‘નવા વરસના શુભ સંકલ્પો’ એવો એક પાઠ ભણતી વખતે આવતો. આજે એક એવો જ સંકલ્પ કરવાનું સાહસ કરી રહ્યો છું. આમ તો વિક્રમ સંવતના કે ઇસુના બેઉ કેલેન્ડરમાં વરસ નવું થવાને હજી ઘણા મહિના વાર છે. પરંતુ, આજે પહેલી જુલાઇ એ ‘કેનેડા ડે’ છે અને તે આપણા ૧૫મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરી જેવો અહીંનો રાષ્ટ્રીય તહેવાર છે. તેથી શુભ સંકલ્પ માટે શુભ દિન જ ગણી શકાય. વળી, પરદેશમાં દુર્લભ એવી સળંગ ત્રણ રજાના મેળવાળું લોંગ વીકએન્ડ હોઇ શરૂઆત કરવાનું સરળ રહેશે એ લાલચ પણ આ સંક્લ્પ માટે જવાબદાર કહી શકાય. તો શું છે એ શુભ સંકલ્પ?
આજથી આ બ્લોગ ઉપર દરરોજ કશુંક ને કશુંક લખવું એમ નક્કી કરું છું!
“પણ પછી પહોંચી વળશોને? જો રોજ માથાં પછાડવાના હોવ અને તમારા રેફરન્સનું કશું ના જડે તો અમારા બધા ઉપર અકળાવાના હો તો જેમ ચાલે છે એમ તમારી ફુરસદે લખતા રહો એ જ બરાબર છે.” આવું કોણે કહ્યું હશે એ જાહેર કરવાની અને ગૃહ મોરચો બિનજરૂરી અશાંત કરવાની જરૂર ક્યાં છે? મારી દલીલ (અલબત્ત મારા મન સાથેની!) એક જ છે. “જો અમિતાભ બચ્ચન રોજે રોજ પોતાનો બ્લોગ લખી શકતા હોય, તો આપણે તેમના કરતાં તો વધારે વ્યસ્ત નથીને?”
ઉપરાંત ગયા અઠવાડિયે બરખા દત્ત સાથેના ઇન્ટર્વ્યુમાં પ્રણવ મુકરજીએ કહ્યું તે યાદ કરીએ તો પણ ઉત્સાહ વધે છે. તેમણે કહ્યું કે તેઓ રોજ રાત્રે ડાયરી લખીને જ સૂઇ જાય છે. હવે તેમના જેવા કોંગ્રેસના સૌથી બીઝી રાજકારણી જો પોતાની ડાયરી રોજ લખતા હોય, તો આપણે પણ એવો ટાઇમ કેમ ના કાઢી શકીએ? જો કે એ રાષ્ટ્રપતિ થશે પછી તો ટાઇમ જ ટાઇમ હશે. એ ત્યારની વાત છે અને કદાચ ત્યારે એ ડાયરી નહીં લખી શકે. કેમ કે અમારું તો કાયમી તારણ છે કે દસ કામ કરનારને અગિયારમું કામ સોંપીએ તો એ પોતાના બીઝી શેડ્યુઅલમાં એડજ્સ્ટ કરીને પણ તે કામ કરી આપે. બાકી નવરા માણસ પાસે તો ટાઇમ જ ક્યાં હોય છે? ટૂંકમાં, રાષ્ટ્રપતિની ભાવિ ચૂંટણીમાં મમતા કે મુલાયમ જેવા કોઇ આપણું નામ સૂચવે નહીં, ત્યાં સુધી રોજ બ્લોગ માટે સમય નીકળી જ શકશે.
એટલે આજે ‘કેનેડા ડે’ નિમિત્તે શરૂઆત, અહીંના શિષ્ટાચાર મુજબ, હવામાનથી કરીએ. અહીં પ્રારંભિક ગ્રીટીંગ્સ પતે એટલે વેધર વિશે વાત કરવાથી બરફ તરત તૂટે... સાદી ગુજરાતીમાં કહું તો આઇસ બ્રેક થાય! આપણે સામી વ્યક્તિને માત્ર એટલું જ કહેવાનું, “ઇટ્સ વેરી કોલ્ડ, એહ?”
હવે આ ‘એહ’ માંનો ‘હ’ બોલવાનો અને છતાંય સામી વ્યક્તિને સંભળાય ના એમ બોલવાનો. આ ટીપ વાંચવામાં અઘરી લાગે. પણ આપણે વાતે વાતે ‘એં?’ એમ બોલવા ટેવાયેલા ગુજરાતીઓએ તો ‘એં’ બોલવામાં સહેજ જ એડજ્સ્ટ થવાનું રહે.
પછી વાર્તાલાપ શરૂ થવાના ચાન્સીસ વધે. મોટેભાગે લોકો “હવે તો પહેલાં જેવી ટાઢોય ક્યાં પડે છે?” એમ શરૂ કરીને વિજય મર્ચન્ટની અદામાં કહેશે, “ઇન ધી યર નાઇન્ટીન એઇટી ટુ ધી સ્નો વોઝ હોરીબલ....” તરત આપણને લાઇટ થાય કે એ ભાઇ ત્રીસ વરસથી અહીં વસેલા છે અને પછી તો ગમે તે વિષય ખુલી શકે.... સ્કાય ઇઝ ધી લિમીટ. (ખરેખર તો સ્કાય ઇઝ ધી બિગીનીંગ!)
‘સ્કાય’ એટલે કે આકાશ તરફ જોઇને માત્ર વેધર માટે જ ચિંતા કરવાની હોય એવું નહીં. અહીં મજાકમાં કહેવાતું હોય છે કે ત્રણ ડબલ્યુનો ભરોસો નહીં.....Work, Woman અને Weather! ત્રણેમાં ગમે ત્યારે ગમે તે બની શકે. ત્રણેયની અનિશ્ચિતતાથી બચવા જ લોકો આસ્તિક રહે છે. બાકી લાઇટ ના જાય કે પાણી સમયસર આવે અને આવે તો ત્રીજે માળ ચઢે એવા ફોર્સમાં આવે કે પછી ટ્રેઇન - બસ ટાઇમસર આવે એવાં રોજીંદાં કામો માટે ભગવાનને ડીસ્ટર્બ કરવાનો વારો જ નથી આવતો. પણ એ બધી વાતો ફરી ક્યારેક. આજે તો વેધરથી જ શરૂ કરીએ.
અહીં કેનેડામાં હમણાં ૨૦ જુનથી સત્તાવાર ઉનાળો શરૂ થયો. (ઇન્ડીયામાં જે તારીખોમાં “ઉનાળો તો ગયો... વરસાદ કેમ નથી થતો? પાંચમી જુને મુંબઇ આવે અને ૧૫મી જુને તો આપણે માગીએને?” એવી ચર્ચા થતી હોય!) ગયા સપ્તાહે એક દિવસ અહીંના ‘નેશનલ પોસ્ટ’ અખબારની આ સંકલિત ન્યુઝ આઇટમ વાંચો.
Summer
officially begins on June 20 at 7:09 p.m. ET, but for many residents sweltering
in a heat wave baking southern areas of Ontario and Quebec, it already feels
like mid-season.
Toronto
issued an extreme heat alert Wednesday, as temperatures are expected to soar to
35C by the afternoon. If the temperature does reach 35C, it will break a new
record for June 20.
The highest recorded temperature for today’s
date in Toronto is 34.4C in 1949. Last year the high for this date was 25C
although the temperature did hit 37.9C in July 2011. The coldest recorded
temperature for June 20 was 3.3C in 1940.
The city
has opened cooling centres around the city for those in need of a chill. A map
is available on their website showing locations around
Toronto.
ન્યુઝ રિપોર્ટમાં જણાવ્યાં છે તે ‘કુલીંગ સેન્ટર્સ’ સરકાર તરફથી હોય. ત્યાં એ.સી. ફુલ ચાલતું હોય. સ્વીમીંગ પુલ હોય અને ફુવારા પણ હોય. કોઇપણ વ્યક્તિ ત્યાં જઇને ઠંડક મેળવી શકે. ગરમી ખુબ પડે તો તેનો ઇલાજ કરવામાં સરકારી તંત્ર પણ કામે લાગે.... કલ્યાણરાજના કોઇ પ્રચાર કે હોર્ડીંગ લગાવ્યા વગર! જેમ બાકીનું બધું સમયસર થાય એમ કુલીંગ સેન્ટર પણ ટાઇમે કાર્યરત થાય, પ્રજા ઉપર કોઇ એહસાન ચઢાવ્યા વગર.
એક ડીસ્કલેઇમર... અહીંની ગરમીના આંકડા જોઇને કેનેડાની ફાઇલ તૈયાર કરવા ના દોડવું. અહીં સૂર્યનાં કિરણો સીધાં આવતાં હોઇ તાપમાનને પણ ડોલરની જેમ કન્વર્ટ કરવાનું થાય. અહીંની ૩૨ ડીગ્રી એટલે આપણી ૪૦ સમજવાની. છ મહિના માઇનસ ૨૦-૨૫ સહિતની ઠંડીમાં રહ્યા પછીનો એ સામો છેડો હોય. તેથી ચાર ચાર મહિનાની ઋતુ હોય એ દેશની મઝા જ જુદી છે.
ટૂંકમાં, અહીં આવેલા નવા નવા ભારતીયો, પાકિસ્તાનીઓ, બાંગલાદેશીઓ એમ જેમની પણ સાથે વાત કરીએ, એ સૌનો એક જ મત હોય છે: અપને મુલુક જૈસા કુછ ભી નહીં. એટલે જેમને પણ દેશમાં સારાં નોકરી- ધંધો હોય એ સૌ માટે સાદી ગુજરાતીમાં એટલું જ કહી શકાય કે ‘ધેર આર નો લકુમ્બાસ, here!’
મોજે દરિયા અને એ પણ કેવા ! ત્સુનામી જેવા.
ReplyDeleteતમતમારે ચાલુ રાખો..તમારે ક્યાં લકુમ્બાસ લેવા છે, હેં ! એ(હ)
Yes, No lakumbas.... NV.
DeleteI Enjoy writing and you all love reading it. What more can one ask for? Thanks.
Good read!
ReplyDeleteI love your "Sadi Gujarati" for ice breaking and converting temperature as currency was just wah!
ReplyDeleteLiked your sankalp, I open your page everyday anyways.
Thanks Ronak for your compliments. It keeps the spirit boosted up.
Delete-Salil
લો, ત્યારે ધરમના કામમાં ઢીલ શેની?
ReplyDeleteકરો કંકુના... ને ટીપો કી બોર્ડના...