Saturday, September 21, 2013

ફિલમની ચિલમ.... સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૩‘ડબલ મીનિંગ’ની હલકી ‘મસ્તી’ નવી ક્યાં છે?‘ગ્રાન્ડ મસ્તી’ કે જેનો ભળતો જ ઉચ્ચાર ટાળવા સલામતીપૂર્વક ‘ગ્રૅન્ડ મસ્તી’ એમ ઉચ્ચારાય છે, તે કહેવાતી એડલ્ટ કોમેડી સામે મહિલા કાર્યકરો અને વિવેચકોની અનેક ટીકાઓ છતાંય ફિલ્મનો વકરો ૫૦ કરોડની નજીક પહોંચી જવાથી ઇન્દ્રકુમાર અને તેમની કંપનીએ પિક્ચર પાછળ ખર્ચેલા રૂપિયા નીકળી ગયા છે. હવે તો “વકરો એટલો નફો” હોઇ વાંધા-વિરોધને કારણે કોઇ સંજોગોમાં કદાચ ફિલ્મ પરત ખેંચવી પડે કે એકાદ-બે ડાયલોગ કાપવા પડે તો પણ શું ફરક પડે છે? ફિલમ એક વાર સેન્સરમાંથી બહાર નીકળી જાય અને સુખરૂપ એક અઠવાડિયું ચાલી જાય પછી જખ મારે છે, ઝાકરીયાવાળી! ઉલ્ટાનું હવે થતો દરેક વિવાદ પિક્ચર માટે વગર પૈસાની પબ્લિસિટિ હશે.

‘ગ્રૅન્ડ મસ્તી’ એ દાદા કોંડકે પ્રકારની ફિલ્મોનું પેઢીનામું છે, જેમનાં ટાઇટલથી જ દ્વિઅર્થી શરૂઆત થતી. એ ‘આગે કી સોચ’ એવું નામ રાખે ત્યારે ‘આગે’ એ શબ્દનો રંગ અલગ રાખે અને તેમના નિયમિત દર્શકો સમજી જતા કે એ ‘આગે’ એટલે શું? દાદા કોંડકેની ફિલ્મ ‘ખોલ દે મેરી જુબાન ના પોસ્ટરમાં ‘જુબાન’ નાના અક્ષરે અને અલગ લીટીમાં હોય! તેમના ‘અંધેરી રાત મેં દિયા તેરે હાથ મેં’ જેવા નિર્દોષ લાગતા શિર્ષકને પણ સમજનારા સમજી જતા. પરંતુ, ‘ડબલ મીનિંગ’ દ્વારા એક ખાસ ઑડિયન્સને થિયેટરમાં લાવવાનો પ્રયાસ સુભાષ ઘઈની ‘વિધાતા’માં પણ સફળતાપૂર્વક થયો જ હતોને?  

‘વિધાતા’માં “સાત સહેલિયાં ખડી ખડી, ફરિયાદ સુનાયે ઘડી ઘડી...” એ ગીતમાં દરેક વ્યવસાયના પતિ માટે “રાતભર મુઆ સોને ન દે...” કહીને જેવાં રૂપકનો ઉપયોગ થયો હતો તે યુવા પ્રેક્ષકોને પણ શરમાવી દે એવા હતા. પરંતુ, વધારે આશ્ચર્યજનક વાત એ હતી કે એ ગીતમાં સિનિયર એક્ટર શમ્મીકપૂર જ ડોક્ટર, ડ્રાયવર, દરજી, શરાબી, ટપાલી જેવાઓની ‘બીવી’ને ફરિયાદ છે એ ગાતા હતા. એટલું જ નહીં, દરેક વખતે ‘એક સહેલી કા મિયા થા (દાક્તર)...’ એમ કહેવા માટે વિદેશમાં જેને વલ્ગર ગણવામાં આવે છે એ રીતે બીજી આંગળી ઊંચી કરીને ગાતા!

‘વિધાતા’ જ્યારે ૧૯૮૨માં રજૂ થયું ત્યારે પણ અખબારોમાં ઘણી ‘હો હા’ થઈ હતી. પરંતુ, થિયેટર્સમાં એ જ ગાયન પર સૌથી વધુ સિટીઓ અને તાળીઓ પડતી અને ’૮૨ના વર્ષનું સૌથી મોટું સુપરહીટ ચિત્ર એ ઠર્યું હતું. તે દિવસોમાં એવી બીક બતાવાઇ હતી કે શું સુભાષ ઘઇ જેવા મેઇનસ્ટ્રીમ ડાયરેક્ટરને પગલે આવાં ગાયનો નિર્માતાઓ નિયમિત મૂકશે? આજે ૩૦ વરસ પછી ‘ગ્રૅન્ડ મસ્તી’ પછી એ જ સવાલ થવાની શક્યતા છે. ખાસ કરીને એક સંવાદ “બલાત્કાર સે યાદ આયા મેરી બીવી કહાં હૈ?”ને કારણે મહિલા સંગઠનોએ બળાત્કાર જેવા ગંભીર મુદ્દાને મજાકનો વિષય બનાવવા બદલ જે  આક્રોશ વ્યક્ત કર્યો છે એ જોતાં ભવિષ્યમાં સંવાદ લેખકોએ વધારે કાળજી રાખવી પડશે. આપણે ત્યાં બળાત્કારને અગાઉ પણ અમુક પ્રેક્ષકો કેવી રીતે લેતા એ ‘ઇન્સાફ કા તરાજુ’ વખતે જોવા મળતું. 


‘ઇન્સાફ કા તરાજુ’માં રાજ બબ્બરની બળજબરીથી બચવા સામનો કરતી છટપટાતી હીરોઇન ઝિન્નત અમાનને અંતે જ્યારે રાજ બબ્બર પલંગ સાથે બાંધી દેવામાં સફળ થતા, ત્યારે થિયેટરમાં રીતસર તાળીઓ પડતી! (એ તે કેવી માનસિકતા?) એ ૧૯૮૦ની ફિલ્મ અને આજે ૨૦૧૩ છે. છતાંય દિલ્હી અને મુંબઈના ગેંગરેપથી માંડીને ઠેર ઠેર બહાર આવતા સ્ત્રીઓ પરના અત્યાચારના કિસ્સાઓના દિવસોમાં પણ મહિલાઓ અને સેક્સ લાઇફને મજાકનું સાધન બનાવતી આવી ફિલ્મોને કેવા પ્રતિભાવ મળશે એ ચિંતા કોઇને ક્યાં છે? અહીં તો કૅશ રજીસ્ટરમાં રૂપિયા કેવા રણકે છે એનો જ હિસાબ થવાનો અને કોઇ આશ્ચર્ય નથી કે ‘ગ્રૅન્ડ મસ્તી’ની ટીમે પોતાની સફળતાની પાર્ટી પણ આપી દીધી છે!‘ગ્રૅન્ડ મસ્તી’ની ટીમની જેમ ‘શુદ્ધ દેશી રોમાન્સ’ની સફળતા બદલ યશરાજ ફિલ્મ્સ પણ પાર્ટી આપશે તો નવાઇ નહીં લાગે. કેમ કે ૨૫ કરોડની પડતરવાળા એ પિક્ચરને પ્રથમ જ સપ્તાહે ૩૬ કરોડનો વકરો થતાં એ ઑલરેડી પ્લસમાં ચાલતી ફિલ્મ છે. પરંતુ, ‘યશરાજ’માં અત્યારે તો ૨૭મી સપ્ટેમ્બરની તૈયારીઓ ચાલી રહી છે. ૨૭મીએ યશ ચોપ્રાની જન્મતિથિ છે, જેને તેમનાં પત્ની પમેલાજી પોતાની રીતે ઉજવવા માગે છે. એટલું જ નહીં, એ દર સાલ ‘યશરાજ’માં એ નિમિત્તે કંઇક ’ને કંઇક અર્થપૂર્ણ કરવા માગે છે. આ વર્ષે યશજીના નિધન પછીનો પ્રથમ જન્મદિન છે, ત્યારે એ શું શું કાર્યક્રમો કરશે, તેની ઇન્ડસ્ટ્રીમાં ઇન્તેજારી છે. ખાસ તો એ કે દીકરા આદિત્ય અને રાની મુકરજીનાં લગ્નની જાહેરાત થશે?યશ ચોપ્રાની જન્મજયંતિ ઉજવવાનો એક પ્રોગ્રામ તેમની ફિલ્મોમાં હીરોઇનોએ પહેરેલી વિવિધ સાડીઓને લગતો હોઇ શકે છે. યશજીનો પ્રિય રંગ સફેદ હોવા છતાં તેમની નાયિકાઓને તેમણે કલરફુલ સાડીઓ પણ કેવી ખુબસુરત પહેરાવી હતી! યશ ચોપ્રાની ઐશ્વર્યા રાય, જુહી ચાવલા, કાજોલ જેવી કેટલીક હીરોઇનો આ સપ્તાહે સફેદ વસ્ત્રોમાં એકત્ર થઈ હતી. તે સૌ માધુરી દીક્ષિતના પપ્પાના બેસણામાં, એટલે કે ચૌથા નિમિત્તેની પ્રાર્થનાસભામાં, આવી હતી. તે પ્રસંગે રાની મુકરજી કોની સાથે આવી હતી? પમેલા ચોપ્રાજી સાથે! (હૈ ના સાસ-બહુ? અબ કોઇ શક?) 


તિખારો!


મલ્લિકા શેરાવતે પોતાના ટીવી પ્રોગ્રામ ‘બૅચલરેટ ઇન્ડિયા’ની પબ્લિસિટિ માટે દેશના સૌથી લોકપ્રિય નેતા ગણાતા નરેન્દ્ર મોદીને તેમના જન્મદિન ૧૭મી સપ્ટેમ્બરે શુભેચ્છા પાઠવવા એક મેસેજ ગાઇને ઇન્ટરનેટ પર અપલોડ કર્યો. તે સાંભળીને એક જણે આવી ટ્વીટ કરી, “મલ્લિકાએ ‘હેપી બર્થડે’ જેવા સિમ્પલ સંદેશને બેસુરો ગાવા ખુબ મહેનત કરી છે!!”
   


1 comment:

  1. http://movies.ndtv.com/photos/yash-chopra-s-heroines-srk-pay-a-stylish-tribute-16077

    One of the event for celebration of Yashji's birthday....

    ReplyDelete