Sunday, August 19, 2012

‘ઔસમ કા મૌસમ’.... નુસરત ફતેહઅલી ખાન!

ઇદ મુબારક !!

'ઇદ મુબારક' કહેવાનું હોત કે નહીં પણ આજે નુસરત ફતેહ અલી ખાનની આ કવ્વાલી અહીં  મૂકવાનું નક્કી હતું. ઇદ એ માત્ર ઇત્તફાક છે. કેમ કે મધ્ય ઓગસ્ટમાં
નુસરતજીની પૂણ્યતિથિ આવે. આ એક એવા કલાકાર છે, જે તોફાની દરિયાનાં ઉછળતાં મોજાંની જેમ અવાજને નવી નવી ઊંચાઇઓ બક્ષતા હતા. તેમની ગાયકી માટે ‘ઓસમ’ (Awesome) સિવાય કશું જ વિશેષણ ના વાપરી શકાય. અહીં મૂકેલી એક કવ્વાલી “યે જો હલ્કા હલ્કા સુરુર હૈ....” એક કરતાં વધુ પ્રસંગોએ ઉસ્તાદજીએ ગાયેલી  યુ ટ્યુબ ઉપર ઉપલબ્ધ છે.

‘સ્વરમાં ઇશ્વરની આરાધના’ છે, એ અનુભવ ખાનસાહેબને સાંભળતાં કાયમ  થાય. નુસરત ફતેહ અલી ખાન પંદર વરસ પહેલાં ૧૯૯૭માં ૧૬મી ઓગસ્ટે જન્નતનશીન થયા, ત્યારે એ મહાકલાકારની ઉંમર ફક્ત ૪૮ જ વરસની હતી. પણ સાવ એટલી નાની જિંદગીમાં તે એવું વિશાળ બોડી ઓફ વર્ક મૂકી ગયા છે કે ગમે તે રચના ગમે ત્યાંથી સાંભળો, એ અવાજની બુલંદી અને ગાયકીની બારીકીઓ તમને અભિભૂત કર્યા વિના ના જ રહે. ઘણા વિડીયોમાં આજના લોકપ્રિય ગાયક રાહત ફતેહ અલી ખાંને તમે તેમની સાથે સંગત કરતા જોઇ શકો. ૧૯૮૫ના એક વિડીયોમાં તો દસ જ વરસની ઉંમરે રાહત સ્ટેજ પર ગાતા જોવા મળે છે.


અહીં મૂકેલો વિડીયો ક્રિકેટર ઇમરાનખાનની કેન્સર હોસ્પીટલના ફંડ માટે લંડનમાં યોજાયેલા એક સમારંભનો છે. તેમાં અમિતાભ બચ્ચન પણ ઉપસ્થિત હતા. આ કવ્વાલી “યે જો હલ્કા હલ્કા સુરુર હૈ....”  આખી સાંભળવા માટે ઘણો લાંબો સમય જોઇએ. આ માત્ર આચમનીભર છે. વળી આ લંડનનું ફાઇવ સ્ટાર ઓડિયન્સ છે. તેથી દાદ દેવામાં ખાસ્સું નિયંત્રિત છે. પણ એ જ્યાં ગાય અને જે કોઇ કવ્વાલી ગાય તેમની  સુર અને સરગમ પરની પકડ માણવા જેવી જ હોય છે. પણ અહીં  છેલ્લે તેમની સાથે
ત્યારના યુવાન રાહત ફતેહઅલી ખાં સા’બે આલાપથી કરેલી સંગત એ ક્લાઇમેક્સ છે.



ભણતી વખતે કવ્વાલીઓ સાંભળવા વડોદરા પ્રિન્સ ટોકીઝના ખાંચાથી શરૂ કરીને આણંદમાં સેટલ થયા પછી ખેડા જિલ્લામાં તો રાવલી હોય, ભાલેજ કે ઠેઠ બાલાસિનોર સુધી જવામાં કદી ખચકાટ નહતો થતો. રાત્રે બે ત્રણ વાગે  છુટ્યા પછી પાછા આણંદ આવવાનું થાય તો ભલે. યુસુફ આઝાદ, ઇસ્માઇલ આઝાદ, શંકર શંભુ, રશીદા ખાતૂન એ બધાં જાણીતાં નામો અને તે સિવાય પણ કેટલાય અજાણ્યા કલાકારોની  કેટલી બધી કવ્વાલીઓ સાંભળી હશે, જેનો હિસાબ નથી. તાર સપ્તકમાં ગાવાનું પણ કવ્વાલોમાં સામાન્ય હોય છે. પરંતુ, નુસરત ફતેહ અલી ખાં સાહેબની ગાયકી  એક અલગ જ લેવલ  પર હોય છે. આજે મઝા એ છે કે ‘યુ ટ્યુબ’ ઉપર માત્ર ક્લીક કરવાથી  વિશ્વના શ્રેષ્ઠ કવ્વાલી  ગાયક્ને  ટોરન્ટોમાં ઘેર બેઠા જોઇ - સાંભળી શકાય છે..... રાવલી કે નાવલી ક્યાંય જવાની જરૂર રહેતી નથી!

 
મારો દીકરો સની તો વળી જેફ બક્લી નામના  અમેરિકન ગિટારિસ્ટે ગાયેલી આ જ  રચના “યે જો હલ્કા હલ્કા સુરુર હૈ....” બ્લોગ ઉપર મૂકાવવા આતુર છે. જેફ ૧૯૯૭ના મે માસમાં ઉસ્તાદજી કરતાં ત્રણેક માસ અગાઉ ૩૧ જ વર્ષની ઉંમરે અવસાન પામેલા આર્ટીસ્ટ અને તેમને ઉર્દૂ-હિન્દીનો કોઇ પરિચય નહીં, છતાં નુસરત સાહેબને એટલા આત્મસાત કરી લીધેલા કે યુ ટ્યુબ પર એ પણ સાંભળી શકાય છે.

તેથી આજે “પપ્પા, તમે ‘ઔસમ કા મૌસમ’માં નુસરત ફતેહ અલી ખાં સાહેબની કોઇ રચના મૂકોને?” એવી સનીની કાયમી ફરમાઇશની પણ આ સાથે પૂર્તતા કરું છું. અહીં મૂકેલા તમામ વિડીયો અમને તો Awesome જ લાગે છે...... શાસ્ત્રીય સંગીત કે ઉર્દૂની એટલી ગહન સમજ ન હોવા છતાં! તમને ઇચ્છા થાય તો આ અનોખી મહેફિલમાં સામેલ થજો.... દરેક ક્લીપ આખી પતે ત્યારે ગાયકીના એક અદભૂત અનુભવમાંથી પસાર થયાની ગેરન્ટી! 

આ પહેલા વિડીયોમાં ગાયકીમાં ખોવાઇ જતા નુસરત સાહેબને  ગાતા સાંભળવા જેટલા જ  સ્વર સપ્તકની તાન લેતા જોવા એ પણ જીવનનો એક લહાવો છે, જેને તેમાં મઝા પડતી હોય એવા સૌને માટે ..... આ વિડીયો વિશ્વના દસ લાખ (મિલીયન)થી વધુ લોકોએ જોયો છે એ જ તેમની  એ વિશીષ્ટ ગાયકીની લોકપ્રિયતા બતાવે છે.... Enjoy! 


અને આ છે જેફ બક્લીનો સાઉન્ડ ટ્રેક.... ઇંગ્લીશમાં ઉર્દૂ કેવી રીતે ગવાય તેનો દાખલો અને ખાસ તો સંગીતના કોઇ કલાકાર માટેના અહોભાવને વ્યક્ત કરવામાં ભાષા કદી અંતરાય નથી થતી એનો પણ ઉત્તમ નમૂનો!

10 comments:

  1. ઈદની આનાથી નાયબ ભેટ કોઈ હોઈ જ ન શકે!

    ReplyDelete
  2. સ્વર હૈ ઈશ્વર....લય હૈ જ્ઞાન...

    ReplyDelete
  3. ‘સ્વરમાં ઇશ્વરની આરાધના’ છે, એ અનુભવ ખાનસાહેબને સાંભળતાં કાયમ થાય. >>>

    અનેક વાર નુસરત ફતેહ અલી ખાન સાહેબ ને સાંભળ્યા છે..........
    એ જો હલકા હલકા શુરુર હે તો. એનેક વાર સાંભળ્યું ને અનેક લોકો ને સંભળાવ્યું પણ છે...........
    નુસરત ફતેહ અલી ખાન નો અવાજ ઈશ્વર નો કે અલ્લાહ નો જ અવાજ હોય એવું અનેક વખત લાગ્યું છે......
    જો ઈશ્વર કે અલ્લાહ ગાતા હોય તે તો નુસરત ફતેહ અલી ખાન જેવું જ ગાતા હોય ............ હજુ થોડાક દિવસ પેલા j Manish Chandravadiya સાથે આ ઈશ્વર ના અવાજ વિષે ચર્ચા પણ થએલી...

    ReplyDelete
  4. Nice Enjoyed.JSK.Bansi

    ReplyDelete
  5. વાહ, નુસરતની યાદથી સવાર-સવારમાં આનંદ થઇ ગયો.
    આપણા જેવા અનેકો માટે તો નુસરતને સાંભળીએ ત્યારે ઇદ થઇ જાય છે. વીસેક વર્ષ પહેલાં એક મિત્રના લંડનવાસી મામા પાસેથી નુસરતની કેસેટ પહેલી વાર સાંભળી ત્યારે કવ્વાલીનો બાકાયદા પરિચય થયો. એ કેસેટ ઘસી કાઢી ત્યાર પછી નુસરતની (મારા અંગત મતે - કાવ્યસંપાદનની રીતે) સર્વશ્રેષ્ઠ એવી 'તુમ એક ગોરખધંધા હો' સાંભળી. નુસરતનો સુરુર એવો છે કે એક વાર સાંભળ્યા પછી ચઢતો જ જાય. પછી તો મુંબઇમાં એક 'વોચ એન્ડ કેસેટ સેન્ટર' નામ ધરાવતા 'ખોખા'માંથી નુસરતની ઘણી કેસેટ ખરીદી. 'દમ મસ્ત કલંદર મસ્ત મસ્ત' જેવી કેટલીક કવ્વાલીઓ વિકૃત થઇને હિંદી ગીત બની ત્યાર પહેલાં નુસરતની અસલ આત્મસાત્ થઇ ગઇ હતી. ગ્રેજ્યુએશન પછી થોડો સમય એમ.એસસી. કર્યું ત્યારે ઘરે નોટ્સ લખતી વખતે એક તરફ નુસરતની કવ્વાલી વાગતી જ હોય. એમાં નોટ્સ તો ન ચઢી, પણ કવ્વાલી બરાબર ચઢી ગઇ.

    'અભિયાન'માં કામ કરવા મુંબઇ ગયો ત્યારે દીપક સોલિયા સાથે શરૂઆતના પરિચયમાં મજબૂત ગાંઠ બંધાવા પાછળનું એક પરિબળ નુસરતની કવ્વાલી હતી. 'નુસરત તમારો પણ ફેવરિટ? શું વાત છે.' અંગ્રેજી ફિલ્મ dead man walking માં નુસરતનું સંગીત હતું, એ પણ મોટે ભાગે દીપકને ત્યાં જ સાંભળવા મળ્યું.

    આદિલ મન્સૂરીએ (બીજા કલાકારો ઉપરાંત) નુસરત વિશે આખી ગઝલ લખી હતી. 'બેન્ડિટ ક્વિન'માં પણ નુસરતનું મ્યુઝિક ફિલ્મનું એક મજબૂત અંગ હતું. નુસરતને પ્રત્યક્ષ સાંભળવાનું તો કદી ન બન્યું, પણ 'અભિયાન'માં જોડાયા પછી થોડા મહિનામાં તેમની અકાળે અંજલિ લખવાની આવી. ત્યારે 'નાખુદા'ના સંગીતકાર ખૈયામ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે નુસરત ભારત આવ્યા ત્યારે યશ ચોપરાને ત્યાં એક પાર્ટીમાં ફિલ્મી હસ્તીઓની હાજરીમાં તેમણે 'અલી મૌલા' ગાઇ હતી, જે ચોપરાને પસંદ પડી જતાં તેમણે એ જ કવ્વાલીનો ફિલ્મ 'નાખુદા'માં સમાવેશ કર્યો.

    જરા વધારે લાંબું લખાઇ ગયું...પણ નુસરતની વાત આવે એટલે ટૂંકમાં પતાવવું અઘરું પડે છે.

    ReplyDelete
  6. દીપક સોલિયાAugust 21, 2012 at 10:27 AM

    આળસુ થઈ ગયેલા રુંવાડાં પણ જેને સ્ટેન્ડિંગ ઓવેશન આપે એવી ત્રણ લિંક્સ બદલ, thanks a lot.
    ઉર્વીશ, આહા! ઇ હિન્દુસ્તાન નાકું... ઇ પંડ્યાજીનું કેસેટ પ્લેયર... ઇ નુસરત...

    ReplyDelete
  7. આલ્લે લે! નુસરત તમારા ય ફેવરિટ!!
    લીન્ક્સ હજુય જોવાની બાકી છે. મારી પણ પર્સનલ ફેવરીટ 'યે જો હલ્કા હલ્કા' તથા 'તુમ એક ગોરખધંધા હો' છે. એમાં ય 'તુમ એક ગોરખધંધા હો' ની ફિલોસોફી તેને અનોખી ઊંચાઈ બક્ષે છે.
    રહેમાન નુસરત સાહેબ ને voice from heaven કહેતા હતા. બન્ને નું એક સોંગ છે:gurus of peace.

    ReplyDelete
  8. જેફ બક્લીનો પ્રયત્ન એક પ્રયોગ તરીકે આવકારદાયકછે પ્ણ સોરી ટુ સે કે બકલી સાહેબે વચ્ચે વચ્ચે ઘણીવાર સૂર ઉપર પકડ ગુમાવી છે. તેઓ આમ તો સારુજ ગાતાહશે પણ આ પ્રકારના Genre ઉપર પકડ મેળવવી અઘરી હોયછે. કવ્વાલીનુ ગાયન સન્ગીત નો એક અઘરો પ્રકારછે.ખાસકરીને સતત ઉપર તાર સપ્તકમા ગાવુ તે એક ચેલેંજછે.Psychology ની પરિભાશમા કહુતો તમારા Genes મા collective unconscious દ્વારા આવા ના સંસ્કારો મળેલા હોય તોજ તમે કવ્વાલી ગાઇ શકો.

    ReplyDelete
  9. જેફ બકલી નુ ગાયન એક પ્રયોગ કે નોવેલ્ટી તરીકે આવકાર્ય છે,પણ કવ્વાલી ના ગાનમા વચ્ચે વચ્ચે બકલી સાહેબ સૂરમા થી સારાએવા ખસી ગયાછે. કવ્વાલી સંગીતનો એક અઘરો પ્રકારછે. સતત તારસપ્તકમા ગાતારહેવુ તે એક ચેલેંજ હોયછે. મારી નમ્ર માન્યતા એ છે કે કવ્વાલી પ્રકારના ગાયન માટે હિન્દુસ્તાની સંગીતની મત્ર આવડતજ નહી પણ સાથે સાથે Psychogogy પરિભાશામા કહુતો તમને Genes મા Collective unconscious દ્વારા આવુ Genre ગાવાના સંસ્કારો પણ મણેલા હોવા જોઇએ.પશ્ચીમના કેટલાયે સંગીતકારો હિન્દુસ્તાની સંગીત Perform કરેછે પ્ણ તેમના ગાયન કે વાદનમા હિન્દુસ્તાની ફ્લેવર નથીજ આવતી.

    ReplyDelete
  10. નુસરત સાહેબે ગાયેલા અને હમણાં હમણાં પ્રખ્યાત થયેલાં ગીતનો આસ્વાદ

    http://aa-swaad.blogspot.in/2017/10/blog-post.html?m=1

    ReplyDelete