“ઇતના સન્નાટા ક્યૂં હૈ, ભાઇ?” એમ ‘શોલે’માં પૂછનાર
ચરિત્ર અભિનેતા એ.કે.હંગલનું દેહાવસાન ૨૬મી ઓગસ્ટે થયું, ત્યારે તેમના ચાહકોના ભાવજગતમાં સન્નાટો
છવાઇ ગયો! તેમના જીવનના દસમા દાયકામાં હંગલદાદાનું નિધન થયું હોઇ એ પાકી વયનું
પાન ખરવાની પ્રક્રિયા જ કહેવાય. વળી, થાપાના ફ્રેક્ચરને કારણે એ છેલ્લા કેટલાક સમયથી
પીડા ભોગવી રહ્યા હતા અને રઝા મુરાદના શબ્દોમાં કહીએ તો, તેમની મુક્તિ થઇ એમ પણ કહી
શકાય.
આપણે ત્યાં આવા મૃત્યુ પ્રસંગે કહેવાતું હોય છે કે ઉંમર ગમે એટલી થઇ હોય, પણ
ફાધર એ ફાધર હોય છે. તેમની છત્રછાયા હોય એનો પણ ફરક પડે. એમ હંગલદાદાની ઉપસ્થિતિ ફિલ્મ
ઉદ્યોગમાં એક વડીલની હાજરીનું પ્રમાણ હતી. વળી વડીલ એવા કે એ ઉંમરે પણ પોતાની સ્મરણ
શક્તિથી કડેધડે હતા. ૯૫ વરસની ઉંમરે તેમણે ટીવી સિરીયલ ‘મધુબાલા....” માટે કરેલા શુટિંગની
ક્લીપ જુઓ તો કેમેરા ઓન થતાં જ તેમના ભાગે આવેલા સંવાદ કશી મદદ વગર પૂરા અભિનય સાથે
ભજવી શક્યા હતા. એ રંગમંચની વર્ષોની સાધનાનું પરિણામ હતું; જેના ઉપર એ દાયકાઓ સુધી સક્રિય
રહ્યા હતા. તેથી પહેલા જ ટેઇકમાં પરફેક્ટ શોટ આપી શકતા.
‘શોલે’ના જે સીનથી તેમની આટલી ખ્યાતિ થઇ એ દ્રશ્યના શુટિંગ પછી તેમને સંતોષ નહતો થયો!
તે વખતે એ દેવ આનંદની ફિલ્મ ‘ઇશ્ક ઇશ્ક ઇશ્ક’ના શુટિંગમાંથી નેપાલથી ખાસ આવ્યા હતા.
દેવ સાહેબે તેમને માટે હેલીકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. એ સીનનું ફિલ્માંકન થયું ત્યારે
સેટ પર હાજર એવા ‘શોલે’ના ડીસ્ટ્રીબ્યુટર રાજશ્રીવાળા તારાચંદ બરજાત્યા સહિત સૌએ ખુશ થઇ પ્રશંસા કરી. પરંતુ, હંગલ સાહેબ હજી સંતુષ્ટ
નહતા. તેમને એ સીન ફરી કરવો હતો. રમેશ સિપ્પીએ રિશુટની સંમતિ આપી. પરંતુ, રાત્રે જ્યારે
એ શુટના રશીસ જોયા અને સંતોષ થયો ત્યારે બીજા દિવસે પુનઃ શોટ આપવાની પોતાની જીદ છોડી.
એ દ્રશ્ય વિશે લખતાં હું કાયમ કહું છું કે સીન કોઇ નાનો કે મોટો હોતો નથી.... આર્ટીસ્ટ
જ નાના અથવા મોટા હોય છે! કેટલાંય હીરો- હીરોઇનને પિક્ચરની દર ત્રીજી ફ્રેમમાં જોયા પછી પણ એક્ટીંગ યાદ રહી જાય એવો ક્યાં કશોય ભલીવાર હોય છે? એ.કે. હંગલ એ જ રીતે ‘દીવાર’માં પણ એક સીન માટે જ આવે છે. પણ પોતાના દીકરાએ
કરેલી એક બ્રેડની મામૂલી ચોરીનો બચાવ કરવાને બદલે અથવા તો પોલીસને ભાંડવાને બદલે એ
કહે છે, “ચોરી તો હર હાલ મેં ચોરી હૈ, ભૈ. ચાહે વો એક પૈસે કી હો યા લાખ રૂપિયે કી!”
બસ.
આટલો એક જ સીન અને જુઓ તમને એ કેવા હલબલાવી દે છે. ‘દીવાર’ યાદ કરો અને શશિકપૂરને પોતાના
મોટાભાઇ (અમિતાભ) વિરુધ્ધ એક્શન લેવાનું નક્કી કરાવતો પાઠ પરોક્ષ રીતે ભણાવતા રીટાયર્ડ
મ્યુનિસિપલ શિક્ષક એવા હંગલ સાહેબને ભૂલી ના શકો! શશિકપૂર કહે છેને “ઇતની બડી શિક્ષા
એક ટીચર કે ઘર સે હી મિલ સકતી થી.”
એવો એક અન્ય સીન ‘આંધી’માં છે. જ્યારે સુચિત્રાસેનને
નાનપણથી ઉછેરનાર ‘બ્રિન્દાકાકા’ તરીકે એ પોતાને ‘નોકર’ ગણવા બદલ દીકરીને હ્રદયની વ્યથા વ્યક્ત
કરતાં અકળામણમાં કહે છે, “નૌકર તો મૈં ભી નહીં હું, બેટા.... મુઝે ઇસ ઘર સે નિકાલને
કા દમ નહીં હૈ તુમ મેં...” ગુલઝારના સેન્સીટીવ સંવાદ અને શું સંવેદનશીલ ડાયલોગ ડિલીવરી
છે એ સીનમાં! ઓડિયન્સમાં કોઇ આંખ કોરી ના રહી શકે.
ગુલઝાર, ઋષિકેશ મુકરજી, બાસુ ચેટરજી વગેરે જેવા,
એક સમયે ‘મિડલ સિનેમા’ કહેવાતાં પિક્ચરોના સર્જકોના હંગલ અનિવાર્ય અંગ જેવા હતા. કોમર્શીયલ
ફિલ્મોએ પછી તેમને સ્વીકાર્યા. કોઇએ એ માર્ક કર્યું કે તે અમિતાભની પ્રથમ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’માં પણ હતા
અને જયા ભાદુડીની પહેલી કૃતિ ‘ગુડ્ડી’માં પણ હતા. ઋષિદાની ‘અભિમાન’માં તે જયાજીના પિતાની
ભૂમિકામાં હતા. (જ્યારે છેલ્લા દિવસોમાં તેમની આર્થિક સ્થિતિને કારણે હોસ્પીટલના ખર્ચા
ભરવાની મુશ્કેલીના સમાચાર મિડીયામાં આવ્યા, ત્યારે જયા બચ્ચને જાહેરમાં કહ્યું હતું
કે તેમની દીકરી છે હજુ અને તેને ખબર નહતી. હવે પૈસાની ચિંતા હંગલ સાહેબ ના કરે. બચ્ચન
પરિવાર તે ખર્ચ ઉઠાવશે.)
તો ‘નમક હરામ’માં યુનિયન લીડર ‘બિપનલાલ’ બન્યા હતા. ફિલ્મોમાં
તેમની એન્ટ્રી જ મોડી થઇ હતી. જો કે ‘ઇપ્ટા’નાં નાટકોમાં એ વર્ષોથી વ્યસ્ત હતા. રંગમંચની
દુનિયામાંથી તે દિવસોમાં આવેલા ઉત્પલદત્ત, કાદરખાન અને અમરીશપુરી જેવા મોટી ઉંમરના
કલાકારોમાં ઉંમરની રીતે હંગલ સાહેબ સૌથી સિનીયર હતા. તેમની પર્સનાલીટી જોતાં ફિલ્મોમાં તેમને મોટેભાગે
સહાનુભૂતિ સભર પોઝીટીવ પાત્રો જ ભજવવા મળ્યાં હતા. મોટેભાગે ગરીબડા બનતા હંગલને રંગીલા
પ્રૌઢની ભૂમિકામાં ‘શૌકીન’માં જોનાર સૌને પાઇપ
પીતા સિનીયર એવા આ કલાકારના સુટ પણ ધ્યાન ખેંચે એવા લાગ્યા હતા. જો કે એ રોલ માટે દિગ્દર્શક બાસુ ચેટરજી મદનપુરીને
લેવા માગતા હતા.
પરંતુ, નિર્માતાએ એ.કે. હંગલનો આગ્રહ રાખ્યો હતો. ‘શૌકીન’ના પાત્રની
માફક જ એ કપડાંની બાબતમાં બહુ ચોક્કસ હતા. કેમ કે એક્ટર હોવા ઉપરાંત પૂર્વાશ્રમમાં
એ ટેલર પણ હતા. દરજીકામ જો કે તેમના ખાનદાનમાં કદી કોઇએ કર્યું નહતું. કેમ કે જન્મે
એ કાશ્મીરી પંડિત હતા. તેમના દાદા પાકિસ્તાનના પેશાવર શહેરના આસિસ્ટન્ટ કમિશ્નર હતા
અને પિતાજી પણ સરકારી નોકરીમાં હતા. તેથી સ્વાભાવિક જ આ અવતાર કિશનને પણ રાજ્યના નોકર
બનવાના એ પેઢીગત વ્યવસાયમાં જ જોતરવાનો વિચાર હોય.
|
યુવાન અવતાર કિશન હંગલ (ફોટો સૌજન્ય: મીડ ડે) |
પરંતુ, આ તો આઝાદ પંખી! અંગ્રેજોની
ગુલામીમાંથી દેશ મુક્ત થાય તે માટે સરહદના ગાંધી અબ્દુલ ગફાર ખાનને પગલે ચાલવા માગતો
યુવાન. તેમની લાલસેનાનો સૈનિક, જે અંગ્રેજી જુલમકારોના દંડા ખાઇને કપડાં લાલ થવા દે,
પણ સામો હાથ ના ઉઠાવે. ઘરનાં કોઇને એ બધા છંદ પસંદ નહીં. તેથી મેટ્રીક પછી એ ઘેરથી
ભાગીને દિલ્હી આવી ગયા. અહીં એ એક ટેલરીંગ ફર્મમાં કામ કરવા માંડ્યા અને દરજી બન્યા. હુન્નર શીખવાની
ધગશ એવી કે ધીમે ધીમે એ ‘કટિંગ માસ્ટર’ પણ થઇ ગયા.
હવે તેમની ખ્યાતિ એવી થઇ કે પતિયાલાના
મહારાજાના રજવાડી સુટ હોય કે પટૌડીના નવાબના નવાબી પહેરવેશ અથવા લોકસેવક દીનબંધુ એન્ડ્રુસનાં
ખાદીનાં વસ્ત્રો સીવવાનાં હોય, સૌની એક જ પસંદ ‘માસ્ટર અવતાર કિશન’! દિલ્હીમાં એવું
નામ થયા પછી એ પાછા પોતાને વતન પાકિસ્તાન આવી ગયા. કરાંચીમાં ટેલરીંગની શોપ ખોલી અને
સાથે સાથે એ ‘કરાંચી ડ્રામા અને સિંગીંગ ક્લબ’ના સક્રિય સભ્ય પણ બન્યા, જ્યાં સાંજે રિહર્સલ
કરવા જાય. નાટકો પણ કરે. પરંતુ, આ બધામાં તેમનો ઝોક ડાબેરી. આજીવન એ કોમ્યુનિસ્ટ પાર્ટીના
સભ્ય રહ્યા. (જીવનના અંત સુધી તેમણે દર સાલ પોતાની સભ્ય ફી નિયમિત જમા કરાવી હતી.)
એ કરાંચીમાં હતા અને ૧૯૪૭ની ૧૪મી ઓગસ્ટે પાકિસ્તાન અલગ દેશ બન્યો. એ વિશેષ પ્રસંગની આગલી સાંજે સ્થાનિક
કરાંચી રેડિયો પરથી તેમની લખેલી અને અભિનય કરેલી
સ્કીટ ‘બેકસ’ પ્રસારિત થઇ હતી. ત્યાં જ રહીને એ મુલ્કને પ્રગતિશીલ નીતિઓ ઉપર
ચાલતો કરવાની ખ્વાહિશવાળા તે યુવાન હતા. પરંતુ, ધાર્મિક રાજ્ય તરીકે સ્થપાયેલા પાકિસ્તાનમાં
બિનસાંપ્રદાયિકતાની ચળવળ કરનારા દ્રોહી ગણાયા. તેથી થઇ ધરપકડ અને જેલમાં સબડવા નાખ્યા.
કારાવાસ લગભગ ત્રણ વરસ સુધી ભોગવ્યા પછી સરકારે ભારત જતા રહેવાનો વિકલ્પ આપ્યો. ત્યારે કરાંચીથી
દરિયાઇ મુસાફરી કરીને મુંબઇ બંદરે ઉતર્યા અને ત્યારથી ભારતવાસી થયા. (એટલે તેમનો જન્મદિન
ફેબ્રુઆરીમાં હોવા છતાં ભારત આવ્યા પછી મિત્રો સાથે તે ૧૫મી ઓગસ્ટને એ પોતાના નવા બર્થડે તરીકે મનાવતા. ૨૦૧૨નો
જન્મદિન પણ મૃત્યુના દસેક દિવસ પહેલાં ૧૫મી ઓગસ્ટે ઇલા અરૂણ જેવાં તેમનાં ‘ઇપ્ટા’નાં સાથીદારે તેમની
પાસે કેક કપાવીને મનાવ્યો હતો.)
ભારતવાસી થયા પછી પહેલીવાર પાકિસ્તાન એ અકસ્માત પહોંચી ગયા હતા.
એ રશિયા ગયા હતા અને પરત આવતાં વિમાનમાં કોઇ ટેકનીકલ ખામી થતાં પ્લેન કરાંચી લેન્ડ
કરવું પડ્યું હતું. ત્યારે ત્યાંના એરપોર્ટ પર મુસાફરો તો ઠીક સ્ટાફ પણ ઓટોગ્રાફ માટે
ઘેરી વળ્યો હતો. તે દિવસ હંગલદાદાને બરાબર યાદ રહ્યો હતો. કેમ કે પાકિસ્તાનના વહીવટમાં ધાર્મિક
નેતાઓની દખલગીરી જેમના સમયમાં સૌથી વધુ થઇ હતી એ સરમુખત્યાર ઝિયા ઉલ હક, તે જ દિવસે
વિમાન તૂટી પડતાં મૃત્યુ પામ્યા હતા અને રાષ્ટ્રવ્યાપી શોક જાહેર થયેલો હતો.
કરાંચીથી પહેલીવાર સ્ટીમરમાં મુંબઇમાં આવ્યા, ત્યારે
તેમને પહેલો આશરો આપ્યો તેમના જેવા જ એક સિંધી નિરાશ્રીતે સી.સી.આઇ. ક્લબ પાસે અને
કામની રીતે જોડાયા ‘ઇન્ડીયન પિપલ્સ થિયેટર એસોસીએશન’માં. અહીં ‘ઇપ્ટા’માં બલરાજ સહાની
અને કૈફી આઝમીથી માંડીને શૈલેન્દ્ર તથા સંજીવકુમાર જેવા ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા
સૌ સાથે પરિચય વિકસતો ગયો. છેવટે શૈલેન્દ્રની બાસુ ભટ્ટાચાર્ય નિર્દેશિત ફિલ્મ ‘તીસરી
કસમ’થી સિનેમાની દુનિયામાં પ્રવેશ થયો, જ્યારે હંગલની ઉંમર હતી ૫૦ વરસ!
છતાં નાટકની તાલીમ એવી કે રોલ નાનો હોય તો પણ તેમની
એક્ટીંગની નોંધ લેવી જ પડે. રંગમંચ ઉપર તો તેમણે યાદશક્તિ એવી સરસ કેળવેલી કે ગમે એવા
લાંબા ડાયલોગ હોય તેમને કદી પ્રોમ્પ્ટીંગની જરૂરત ના પડે. અંગત જીવનમાં પણ તેમના વિચારો
એટલા ચોક્કસ ડાબેરી કે કોઇના કોઇ પ્રકારના ‘પ્રોમ્પ્ટીંગ’ની આવશ્યકતા જ ના રહે. ખાસ
કરીને કોમી તોફાનો માટેના તેમના વિચારોમાં એ ખાસ્સા ડાબેરી હતા. તેથી જ્યારે એક વરસે
‘પાકિસ્તાન દિન’ની ઉજવણી વખતે પાકિસ્તાની કોન્સ્યુલેટની કચેરીમાં એ ગયા, ત્યારે મોટો
વિવાદ થયો હતો.
તેમની ફિલ્મોનો બહિષ્કાર જાહેર થયો હતો. તેમના સીન કાપીને તે ફિલ્મ
બતાવવા માગતા કે ડરના માર્યા તેમને પોતાના નિર્માણાધિન પ્રોજેક્ટમાંથી પડતા મૂકવા તૈયાર
થયેલા ભીરૂ નિર્માતાઓથી એ નારાજ થયા હતા. વરસ દહાડા પછી એવો ખુલાસો થયો કે બહિષ્કારનો
એવો કોઇ ફતવો જ નહતો! ત્યારે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. વળી પાછા હંગલને સાઇન કરવા
શરૂ થયા. પરંતુ, તેમના રાજકીય વિચારોને લીધે થયેલા આર્થિક નુકશાનને કદી શહીદીનો અંચળો
ના ઓઢાડ્યો. બલ્કે પોતાની માન્યતાઓ માટે ચૂકવવાની કિંમત ગણી હતી. તેથી જીવનના અંત સુધી
એ પદ્મભૂષણને એક રૂમના ટેનામેન્ટમાં ભાડે રહેવું પડ્યું!
એક ભાવપ્રવણ એક્ટર ઉપરાંત
એક શિસ્તબધ્ધ, નિષ્ઠાવાન અને સમર્પિત વ્યક્તિ તરીકે પણ અવતાર કિશન હંગલ હમેશાં યાદ
રહેશે. પોતાના મૃત્યુ વિશે ૨૦૦૩ના એક ઇન્ટર્વ્યુમાં એ.કે. હંગલે કહ્યું હતું કે, “મને
વિચાર આવે છે કે હું કેવી રીતે મૃત્યુ પામીશ? હું સૂતો હોઉં અને ઉંઘમાં મારું મોત આવે
તો સારું...” હકીકતમાં પણ તેમની બેહોશીમાં જ લાઇફ સપોર્ટ સિસ્ટમ કાઢી લીધા પછી દેહ છૂટ્યો હતો.
તે પછી હંગલ સાહેબ દેહસ્વરૂપે રહ્યા નથી. પરંતુ, એ જ્યાં હશે ત્યાંથી ‘આંધી’ના ‘બ્રિન્દાકાકા’ની
માફક કહેતા હશે કે “મુઝે અપની યાદોં સે નિકાલને કા દમ નહીં હૈ... તુમ મેં સે કિસી મેં
ભી!!”
RIP A.K. HANGAL, Sir!