Monday, August 13, 2012

૧૯૬૯: કર્ણપ્રિય સંગીતથી છલોછલ વર્ષ!

સંગીતના ખજાનાનું વાર્ષિક સરવૈયું જ્યારે પણ જોવાય, ત્યારે ૧૯૬૯ની સાલને ‘આરાધના’ને કારણે એસ.ડી. બર્મન અને વધારે તો રાજેશ ખન્નાના વરસ તરીકે ગણાતું હોય છે. સુપર હીટ અર્થાત વેચાણની રીતે અત્યંત સફળ મ્યુઝિક ‘આરાધના’નું જરૂર હતું. પરંતુ, ’૬૯ના વરસને ઐતિહાસિક રીતે ચકાસીએ તો સમજાય કે તે સાલનો સમગ્ર ખજાનો પણ કર્ણપ્રિય સંગીતથી છલોછલ જ હતો. જેમ કે એક સમયના ‘નંબર વન’ શંકર જયકિશનની શમ્મી કપૂર સાથેની જોડીનું ‘પ્રિન્સ’ અને તેનું ધમાકેદાર “બદન પે સિતારે લપેટે હુએ...” અને  ‘તુમ સે અચ્છા કૌન હૈ’માં “જનમ જનમ કા સાથ હૈ, નિભાને કો...” રફીના અવાજમાં એ વર્ષે હતાં.


તો સંજીવકુમારના ‘ચંદા ઔર બિજલી’માં મન્નાડેનું “કાલ કા પહિયા ઘૂમે ભૈયા...” પણ ખરું, જેના શબ્દો માટે કવિ ‘નીરજ’ને શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. એ જ બેલડીએ ધર્મેન્દ્રના ‘યકીન’નું અમર ગીત “ગર તુમ ભૂલા ન દોગે, સપને યે સચ હી હોંગે, હમ તુમ જુદા ન હોંગે...” અને ‘પ્યાર હી પ્યાર’નું “મૈં કહીં કવિ ન બન જાઉં તેરે પ્યાર મેં અય કવિતા...” રફીના સ્વરમાં ’૬૯માં આપ્યાં હતાં. તેમણે જ રાજેન્દ્રકુમાર માટે ‘શતરંજ’માં “તુમ્હેં મૈં અગર અપના સાથી બનાલું....” આપ્યું હતું.

રાજેન્દ્રકુમારનું ‘સાથી’ તેની આગલી સાલ ’૬૮માં હતું, જેમાં નૌશાદ, મજરૂહ અને મુકેશની ત્રિપુટી ૨૦ વરસ પછી એકત્ર થયાની ઐતિહાસિક ઘટનાએ તે દિવસોમાં ખુબ અપેક્ષાઓ જગવી હતી અને મ્યુઝિક જ્યારે બજારમાં આવ્યું, ત્યારે એટલું જ લોકપ્રિય પણ થયું હતું. ૧૯૬૯નું આખું વરસ ઠેર ઠેર ખુબ વાગેલાં તેનાં ગાયનોમાં લતાજીનાં “યે કૌન આયા રોશન હો ગઇ મેહફિલ કિસ કે નામ સે...” અને “મેરે જીવન સાથી, કલી થી મૈં તો પ્યાસી...” જરૂર હતાં. પરંતુ, મેદાન મારી ગયું  હતું, મુકેશ સાથે સુમન કલ્યાણપુરે ગાયેલું ડ્યુએટ  “મેરા પ્યાર ભી તુ હૈ, યે બહાર ભી તુ હૈ...”! તે દિવસોમાં રેડિયો પર કે પછી પૈસા નાખીને ફરમાઇશ કરી શકાતા જ્યુક બોક્સમાં આ ગાયન અગણિત વખત વાગ્યું હશે.

એવું જ મુકેશનાં અન્ય બે ગાયનોનું તે વર્ષે કહી શકાય. એક તો કલ્યાણજી આણંદજીના ‘વિશ્વાસ’નું “ચાંદી કી દિવાર ન તોડી...” અને ‘સંબંધ’માં ઓ.પી.નૈયરે ગવડાવેલું “ચલ અકેલા ચલ અકેલા.... તેરા મેલા પીછે છુટા રાહી, ચલ અકેલા...”, જે બિનાકા ગીતમાલાની વાર્ષિક સ્પર્ધામાં ચોથા નંબરે વાગ્યું હતુ! જો કે ‘સંબંધ’માંના મહેન્દ્ર કપૂરના ગીત “અંધેરે મેં જો બૈઠે હૈં, નજર ઉન પર ભી કુછ ડાલો, અરે ઓ રોશની વાલોં....” ઉપર નજરમાં જ નહીં, કાન પર ધર્યા વગર પણ કેમ આગળ વધાય?

‘વિશ્વાસ’માં પણ એમ જુઓ તો  “મુસ્કુરા કે હમ કો લૂટા આપને...” અને “લે ચલ, લે ચલ મુઝે ઉસ દુનિયા મેં...” એ હેમલતા સાથેનું યુગલ ગીત જેવાં અન્ય ગાયનો પણ હતાં.  મુકેશ પાસે કલ્યાણજી આણંદજીએ તે વર્ષે ‘તમન્ના’નું કોમિક ગીત “તાશ કે બાવન પત્તે, પંજે છક્કે સત્તે...” પણ ગવડાવ્યું હતું. મુકેશનો અવાજ એ ગાયનમાં કોના પર હતો, જાણો છો? કદીક જ પડદે ગીત ગાતા કોમેડિયન અસિતસેન પર એ ગીત હતું અને તેમની સાથે આગા પણ હતા.

કલ્યાણજી આણંદજીના સંગીતમાં એક ઓર ગાયન ‘રાજાસાબ’નું “કિસી મેહરબાં કી નજર ઢૂંઢતે હૈં...” હતું. તે પડદા ઉપર શશિ કપૂર ગાય છે, ત્યારે એ મહંમદ રફીના સ્વરમાં છે. પરંતુ, એ જ ગાયન આપણા મનહર ઉધાસના કંઠમાં પણ રેકોર્ડ થયું હોવાની અને શુટિંગ એ જ અવાજમાં થયું હતું તથા મિક્સીંગ વખતે રફીનું વર્ઝન ઉપયોગમાં લેવાયું હોવાની વાતો ત્યારે હતી. મનહરભાઇ અને સુમન કલ્યાણપુર પાસે કલ્યાણજી આણંદજીએ “આપ સે હમ કો બિછડે હુએ, એક જમાના બીત ગયા...” તે સાલ ‘વિશ્વાસ’માં ગવડાવ્યું હતું.

એ જ શશી કપૂરના ‘પ્યાર કા મૌસમ’નાં આર.ડી. બર્મનનાં ગીતો “તુમ બિન જાઉં કહાં...” અને “ની સુલ્તાના રે, પ્યાર કા મૌસમ આયા...” રફીના અવાજમાં હતાં.  એ જ ‘પંચમ’ના મ્યુઝિક્ની તે દિવસોના નવા સ્ટાર જીતેન્દ્રના પિક્ચર ‘વારિસ’માં “કભી કભી ઐસા ભી તો, હોતા હૈ જિંદગી મેં...” તથા “એક બેચારા પ્યાર કા મારા....”થી ખાસ નોંધ લેવાઇ. કેમ કે એ સાઉથની ફિલ્મ હતી, જ્યાં શંકર જયકિશન, રવિ અને છેલ્લે છેલ્લે ‘મિલન’ (૧૯૬૭)થી લક્ષ્મીકાન્ત પ્યારેલાલને પિક્ચરો મળતાં હતાં.  

જો કે ‘વારિસ’નું સ્ટાર આકર્ષણ કોમેડિયન મહેમૂદ હતા. ફિલ્મની નવી નવી હીરોઇન હેમામાલિની સાથે મહેમૂદને ભાગે આવેલું એક ગાયન “કૌન હૈ વો કૌન મુઝે જિસને જગાયા, ધરતી પે આજ યમલોક સે બુલાયા...”  (આ લેખના અંતે મૂકેલા અને મહેમૂદને પણ તેમના અસલ રંગમાં બતાવતા વિડીયોમાં) જુઓ તો સમજાય કે હેમા આરંભના પિક્ચરમાં પણ જરૂર પડે ઝનૂનથી ડાન્સ કરવા ઉપરાંત એક્ટીંગ પણ કેવી સરસ કરતી. જ્યારે મહેમૂદ માટેના કોમેડી ગીતમાં આર.ડી.બર્મન પણ આગલા વરસના ‘પડોસન’ (૧૯૬૮)ની માફક જ કેવા જબરા ખીલ્યા હતા!  તેમના પિતાશ્રી સચિનદેવ બર્મને ‘આરાધના’થી મચાવેલી ધૂમમાં એ આલ્બમો કદાચ દબાઇ ગયાં હતાં. ૧૯૬૯ના હજી બાકી અદભૂત સંગીત ખજાનાની વાતો આવતા વખતે.

5 comments:

  1. Enjoyed the article as usual.

    ReplyDelete
  2. True encyclopaedia of Bollywood's Golden Era!

    ReplyDelete
  3. વાહ! ગીતો મમળાવવાની ખુબજ મજા આવી!
    હવે યું-ટ્યુબ પર જોવા પડશે...

    ReplyDelete
  4. સલિલભાઈ,
    એ જમાનો યાદ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારી કોલમ હું નિયમિત વાંચતો હતો.
    એક વખત સાંભળ્યા પણ છે.

    ReplyDelete
  5. salil. after reading this article, memory led me to your book GATA RAHE MERA DEEL......REALLY, you are keeping so much memories in your mind...doubtful either your brain hai yaa computer ?

    ReplyDelete