Saturday, September 14, 2013

ફિલમની ચિલમ - સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૩




ફિલ્મ સ્ટાર.... જો દિખતા હૈ વો બિકતા હૈ!


ગયા સપ્તાહે ઇન્ડસ્ટ્રીમાં સૌની નજર એ તરફ હતી કે શું ‘જંજીર’ની રિમેઇક છઠ્ઠી સપ્ટેમ્બરે રિલીઝ થાય તે અગાઉ તેના મૂળ લેખકો સલીમ-જાવેદને તેમની કથા અને સંવાદો માટેની ફીના માગ્યા મુજબના ૬ કરોડ રૂપિયા મળશે? કેમ કે તે લેખક બેલડીએ પોતાની કૃતિનું ક્રિએટિવ વળતર વસુલ કરવા અદાલતનો આશરો લીધો હતો. કોર્ટમાં જજે લેખકોનો પ્રાથમિક દ્રષ્ટિએ (પ્રાઇમા ફેસી) કોઇ કેસ બનતો નથી એમ કહી ફિલ્મને રોકવાનો ઇનકાર કરતાં નિર્માતાઓનો પક્ષ મજબુત થયો હતો. તે પછી લેખકોએ બે ન્યાયાધીશની ડિવિઝન બેંચમાં અપીલ કરી ત્યારે હાઇકોર્ટે અંદરોઅંદર સમજૂતીથી પતાવટ કરવા જણાવ્યું હતું. છેવટે બે દિવસની રજુઆતો પછી જજની ચેમ્બરમાં સલીમ-જાવેદ કેસ પાછો ખેંચવા સંમત થયા હતા. તેને લીધે એમ અંદાજ મૂકાઇ રહ્યો છે કે સમાધાનની કોઇ એક વચગાળાની રકમ પર સંમતિ થઇ હશે. (પડ્યો પોદળો ધૂળ લઇને ઉપડે!)


પરંતુ, ‘જંજીર’ની જે નબળી શરૂઆત ટિકિટબારી ઉપર થઈ છે, તે જોતાં વાયદાના વેપાર કર્યા વગર એ રકમની વસુલાત સમયસર કરી દેવાઇ હોય તો સારું! ‘જંજીર’ એક સાથે અઢી હજાર સ્ક્રીન પર રજૂ થઇ હોઇ ફિલ્મનું ૬૦-૭૦ કરોડનું રોકાણ એક-બે વીકમાં ભેગું કરી લેવાની સ્વાભાવિક ગણત્રી હશે. પરંતુ, જે રીતે રિવ્યુ લખનારાઓએ દોઢ સ્ટાર અને કોઇકે તો ઝીરો સ્ટાર આપ્યા છે, તે જોતાં છઠ્ઠી સપ્ટેમ્બરે જ રિલીઝ થયેલી બીજી ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’નો સ્કોર ‘જંજીર’ કરતાં ડબલથી વધુ થયો તેની કોઇને નવાઇ નથી લાગી. એ રેસમાં પ્રિયંકા કરતાં તેની પિતરાઇ બહેન પરિનિતિ ચોપ્રાની સરખામણીએ નાની- ૨૫ કરોડની- ફિલ્મનો ચોપડો પ્રથમ સપ્તાહથી જ નફો દેખાડતો થઇ ગયો છે. એટલે ‘જંજીર’થી ૧૯૭૩માં અમિતાભ બચ્ચનની ફ્લૉપની હારમાળા અટકી હતી, એ યાદ કરીને એવી આશા કરી શકાય કે આ નવી ‘જંજીર’ જૂની સફળ ફિલ્મોને ફરીથી બનાવવાની આજની રિમેઇકની ફોર્મ્યુલાને અટકાવશે.

રિમેઇક અને સીક્વલ એ બે નવા જમાનાની ફોર્મ્યુલાઓ ગણાય છે. પરંતુ, જે રીતે ‘શોલે’ની નવી આવૃત્તિ રામગોપાલ વર્માની સૌથી ખરાબ ફિલ્મ કહેવાઇ છે, તે જ પ્રમાણે આ ‘જંજીર’ પણ ‘વર્સ્ટ ફિલ્મ્સ’ની યાદીમાં જશે એમ જોનારા કહે છે. તેને લીધે કદાચ રિમિક્સની આ ઘેલછા અટકે. જ્યારે સિક્વલની ફોર્મ્યુલા તો અત્યારે એવી ફૉર્મમાં છે કે દરેક નિર્માતાને પોતાની જૂની ફિલ્મમાં એક બ્રાન્ડ દેખાય છે. એ જ વાર્તાને આગળ વધારવા ટાઇટલ પાછળ બગડો કે ત્રગડો લગાડીને નવો રગડો તૈયાર કરાય છે, જે બિઝનેસ પણ તગડો આપે છે. એટલે ‘શુદ્ધ દેશી રોમાન્સ’ની આનુસાંગિક ફિલ્મ ‘વિશુદ્ધ વિદેશી રોમાન્સ’ જેવું કોઇક ટાઇટલ રાખીને બનાવાશે તો નવાઇ નહીં લાગે. 



અત્યારે તો દર અઠવાડિયે સિક્વલની યાદી લંબાતી જ જાય છે.... રામગોપાલ વર્માની ‘સત્યા- ટુ’, રામસે બ્રધર્સની ‘હોટેલ-૨’, ઇન્દ્રકુમારની ‘દિલ-ટુ’, અજય દેવગનની ‘સિંઘમ-ટુ’, અભિષેક બચ્ચનને લઇને બની રહેલી ‘આંખેં-ટુ’, અનીસ બાઝમીની ‘વૅલકમ બૅક’ અને કુન્દન શાહની ‘જાને ભી દો યારો’ પણ! તે રીતે હવે આવી રહેલી ‘ગ્રાન્ડ મસ્તી’ પણ ‘મસ્તી’ની જ બહેન છે અને ટ્રેઇલરમાં જે અણસારો મળે છે, તે જોતાં એ ‘મોટીબેન’ હશે એમ કહી શકાય! મૂળ ‘મસ્તી’માં જે પ્રકારના દ્વિઅર્થી સંવાદો હતા, તે જોતાં આ વખતની ઍડલ્ટ કૉમેડીનું લેવલ અંદાજી શકાય એમ છે. ઍડલ્ટ કૉમેડીએ એક વિશિષ્ટ પ્રકાર છે તેની ના નહીં. આપણે ત્યાં જૂના સમયમાં ગામડામાં આવતા નાટક, રામલીલા કે ભવાઇમાં પણ બાળકો સૂઇ જાય પછી, મોટેભાગે રાત્રે બાર વાગ્યા પછી, કેળાં, મોસંબી અને કેરી જેવાં ફળોને વાર્તાલાપમાં લાવીને ડબલ મીનિંગવાળા સંવાદો બોલાતા. સવાલ એક જ છે કે આ ‘સ્ટ્ર્રીક્ટ્લી ઍડલ્ટ’ તરીકે પબ્લિસિટિ કરાતી ફિલ્મ માત્ર પુખ્ત વયના જ જોશે તેની કોઇ ખાત્રી ખરી? (જો કે ઇન્ટરનેટ ઉપર જે પ્રકારની માહિતી મેળવવાની સવલત છે એ જોતાં આજનાં સગીર બાળકો તેમના વડીલો કરતાં વધુ ‘જ્ઞાની’ હોય એ સાવ બનવાજોગ છે!)

‘ગ્રાન્ડ મસ્તી’ની સફળતા માટે તેની સ્ટારકાસ્ટ ગણેશોત્સવમાં ભાગ લેવા મુંબઈમાં ઠેર ઠેર જશે તો નવાઇ નહીં લાગે. કેમ કે હવે તો ઉજવણીનું ચલણ એવું વધ્યું છે કે ઇફતારની દાવત હોય કે જન્માષ્ટમિની દહીહાંડી અથવા ગણેશોત્સવ દરેકની ઉજવણીમાં ફિલ્મસ્ટાર્સ મોટાપાયે હિસ્સો લે છે. અગાઉના સ્ટાર્સની જેમ દર્શન દુર્લભ રાખીને પોતાની આસપાસ રહસ્યની આભા ઉભા કરવાના દિવસો નથી રહ્યા. આજે ‘એક્સક્લૂસિવિટી’નો નહીં, સતત દેખાતા રહેવાનો- વિઝિબિલિટી-નો સમય છે. સ્ટાર્સ માટે તો ‘દિખતા હૈ વો બિકતા હૈ’ એ માર્કેટિંગનો નિયમ જ વધારે ઉપયોગી થાય છે. 

તેથી અગાઉના સમયમાં જ્યાં રાજકપૂરના ‘આર.કે.સ્ટુડિયો’માં કે વ્હી.શાંતારામના રાજકમલ જેવાં જાહેર સ્થળોમાં ગણપતિ સ્થાપના થતી, ત્યાં હવે સ્ટાર્સના ઘેર ગણેશજીની મૂર્તિ પધરાવાય છે. તેમાં આ સાલ સૌથી વધુ ચર્ચા રહી સલમાનખાનના પરિવારના ગણેશોત્સવની. ત્યાં આશ્ચર્યની વાત એ થઇ હતી કે કટરિના અને સંગીતા બિજલાની જેવી સલમાનની બબ્બે ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ્સ પણ તેમાં સામેલ થઈ હતી. તેને લીધે એવા અંદાજ મૂકાવાના શરૂ થયા છે કે એ હિરોઇનોએ ‘મિછ્છામિ દુક્કડમ’ કહ્યું હશે કે સલમાને પોતે સફેદ વાવટો ફરકાવ્યો હશે? કટરિના હોય કે સંગીતા બેમાંથી કોઇ વગર આમંત્રણે ‘દર્શન’ કરવા (કે આપવા) પહોંચી જાય એ શક્યતા નથી. ત્યારે આ સામાજિક સમાધાન કોણે કરાવ્યું હશે?

તિખારો!
‘મદ્રાસ કાફે’ના દિગ્દર્શક શુજિત સરકારને પૂછવામાં આવ્યું કે “શ્રીલંકામાંના તામિલોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને બનાવેલી આ ફિલ્મ માટે તમારે બહુ રિસર્ચ કરવું પડ્યું હશે, નહીં?” ત્યારે તેમનો સહજ જવાબ આવો હતો, “ના રે, બધું જ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હતું!”



2 comments:

  1. પ્રિય સલિલ સર,

    બગડો, ત્રગડો, રગડો અને તગડોનો શબ્દપ્રયોગ માત્ર આપને જ સુઝે :) ફરી એકવાર સલામ....

    ReplyDelete
  2. રીમેઈક મૂળ ફિલ્મનો કચરો કરતી હોય એનાથી વધુ કમનસીબ બાબત ફિલ્મ રસિયઓ માટે બીજી કોઈ નથી. જો કે બોક્સ ઓફીસ પણ યોગ્ય જ પ્રતિભાવ આપે છે.
    અને આપે સાચું કહ્યું 'આજે ‘એક્સક્લૂસિવિટી’નો નહીં, સતત દેખાતા રહેવાનો- વિઝિબિલિટી-નો સમય છે. સ્ટાર્સ માટે તો ‘દિખતા હૈ વો બિકતા હૈ’ એ માર્કેટિંગનો નિયમ જ વધારે ઉપયોગી થાય છે.' આ વાતને શાહરુખે ચેન્નઈ એક્સપ્રેસના પ્રમોશનમાં એન્ડોર્સ કરી છે ...

    ReplyDelete