Wednesday, August 1, 2012

રક્ષાબંધનની સૌને શુભ કામનાઓ!

આ પોસ્ટ માટે મિત્ર પ્રણવ અધ્યારૂએ ફેસ બુક ઉપર મૂકેલું  નીચેનું સ્ટેટસ જવાબદાર છે...

(સલિલ દલાલનું અદભુત છતાં અજાણ્યું સર્જન..
*ચોતરફ રંગો ઉમંગોથી ભર્યું વાતાવરણ
લાગણી બસ લાગણી છે, ક્યાં છે કોઇ આવરણ?*

બજારમાં જોવાં ન મળતાં,

છતાં કોઇ પણ ગુજરાતી ભીંજાયા વિના ન રહી શકે એવા
રક્ષાબંધનના ગુજરાતી કાર્ડના કેટલાક નમૂના


લાગણીની અભિવ્યક્તિ માટે કાર્ડ લખવાનો રિવાજ અંગ્રેજી છે.

એટલે કોઇ પણ પ્રકારનાં કાર્ડની અંદરનું લખાણ
અંગ્રેજીમાં હોય, એવો વણલખ્યો ધારો પડી ગયો. ભારતમાં
કાર્ડ-સંસ્કૃતિના પ્રસાર અને પ્રભાવ પછી દિવાળીથી માંડીને
રક્ષાબંધન જેવા, નખશીખ ભારતીય પર્વો માટેનાં કાર્ડ
બજારમાં વેચાતાં થયાં, પણ તેમાંનું લખાણ અંગ્રેજી જ રહ્યું.
મિત્ર સલિલ દલાલે લાગણીઓના અંગ્રેજીકરણને બદલે કાર્ડનું
ગુજરાતીકરણ કરવાનું નક્કી કર્યું. થોડાં વર્ષ પહેલાં તેમણે
રક્ષાબંધનનાં કાર્ડ તૈયાર કર્યા, અને એ દરેક કાર્ડમાં લાગણીથી
રસબસતું લખાણ ગુજરાતી ભાષામાં હતું. સાથે ઉત્તમ ચિત્રો
પણ ખરાં. અંગ્રેજી પ્રત્યેના અંધ અહોભાવ ઉપરાંત
વ્યવસાયિક પરિબળોને કારણે બજારમાં જોવાં ન મળતાં,
છતાં કોઇ પણ ગુજરાતી ભીંજાયા વિના ન રહી શકે એવા
રક્ષાબંધનના ગુજરાતી કાર્ડના કેટલાક નમૂનાઃ)

દર રક્ષાબંધને શાહબુદ્દીન રાઠોડ અને તેમનું અમર પાત્ર લાભુ મેરાઇ મને અવશ્ય યાદ આવે. શાહબુદ્દીનભાઇ તેમની નકલ ના થઇ શકે એવી બાનીમાં, અંગ્રેજો પ્રત્યેના અહોભાવમાં ભૂલથી ખરીદાઇ ગયેલા ( ખરેખર તો માથે પડેલા) ઓઇલને વેચવા લારી લઇને ગામે ગામ “ઉંજવાનું તેલ...” એમ બૂમો પાડતા લાભુ મેરાઇની વાત માંડે, ત્યારે એ મારી જ જિંદગીનું એક દ્રશ્ય વર્ણવતા હોય એવું લાગે છે.

લાભુ મેરાઇની માફક હું પણ ગુજરાતી ભાષામાં બનાવેલાં અમારાં રાખી કાર્ડ બજારમાં ફ્લોપ થયા પછીનાં બે વરસ સુધી એ કાર્ડના થપ્પા લઇને કન્યા છાત્રાલયો, મહિલા મંડળો અને લેડીઝ હોસ્ટેલ્સમાં અષાઢ-શ્રાવણમાં વેચવા જતો તે યાદ આવે!  તે વખતે માતૃભાષા ગુજરાતીમાં લાગણીસભર પણ ખુબસુરત કાર્ડ બનાવવાનું સપનું ચૂર ચૂર થયાનું પારાવાર દુઃખ હતું.


વિશેષ તો એટલા માટે કે તેના સર્જનમાં જે મહેનત કરી અને કરાવી હતી તેનું પરિણામ શુન્ય જ નહીં.... માઇનસ આવ્યું હતું. આર્થિક નુકશાન પણ મોટું હતું. મને મારાં સાહસો માટે (તેમાં પણ વેપાર કરવાનું તો હજી બરાબર, પણ શાક સમારવાની ઇચ્છા વ્યક્ત કરું તો પણ!) ઘરમાંથી કાયમ કહેવાતું હોય છે કે “રહેવા દો એ તમારું કામ નથી!”

તે સાલ પણ જ્યારે એક મિત્રએ ગુજરાતી કાર્ડની દરખાસ્ત કરી, ત્યારે શરૂઆતમાં એ ચેતવણી આવી જ હતી. પણ રક્ષાબંધનનાં કાર્ડ પાછળ મારું આગવું લોજીક હતું. અમે ૮ ભાઇ બહેન અને તેમાં ચાર બહેનો. ત્રણ મારાથી મોટાં અને એક નાની. વડોદરા બોર્ડીંગમાં ભણતો ત્યારે રક્ષાબંધન વખતે  દર સાલ ચારેયની રાખડી ટપાલમાં આવે. સાથેની ચિઠ્ઠીમાં (મોટેભાગે તો એ લીટીવાળી નોટનું પાનીયું જ હોય, તેમાં) દરેક બહેને પોત પોતાની ભાષામાં લાગણી વ્યક્ત કરી હોય. પણ એ દરેકમાંથી નર્યો પ્રેમ જ નીતરતો હોય. દર સાલ એ કાગળ મારાં આંસુથી ભીંજાયા જ હોય.

બેનના જેટલો નિર્મળ પ્રેમ મને ક્યારેય કોઇનો પણ લાગ્યો નથી. ભણતા તે દિવસોમાં પણ બજારમાં જન્મદિવસથી લઇને લગ્નની તિથિના અભિનંદનનાં કાર્ડ અંગ્રેજીમાં મળતાં. મને થતું કે  રાખડીનું કાર્ડ કેમ ના હોય? અને તે પણ ગુજરાતીમાં જ કેમ ના બને?  પછીનાં વરસોમાં એમ પણ થતું કે તેના માટે બળેવને ‘સિસ્ટર્સ ડે’ તરીકે કોઇ ઇન્ટરનેશનલ કાર્ડ કંપની જાહેર કરે અને ઇંગ્લીશમાં કાર્ડ બહાર પાડે તેની રાહ શું કામ જોવાતી હશે?

એટલે એક તો એ અકળામણ વરસોથી હતી જ. ઉપરાંત વ્યાવસાયિક તર્ક પણ ખરો કે ટપાલમાં રાખડી મોકલતી બધી બેનોએ કવર તો બજારમાંથી કે પોસ્ટનું લાવવું જ પડે. તો આપણે કવર અને સરસ કાર્ડ આપીએ જેમાં મોટી-નાની-સગ્ગી-કઝિન એમ દરેક પ્રકારની બહેનોની લાગણીઓને
વાચા બોલચાલની છતાં શિષ્ટ ગુજરાતીમાં આપીએ.

એટલે લાગણીભીનાં લખાણ તૈયાર કર્યાં પછી  દરેકની ઉપર લખવાની કાવ્ય પંક્તિઓ માટે કવિ જયેન્દ્ર શેખડીવાળાની મદદ લીધી.  કાર્ડ ઉપર વિદ્યાનગરમાં જ રહેતા પણ  વિખ્યાત કલાકાર કનુ પટેલ પાસે પેઇન્ટીંગ કરાવ્યાં. કેટલાંક કાર્ડ માટે અન્ય એક  આર્ટીસ્ટ બેન મમતા પટેલ પાસે પણ કેટલીક નયનરમ્ય વાસ્તવિક ડિઝાઇન કરાવી. તેમાં પેઇન્ટીંગ જ નહીં, સાચી રાખડી અને ચોખા હોય. 


આજે લેખના અંતે થોડાંક કાર્ડની  ડિઝાઇનો રજૂ કરી છે. ગમી? પ્રતિભાવ જાણવાની ઇચ્છા ખરી.
દરેક કાર્ડનું લખાણ કાલે અહીં મૂકવાની ઇચ્છા છે. એ લખાણો પણ મિત્ર પ્રણવ અધ્યારૂને લીધે પ્રાપ્ત થયાં છે. પ્રણવ અને ઉર્વીશ (કોઠારી)ના સંપાદન સમયે ‘આરપાર’માં એક વર્ષે આ કાર્ડ વિશે સ્ટોરી કરાઇ હતી. તે સમયે ઇલેક્ટ્રોનિકલી સચવાયેલી ફાઇલમાંથી પ્રણવે ફેસબુક ઉપર અગાઉ એ લખાણ મૂક્યાં હતાં અને આજે પણ રક્ષાબંધન નિમિત્તે તે રિપીટ કર્યાં છે. તેથી તે કાલે મૂકવાનું વિચારી શકાયું છે. થેન્ક યુ, ડીયર પ્રણવ!

રાખી કાર્ડના એ પ્રોજેક્ટમાં એકંદરે રાત દિવસની મહેનતના અંતે આત્માને સંતોષ થાય એવું કામ થયું હતું. આજે જોતાં ક્યારેક થાય કે ભલે આર્થિક રીતે પેટ ભરીને માર ખાધો હતો. પણ હૈયે ટાઢક થાય એવું કંઇક સર્જી શકાયું હતું.

આમ જોશો તો બધાં કાર્ડમાં સંવેદનાઓ જ સંવેદનાઓ છે. પણ મારું ફેવરીટ લખાણ મોટી બહેન દ્વારા લખાતા શબ્દોમાં છે. કેમ કે મારાં ત્રણ મોટાં બહેનો છે. એ સૌ નાનપણમાં મને કેડે તેડીને કંદોઇની દુકાને લઇ જતાં અને બુંદીનો લાડુ નિયમિત ખવડાવતાં.  મને જ આજે જો ૬૨મું વર્ષ ચાલતું હોય તો સ્વાભાવિક છે કે એ સૌ પણ વયમાં ઘણાં સિનીયર છે. તેમના જેવાં સૌની સંવેદનાઓ મેં આ રીતે વ્યક્ત કરી હતી, જે દુનિયાનાં દરેક મોટાં બહેનને પોતાના ભઇલા માટે હંમેશાં હોવાની અને રહેવાની...


મારા વ્હાલાભાઇ,
જિંદગીનાં વરસોએ મને ખૂબ
બદલી છે, પણ તને કેડમાં તેડીને
સહિયરો સાથે રમવા જતી, ત્યારથી
આજ સુધીમાં એક વાતે તો હું
નથી જ બદલાઇ....
....સખી-સહિયરોને જે કહેતી
એ જ ગર્વભેર દુનિયા આખીને
આજે પણ કહું છું કે..
મારા ભાઇ જેવું જગમાં બીજું
કોઇ નથી!







11 comments:

  1. વાહ..પહેલી અને છેલ્લી ડીઝાઈન બહુ જ સરસ લાગી...

    ReplyDelete
  2. પ્રિય સલિલભાઈ, મારાં નમ્ર માટે હું હજુ ય એમ મનુ છું કે કોન્સેપ્ટ નહિ, કન્ટેન્ટ ફ્લોપ થયો હશે. અમ્મા જે સાહિત્યિક લખાણ છે એ વાંચવા ટેવાયેલો વડીલવર્ગ કદી કાર્ડની દુકાનોમાં પગ ના મુકે..ને જે યંગસ્ટર્સ કાર્ડ કલ્ચરથી ટેવાયેલા છે એમને આ લખાણ બહુ ભારેખમ લાગતા 'ઉપરથી' જાય ! છૂટાછવાયા અપવાદો બેઉ પક્ષે હોય, પણ બિઝનેસ એના પર ના ચાલે !

    ReplyDelete
  3. ફિર વો ભૂલી સી યાદ આઇ હૈ...
    લાભુ મેરાઇ બનવાનું દુઃખ કલ્પી શકાય એવું હોય છે, પણ અમારા જેવા ઘણા માટે એ બહુ વિશિષ્ટ સંભારણું બની રહે છે. હજુ તમારાં તમામ કાર્ડ (અને એકાદ-બેની એક્સ્ટ્રા કોપી) હું ઇચ્છું તો અડધી મિનીટમાં હાજર કરી શકું એવાં હાથવગાં રાખેલાં છે...

    ReplyDelete
  4. All are fine cards....earth is round so if u try once again to sell this cards in Gujarat...market would be better..give the rights to Archis cards...

    ReplyDelete
  5. Pranavkumar AdhyaruAugust 3, 2012 at 2:27 AM

    આ લખાણ સાથે નવી ડીઝાઇનના ઈ-કાર્ડ ઓન-લાઇન મૂકી શકાય. નાણાકીય ફાયદો ભલે નહીં થાય, પરંતુ કોઈ વિશેષ ખર્ચ વગર આ અદકેરું સર્જન વરસો સુધી ટકશે અને ઠેર-ઠેર પહોંચશે.

    ReplyDelete
  6. Nice cards,Nice quote.Bansi

    ReplyDelete
  7. wah mara bhai tare chale chhe kem? superb...

    ReplyDelete
  8. bol mara bhai tare chale chhe kem? superb..

    ReplyDelete