Saturday, September 7, 2013

ફિલમની ચિલમ..... સપ્ટેમ્બર ૦૮, ૨૦૧૩



એક સામટો આટલાં બધાં સત્યનો આગ્રહ?



હિન્દી ફિલ્મોમાં ભૂલી જાવ હવે લંડન, પૅરિસ, ન્યૂયૉર્ક કે ટોરન્ટોનાં દ્રશ્યો! ડૉલર સામે રૂપિયાનો ભાવ જે રીતે ૬૫ની સપાટી પણ વટાવી ચૂક્યો છે, તે જોતાં હવે આપણી ફિલ્મોનાં શૂટિંગ પશ્ચિમના દેશોમાં કરનારે બજેટ કરતાં દોઢો ખર્ચો વેઠવાની તૈયારી રાખવી પડે. પરદેશનાં દ્દ્શ્યો અનિવાર્ય જ હોય તો એક રૂટ દુબઈ કે કૅન્યા-કમ્પાલાનો રહે છે. પરંતુ, ‘હિન્દી’ ફિલ્મ ‘હિન્દ’માં શૂટ થાય એ જ યોગ્ય ના કહેવાય? આમ પણ ‘ચેન્નઇ એક્સપ્રેસ’ હોય કે ગયા શુક્રવારે રિલીઝ થયેલી ‘સત્યાગ્રહ’, આપણા નિર્માતાઓએ ઍક્સચૅન્જ રેટની કટોકટી શરૂ થતાં પહેલાં જ દેશી રસ્તો પકડી લીધો હોઇ ચિંતા કી કોઇ બાત નહીં હૈ.

‘સત્યાગ્રહ’માં ભારતીય સમાજમાં વ્યાપક સમસ્યાઓની વાર્તા હતી અને તેથી સ્વાભાવિક જ ભોપાલ અને દિલ્હી જેવાં શહેરોમાં જ શૂટિંગ હોય. પણ આ તો હિન્દી સિનેમા છે, ભૈ.... હીરો અને હીરોઇનને સપનામાં ઇસ્તમ્બુલ કે રોમનાં ખંડેરોમાં ગાયન ગાવા મોકલી દે! ‘સત્યાગ્રહ’માં એવું કોઇપણ ગીત ઇન્ટરવલ સુધી ન આવતાં અજય દેવગન અને કરિના વચ્ચેનો રોમૅન્ટિક ઍન્ગલ નહીં હોય એવી સુખદ આશા જન્મે છે. પરંતુ, બધા જૉન અબ્રાહમ જેવા સાહસી થોડા હોય કે ‘મદ્રાસ કાફે’માં નરગીસ ફખ્રી જેવી રૂપાળી કન્યા હાજર હોય અને છતાં તેને માત્ર પત્રકારની ભૂમિકા જ કરવા દે?

‘સત્યાગ્રહ’માં કરિના પણ ટીવી જર્નાલિસ્ટ છે અને છતાં પ્રકાશ ઝા તેને અજય સાથે “રસ કે ભરે તોરે નૈન...” એ બૅકગ્રાઉન્ડમાં વાગતા ગીતમાં બન્નેને પ્રેમમાં હોવાનું દેખાડવાની લાલચ છોડી શકતા નથી. એવો બધ્ધું જ સમાવવાનો આગ્રહ જ કદાચ ‘સત્યાગ્રહ’ને ધાર્યો સફળ નહીં થવા દે. પ્રકાશ ઝાએ ‘સત્યાગ્રહ’માં જેમ અમિતાભ બચ્ચન, અજય દેવગન, અર્જુન રામપાલ, કરિના, અમૃતા રાવ, મનોજ બાજપાઇ જેવા ઢગલો સ્ટાર્સ ભર્યા છે, એમ સ્ક્રિપ્ટમાં મુદ્દાઓ પણ ઠાંસી ઠાંસીને ભર્યા છે! ઍક્ટર્સ બધા અમિતાભની આગેવાની હેઠળ સોંપેલા કામ કરી જાય છે. પણ વાર્તામાં મુદ્દા? બહુ ભીડ કરીને અરાજકતા (કૅઓસ) કરી દે છે. જાણે કે છેલ્લાં બે-ત્રણ વર્ષનાં અખબારોની હેડલાઇન્સ જોડીને જ કથા બનાવવાની હોય એમ જે દેખાયું એ બધું જ ભરતા ગયા છે.

વાર્તામાં બધું જ છે..... ભ્રષ્ટાચાર, અન્ના ટાઇપ આંદોલન, સુત્રો લખેલી ટોપીઓ પહેરેલા સ્વયંસેવકો, ફ્લાય ઓવરનો તૂટી પડતો સ્લૅબ, ઇમાનદાર હાઇવે એન્જીનિયરની હત્યા, ગઠબંધનની રાજનીતિ, પ્રજાકીય આંદોલનમાં રાજકીય પક્ષને સામેલ કરવો, શાંત સત્યાગ્રહ પર પોલીસનું આક્રમણ, બીગ બિઝનેસ, દિલ્હી લાઇટ બીલનો સત્યાગ્રહ..... અને તે સિવાય પણ ઘણું બધું! આમાં સ્ક્રિપ્ટનો કન્ટ્રોલ ના રહે તો જે પરિસ્થિતિ થાય તેને કારણે જતે દહાડે થિયેટર્સમાં ૧૪૪ની કલમ લાગી હોય એવું ઑડિયન્સ આવે!


જો કે આટલી મોટી સ્ટાર કાસ્ટને કારણે ‘સત્યાગ્રહ’ને શરૂઆત સારી મળી છે અને તેથી પ્રકાશ ઝા આણિ મંડળી આ પિચ્ચરને હીટ જાહેર કરશે તો નવાઇ નહીં લાગે. પણ એ ‘ચેન્નઇ એક્સપ્રેસ’ની જેમ લંબી રેસ કા ઘોડા તો નથી જ. ‘ચેન્નઇ એક્સપ્રેસ’ને તો થિયેટર્સમાં ૨૫ દિવસ થઈ ગયા. (સિલ્વર જ્યુબીલી વીકને બદલે ‘રજત જયંતિ દિવસ’ ઉજવવાની પ્રથા શરૂ કરવા જેવી નથી લાગતી?) ‘સત્યાગ્રહ’માં અજય દેવગનનું વધેલું અને મનોજ બાજપાઇનું ઘટેલું (અને અર્જુન રામપાલનું યથાવત) વજન જેટલું ધ્યાન દોરે છે, એટલી તો એક હાથ કરિનાને ખભે અને બીજો અમૃતા રાવના ખભે  મૂકતા અમિતાભની ‘ગાંધી મુદ્રા’ ધ્યાનમાં નથી આવતી!

ટૂંકમાં, ટીવીનાં એકત્ર કરેલાં ક્લિપીંગ્સને સિનેમાના એક્ટર્સ ભજવતા હોય એવા આ શુદ્ધ દેશી ‘સત્યાગ્રહ’નું ટ્રેઇલર વધારે અસરકારક હતું એમ કહી શકાય. એવું ટ્રેઇલર તો ‘શુદ્ધ દેસી રોમાન્સ’નું પણ આશા જન્માવે એવું સરસ છે અને તેની ટક્કર ‘જંજીર’ની રિમેઇક સાથે હશે, ત્યારે બે ચોપ્રા સિસ્ટર્સનો પણ બૉક્સ ઑફિસ પર ટકરાવ થશે. એકમાં ચુલબુલી પરિનિતી ચોપ્રા અને બીજીમાં પ્રિયંકા ચોપ્રા હશે. ટિકિટબારીના જંગમાં હવે તો એક અઠવાડિયાના વકરામાં કોના કેટલા પૈસા નીકળે છે એ જ જોવાનું હોય છે.

પણ એ એક સપાટામાં, સૉરી એક સપ્તાહમાં, કરોડોનો કેવો ખેલ થાય છે કે જે પિક્ચરને ઓછું કલેક્શન મળ્યાને કારણે ‘વન્સ અપૉન એ ટાઇમ ઇન મુંબઈ દોબારા’ને બદલે ગમ્મતમાં એક્ઝીબીટર્સ ‘વન્સ અપૉન એ ટાઇમ ઇન મુંબઈ ડુબાડા’ કહે છે, તે ફિલ્મ બનાવનાર એકતા કપૂરની ‘બાલાજી’ કંપનીએ આ સપ્તાહે એક સાથે ત્રણ પિક્ચરો બનાવવાની જાહેરાત કરી છે! પહેલી ‘મિલન ટૉકિઝ’ ટાઇટલવાળી ફિલ્મમાં  શાહિદ કપૂર (અને કદાચ પ્રિયંકા ચોપ્રા) હશે. તો બીજી ‘ધી વિલન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર છે.

જ્યારે ત્રીજીમાં ઇમરાન હાશ્મી સાથે પ્રથમ વખત કરિના હશે.(ખબર નહીં કેમ પણ હજી ‘કરિના કપૂર ખાન’ એવું નામ જીભે ચઢતું નથી!) તેનાં સૈફ સાથેનાં લગ્ન પછી પોતાના ઇન્ટિમેટ સીન્સ માટે મરજાદી થયેલી કરિનાને જોતાં સવાલ એ છે કે શું દરેક ફિલ્મમાં એકાદી અભિનેત્રીને ‘લીપ ટુ લીપ કીસ’ કરવાનો ઇમરાન હાશ્મીનો રેકોર્ડ આ વખતે તૂટશે? જો કે આ અઠવાડિયે એનાથી મોટો સવાલ નિર્માતાઓનો છે કે ઝીરો ફિગર માટે જાણીતી કરિનાના આગળ વધેલા પેટ સાથેના ફોટા બજારમાં આવ્યા હોઇ ‘બેગમ’ પ્રૅગ્નન્ટ છે કે પછી એ કોઇ પિક્ચરનું પાત્રાલેખન છે? તમને શું લાગે છે?



તિખારો!

દિલીપકુમારની ફિલ્મ ‘ગોપી’ની રાજેન્દ્ર કૃષ્ણએ લખેલી રચના આજકાલ ઇન્ટરનેટ પર આ સ્વરૂપે ફરી રહી છે.... 

રામચંદ્ર કહ ગયે સિયા સે ઐસા કલજુગ આયેગા,
કાર કૅશ પર લેગા હર કોઇ, પેટ્રોલ લોનસે ભરવાએગા!


1 comment:

  1. happy.bhavsar@yahoo.co.inSeptember 8, 2013 at 1:01 AM

    લેખ વાંચવાની ખુબ મજ્જા પડી. "‘હિન્દી’ ફિલ્મ ‘હિન્દ’માં શૂટ થાય એ જ યોગ્ય ના કહેવાય?" એક્દમ સાચું

    ReplyDelete