Wednesday, August 8, 2012

સુરેશ સરૈયા: રેડિયોની જ ‘નજીક’ રહેલા કોમેન્ટ્રીકર્તા!








 ક્રિકેટ માટેની જે ઘેલછા આપણે ત્યાં ભારતમાં છે, તે માટે સૌથી વધુ જવાબદાર જો કોઇ હોય તો તે રેડિયો કોમેન્ટ્રી! આજે તો કલર ટીવી ઉપર મેદાનનું એક એક દ્રશ્ય આપણી આંખ સામે આવી જાય છે. પરંતુ, માત્ર રેડિયો દ્વારા કોમેન્ટ્રી સાંભળીને ક્રિકેટની મઝા લેવાનો એક જમાનો હતો. તે દિવસોમાં જો એ આનંદ મળતો ના હોત તો કદાચ અંગ્રેજોની ગણાયેલી ક્રિકેટ આપણે ત્યાં આટલી લોકપ્રિય થઇ હોત કે કેમ એ પણ સવાલ છે. કોમેન્ટ્રીના અભાવે ખો ખો, કબડ્ડી કે લંગડી જેવી ઘરેલુ રમતો બાજુ પર જ થઇ ગઇ છેને? ક્રિકેટની રેડિયો કોમેન્ટ્રીના એકાધિકારના દિવસોમાં તો જેમના ઘેર કે દુકાને રેડિયો હોય એ કેવી તુમાખી રાખી શકતા!

અરે બસમાં જો એકાદ જણ પાસે ટ્રાન્ઝીસ્ટર હોય તો તેનું માનપાન કેટલું બધું હોય. મુસાફરોના અવાજમાં કોમેન્ટ્રી  સાંભળી ના શકાય તો વાતો બંધ કરાવવા કન્ડક્ટર પણ કામે લાગે. ડ્રાઇવર બસ બાજુ પર ઉભી રાખીને
સ્કોર જાણ્યા પછી આગળ ચલાવે. અમે ભણતા ત્યારે વડોદરામાં દાંડિયા બજારમાં કેનેરા કોફી હાઉસની સામેની એક રેડિયો શોપ ઉપર વાગતી કોમેન્ટ્રી સાંભળવા જે પ્રમાણમાં ટોળું દુકાન સામે એકત્ર થતું, તેની મઝા જ કોઇ ઓર હતી. વડોદરાના ચંદુ બોરડેએ એક ટેસ્ટમાં હાઇએસ્ટ એવા ૧૭૨ રન કર્યા ત્યારે, રેડિયો ઉપર ફુલના હાર ચઢ્યા હતા અને અમારી મોડેલ સ્કૂલમાં ઉત્સવનું વાતાવરણ હતું. બોરડે અમારી સ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી કહેવાતા. (એ દાવો કદાચ વડોદરાની બીજી ઘણી શાળાઓએ તે દિવસોમાં કર્યો હોય એ પણ શક્યતા ખરી!) પણ રેડિયો કોમેન્ટ્રીમાં કેટલાક અવરોધ પણ ખરા. જેમકે ઓલ ઇન્ડીયા રેડિયોના ‘સમાચાર’!



“યે આકાશવાણી હૈ, અબ આપ દેવકીનંદન પાન્ડે સે સમાચાર સુનિયે...” જેવું કશુંક બોલાય અને શ્રોતાઓના ટોળામાં ફાળ પડે. કેમ કે ૧૦માંથી ૯ વખત એવું બને કે ન્યુઝ દરમિયાન જ કશાક મોંકાણના સમાચાર આવ્યા હોય. મુખ્ય સમાચારમાં વિના વિકેટે ૭૬ રન હોય અને જ્યાં છેલ્લે રમત ગમતના ન્યુઝ બોલાય ત્યારે બે વિકેટે ૭૮ સ્કોર હોય! એવું જ કોમેન્ટેટરમાં પણ બને. મહારાજા ઓફ વિજયનગરમ ‘વિઝી’ બોલે ત્યારે કશું જ સમજાય નહીં એવું ગરબડ સરબડ ઇંગ્લીશ બોલતા હોય. વળી, એ બિચારા જૂની કોઇ વાત પર ચઢી જાય તો ‘નમક હલાલ’ના અમિતાભની જેમ એ “ઇન ધી યર નાઇન્ટીન ફિફ્ટી સિક્સ....” ની મેચનું પિલ્લું છોડે ત્યારે વચ્ચે એકાદ વિકેટ પડી જાય કે બે ફોર વાગી જાય તો પણ કહે નહીં. કદાચ કહે તો પણ એ રીતે કે જાણે કશું જ બન્યું ના હોય. બોબી તાલ્યારખાનનું ઇંગ્લીશ પણ ભારે.... તેમના અવાજ જેવું જ. બોબી તાલ્યારખાન અને ‘વિઝી’ જેવા વિવરણકારો ત્રીજી ચોથી એબીસીડીમાં -રનીંગ લેટર્સમાં- બોલતા જે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન જેવું અઘરું પડતું, તેથી ક્રિકેટ એ રાજા - મહારાજાઓની કે અમીરો-ઉમરાવોની રમત છે અને તમને બાપડી રૈયતને એમાં શું સમજણ પડે એવી ‘લગાન’ પ્રકારની સુપિરિયારીટી કોમેન્ટ્રીમાં પણ સંભળાતી.

એવા વાતાવરણમાં વિજય મર્ચન્ટ આવ્યા અને તેમણે કોમેન્ટ્રીની સ્થિતિ બદલી નાખી. સ્પષ્ટ, શુધ્ધ, સંભળાય અને સમજાય એવા ઇંગ્લીશમાં એવું સરસ મીઠ્ઠું બોલે કે પાંચમા ધોરણનું છોકરું પણ સમજી જાય. જ્યારે મર્ચન્ટ જાણે કે કેપીટલ લેટર્સમાં કોમેન્ટ્રી આપતા! એ I don't know ને પણ ચોખ્ખું “આઇ ડુ નોટ નો..” એમ કહે. વિજય મર્ચન્ટની કોમેન્ટ્સ પણ અંગત ટચવાળી રહેતી. એક વાર વાડેકર આઉટ થયા, ત્યારે એ બોલી ઉઠ્યા હતા, “ઓહ! માય વાડેકર ઇઝ આઉટ!” 



વિજય મર્ચન્ટના એવા લોકાભિમુખ અભિગમને કારણે એવી સરળ કોમેન્ટ્રી એટલી તો લોકપ્રિય થઇ કે તેમના રાહ પર ચાલનારા એક્થી વધુ વિવરણકર્તા પછી આવ્યા. (અને જો હું ભૂલતો ન હોઉં તો કદાચ હિન્દી કોમેન્ટ્રી પણ તે પછી શરૂ થઇ હતી, જેનાં સ્ટાર નામો રવિ ચતુર્વેદી અને સુશીલ દોશી તરત યાદ આવે અને “ઠંડી હવા ચલ રહી હૈ ઔર હાઇકોર્ટ છોર સે કપિલ અપના લંબા રન અપ લેકર આતે હુએ....” જેવાં ટ્રેડમાર્ક વાક્યો પણ ગૂંજવા માંડે!)

અમે તો સરળ ઇંગ્લીશવાળા એવા કોમેન્ટ્રીકારોને ‘મર્ચન્ટ ઘરાના’ના કલાકારો કહીએ છીએ. તેમાં અનંત સેતલવડથી નરોત્તમ પુરી સુધીના સૌ આવી જાય. પણ સૌથી શ્રેષ્ઠ સુરેશ સરૈયા હતા, જેમનું ૧૯મી  જુલાઇએ અવસાન થયું. સુરેશભાઇને તેમના યોગદાન તથા રેડિયો માટેની નિષ્ઠા માટે વિશેષ સ્વરૂપે અમારા મિત્ર અને પોતે પણ આકાશવાણીના ટેનીસ તથા ક્રિકેટના માન્ય કોમેન્ટેટર એવા મિહિર મહેતાએ એક લાંબી નોંધ ઇંગ્લીશમાં મોકલી છે; તેને મારી રીતે પ્રસ્તુત કરું છું.... ઓવર ટુ મિહિર મહેતા!



કોમેન્ટ્ર્રી બોક્સમાં મિહિર
સુરેશભાઇની એક સૌથી મોટી વિશેષતા એ હતી કે જ્યારે ટીવીનું આગમન થયું અને અવાજ ઉપરાંત તમારો ચહેરો પણ પ્રજા જોઇ શકે એવું ગ્લેમર તેમાં હોવા છતાં તેમણે આકાશવાણીનો જ વિકલ્પ આપ્યો. આજીવન એ રેડિયોને સમર્પિત રહ્યા હતા. તેમનાં પત્ની મીરાબેન પણ ઓલ ઇન્ડીયા રેડિયો મુંબઇમાં ગુજરાતી એનાઉન્સર તરીકે નોકરી કરતાં હતાં. તેમની શીફ્ટ ડ્યુટીને અનુરૂપ થવાય એ માટે સરૈયા દંપતિ રહેતું હતું મુંબઈના આકાશવાણી કેન્દ્રની બિલકુલ સામે! મીરાબેન પહેલાં ગયાં અને સુરેશભાઇ ગયા મહિને. બન્ને જીવનના અંત સુધી ઓલ ઇન્ડીયા રેડિયોની ‘નજીક’ જ રહ્યાં.

સુરેશ સરૈયાના ટ્રેડમાર્ક વાક્યોમાં “ઓલ ધ વે ફોર એ બાઉન્ડ્રી....”, “નન અધર ધેન...” અને “ધેટ ડિલીવરી...” જેવાં ઘણાં હતાં. મિહિર આકાશવાણીના સ્પોર્ટ્સના કાર્યક્રમોના પ્રોડ્યુસર હોઇ  એક કરતાં વધુ વખત સુરેશભાઇ સાથે સંપર્કમાં રહેતા.  જે કિસ્સાનો ઉલ્લેખ ગાવસ્કરે તેમની શ્રધ્ધાંજલિમાં કર્યો હતો તે જ કિસ્સો સરૈયા સાહેબે જાતે પણ  મિહિરને કહ્યો હતો. વાત છે ૧૯૭૫-’૭૬ ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝના જોડીયા પ્રવાસની. તે  દિવસોમાં ગાવસ્કર પિતા બનવાની તૈયારીમાં હતા. પ્રવાસ દરમિયાન જ સમાચાર આવ્યા કે સનીને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો છે.

સુનિલ ગાવસ્કર દીકરા રોહન સાથે!

ન્યુઝીલેન્ડની છેલ્લી ટેસ્ટમાં ગાવસ્કર ઇજાગ્રસ્ત થયા હોવા છતાં તે ટુર પત્યા પછી તેમને ટૂંક સમય માટે ભારત જવાની પરવાનગી ટીમ મેનેજમેન્ટે ના આપી. સુરેશ સરૈયાને તો આકાશવાણીના નિયમ અનુસાર ન્યુઝીલેન્ડની મેચો પત્યા પછી વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ શરૂ થતાં સુધી ઇન્ડીયા પાછા આવવાનું હતું. એકાદ અઠવાડિયા પછી સુરેશ સરૈયા જ્યારે વેસ્ટ ઇન્ડીઝ સિરીઝની કોમેન્ટ્રી આપવા પહોંચ્યા, ત્યારે મુંબઇથી ગાવસ્કર માટે એક સુખદ સંપેતરું લાવ્યા હતા. એ સનીના દીકરા રોહનના ફોટા લાવ્યા હતા. સુનિલ ગાવસ્કર એ આજીવન ના ભૂલ્યા કે વેસ્ટ ઇન્ડીઝના ફટકાબાજ રોહન કન્હાઇના નામ પરથી જે દીકરાનું નામ પાડ્યું હતું તેને પહેલીવાર ફોટામાં જોઇ શકાયો હતો, સુરેશ સરૈયાને કારણે.

પણ આ તો થઇ અંગત સંબંધોની વાત. તેમના કામની રીતે પણ એ ખાસ્સા સેન્સીટીવ. વેસ્ટ ઇન્ડીઝના એ જ પ્રવાસમાં પોર્ટ ઓફ સ્પેઇનની મેચમાં ભારત પહેલીવાર વિશાળ ટોટલને આંબવાનું અને જીતવાનું હતું. એ ઐતિહાસિક રન ચેઇઝના વિજયી ફટકાની કોમેન્ટ્રી આપવા માટે હિન્દીના સુશીલ દોશી સાથે એ લગભગ ઝગડી પડ્યા હતા. છતાં કમનસીબી એવી કે તેમના વારા વખતે વિનીંગ સ્ટ્રોક ના વાગ્યો તે ના જ વાગ્યો! (સુશીલજી તે ક્ષણનું વર્ણન કરતાં રેડિયો ઉપર રડી પડ્યા હતા એ જાણીતી વાત છે.)

તેમના વ્યાવસાયિક કામમાં સુરેશ સરૈયા એટલા ચોક્કસ હતા કે દરેક બાબતનું હોમવર્ક પાક્કું કરીને જ કોમેન્ટ્રી આપવા બેસે. ખેલાડીઓના લેટેસ્ટ રેકોર્ડ તો બોક્સમાં સાથે રહેતા આંકડાશાસ્ત્રીઓ ચાલુ મેચે કાચી મિનીટે પૂરા પાડે. પણ સુરેશભાઇ એડવાન્સમાં એ વિગતો મેળવી રાખે. એટલું જ નહીં, જે શહેરમાં મેચ હોય તેના વિશે, ત્યાંની અગત્યની માહિતી અને જોવાલાયક સ્થળો વગેરેની પણ નોંધ તૈયાર કરે. (આ બધું કોમ્પ્યુટર કે ગૂગલ પૂર્વેના સમયમાં, જ્યારે રીસર્ચ માટે ખરેખર સંશોધન કરવું પડતું.)

તેથી જ સુરેશ સરૈયાની કોમેન્ટ્રી કોઇપણ મેદાનમાં રમાતી મેચ ના લાગે...એ ચોક્કસ શહેરમાં રમાતી ગેમનો એહસાસ કરાવે. ત્યાંની ખાણી-પીણી અને રહન સહન સહિતનાં તમામ પાસાં એ આવરી લે. પછી તો એ ટ્રેન્ડ સૌએ સ્વીકાર્યો. છતાં સુરેશભાઇના હોમવર્કની તોલે કોઇ ના આવે. કેમ કે એ પીચની ઝીણામાં ઝીણી ખાસિયત વિશે આગલી રાત્રે ગ્રાઉન્ડ્સમેન સાથે ચર્ચા કરી લે. હવે રેડિયો પર ક્રિકેટની ઇંગ્લીશ કોમેન્ટ્રીમાં સુધીર તલાટી, મિલીન્દ વાગલે, ડો. મિલીન્દ ટીપનીસ અને વિનીત ગર્ગ જેવા કોમેન્ટેટર્સમાં સુરેશ સરૈયાની યાદ શોધવાની રહેશે. કેમ કે Suresh Saraiya has crossed the boundary of this world and has travelled all the way to Heaven!!
 

RIP Suresh Saraiya.



 

8 comments:

  1. વાહ સલીલભાઈ .રેડીઓ કોમેન્ટ્રી ઓછી સાંભળી છે પણ જેટલી સાંભળી છે તે યાદગાર છે .સુરેશભાઈને પણ બહુ સાંભળ્યા છે. તમે એમને યાદ કર્યાં એ જ બહુ છે બાકી કલાકારોની ભીડ માં આવી હસ્તીઓ ખોવાય જાય છે .થેંક યુ .

    ReplyDelete
  2. સુરેશ સરૈયા અને સુશીલ દોશીને સાંભળીને જ મોટા થયા છીએ. સંવેદના અને માહિતિસભર આર્ટીકલ. બપોરે 1 ના હિન્દી સમાચાર દરમ્યાન વિકેટ પડ્તી જ એવુ અમે પણ માનતા. as well, their can be no run...., that's a very good delivery indeed!!" જેવા એમના શબ્દો હજુ કાનમા ગુંજે છે. મજાનો લેખ.

    ReplyDelete
  3. રેડિયો પર 'રનીંગ કોમેન્ટરી' પરની સાદ્યંત કોમેન્ટરી વાંચવામાટે શ્રી સુરેશ સુરેયાને અપાયેલી ભાવભીની અંજલિ માધ્યમ બની એ પણ કેટલું સૂચક કહી શકાય.
    રેડિયોનાં શ્રાવ્ય માધ્યમ ને દ્રષ્ય માધય્મની કક્ષાએ લાવી મુકનાર એ 'ક્લાકારો'ની સમસ્ત 'જાત'ને પણ આ પ્રસંગે વંદન પાઠવીએ.

    ReplyDelete
  4. Nice.Enjoyed.JSK.Bansi

    ReplyDelete
  5. ટીવી ના આ જમાના માં સુધીર તલાટી, મિલીન્દ વાગલે, ડો. મિલીન્દ ટીપનીસ અને વિનીત ગર્ગ આ બધા નામો પણ અમારે માટે અજાણ્યા છે....પણ લેખ વાંચી ને ઈમોશનલ થઇ જવાયું......

    ReplyDelete
  6. એ સુવર્ણકાળ યાદ અપાવી દીધો!
    યોગાનુયોગ આજે ડ્રોઅરના ખૂણામાંથી સ્કૂલના સમયમાં જે પોકેટ રેડિયો પર કોમેન્ટ્રી સંભાળતા એનો ટ્યુનીંગનો નોબ જડ્યો!

    ReplyDelete
  7. A quality work definitely comes from hard work and deep research. Salil Bhai, thank you so much for sharing such a valuable and quality information with all of us...

    ReplyDelete
  8. Sincere Apologies Salilbhai - But I was hospitalised since 3rd August - and came out only on 16th August - Metrogyl Compound nu reaction. In fact, when u had called I was in Hospital dozing under sedation!!! Severe body rashes - they had to administer steroids - which shot my diabetes up then they administered the diabetes and I was like - POOOF! Better now, rid of the rashes but Still feeling VERY VERY Weak - have never ever felt so before.

    Very Exciting to read fabulous article on Sureshbhai - The way - the way ONLY SALILBHAI can present such an exciting note - with props in place - Radio, Late Shri Vijay Merchant, Sunnybhai & Rohan together !! Like a Documentary of the 70s & 80s of the erstwhile Films Division!!Superb.

    ReplyDelete