Thursday, September 12, 2013

ગ્રંથ ઠક્કર ફટકારે છે ગણિતના વર્લ્ડ રેકોર્ડ્સની સિક્સર!
વિશ્વ વિજય કરકે દિખલાયે..... ઝંડા ઊંચા રહે હમારા....!

છેવટે આપણા વન્ડર ચાઇલ્ડ ગ્રંથે મૅન્ટલ મૅથ્સના વર્લ્ડ રેકોર્ડ કરીને આપણા સૌના કૉલર ઊંચા કરાવ્યા! તેણે ૨૦ આંકડાની રકમને ૨૦ આંકડાની રકમ વડે ગુણવાનો સૌથી અઘરો દાખલો ઝડપભેર મનમાં ગણી બતાવ્યો, ત્યારે લગભગ દોઢસો વરસથી અકબંધ રહેલો રેકોર્ડ તોડ્યો હતો! આ અગાઉ એવડી મોટી રકમનો માનસિક ગુણાકાર જર્મનીના દંતકથા સમાન ગણિતજ્ઞ Johann Martin Zatharias Dase દ્વારા ૬ મિનિટમાં ગણાયાનો  વિક્રમ હતો. (ખાત્રીપૂર્વક ચકાસવાનું હજી બાકી છે પણ જાણકારોનું કહેવું છે કે શકુંતલાદેવીએ પણ આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, જર્મન રેકોર્ડથી ઓછો સમય નહતો થઇ શક્યો.) Johann Martin Zatharias Dase  કે જેમના લાંબા જર્મન નામનો ઉચ્ચાર ખોટો ન લખાઇ જાય તે બીકે અહીં નામ અંગ્રેજી અક્ષરોમાં જ લખ્યું છે તેમના વિષે ગૂગલ પર તપાસ કરતાં તે ૧૮૨૪માં જન્મીને ૧૮૬૧માં માત્ર ૩૭ વરસની યુવા વયે એપિલેપ્સિને કારણે ગૂજરી ગયેલા અને ગણિતના કંઇ કેટલાય રેકોર્ડ પોતાના નામ પર ધરાવતા મૅન્ટલ મૅથ્સના લૅજન્ડ હતા. તેમણે એ વિક્રમ મોડામાં મોડો જીવનના છેલ્લા વરસમાં કર્યો હોય તો પણ તે ૧૮૬૧માં હોઇ શકે. તેના ૧૫૨ વરસે આ બાર વરસના ગુજરાતી છોકરાએ તે રેકોર્ડ તોડ્યો.  
 
ગ્રંથે ૨૦ડીજીટ x ૨૦ ડીજીટનો જવાબ ૫.૨૬ મિનિટમાં આપી દઈને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. પરંતુ, મઝાની વાત એ હતી કે તે વિક્રમ પણ તત્કાળ તૂટી ગયો. એવું વળી કોણ હતું જેણે ગ્રંથ કરતાં પણ ઝડપથી એવડી મોટી રકમનો દાખલો ગણી કાઢ્યો? એ પરાક્રમ કરનાર પણ ગ્રંથ ઠક્કર જ હતો! ગ્રંથે બીજા ટ્રાયલમાં પોતાના જ ટાઇમને ઘટાડીને ૪.૪૪ મિનિટ કરીને સનસનાટી કરી દીધી હતી. આમ એ એક જ વિભાગમાં ૫.૨૬મિનિટ (૫ મિનિટ ૨૬ સેકન્ડ) અને ૪.૪૪ મિનિટ બન્ને ટાઇમીંગ સાથે બે વખત વર્લ્ડ રેકોર્ડ ગ્રંથના નામે થયા.


તે ઉપરાંત ૬ આંકડાની રકમનું વર્ગમૂળ (સ્ક્વેરરૂટ) કાઢવાના દસ દાખલા માત્ર ૬૭.૫૨ સેકન્ડમાં વર્ગમૂળ કાઢીને તથા ૮ ડીજીટની રકમનું સ્ક્વેરરૂટ કાઢવાના દસ દાખલા ૨૦૦.૩૯ સેકન્ડમાં વર્ગમૂળ કાઢી આપીને બીજા બે વિશ્વ વિક્રમ ગ્રંથે પોતાના અને આમ તો ઇન્ડિયાના નામે કર્યા. તે ઉપરાંત દર સેકન્ડે એક એક આંકડાની ત્રણ રકમો સ્ક્રીન ઉપરથી ફટાફટ પસાર થઇ જાય એને યાદ રાખતા જવાનું અને ટોટલ મારતા જવાનું એવી ૧૦૦ હરોળના સરવાળા પાંચ વખત કરી દેવાનો અને એ જ ઝડપે જતી ૧૫૦ લાઇનના ટોટલ પણ પાંચ વાર કરવાનો એમ બીજા બે વર્લ્ડ રેકોર્ડ પણ ગ્રંથના રેકોર્ડના ગ્રંથમાં નોંધાયા! આ બધા નવા વિક્રમો ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં અને ‘ઓલ્ટરનેટિવ રેકોર્ડસ’માં પણ નોંધાશે  જેનાં સર્ટિફિકેટ્સ આવતાં સમય લાગશે. આમ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાની સિક્સર મારનાર ગ્રંથ તથા તેના સાથીદારોની વાપીની વિશ્વ વિજયી ટીમને લઇને કોચ પીટર નોરોન્હા અને તેમની દીકરી ગ્વૅન્લિન નોરોન્હો, જેને ગ્રંથ ‘દીદી’ના વહાલસોયા નામથી બોલાવે છે તે, પરત આવી ગયા છે. આ પિતા-પુત્રીની તાલીમ વગર ગ્રંથ કે વાપીની ટીમના કોઇ મેમ્બર કદાચ કશું જ ના કરી શક્યા હોત એ હકીકત પણ જાણવી જરૂરી છે. ગ્રંથની અગાઉની સિદ્ધીઓ વિશે જ્યારે પણ મિત્રો સાથે વાત કરી હશે, ત્યારે મોટાભાગના એમ કહેતા હોય છે કે સામાન્ય બાળકો કરતાં આ છોકરો અલગ જ દિમાગવાળો હશે. ત્યારે એ ચોખવટ જરૂરી છે કે તેનામાં ગણિત પ્રત્યે સારી એવી અભિરૂચિ હોવા છતાં તે પછીનો રોલ તેને તાલીમ આપનાર પિતા-પુત્રીની ટીમનો સૌથી વિશેષ છે.

એમ કહી શકાય કે જે સ્થાન સચિન તેન્દુલકરની ક્રિકેટની સિદ્ધીઓમાં તેના કોચ રમાકાન્ત આચરેકરનું છે, તે જ ગ્રંથના રેકોર્ડ્સમાં પીટરભાઇ અને દીદી ગ્વૅન્લિનનું છે. તેમની ટ્રેઇનીંગનું જ પરિણામ હતું કે વાપીની  ટીમનાં સાત બાળકો મેન્ટલ મૅથ્સની ઓલિમ્પિક કહેવાતી મેમોરાઇડમાં નવેમ્બરમાં ૩૨ મૅડલ જીતી લાવી હતી. આ વખતની ટીમમાં આઠ વરસનો શૌર્ય મહેશ્વરી હતો, જે આંખે પાટા બાંધીને અત્યંત અઘરો રૂબિક ક્યુબ બે મિનિટથી ઓછા સમયમાં સૉલ્વ કરવાનો રેકોર્ડ ટ્રાય કરવાનો હતો, એ જાણીએ ત્યારે પીટરભાઇ અને દીદી કેવાં નાનાં નાનાં બાળકોને તૈયાર કરે છે એ સમજાય.  તેમણે પોતાની તાલીમ સંસ્થા ચાઇલ્ડ ઇન્ટલએક્ચ્યુઅલ ઍકેડેમી, વાપીમાં ગ્રંથને છેલ્લાં ચાર વરસથી કોઇપણ જાતની ફી લીધા વિના ટ્રેઇન કર્યો છે. 

એટલું જ નહીં, ગ્રંથની વિદેશની સ્પર્ધાઓના પ્રવાસ માટે પણ તેનાં માતા-પિતાને આર્થિક રીતે એ સહાયરૂપ થયાં છે. ઓફકોર્સ, ગ્રંથના પપ્પા એટલે કે અમારો ભત્રીજો રાકેશ ઠક્કર અને ગ્રંથની મમ્મી મીતલના સતત પ્રોત્સાહન અને અંગત રસનું પણ આ સીધું પરિણામ છે. રાકેશ એક મધ્યમવર્ગીય યુવાન છે અને સ્વાભાવિક જ પરદેશના પ્રવાસો માટે જરૂરી ફંડની એટલી સરળતા તેની પાસે ના હોય, જેટલી એક શ્રીમંતને ત્યાં હોય. છતાં ગ્રંથની ખંતીલી મહેનત અને મીતલની સતત અંગત કાળજીને લીધે કોચ પીટરભાઇ અને દીદી ગ્વૅન્લિનનો ઉત્સાહ બેવડાયો હશે. ત્યારે આપણે ત્યાં મિડીયા કે સરકારી તંત્ર તરફથી શરૂઆતમાં પ્રોત્સાહન આપવાની વાત તો દૂર, વર્લ્ડ રેકોર્ડ કર્યા પછી ગૌરવ લેવામાં પણ કેટલી કંજુસાઇ છે એનો અનુભવ વતનમાં અને વતનની બહાર પણ દિલ હચમચાવી દેનારો છે. જેમ કે ટર્કી કે જ્યાં આ રેકોર્ડ સ્થપાયાની પ્રક્રિયા થઇ ત્યાંના ભારતીય દૂતાવાસનું નિર્લેપ વર્તન!

આટલા મહત્વના રેકોર્ડ માટે ગ્રંથ અને તેના સાથીદારો પ્રયત્ન કરવાના હતા, ત્યારે સ્વાભાવિક જ આયોજકોએ ટર્કીમાંની ઇન્ડિયન એમ્બેસી સહિતના દૂતાવાસોને નિમંત્રણ મોકલ્યું હતું. ત્રણ - ચાર દિવસ ચાલેલી એ પ્રક્રિયા દરમિયાન અન્ય સાતેક દેશોના રાજદૂત કે તેમના પ્રતિનિધી આવ્યા અને સૌને પ્રોત્સાહિત કર્યા. (કઝાકિસ્તાનના દૂતાવાસે તો ડેમોન્સ્ટ્રેશન આપવા જાન્યુઆરીમાં તેમના દેશમાં પધારવાનું આમંત્રણ પણ આપ્યું!) જ્યારે ઇન્ડિયન એમ્બેસીને રેકોર્ડ સ્થાપિત થયા પછી પણ અભિનંદન આપવાની ફુરસદ નહતી! તે દિવસે કોચ પીટરભાઇએ ફોન ઉપર પોતાની પીડા જે શબ્દોમાં વ્યક્ત કરી હતી તે કોઇપણ સંવેદનશીલ રાષ્ટ્રભક્તને ગુસ્સાથી લાલચોળ કરી શકે એવી હતી.

શાના આપણે ‘મેરા ભારત મહાન’ના નારા લગાવીએ છીએ? આપણે આપણી ધરતીમાં તાલીમ દ્વારા તૈયાર કરાતી આવી કુમળી ટેલેન્ટને કે તેના કોચને શાબાશીના બે શબ્દો પણ કહેવા તૈયાર નથી? ઇન્ડિયાની આવી ટેલેન્ટ પરદેશ જતી રહે ત્યારે આપણે ‘બ્રેઇન ડ્રેઇન’ કહીને રોદણાં રડતા હોઇએ છીએ. પણ પ્રોત્સાહનના અભાવે આવી કેટકેટલી પ્રતિભાઓને દેશમાં જ ડ્રેઇન (ગટર) ભેગા થવું પડતું હશે? કાલે સવારે મોટાં થઇને આવાં બાળકો કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સની જેમ પોતાનું નામ વિદેશી નાગરિક તરીકે રોશન કરે ત્યારે એ ઇન્ડિયન છે એ વાતનું ગૌરવ લેતા આપણે ‘મેરા ભારત મહાન’ કહેવા તૈયાર હોઇએ છીએ. ભારતની ગૌરવ ગાથાનો એવો એક ઇમેઇલ ઘણા મિત્રો તરફથી ફોરવર્ડ થતો રહ્યો છે, જેમાં અમેરિકામાં કેટલા ડોક્ટરો ભારતીય મૂળના છે કે ‘નાસા’માં કેટલા ઇન્ડિયન સાયન્ટિસ્ટ્સ છે વગેરે વગેરે ગૌરવપૂર્વક જણાવેલું હોય છે. પણ એ સૌ ભારત છોડીને કેમ ગયા? તેની ચર્ચા કદી કોઇ ઇમેઇલમાં નથી થતી. મિડીયાને પણ આવી નાની વાતોને કવર કરવાની ફુરસદ અથવા તો પ્રાયોરિટી ક્યાં હોય છે? 

જેમ કે ગ્રંથની ડોક્યુમેન્ટ્રી બનાવવા જાપાનની સરકારી ટેલીવિઝન સંસ્થા પોતાના ખર્ચે જાપાનથી વાપી સુધી આવી શકે. પરંતુ, આપણા મિડીયાને દેશના ભાવિની આ ‘આશા’ઓ કરતાં અન્ય આસા(રામ)ની સિદ્ધીઓની પ્રાથમિકતા વધારે હોય છે. ગ્રંથના જતાં પહેલાં પીટરભાઇ અને ગ્વૅન્લિન વાપીની ટીમને મેન્ટલ મેથ્સના વિશ્વ વિક્રમનો ટ્રાય કરવા ટર્કી લઇ જઇ રહ્યાની પ્રેસનોટ રાકેશે દરેક છાપા અને ચેનલને મોકલી હતી. છતાંય આ વિશ્વ વિજય કરી આવનારા પીટરભાઇ અને ગ્વેન્લિનને કે તેમની ગ્રંથ સહિતની ટીમને કયા મિડીયાએ કેટલું કવરેજ આપ્યું? અમારો તો ઘરનો દીકરો દેશનો ત્રિરંગો દુનિયામાં ગર્વથી ઊંચો લહેરાવતો કરી આવ્યો છે, ત્યારે ખુશીથી આંખો છલકવાની જ હોય. એવે વખતે મિત્ર જશવંત રાવલ અને ફેસબુક પરની તેમની કોમેન્ટની સ્મૃતિ તાજી થાય. 


ગ્રંથ જ્યારે ટર્કી ગયો ત્યારે ફેસબુક ઉપર મેં એ સમાચાર લખ્યા અને સેંકડોની સંખ્યામાં સૌએ શુભેચ્છાઓ આપી, તેનું પણ આ પરિણામ હશે. તેમાંની આણંદના અખબાર ‘નયા પડકાર’ના જશવંત રાવલની શુભેચ્છા તેમના વ્યક્તિત્વ જેવી નિરાળી હતી. તેમાં મેં એમ લખ્યું હતું કે મેથ્સનો ‘જાપાન કપ’ જીતી આવેલો ગ્રંથ કેટલીવાર અમને હર્ષનાં આંસુ લવડાવશે? તેના અનુસંધાને જશવંતભાઇએ લખ્યું હતું કે “ગ્રંથ તમને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડાવે એવી શુભેચ્છા!’’ અમારા પરિવારના આ હોનહાર દીકરાએ એક સાથે ૬ વર્લ્ડ રેકોર્ડ અને તે પણ ગણિતમાં અને તે પણ બાર જ વરસની નાની ઉંમરમાં કર્યા હોઇ આજે આંસુ તો ચોધાર જ વહે છે.... પણ એ શું  માત્ર ખુશીનાં અશ્રુ હશે? સોચો ઠાકુર!
   

 

10 comments:

 1. AFTER READING THIS BLOG MY HEART BEATS WERE INCREASED WITH DOUBLE SPEED AND I WAS TOTALLY SPEECHLESS FOR QUITE LONG TIME. I HAVE NO WORDS IN MY VOCABALRY TO EXPRESS MY JOY FOR SUCH A WONDERFUL ACHIEVEMENT BY THIS YOUNG BOY. HE IS THE REAL DIAMOND OF THIS COUNTRY. ALL THE POLITICIANS R GREAT FOOLS AND DO NOT RECOGNIZE THE REAL GEMS OF THE COUNTRY AT THE SAME TIME OUR MEDIA, PRINT AND ELECTRONICS, R NOW A DAYS DOING MAFIA BUSINEES.

  ReplyDelete
 2. U had made INDIA proud, keep going granth like Aryabhata n ramanujan..

  ReplyDelete
 3. ખુબ ખુબ અભિનન્દન :)
  યે આંસુ મીઠે હૈ ઠાકુર...

  ReplyDelete
 4. DEAR SALILBHAI, DO PLEASE CONVEY OUR FEELINGS OF TREMENDOUS HAPPINESS AND LOTS OF CONGRATULATIONS TO THE WONDER KID GRANTH AND ALL THOSE WHO HELPED HIM ACHIEVE THIS GREAT ACHIEVEMENT. YOU, TOO DESERVE GREAT COMPLIMENTS FOR YOUR APPROPRIATE COVERAGE OF THIS GLORIOUS ACHIEVEMENT BY GRANTH. MAY HE CONTINUE TO ACHIEVE GREATER SUCCESS IN FUTURE. INSENSITIVITY OF THE MEDIA, THE GOVERNMENT AND OUR HIGH COMMISSION AT TURKEY IS CERTAINLY DEPLORABLE, TO SAY THE LEAST.

  ReplyDelete
 5. CONGRATULATIONS AND BEST WISHES TO THE WONDER KID GRANTH. YOU, TOO DESERVE GREAT COMPLIMENTS FOR YOUR APPROPRIATE COVERAGE OF HIS GREAT ACHIEVEMENTS.

  ReplyDelete
 6. Many congrats to little maths champion.
  AMIT GUDKA

  ReplyDelete
 7. Congratulations dude keep it up..may god bless u...

  ReplyDelete
 8. Congratulations to Granth, coach Noronha and the entire family - in Vapi, Canada, and everywhere else. Hope he will continue breaking his own records!

  ReplyDelete
 9. સૌનો લાગણી દર્શાવવા બદલ આભાર. મારા પુત્ર ગ્રંથને આપની શુભેચ્છાઓ અને આશીર્વાદ આ જ રીતે મળતા રહેશે. એવી અપેક્ષા છે. આભાર.
  રાકેશ ઠક્કર, વાપી

  ReplyDelete
 10. Hardik abhinandan granth.....apko aur apke is success main jinka bahot bada sahyog raha hai unko..
  Hamesha isi lagan se age badhte raho...

  Yadvendra Sulakshan

  ReplyDelete