાદગાર પાત્ર  'કાબુલીવાલા' સરખા  પ્રેમાળ પઠાણ અને બીજા જેમના કારણે 'પઠાણી ઉઘરાણી' જેવો શબ્દ આપણી ભાષા એ પ્રયોજવો પડ્યો એ ધીરેલાં નાણાં ઉઘરાવનારા ખૂંખાર ઝનૂની પઠાણ! દિલીપ કુમારના પિતાજી પ્રથમ પ્રકારના વેપારી  'પઠાણ' હતા.પરંતુ, એ સૂકા મેવા નહિ પણ સફરજન કે દ્રાક્ષ જેવાં લીલાં ફળોનો વેપાર કરવા  પોતાના વતનથી દુર મુંબઈ આવ્યા હતા. જયારે તેમનો વિશાળ કુટુંબ કબીલો  વતનમાં રાખ્યો હતો. પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે આખા પઠાણ પરિવારને  બિસ્તરા-પોટલા  બાંધીને મુંબઈ આવવું પડ્યું હતું દિલીપ કુમારને લીધે…. એટલે કે ત્યારના સાવ નાના બાળ યુસુફને લીધે! એવું શું થયું હતું? 


દિલીપ કુમારે તેમના પિતાજીને  કયા સંજોગોમાં પોતાના કુટુંબને પેશાવરથી મુંબઈ લાવવું પડ્યું હતું  (અથવા તો વધારે યોગ્ય રીતે કહેવું હોય તો, કુટુંબે આવવું પડ્યું હતું!) તેનું વર્ણન વરસો પછી 'ફિલ્મફેર'ને આપેલી એક પ્રલંબ મુલાકાતમાં કર્યું હતું. તે મુજબ દિલીપ સાબના પિતાજી લાલા ગુલામ સરવરખાન ફ્રુટના વેપારી હતા અને તેમની  પેશાવરમાં ફળોની વાડી હતી. પણ વેપાર અર્થે તે મુંબઈમાં રહે.  એક સાંજે લાલાજી ગેટવે ઓફ ઇન્ડિયા પાસે ટહેલતા હતા. ત્યાં એક તંદુરસ્ત ગોરું બાળક જોયું અને લાલાજીને ઘર, પરિવાર અને ખાસ તો થોડાક મહિના પહેલાં જન્મેલો તેમનો દીકરો યુસુફ યાદ આવી ગયો. જાણે કે ''અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન....'' ગાતા  ‘કાબુલીવાલા’ના બલરાજ સહાની.


પેલું પારસી બાળક પોતાને વતન પેશાવર છોડીને આવેલા  બાળ યુસુફ જેવું જ દેખાતું હતું. આયા તેને બાબા ગાડી માં લઈને ચાલતી હતી. સરવર ખાન તેની સામું જોઈ મુસ્કુરાયા અને એ બાળક સામું હસ્યું. (મનમાં કદાચ એ ગઈ પણ ઉઠ્યા  હશે... તુઝે સૂરજ કહું યા ચંદા...!) ખીલખીલાટ હસતા એ બચ્ચાથી આ પઠાણ બચ્ચા એટલા ખુશ થઇ ગયા કે વહાલ વરસાવવા તેને ઊંચકવાની ભૂલ કરી બેઠા! બસ પછી તો જોઈતું જ શું હતું? આયા એ બુમાબુમ કરી મૂકી. એ બાપડા કહેતા રહ્યા કે તેમના વતનમાં તેમનું પણ એવું જ ખુબસુરત બાળક છે અને તેની યાદ આવતાં એ માત્ર વહાલ વરસાવતા હતા.


પણ સાંભળે તો ભીડ શાની? વેપારી ખાનને ભીડે છોકરું ઉઠાવનાર બદમાશ સમજીને ધક્કે ચઢાવ્યા. તે દિવસોમાં સંદેશા  વ્યવહારનું  એક માત્ર સાધન ટપાલ. લાલાજીના અબ્બાજાને રોજનો એક  પત્ર પાઠવવાનો આદેશ કરેલો. તેમાં રોજે રોજના વેપારનો હિસાબ પણ પેશાવર પહોંચે અને સાથે સાથે મુંબઈની નવાજૂની પણ લખી શકાય. પેલા પ્રસંગની રાતે જે ટપાલ લખી તેમાં લાલાજીએ મુંબઈમાં યુસુફની યાદ આવતાં થયેલી બબાલનો પણ રીપોર્ટ કર્યો.  તેમના પિતાજી એટલે કે દિલીપ કુમારના દાદા એ તત્કાળ નિર્ણય લીધો. હવે તેમનો પુત્ર સરવર પોતાના કુટુંબથી અલગ નહીં રહે. તેમણે સરવરના સમગ્ર પરિવારને ટ્રેઈનમાં  મુંબઈ  રવાના કરી દીધો. સાથે ઘરકામમાં મદદ કરનાર એક નોકરને પણ મોકલ્યો અને મુંબઈ ટેલીગ્રામ કરી દીધો. બસ એમ જ ! કોઈ ચર્ચા નહિ અને કોઈ મતદાન નહિ. સીધો વટહુકમ જ. 

એટલે દિલીપ કુમારનો જન્મ ૧૯૨૨ની ૧૧ ડિસેમ્બરે હાલ પાકિસ્તાનનો ભાગ એવા પેશાવરના કિસ્સા ખ્વાની બાઝાર પાસેના મોહલ્લા ખુડદાબાદમાં થયો હોવાના રેકોર્ડને લીધે તેમને માટે ભલે પાકિસ્તાન ગૌરવ લેતું હોય. તેમને તે દેશના સર્વોચ્ચ પુરસ્કાર 'નિશાન -એ- ઇમ્તિયાઝ'થી પણ નવાજ્યા હોય. આવન જાવન ભલે પેશાવર થયા કરતી. પરંતુ, પ્રેક્ટીકલ રીતે જુઓ તો  જન્મના પહેલા જ  વર્ષ થી તેમનો  ઉછેર મુંબઈમાં. તેથી સાચા અર્થમાં તો દિલીપ કુમારને બમ્બૈયા જ વધારે કહી શકાય. મુંબઈમાં જ સમગ્ર જીવન ગુજારનાર દિલીપ કુમારનું સ્વાભાવિક રીતે જ ભણતર પણ અહીં જ. મિડીયાએ તેમને 'અભિનયના બેતાજ બાદશાહ'થી માંડીને 'અદાકાર એ આઝમ' કહ્યા છે. પણ ભણતી વખતે દિલીપ કુમાર એકટર થવા માંગતા જ નહતા. તેમને તો રમત ગમતનો ભારે શોખ હતો. તેથી ક્રિકેટર કે ફૂટબોલના ખેલાડી થવું હતું. 

દિલીપ કુમારને એક્ટિંગની પહેલી ઓફર એ જયારે વિલ્સન કોલેજમાં ભણવા ગયા, ત્યારે પહેલા વર્ષમાં થઇ હતી. તેમના અંગ્રેજ શિક્ષક ફાધર આઈઝેક એક નાટક કરી રહ્યા હતા. છેલ્લી ઘડીએ એક એકટર ખસી જતાં ઉભી થયેલી કટોકટીના ઉકેલ રૂપે આ દેખાવડા વિદ્યાર્થી યુસુફને તેમણે રોલ ઓફર કર્યો. પોતાના ગુરુને એ મુશ્કેલીમાંથી બહાર કાઢવા પહેલીવાર સમગ્ર કોલેજ સમક્ષ સ્ટેજ પર આવવા તૈયાર થયેલા દિલીપ કુમારને રિહર્સલ કરવા આઈઝેક સરે સ્ક્રીપ્ટ આપી. એ સ્ક્રીપ્ટ વાંચીને દિલીપ કુમારને લાગ્યું કે ભૂલથી બીજા પાત્રના કાગળો આપ્યા છે. પણ જયારે ફાધર આઈઝેકે ખુલાસો કર્યો કે એ જ તેની ભૂમિકા છે, ત્યારે પઠાણ યુસુફખાનને સખ્ખત ગુસ્સો આવ્યો. તેમને એવું લાગ્યું કે જાણે  કોઈએ  તમાચો માર્યો હોય! કયો હતો એ રોલ? (ક્રમશ:)
  

રાજપીપળાની તમામ તસ્વીરોના કૅમેરામેન:   મિત્ર સોહંગ બ્રહ્મભટ્ટ, કરમસદ











3 comments: