Monday, July 9, 2012

૧૯૯૦: સંગીતમાં નવી પ્રતિભાઓનો ‘સૈલાબ’!

૧૯૯૦ની ‘નંબર વન’ હીરોઇન: માધુરી દીક્ષિત

૧૯૯૦! ક્રિકેટમાં બેટ્સમેન ૯૦નો સ્કોર પાર કરે અને ‘નર્વસ નાઇન્ટીસ’માં આવ્યા એમ કહેવાતું હોય છે. આપણું ફિલ્મ સંગીત પણ તે સાલ એવા જ નર્વસ સમયમાં આવી પહોંચ્યું હતું. દરેક દાયકાના પ્રારંભમાં નવી નવી ટેલેન્ટ આવતી જ રહેતી હોય છે. તેથી ૧૯૯૦નું વર્ષ અપવાદ પણ નહતું. હીરો તરીકે સની દેવલ, આમિર ખાન, સંજય દત્ત અને પાછલા જ વરસમાં ૧૯૮૯માં આવેલા સલમાન ખાન સહિતના હીરો પોતાની જગ્યા બનાવી રહ્યા હતા. તો હીરોઇનોમાં પણ માધુરી, શ્રીદેવી, જુહી, ભાગ્યશ્રી ઇત્યાદિ વ્યસ્ત થઇ રહી હતી. હકીકતમાં તો આગલા વરસે ‘રામ લખન’, ‘ત્રિદેવ’ અને ‘પરીન્દા’ જેવી ફિલ્મો પછી ૧૯૯૦ના વર્ષમાં પણ ‘કિશન કન્હૈયા’, ‘થાનેદાર’, ‘સૈલાબ’ વગેરે લોકપ્રિય મ્યુઝિકવાળી ફિલ્મો માધુરી દીક્ષિતની જ હતી. 

પરંતુ, આ શૃંખલા મ્યુઝિકની છે, એટલે તે જોઇએ તો ૧૯૯૦માં સંગીતની દુનિયામાં પણ નદીમ શ્રવણ અને આનંદ મિલિન્દ ટોપ પોઝીશનમાં ડંકે કી ચોટ પર આવી પહોંચ્યા હતા. તેમની સાથે ગીતકાર તરીકે સમીર અને ગાયકો કુમાર સાનુ, ઉદિત નારાયણ અને અનુરાધા પૌડવાલ સરખા ગાયકો પણ ‘સ્ટાર્સ’ની માફક ચમકવા માંડ્યા હતા.



જો કે બોક્સ ઓફિસ ઉપર સૌથી સફળ થનારી ફિલ્મો તો સની દેવલ તથા મીનાક્ષી શેષાદ્રીની ઘાયલતેમજ આમિરખાન અને માધુરી દીક્ષિતની ‘દિલ’ હતી. પરંતુ, મ્યુઝિકને લાગેવળગે છે, ત્યાં સુધી તો ૧૯૯૦નું વર્ષ આશિકીનું હતું.ઘાયલઅને ‘દિલ’ તે સાલ દિવાળીના દિવસોમાં સાથે જોડે રજૂ થઇ અને પેલી માન્યતા ચકનાચુર કરી દીધી કે બે મોટી સ્ટાર કાસ્ટ વાળી ફિલ્મો એક સાથે રિલીઝ થાય તો બેઉના બિઝનેસ ઉપર અસર પડે. પરંતુ, આશિકીને કોઇ પણ રીતે મોટા પિક્ચરની ગણત્રીમાં ક્યાં મૂકાય એમ હતું? તેનાં હીરો-હીરોઇન રાહૂલ રોય અને અનુ અગ્રવાલ હતાં, જે એ ફિલ્મ પહેલાં (અને પછી પણ!) સ્ટાર તરીકે એવાં લોકપ્રિય ના થઇ શક્યાં. હકીકતમાં તો નદીમ શ્રવણનું સંગીત જ ‘હીરો’ હતું!

નદીમ - શ્રવણ
 ‘આશિકી’નાં આ બધાં ગીતો તો આજે પણ ક્યાં ભૂલાયાં છે?... “નજર કે સામને, જિગર કે પાસ, કોઇ રહતા હૈ…”, “ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના…”, “મૈં દુનિયા ભૂલા દુંગા, તેરી ચાહત મેં…”, “તુ મેરી જિંદગી હૈ…”, “અબ તેરે બિન જી લેંગે હમ…”, “સાંસોં કી જરૂરત હૈ જૈસે, જિન્દગી કે લિયે…” માય ગોડ! શું ચલણ હતું મહેશ ભટ્ટ દિગ્દર્શિત આ ફિલ્મનાં ગીતોનું તે દિવસોમાં. કોઇ આશ્ચર્ય નહતું કે તે સાલ ફિલ્મફેર એવોર્ડમાં ‘આશિકી’એ એક દુર્લભ વિક્રમ સર્જ્યો!

ગીતકાર સમીર
તે વરસના ફિલ્મફેર એવોર્ડ્સમાં સંગીતની તમામ કેટેગરીમાં પુરસ્કાર જીતીને ‘આશિકી’એ રેકોર્ડ કર્યો હતો. અર્થાત “અબ તેરે બિન જી લેંગે હમ…” માટે કુમાર સાનુ બેસ્ટ પ્લેબેક સિંગર બન્યા, તો “નજર કે સામને, જિગર કે પાસ, કોઇ રહતા હૈ…” એ બે એવોર્ડ અપાવ્યા. શ્રેષ્ઠ ગીતકાર તરીકે સમીરને અને શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા તરીકે અનુરાધા પૌડવાલને! એ બધા ઉપર સોને પે સુહાગા નદીમ શ્રવણ બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરની ટ્રોફી પણ જીતી ગયા. ચૂંટણીની ભાષામાં કહીએ તો આશિકી’ની એ ક્લીન સ્વીપ હતી, જે ‘ફિલ્મફેર એવોર્ડ્સ’માં તે અગાઉ કે તે બાદ કોઇ ફિલ્મે રિપીટ નથી કરી.

અનુરાધા પૌડવાલ
તે વરસ ૧૯૯૦ની બીજી મ્યુઝિકલ હીટ ‘દિલ’નાં ગાયનોએ પણ જબરી ધુમ મચાવી હતી. તેમાં પણ અનુરાધા પૌડવાલના જ અવાજની જ ક્માલ હતી. ફરક માત્ર એટલો હતો કે ‘દિલમાં “ઓ પ્રિયા ભૂલા દિયા…”માં સુરેશ વાડકરને બાદ કરો તો પુરૂષ અવાજ તેમાં ઉદિત નારાયણનો હતો. તેમાં પણ “મુઝે નીંદ ન આયે મુઝે ચૈન ન આયે…” સૌથી વધુ લોકપ્રિય બન્યું હતું. આમ કિશોર કુમાર અને મહંમદ રફી જેવા બબ્બે મુખ્ય પુરૂષ ગાયકોના અકાળ અવસાનથી ઉભા થયેલા ખાલીપામાં કુમાર સાનુ અને ઉદિત નારાયણ પોતાનાં સ્થાન મજબુત કરી શક્યા હોય તો તે ગુલશનકુમારના નેતૃત્વમાં ટી સિરીઝે જે હલ્લો સ્થાપિત મ્યુઝિક કંપનીઓ સામે કર્યો, તેને કારણે જ.  
કુમાર સાનુ
ગુલશન કુમારે જે રીતે આક્રમક માર્કેટીંગથી ‘આશિકી’ અને ‘દિલ’ની કેસેટ્સનો બિઝનેસ ૧૯૯૦માં કરી બતાવ્યો એ, સાવ સસ્તામાં કેસેટ્સ વેચવાથી શરૂઆત કરીને ઇન્ડસ્ટ્રીની ટીકાઓ અને કોપી રાઇટના કેસોનો સામનો કરનાર સાહસિકની સફળતાનું ચરમ બિન્દુ હતું. કેમ કે આગલે વરસે ૧૯૮૯માં લાલ દુપટ્ટા મલમલ કા’ જેવી વિડીયો ફિલ્મ બનાવી હતી, જેને થિયેટર્સમાં નહીં પણ વિડીયો માર્કેટમાં જ મૂકીને કમાણી કરી હતી. જ્યારે ‘આશિકી’ તો ગુલશન કુમાર અને ટી સિરીઝનું પોતાનું પ્રથમ પ્રોડક્શન હતું. 

ગુલશનકુમાર
હવે કોપી રાઇટની કોઇ બીક નહતી! પોતાના ગાયકો અને સંગીતકારો ટોપ પોઝીશનમાં પહોંચ્યા હતા. ૧૯૯૦નું વરસ સાચ્ચે જ ‘નર્વસ નાઇન્ટી’ જરૂર સાબિત થયું… પણ તે સંગીતની દુનિયાના જૂના મહારથીઓ માટે. ‘એલ. પી.’ અને ‘આર. ડી.’, નૌશાદ અને કલ્યાણજી આણંદજી એ સૌની હાલત કેવી હતી અને તેમનો પર્ફોર્મન્સ કેવો હતો ’૯૦ની સાલમાં, એ જોઇશું આવતા સપ્તાહે. દરમિયાન ગુગલ કર્યા વગર કે આઠ મિનીટ લાંબા ગાયનના વિડીયોની માહિતી જોયા વગર, ઇમાનદારીથી માત્ર યાદ કરીને, ૧૯૯૦માં ભપ્પી લહેરીએ આપેલું અને માધુરીએ કરેલા જોરદાર અને યાદગાર ડાન્સવાળું ‘સૈલાબ’નું આ ગીત “હમ કો આજકલ હૈ ઇન્તઝાર, કોઇ આયે લે કે પ્યાર…” ગાનાર ગાયિકાનું નામ કહી શકો? આપ કે પાસ હૈ ૮ મિનટ.... (સિર્ફ) સોચો ઠાકુર!



1 comment:

  1. સાહેબ, અનુરાધા ઍ ગીત ગયેલુ, પૌડવાલ નહીં પરંતુ દેશપાંડે.... તે વખતે સેક્સી દેખાવનો માત્ર માધુરી નો ઈજરો હતો... સૈલાબ, બેટા, જમાઈરાજા....

    નદીમ-શ્રવણ તેમના અભિમાન માં સાફ થઈ ગયા.. (યાદ છે, અમે તો આવતા ફિલ્મ-ફેર અવૉર્ડ માં પહેરવાના સૂટ તૈયાર કરવી રાખ્યા છે!!!).. ઍમાં પણ નદીમ જે "ગદ્દારી" કરી તે તો ફિલ્મ ઇંડસ્ટ્રી પર કાળા ધબ્બા બરાબર છે...

    ReplyDelete