Saturday, August 18, 2012

''ઓ ફિલ્મી કવિ, તુઝે સલામ!"





૧૫ મી ઓગસ્ટ  કે ૨૬ મી જાન્યુઆરી આવે ત્યારે પણ કદી આપણે એ વિચારીએ છીએ કે આપણી રાષ્ટ્રભક્તિને  જાગૃત કરવામાં ફિલ્મી ગીતો કેટલો મોટો ભાગ ભજવે છે? ક્યારેય પણ ફિલ્મી ગીતકારોને આપણે એવું સન્માન આપી શક્યા છીએ જેના તેઓ હક્કદાર છે? 'કાબુલીવાલા' ના ''અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન, તુઝ પે દિલ કુરબાન...'' માંની પંક્તિઓ ''તેરે દામન સે જો આયે ઉન હવાઓ કો સલામ, ચુમ લુ મૈં ઉસ જુબાં કો જિસ પે આયે તેરા નામ...’' સાંભળતા વતનથી દુર વસતા  સંવેદનશીલ ભાવકની આંખ ભીની થઇ જ જાય. પણ મન્ના ડેએ ગાયેલા તે  ગીતના રચયિતા કવિ પ્રેમ ધવનને  કેટલા શ્રોતાઓ યાદ કરતા હશે?

પ્રેમ ધવને જ મનોજ કુમારની 'શહીદ'ના ગીતો પણ લખ્યા હતા. 'શહીદ'ની સ્મૃતિ તાજી થતાં જ '' મેરા રંગ દે બસંતી ચોલા....',  'અય વતન, અય વતન, હમ કો તેરી કસમ, તેરી રાહો મેં જાં તક લૂટા જાયેંગે, ફૂલ ક્યા ચીઝ હૈ, તેરે કદમો પે હમ, ભેટ અપને સરો કી ચઢા જાયેંગે.....' અને ''પઘડી સંભાલ જત્તા......'' જેવાં ગીતો પણ દિલના દરવાજે દસ્તક દેવા માંડે. એ જ પ્રેમ ધવને 'હમ હિન્દુસ્તાની'નું ટાઈટલ ગીત  ''છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નયે દૌર મેં લિખેંગે મિલકર નઈ કહાની, હમ હિન્દુસ્તાની...'' લખ્યું હતું એ વાતની મુકેશની સાથે સાથે એ ગાયન ગાતા કેટલા રસિકજનોને ખબર હશે?

કે પછી 'જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા....'' 'સિકંદરે આઝમ'નું ગૌરવવંતુ ગાન કવિવર રાજેન્દ્ર કૃષ્ણની રચના છે એ વિગત પણ કેટલા જાણતા હશે? અથવા વધારે યોગ્ય રીતે કહેવું હોય તો એમ પણ કહી શકાય કે કેટલા એ વાતની દરકાર કરતા હશે?  અરે, જૂના ગીતો છોડો (છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની!) પણ આજના સમયમાં એ. આર. રહેમાને  બંકિમચંદ્રએ લખેલા બંગાળીને  આપણા રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ' ને  હિન્દીમાં ''ઓ માં તુઝે સલામ...'' એમ કહીને કેટલું  સુંદર ગાયું છે? પણ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જે નારા ઉપર દેશના અસંખ્ય દૂધમલ જવાનો ફના થઇ ગયા  હતા એ સૂત્ર અને એ સમગ્ર ગીતની  એટલી અદ્ભુત હિન્દી આવૃત્તિ લખનાર આજના શાયર મેહબૂબ છે એ જાણવાની પણ કાળજી કેટલા રાખતા હશે?
રાષ્ટ્રકવિ પ્રદીપજી
એ જ રીતે ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી એ લાઉડ સ્પીકર ઉપર થી દરેક  ગલી મહોલ્લા કે શમિયાણા અને રેડિયો સ્ટેશન ઉપરથી અચૂક વાગતા પ્રદીપજીના ગીત 'અય મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની...' એ આપણી રાષ્ટ્રીય ચેતનાને પુન: જાગૃત કરવામાં આપેલા ફાળાની નવી પેઢીનાં કેટલાં જુવાનિયાંને ખબર હશે? ચીન સાથે  લડાઈ ૧૯૬૨માં  થઇ અને વરસો પુરાણી થ્રી નોટ થ્રીની બંદુકો જેવી શસ્ત્ર સામગ્રી સાથે લડવા મોકલેલા આપણા  લશ્કરને ધાણી ફૂટતી હોય એમ ગોળીઓની બૌછાર  કરતી આધુનિક સ્ટેનગન અને કચડી નાખનારી ટેન્કો સામે ટકવું મુશ્કેલ થયું હતું.  કોઈ મોટો દેશ હુમલો નહિ કરે એવી શાંતિપ્રિય માનસિકતાને કારણે રાખેલા તદ્દન મામુલી બજેટને લીધે શહીદ અને ઘાયલ  જવાનોના પરિવારો માટે  નાણાંની નવેસરથી વ્યવસ્થા  કરવાની હતી.એટલે 'સૈનિક ફાળો'  પણ ઉઘરાવવાનો થયો હતો.

 
પ્રદીપજી, લતા મંગેશકર અને સંગીતકાર સી. રામચન્દ્ર

એવા માહૌલમાં પ્રદીપજીએ લખ્યું આ અમર ગીત... 'અય મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની...'  અને લાલ કિલ્લા ઉપરથી લતાજીએ સી. રામચંદ્રના સંગીત નિર્દેશનમાં પહેલી વાર ગાયું, ત્યારે જવાહરલાલ નેહરુ સહીત સૌની આંખોમાંથી નિરંતર અશ્રુધારા વહી. પછી તો દેશ આખાએ પણ વીરોની શહિદી ઉપર આંસુ વહાવ્યા અને સૌએ જાણ્યું કે 'દસ દસ કો એક ને  મારા...' અને  'જબ દેશ મેં થી દિવાલી, વો ખેલ રહે થે હોલી, જબ હમ બૈઠે થે ઘરો મેં, વો ઝેલ રહે થે ગોલી...'!


સૌ જાણતા હોય છે કે સૈનિકો કે કોઈપણ પ્રકારે આપણી સલામતી વ્યવસ્થામાં  વ્યસ્ત એવા સુરક્ષાકર્મીઓ કેવી રીતે કાર્ય કરતા હોય છે.... પછી એ સેના હોય, પોલીસ  કે પછી ફાયર બ્રિગેડના જવાનો હોય. પણ એ હકીકતને એટલી ચોટદાર રીતે કાવ્યાત્મક રજૂઆતથી મુકવાનું પરિણામ એ આવ્યું  કે સમગ્ર રાષ્ટ્રની હતાશા ખંખેરાઈ ગઈ. લશ્કર પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ વધારે હકારાત્મક થયો. આપણે માત્ર શસ્ત્ર સામગ્રીની રીતે અદ્યતન થવાની જરૂર છે અને જવાનોની શૂરવીરતા બેમિસાલ છે એ સંદેશો પહોંચાડવામાં પ્રદીપજીના શબ્દોએ ત્યારે આપેલા ફાળાનું ઋણ કદી ઉતરી શકે એવું છે? (પ્રદીપજીનાં ‘જાગૃતિ’ સહિતનાં ગીતો અને અહીં ના ઉલ્લેખાયાં હોય એવાં રાષ્ટ્ભક્તિનાં કોઇ ફિલ્મી ગાન તમે ઉમેરી શકો છો?)

ગુલશન બાવરા
 “અય મેરે વતન લોગોં...” જે યુધ્ધની પૃષ્ઠભૂમિમાં લખાયું હતું, તે ‘ચાયના વોર’ના બેકગ્રાઉન્ડમાં જ ‘હકીકત’ બન્યું હતું અને તેમાં કૈફી આઝમીએ લખ્યું “કર ચલે હમ ફિદા જાન-ઓ-તન સાથીયો, અબ તુમ્હારે હવાલે વતન સાથીયો...”! પણ દેશભક્તિના માહૌલમાં મનોજકુમારને અને ખાસ તો ‘ઉપકાર’ના ભારતકુમારને ના સંભારીએ તે કેમ ચાલે? તેનું સૌથી લોકપ્રિય ગીત એટલે ગુલશન બાવરાએ લખેલું “મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી...” કદાચ આ ગીત વિના કોઇ પણ સ્વાતંત્ર્ય સમારંભની ઉજવણી થતી નહીં હોય... પછી એ ઇન્ડીયામાં હોય કે અહીં પરદેશની ધરતી પર હોય. મનોજકુમારની ‘પૂરબ ઔર પશ્ચિમ’માં ઇન્દીવરની કલમેથી મળ્યું, “હૈ પ્રીત જહાં કી રીત સદા, મૈં ગીત વહાં કે ગાતા હૂં, ભારત કા રહનેવાલા હૂં ભારત કી બાત સુનાતા હૂં...” અને તેમાં જ એ કવિએ આપ્યું એક સરસ રૂપક ગીત.... “દુલ્હન ચલી, હો પહન ચલી તીન રંગ કી ચોલી...” તેમાં એક તબક્કે કહે છે, “દેશપ્રેમ હી આઝાદી કી દુલ્હનિયા કા વર હૈ...” ! (આજના ભારતમાં જો રાષ્ટ્રપ્રેમની કમી જણાતી હોય તો આઝાદી નામની દુલ્હનના વરરાજા વગર તેનું રક્ષણ કોણ કરશે એ ચિંતા થવી વ્યાજબી જ છેને?)

એ જ દુલ્હનને મનોજકુમારની તે પછીની એક ફિલ્મ ‘ક્રાન્તિ’માં “અબ કે બરસ તુઝે ધરતી કી રાની કર દેંગે...”નો આશાવાદ સંતોષ આનંદ કરાવે છે. દેખીતી રીતે જ ભારતને વિશ્વની ટોચની સત્તા બનાવવાનું એ સપનું હતું; જે તેના ભવ્ય ભૂતકાળની હકીકત હતી. તો ભારતીયતાની પ્રશંસા કરતાં સાહિર લુધિયાન્વીએ દિલીપકુમારની ‘નયાદૌર’માં કરાવી હતી; જ્યારે તેમણે લખ્યું, “યે દેશ હૈ વીર જવાનોં કા, અલબેલોં કા મસ્તાનોં કા, ઇસ દેશ કા યારોં ક્યા કેહના યે દેશ હૈ દુનિયા કા ગેહના...”

આનંદ બક્ષી
દિલીપકુમારની જ અન્ય એક ફિલ્મ ‘લીડર’માં શકીલ બદાયૂનિની કલમેથી મળ્યું એક એવું ગીત જેમાં ચેતવણી પણ હતી. એ ગીત “અપની આઝાદી કો હમ હરગીઝ મિટા સકતે નહીં, સર કટા સકતે હૈં લેકિન સર ઝૂકા સકતે નહીં..”માં એક તબક્કે એ કહે છે, “એક ધોખા ખા ચૂકે હૈં ઔર ખા સકતે નહીં...” (છતાં રાજકારણીઓની અણ આવડતને કારણે પાકિસ્તાન સાથે તે પછી ઠેઠ કારગીલ હુમલા સહિત કેટલીવાર આપણે ધોખા ખાધા અને એવા દરેક યુધ્ધમાં આપણા જવાનોની શૂરવીરતાને લીધે પાકિસ્તાન આપણા મારના ધોકાથી ધોવાયું!) દિલીપકુમારની જ અન્ય એક ફિલ્મ ‘કર્મા’માં આનંદ બક્ષીએ લખેલું ગીત “હર કરમ અપના કરેંગે, અય વતન તેરે લિયે, દિલ દિયા હૈ, જાં ભી દેંગે અય વતન તેરે લિયે...” બાબા રામદેવ તેમની શિબીરોમાં નિયમિત ગવડાવે છે. એ જ આનંદ બક્ષીએ ‘ફુલ બને અંગારે’માં લખ્યું, “વતન પે જો ફિદા હોગા, અમર વો નૌજવાં હોગા...” જ્યારે દેવ આનંદ જેવા ‘પ્રેમપૂજારી’ને હિન્દીના શ્રેષ્ઠતમ કવિ ગોપાલદાસ ‘નીરજ’ની આ કવિતા મળી, “તાકત વતન કી હમ સે હૈ, હિમ્મત વતન કી હમ સે હૈ, ઇન્સાન કે હમ રખવાલે...”

તાજેતરની ફિલ્મોમાં ‘ચક દે ઇન્ડીયા’ના ટાઇટલ ગીતમાં વાત ભલે હોકીની રમતની હતી. પરંતુ, પ્રત્યેક દેશવાસીને શુરાતન ચઢે એ રીતે સુખવિન્દરે છાતી ફાડીને ગાયું હતું. એ જ રીતે શહીદ ભગતસિંગના જીવન પરથી બનેલી  બન્ને ફિલ્મોમાં પણ રાષ્ટ્રભક્તિનાં ગીતો હતાં જ. જેમ કે ‘ધી લીજેન્ડ ઓફ ભગતસિંગ’માં સમીરનું લખેલું “દેસ મેરે...” અને “૨૩ માર્ચ ૧૯૩૧ શહીદ’ માટે દેવ કોહલીનું “સાંસ હૈ જબ તલક અય વતન...” જેવાં ગીતો મળે છે, ખરાં.

એમ તો ‘રંગ દે બસંતી’ નામનું આમિરખાનનું પિક્ચર પણ આવ્યું. પરંતુ, એકંદરે હવેનાં ચિત્રોમાં મોટેભાગે તો ‘ભારત’ને બદલે ‘ઇન્ડીયા’ બતાવવાના અને તે પણ ઉપલકીયા જ પ્રયત્ન  હોય છે. હવેના સર્જકો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જનાર શહેરી યંગસ્ટર્સને તથા ઓવરસીઝ સેટલ થયેલા એન આર આઇની યંગ જનરેશનનને ધ્યાનમાં રાખીને પિક્ચરો બનાવતા હોઇ જો કોઇ શહીદ થયું હોય તો તે રાષ્ટ્રભક્તિ! હવેના નિર્માતાઓ કદાચ “અય મેરે વતન કે લોગોં...” જેવું કોઇ દેશના લોકો માટેનું ગીત લખાવવાને બદલે પોતાના બેનરના ‘લોગો’ની માર્કેટવેલ્યુ વધાર્યા કરતા નથી લાગતા? સોચો ઠાકુર!! 
જય હિન્દ.....જય હિન્દ.....જય હિન્દ કી સેના!!

6 comments:

  1. JAI HIND.some more songs: (1) HUM PANCHHI EK DAALKE, EK DAALKE, SANG SANG DOLE JI SANG SANG DOLE' BOLI APNI APNI BOLE JI BOLE JI BOLE .... (2)HUM LAAYE HAIN TOOFANSE KASHTI NIKAALKE, IIS DESH KO RAKHNA MERE BACHCHON SAMBHALKE.....(3)HAMEN UN RAAHON PAR CHALNA HAI JAAHAN GIRNA AUR SAMBHALNA HAI...... (4) AAO BACHHON TUMHEN DIKHAYE N ZAANKHI HINDUSTANKI, ISMEN TEERSE TILAK KARO YE DHARTI HINDUSANKI.

    ReplyDelete
    Replies
    1. Thanks Sureshji... A small correction: The 4th song you have mentioned has the second line as follows: ``Is MITTI SE tilak karo ye dharti hai BALIDAN ki...''

      Delete
    2. Thanks Salilji,for the correction.

      Delete
  2. જય હિન્દ.
    ગીતકારની હજી પણ યોગ્ય નોંધ નથી લેવાતી. પહેલા તો માત્ર એક્ટરના નામથી જ ફિલ્મ ઓળખાતી. હવે લોકો ડાયરેક્ટરનું નામ બોલતા થયા છે.
    સરસ માહિતી આપતો લેખ. ગમ્યો.

    ReplyDelete