Friday, August 10, 2012

RIP Suresh Dalal


શ્યામ તને હું સાચ્ચે કહું છું, માન મલાજો લોપી;
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે,
એક વાંસળી મોરપીંછની મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
કીયા જનમનાં કદંબો ઉગ્યાં કીયા જનમની છાયા,
મીરાં ને મોહન મુખડાની અનંત લાગી માયા;
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
                                                    - સુરેશ દલાલ



‘કૃષ્ણ પ્રેમ’નાં કેટલાંય કાવ્યોના રચયિતા કવિ  સુરેશ દલાલનું અવસાન જન્માષ્ટમિના દિવસોમાં થાય એ કેવો પાવન જોગાનુજોગ!

તેમની પ્રકાશન સંસ્થા ‘ઇમેજ’નાં પુસ્તકોના આગમનથી પ્રકાશનની દુનિયામાં પ્રિન્ટીંગ અને ડીઝાઇનની ક્વોલીટીમાં નિર્ણાયાત્મક ફરક આવ્યો. મુંબઇથી આવતાં ‘આઇએનટી’ અને પ્રવીણ જોશીનાં નાટકોએ એક સમયે તેના પોલીશ્ડ પ્રોડક્શન્સથી રંગમંચની દુનિયામાં આવકારદાયક ફરક આણી દીધો હતો; એવું જ કૈંક પુસ્તકોની દુનિયામાં થયું હતું.

અંગત રીતે મારો તેમની સાથેનો પરિચય એ જાહેર કાર્યક્રમોમાં બોલ્યા હોય તે વક્તવ્યના ચાહક તરીકેનો વધારે. (તેમને તસ્વીરોમાં ઝડપવાનો જેને ખુબ લાભ મળ્યો હતો એવા
કેમેરાના કસબી અને પ્રિય મિત્ર સંજય વૈદ્યના સૌજન્યથી સુરેશભાઇની ચશ્માં વિનાની દુર્લભ તસ્વીર છેલ્લે મૂકી છે. )
 


ગુજરાતી ‘કવિતા’ અને કવિઓના  પ્રિય એવા સુરેશભાઇની વક્તા તરીકેની શૈલી  ખાસ્સી રમતિયાળ. તેમને જેટલા પણ સમારભોમાં બોલતા સાંભળ્યા છે, તેમાં એ સ્ટેજ પરથી બોલતા હોય તો પણ જાણે મિત્રોની મહેફિલમાં વાતચીત કરતા હોય એમ જ લાગે. એક સારા ફટકાબાજ બેટ્સમેનની જેમ બાઉન્ડ્રી માર્યા વગરની કોઇ ઓવર ખાલી ના જાય.

તેથી આજે વિશેષ કાંઇ ન કહેતાં કવિ મિત્ર અંકિત ત્રિવેદીને ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’ અપાયો, ત્યારના તેમના પ્રવચનનો વિડીયો અહીં મૂકું છું. અંકિતે તેમની ક્ષમતા વિશે એ જ કાર્યક્રમમાં કહ્યું હતું કે “આમલેટમાંથી ઇંડું બનાવીને મરઘીનો જન્મદિવસ ઉજવી શકે એ સુરેશ દલાલ જ હોઇ શકે!”  

સાંભળીએ સુરેશ દલાલને... (૨૦ મિનિટના વક્તવ્યમાં કોઇ મેઇડન ઓવર નથી.... ગેરન્ટી.)


 

         RIP Suresh Dalal....!

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.

તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.

તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.

તારા વિના…

તારા વિના…
તારા વિના…

જવા દે,

કશું જ કહેવું નથી.

અને કહેવું પણ કોને

તારા વિના ?



                                                            - સુરેશ દલાલ





 

6 comments:

  1. અભિનંદન... સુરેશભાઇ સાથે મારો સંબંધ એકદમ અંગત પ્રેમથી છલોછલ.. ગુજરાતી કવિતામાં નવા કવિઓનો હાથ પકડનાર એક દિલદાર મિત્ર ગયો છે.. સલિલભાઇ, સારુ લાગે છે, તમારી સક્રિયતાથી.
    ભાગ્યેશ જહા.

    ReplyDelete
    Replies
    1. આભાર સર.
      આપ જેવા ગુણીજન અને સ્નેહીના શબ્દો વધારે સક્રિય થવા પ્રોત્સાહિત કરશે.

      કાંઇ પણ લખવા બેસું અને ‘નવજીવન એક્સપ્રેસ’ના પહેલા અંક માટે આપે આપેલા સંદેશમાંની કવિશ્રી મનોજ ખંડેરિયાની પંક્તિ “પકડો કલમને કોઇ પળે એમ પણ બને, કે હાથ આખેઆખો બળે, એમ પણ બને.” ઘણીવાર યાદ આવે.

      હકીકતમાં તો આ અગાઉની કોમેન્ટ્રીકર્તા સુરેશ સરૈયા વિશેની પોસ્ટ અને તેમાં વિજય મર્ચન્ટની વિવરણ શૈલીની વાત લખતાં પણ આપની યાદ તાજી થઇ હતી.આપ મુડમાં હો ત્યારે વિજય મર્ચન્ટની સ્ટાઇલમાં બોલીને મિત્રોને મઝા કરાવતા એ જૂના દિવસો પણ સ્મરણમાં આવ્યા હતા.
      મારી પાસે તો વિદ્યાનગર શાસ્ત્રી મેદાન પર યોજાયેલી ખેડા અને આણંદ જિલ્લાના રેવન્યુ પરિવારોની ક્રિકેટ મેચ દરમિયાન આપે મર્ચન્ટ સ્ટાઇલમાં કોમેન્ટ્રી આપી હતી; તે મેચના ફોટા પણ છે.બે જ દિવસ પહેલાંના સુરેશ સરૈયા વિશેના બ્લોગ ઉપર તે મૂકવાની લાલચ છેલ્લી ઘડીએ રોકી લીધી હતી.

      Delete
    2. સુ.દ. મારા ગમતા અને એથી વિશેષ મને કવિતા ગમતી કરનાર કવિ ...એમની સાથે વિતાવેલી એકમાત્ર સાંજ માટે આપનો આભારી છું સર.
      ઈમેજના પુસ્તકનું ચં.ચી. ખાતે વિમોચન હતું, અને આપે મને સર્કીટહાઉસમાં સંભાળ લેવા કહ્યું હતું. એમની વાતોના સાક્ષી બનવાનું સૌભાગ્ય અને મારો હાથ ઝાલી એમનું સર્કીટહાઉસના દાદર ઉતરવું ..
      જેમની આંગળી (પુસ્તક) પકડી કવિતા વાંચતા શીખ્યો,
      એ કવિતાપુરુષનો હાથ થામવાનું, અને બે ક્ષણ પુરતી જ સહી,પણ તેમની સંભાળ લેવાનું સદભાગ્ય.
      .... પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અર્પે એ પ્રાર્થના. - પ્રબુદ્ધ

      Delete
  2. ભરતકુમાર ઝાલાAugust 14, 2012 at 3:40 AM

    સલિલભાઈ આપની પોસ્ટ વાંચી, પણ આ “આમલેટમાંથી ઇંડું બનાવીને મરઘીનો જન્મદિવસ ઉજવી શકે એ સુરેશ દલાલ જ હોઇ શકે!” સમજાયું નહી. આનો શું અર્થ નીકળે? જરા પ્રકાશ પાડશો, તો ગમશે.

    ReplyDelete
    Replies
    1. આમ તો એ અંકિત ત્રિવેદીના પ્રવચનનું વાક્ય છે અને તેથી એ જ વધારે પ્રકાશ પાડી શકે. પણ હું એમ સમજ્યો છું કે સુરેશ દલાલ અશક્યને શક્ય બનાવી શકે એવું વ્યક્તિત્વ ધરાવતા હતા. સિમ્પલ!

      Delete
  3. સુરેશ ભાઈ સહજ ના માનવી હતા અને કઈક અસહજ ,અનોખું ,અભિનવ સર્જવા મથનારા કસબી હતા. એમણે જેવું તેવું કશું જ ભાવતું નહિ અને ફાવતું પણ નહિ!પોતાની ઇમેજ નું એમને વળગણ હતું એમ કહીએ તો કશું ખોટું નહિ ..ઈમેજ સંસ્થા માટે પણ એમનો લગાવ માતૃત્વ ની કક્ષાનો! સતત ચાહવું અને માણતા રહેવું એ એમનો મિજાજ હતો પણ ટોળાની વચ્ચે પણ એ એમનું એકાંત શોધી લેતા! એ માણસ પારખું હતા .દાદ દેવા માં , પ્રોત્સાહન આપવામાં ક્યારેય એ દિલચોરી કરતા નહિ . કોઈની ખોટી પ્રસંશા થી એ હમેશા દુર રહ્યા. એમણે કવિતા ગમી જા ય એટલે બસ, ઓળખાણ ની જરૂર નહિ. એ કવિ હતા પણ વિશ્વ ની કવિતા ને ચાહનાર ઉંચા ગજા ના ભાવક પણ હતા. ગુજરાતી પ્રજાને નોખા અનોખા પુસ્તકો ની ભેટ આપીને એમણે જે સેવા કરી તે શબ્દાતીત છે! આ કામ એમણે ઘંટ નાદ થી નહિ પણ ઘંટડી વગાડી ને કર્યું! એમની સાથે નો એક અંગત પ્રસંગ કહ્યા વિના મારી જાત ણે રોકી શકતો નથી ..કાવ્ય વિશ્વ ના લોકાર્પણ વખતે અમિતાભ બચ્ચનને મળાવવાનું કામ એમણે કર્યું! મને એક સાથે બે અમિતાભ ને મળવાનું, હાથ મિલાવ વાનું સૌભાગ્ય મળ્યું! બાય ધ વે, સુરેશભાઈ નો જન્મદિવસ પણ ૧૧ ઓક્ટોબર જ છે! એમના વિષે શું લખું? વડોદરા માં એમની સિગરેટના ઠુંઠા મેં ગણ્યા છે અને વીણેલા(!!!!) પણ છે!

    ReplyDelete