Friday, August 3, 2012

રક્ષાબંધન: લાગણી બસ લાગણી છે, ક્યાં છે કોઇ આવરણ?




ગઇ કાલની પોસ્ટના અનુસંધાને પ્રિય મિત્ર અને લોકપ્રિય કોલમિસ્ટ જય વસાવડાએ રાખી કાર્ડના અમારા એ પ્રોજેક્ટની આર્થિક
નિષ્ફ્ળતાનું સચોટ વિશ્લેષણ કરતાં લખ્યું કે ''....કોન્સેપ્ટ નહિ, કન્ટેન્ટ ફ્લોપ થયો હશે. એમાં જે સાહિત્યિક લખાણ છે એ વાંચવા ટેવાયેલો વડીલવર્ગ કદી કાર્ડની દુકાનોમાં પગ ના મુકે..ને જે યંગસ્ટર્સ કાર્ડ કલ્ચરથી ટેવાયેલા છે એમને આ લખાણ બહુ ભારેખમ લાગતા 'ઉપરથી' જાય ! છૂટાછવાયા અપવાદો બેઉ પક્ષે હોય, પણ બિઝનેસ એના પર ના ચાલે !”
 
એ મુદ્દો સાચો હોઇ શકે કે સાહિત્યિક લખાણ યંગસ્ટર્સને ભારેખમ લાગ્યું હોય.પણ, ઇન માય વીક ડીફેન્સ, હું તો એમ માનતો હતો કે કાર્ડની અંદરનું લખાણ બોલચાલની ગુજરાતીમાં લખાયું હતું. હા, તેમાં અંગ્રેજી શબ્દો નહતા એ ખરું. પણ એ સમજીને લીધેલું પગલું હતું. વળી આ કાર્ડ બનાવ્યાને પણ દસ વરસ કરતાં વધારે સમય થયો છે. એ વખતે યુવા વર્ગની વાતચીતમાં હજી ઇંગ્લીશ કદાચ એટલું બધું મિક્સ નહતું થઇ ગયું.

ઇંગ્લીશ તો હજી દૂર છે, મેં તો કાર્ડ ઉપર રક્ષાબંધનને લગતાં  હિન્દી ફિલ્મોનાં  “ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના...” અને “મેરે ભૈયા, મેરે ચન્દા, મેરે અનમોલ રતન, તેરે બદલે મૈં જમાને કી કોઇ ચીજ ન લૂંગી...” જેવાં ગીતો મૂકવાનું સૂચન પણ નહતું સ્વીકાર્યું. પણ એ મારી અંગત જીદ હતી. સફળ વેપાર એ રીતે ના થાય એ જયના મુદ્દા સાથે ૧૦૦% સંમત.
 

સાથે સાથે એ પણ જણાવી લઉં કે તે દિવસોમાં ‘આર્ચીસ’ અને ‘ફિલીંગ્સ’ બન્ને સ્ટોર્સમાં આ કાર્ડ મૂકવા દેવાની દરખાસ્ત મેં કરી હતી. પરંતુ, બિઝનેસ પોલીસીને કારણે સ્વાભાવિક રીતે જ તે સ્વીકારાઇ નહતી. બાકી તે વખતે તો આ કાર્ડ તેમના પ્રોડક્ટ (અંગ્રેજી કાર્ડ) સામે કોઇ સ્પર્ધામા પણ નહતાં. બેઉ સ્ટોર્સમાં કયું કાર્ડ મોટી બહેન માટે છે અને કયું નાની બહેન કે કઝિન અથવા તો નવપરિણિત બહેન માટે છે એ વિગતવાર જાણ્યા પછી સ્ટોરના સંચાલકોએ ઘર માટે (સંભવતઃ પોતાની પત્ની માટે) કાર્ડ લીધાનું પણ બરાબર યાદ છે.

થાકીને થોડાક નાના સ્ટોર્સ જ્યાં અન્ય સિઝનલ વેપારની જેમ રાખડીઓ પણ વેચાતી હોય એવામાં કાર્ડ ના વેચાય તો પાછાં લેવાની શરતે -જાંગડ- મૂક્યાં હતાં. તે પૈકીના એક પણ સ્ટોરમાંથી એક પણ નંગ પરત નહતું આવ્યું, એ પણ હકીકત છે. (પૈસાની ઉઘરાણી માટે ક્યાંક ધક્કા ખાવા પડ્યા હોય એ અલગ વાત છે!) તેથી કન્ટેન્ટ પણ સાવ ફેઇલ ગયો હતો એવું માનવાનું મન નથી થતું.

મારું પોતાનું મન મનાવવાનું તારણ એવું હતું કે અમારી પાસે વિક્રેતાઓની ચેઇન નહતી એ મોટી તકલીફ હતી. એવા વિશાળ નેટવર્ક સાથે સારું માર્કેટીંગ કરી શકતા વેપારી હોય તો ‘ગમ્મે એવી’ પ્રોડક્ટ વેચી શકે અને તમે પોતે એકલે હાથે વેચવા નીકળો તો સારામાં સારા ઉત્પાદનો પણ ગ્રાહક સુધી પહોંચાડવાં મુશ્કેલ બને. જો કે એ વિચાર પણ પ્રોજેક્ટની શરૂઆતમાં આવ્યો જ હતો. પણ પછી ‘નિરમા’ના કરસનકાકાને નજર સમક્ષ રાખ્યા. એ પણ શરૂઆતમાં તેમના વોશીંગ પાવડરની કોથળીઓ સાયકલ પર મૂકીને ઘેર ઘેર/ દુકાને દુકાને ફરતા જ હતાને? 

આજે તો ઇન્ટરનેટ, ઇમેઇલ, ફેસબુક તથા પ્રાઇવેટ ચેનલોના સમયમાં પોતાની પ્રોડક્ટનો પ્રચાર-પ્રસાર વધારે સારી રીતે થઇ શકે છે. પણ જ્યારે અમે સાહસ કર્યું ત્યારે ’૯૦ના દાયકામાં એ બધું ક્યાં હતું? ખેર, આજે તો ભાઇ પ્રણવ અધ્યારુએ ફેસબુક પર એ કાર્ડનાં લખાણો મૂકવાને  કારણે અને જય વસાવડાએ કરેલા માર્કેટીંગના સચોટ વિશ્લેષણ નિમિત્તે એ કાર્ડની સ્મૃતિઓ તાજી કરવા સિવાય બીજો કોઇ ઉપક્રમ પણ નથી. બાકી તેના સર્જનમાં ભરપૂર આનંદ આવ્યો હતો અને આર્થિક માર સિવાયનો કોઇ અફસોસ નહતો. આજે તો એ પણ નથી!
ફેસબુક પર પ્રણવ દ્વારા મૂકાયેલાં રાખી કાર્ડનાં લખાણો અહીં પુનઃ રજૂ છે. દરેક કાર્ડ ઉપર પંક્તિઓ તથા અંદરના લખાણને અનુરૂપ ચિત્રો હતાં અને તે સુંવાળા-ગ્લોસી- કાર્ડ પર સુંદર રીતે છપાયાં હતાં.  કાર્ડ પર મૂકાયેલી પંક્તિઓ અહીં લાલ રંગમાં અને અંદરનું લખાણ બ્લ્યુ કલરમાં છે.










ભાઇ બહેનનો સુંદર નાતો એક ઋણાનુબંધ રે...
જનમ જનમની લેણાદેણી ભવભવનો સંબંધ રે...


મારા વ્હાલાભાઇ,
જિંદગીનાં વરસોએ મને ખૂબ
બદલી છે, પણ તને કેડમાં તેડીને
સહિયરો સાથે રમવા જતી, ત્યારથી
આજ સુધીમાં એક વાતે તો હું
નથી જ બદલાઇ....
....સખી-સહિયરોને જે કહેતી
એ જ ગર્વભેર દુનિયા આખીને
આજે પણ કહું છું કે..
મારા ભાઇ જેવું જગમાં બીજું
કોઇ નથી!


આમ જુઓ તો ઋણાનુબંધ છું
પારદર્શક હું જ એ સંબંધ છું
નિઃસ્વાર્થ ને નિર્વ્યાજ જેને સહુ કહે
એ ભાઇબહેનનું હેત હું અકબંધ છું



અંતરનાં ઊંડાણે
તારી લાગણીઓના અજવાળે,
મેઘધનુ કૈં રંગરંગનાં ગૂંથી
આપણે ઉભાં
રક્ષાબંધનની આ મોસમમાં
વરસ્યાં વાદળ હેતભર્યાં ને
હેલી થઇને
આંગણ આવી ઉભાં આપણે...
ભાઇ ચાલને, છબછબિયાં રે કરીએ
આ પાણીના પરપોટે.
આ જીવતર કેરા ઓટે...





બ્હેનાની નજરુંનો છલકાતો નેહ,
બાંધે વીરાને હાથ,
અમ્મર રાખડી રે લોલ.


મારા વ્હાલા ભાઇ!
આ રક્ષાબંધનના પવિત્ર તહેવારે
હું તને
પરબીડિયામાં વ્હાલ મોકલું છું!
તુ એને
દોરી-ધાગા સમાન ન સમજીશ,
એ તો મારા જીવ સમાન છે...
હું એટલે તારી તારી તારી
બ્હેના





ચોતરફ રંગો ઉમંગોથી ભર્યું વાતાવરણ
લાગણી બસ લાગણી છે, ક્યાં છે કોઇ આવરણ?


મને સાંભરે છે,
તને સાંભરે છે, ભાઇ?
બાળપણની લડાઝઘડી
એક બીજાની નિર્દોષ મજાક મશ્કરી
... આપણે એટલું તો હસતાં
કે આંખોમાં આવી જતું પાણી...
આજે
એ જ આંખોનાં સરોવર છલકે છે
કારણ? કારણ તને ખબર છે?
થાય છે કે
પાસ પાસ તો ય કેટલાં દૂરે
વસીએ આપણે ભાઇ
એક જ ઝાડની બે ડાળીઓ
આપણી એક જ માઇ...
તને સાંભરે છે?
મને સાંભરે છે...







રાખડીમાં ચિતરેલા રંગોને મેલ્યા છે
વહેતા મેં લાગણી સમેત...

દરેક વરસે
રક્ષાબંધનનું પર્વ આવે છે
ને
સ્મૃતિઓ સળવળે છે
...એમાં દેખાય છે...
થૂઇ થપ્પા ને પકડદાવ
પડ્યા આખડ્યા, વાગ્યા ઘાવ
વરસાદી જળમાં કાગળની નાવ
કિટ્ટા'ને બુચ્ચાના મીઠા પડાવ...
હું તો કિસ્મતને આજે કહીશ...
થુપ્પીસ! મારા ભાઇના હાથે રક્ષા
બાંધી લેવા દે, બસ!.







ચારે ખૂણેથી ચાર રક્ષાના તાંતણા મોકલું વીર
તને મળવાને મનડું મારું થાતું બહુ રે અધીર


આપણે
ભાઇ-બહેન કરતાં થોડુંક વધારે છીએ,
મિત્રો પણ છીએ.
એટલે જ વાતવાતમાં
દલીલોની ઝપાઝપી કરતી હું
તને બકબક કરતી લાગું છું...
પણ એક વાતે મારી વાતને બકબક ન ગણતો..
કાનમાં કહું?
(નહિતર પાછો ફૂલણજી... બની જઇશ)
...તારા જેવો ભાઇ જગતમાં
બહુ ઓછી બ્હેનુડીયોના નસીબમાં હશે....
.તું મારો ભાઇ છે. કહેતાં
મને અપાર ગૌરવ થાય છે, ભાઇ!
તારી આંખનો ખૂણો તેં જેના માટે
ભીનો કર્યો
એ જ,
તારી બહેનુડી...







એકબીજાની સાથે બાંધ્યો એક તાંતણે પ્રેમ
રક્ષાબંધનના અવસરને ભાઇ! ભૂલું હું કેમ?


આવી રક્ષાબંધન!
તને યાદ છે?
બોલ ભાઇ તું, કે તને યાદ છે...
આપણી યાદોની બારીએથી
ડોકિયું કરીને
આનંદની લ્હેરખીની સાથે સ્વીકારજે
તારી બ્હેનીના હેતના હોલ્લારા...
હોલ્લારે હોલ્લારે
મનના ઉમંગ માગે પ્રભુની પાસ બસ,
આટલું...
સુખ સમૃદ્ધિ ને મળે જીવન સંતોષ તને, વીરા
મારા...
તારી બ્હેના...







સહિયારી રે બાળપણાંની ગોઠડી કરું યાદ
સાંભરે મુને ભઇલા તારી ખટમીઠી કૈં વાત...


ભાઇ! હું તો પારકી થાપણ કહેવાઉં, નહીં?
સાસરે વળાવતી વખતે માંડવાનો થાંભલો
પકડીને ચોધાર આંસુ વહાવતો તને
મારી રડતી આંખોએ જોયો હતો...
અને એટલે જ કહું છું જગત માટે
ભલે હોય પણ
ભાઇ માટે બહેની 'પારકી' હોતી જ નથી!
ખળખળતા ઝરણા જેવો ભાઇબહેનનો
નિત્યનિર્મળ પ્રેમ
આપણામાં સદા વહેતો જ રહે!






એકબીજાની સાથે બાંધ્યો એક તાંતણે પ્રેમ
રક્ષાબંધનના અવસરને ભાઇ! ભૂલું હું કેમ?

આવી

રક્ષાબંધન!
તને યાદ છે?
બોલ ભાઇ તું, કે તને યાદ છે...
આપણી યાદોની બારીએથી
ડોકિયું કરીને
આનંદની લ્હેરખીની સાથે સ્વીકારજે
તારી બ્હેનીના હેતના હોલ્લારા...
હોલ્લારે હોલ્લારે
મનના ઉમંગ માગે પ્રભુની પાસ બસ,
આટલું...
સુખ સમૃદ્ધિ ને મળે જીવન સંતોષ તને, વીરા
મારા...
તારી બ્હેના...





ભાઇ રે ભાઇ!
તારા જીવતરમાં હોય
કૈં પાંદડીયે પાંદડીયે
મોતીડાંરે સવ્વા લાખનાં...


કેટલો નિરાળો સંબંધ છે
ભાઇ બહેનનો
વિશ્વમાં...
રાખીના તાણાવાણાનો અર્થ સમજવો
જેટલો અઘરો છે,
એટલો જ સહેલો છે, નૈં ભાઇ?
જે વૃક્ષની ડાળીઓનું સગપણ જાણે છે
એ જ વંશવૃક્ષની ડાળીઓ સ્નેહના સથવારે
પવનમાં સાથે ઝૂલી શકે છે
ને વરસાદમાં સાથે ભીંજાઇ શકે છે
તારી સ્નેહભીની બ્હેના...

ના માગું હું સોના,ચાંદી, હીરા, મોતી, હાર,
પાસ પ્રભુની માગું બસ હું ભાઇનો સ્નેહ અપાર...


સાથે રમવું, સાથે ઝઘડવું, સાથે રિસાવું
કોઇ મનાવે તો સાથે માની જવું....
શિશુવય આપણી બાંધી
એક તાણે, એક વાણે
અને
એ જ તાણાવાણાનું પ્રતીક
આ રાખડી...
હૈયાનાં હેત અને ઉરના ઉમંગે મઢીને
મોકલું છું...
...પ્રભુ જન્મોજનમ મારા ભાઇ જેવો
ભાઇ
મને આપે!





6 comments:

  1. Wah saheb, "fulanshi" na kan ma kahevayeli vato sahit ghana shandeshao "super cool" chhe. 90's ma rakshabandhan ma rakhdi saathe card aapva no chal etalo nahoto, mara anubhav pramane, etale je mali hati e saflata saari kahevay :)

    ReplyDelete
  2. અરે સાહેબ, તમે તો મારી નાનકડી કોમેન્ટને બહુ મોટી કરી બતાવી :) તમારી ખેલદિલીને દિલી સલામ . મને એ અરસામાં નેટવર્ક / આરપાર (મેગેઝીન ભૂલાયું છે )મા એના પર આવેલું એ આછેરું યાદ છે. વિક્રેતાવાળી વાત પણ મુદ્દાની છે. માર્કેટિંગ ભણાવી ચુકેલા માણસ તરીકે એ ય સમજુ છું કે માલ વેંચાય અને વખણાય બે અલગ-અલગ બાબત છે ને સફળ વેપારમાં બંને આવશ્યક છે. એ અરસામાં હું તો કોલમ લખતો ને મારી ભાષા ને વાચકોમાં સહજ અંગ્રેજી શબ્દો આવતા - પણ મને લખાણ સાહિત્યિક લાગ્યું એમાં એની કસક તો ઉમદા છે જ, પણ ભાષા નિખાલસતાથી કહું તો 'કેચી' (જે તમારી તો આમ નોર્મલ પણ હોય છે !)કરતા ક્યાંક કૃત્રિમ વધુ લાગી. મે એ અરસામાં એસ.એમ.એસ. બુક લખેલી / સંપાદન કરેલી એના અનુભવે કહું છું. ફિલોસોફી વધુ, ને ફ્ન ઓછું એવું કંઇક. અલબત્ત મે બધા કાર્ડસ જોયા પણ નથી અને આમાં મારી અંગત મર્યાદા હોવાની શક્યતા પુરેપુરી છે. એક આડવાત : ચંદ મિનિટોમાં જ મારી પ્રથમ કોલમનું શીર્ષક નક્કી કરવાનું હતું ૧૯૯૬મા ત્યારે જે ચાર-પંચ શબ્દો મગજમાં આવ્યા એમાં એક તાણાવાણા હતો. પણ લાગ્યું કે એ જીભે નહિ ચડે અને સ્પેકટ્રોમીટર રાખ્યું ! :P

    ReplyDelete
    Replies
    1. પ્રિય જય,
      ‘લાંબે ટૂંકે કોમેન્ટ ના મપાય’!
      યોગ્ય નિદાન અને ઇલાજની નાનકડી ગોળી મોટી તકલીફને દૂર કરી દેવાની તાકાત ધરાવતી હોય છે. તેથી નિષ્પક્ષતાથી જોતાં એ જ તારણ સાચું લાગ્યું કે કન્ટેન્ટમાં થોડીક માર્કેટની પણ ચિંતા કરવાની જરૂર હતી... જો પ્રોજેક્ટ સફળ કરવો હોય તો.

      જો કે અંગત રીતે મને પોતાને ‘સ્પેક્ટ્રોમીટર’ કરતાં ‘તાણાવાણા’ વહેલું જીભે ચડ્યું હોત. પણ કન્ટેન્ટમાં દમ હોય તો ‘અનાવૃત્ત’ જેવું પ્રમાણમાં અઘરું ગુજરાતી નામ પણ હવે સામાન્ય વાચકને સદી ગયું છે.
      બાય ધી વે,‘ટાઇમ પ્લીઝ’ માટે એક તબક્કે પૂર્તિના સંપાદક ડો. કાન્તિ રામી દ્વારા ‘અર્ધ વિરામ’ શિર્ષક સૂચવાયું હતું. પરંતુ, ત્યારે ‘સંદેશ’માં જ વાસુદેવ મહેતાની ‘અલ્પ વિરામ’ નામની લોકપ્રિય કોલમ હોઇ તેને સદંતર છોડીને મેં ‘ટાઇમ પ્લીઝ’ નામ રાખ્યું હતું; તે પણ આડવાતના સંદર્ભે યાદ આવ્યું.

      Delete
  3. I was lucky enough to witness those days.Bansi

    ReplyDelete
  4. Heya outstanding website! Does running a blog like this require a massive amount work?
    I have very little expertise in computer programming but I had been hoping to start
    my own blog soon. Anyways, should you have any suggestions or
    techniques for new blog owners please share. I know
    this is off subject nevertheless I just needed to ask.
    Kudos!

    ReplyDelete