Saturday, July 21, 2012

રાજેશ ખન્ના (૩): પર્સનલી સ્પીકીંગ!



  

    कहीं तो ये दिल कभी मिल नहीं पाते
     कहीं पे निकल आये जन्मों के नाते!


આજે તો રાજેશ ખન્નાની ‘ચૌથા’ની વિધી પણ પતી ગઇ. એક ‘હીરો’ રાખ થઇ ગયો! એક સાથે કેટકેટલી યાદો પિક્ચરના ફ્લેશબેકની માફક રિવાઇન્ડ થઇ ગઇ? મારી અંગત જિંદગીમાં રાજેશ ખન્ના માટેની જ નહીં ફિલ્મોની પણ ઘેલછા લગાડવાનું વડોદરાનું બહુ મોટું ઋણ છે!

તે સાલ ૧૯૬૭માં હું મેટ્રીકમાં અને સિનેમાનો ચસ્કો જબ્બર લાગેલો. ત્રણ જ  ધોરણની પ્રાથમિક શાળાની સગવડવાળા કઠાણા સ્ટેશનના પરા જેવા સાવ નાનકડા ગામથી ચોથું ધોરણ મોસાળ અને તાલુકા મથક એવા બોરસદમાં ભણ્યા પછી ૧૯૬૦થી વડોદરા જેવા મોટા શહેરમાં આવી ગયો. બોરસદમાં તે વખતે એક જ ટોકીઝ, નટરાજ અને તેમાં ‘મધર ઇન્ડીયા’ જોયાનું અને તે દરમિયાન સતત રડ્યાનું યાદ. રોજ રાત્રે નવનો શો શરૂ થતાં પહેલાં નટરાજના લાઉડ સ્પીકરમાંથી વાગતાં ગાયનોથી પણ કાન ટેવાયેલા.

તેથી સિનેમાનું આકર્ષણ શરૂ થયેલું જરૂર. પણ ગાંડપણ કે ઘેલછા તો વડોદરાની સંસ્કાર નગરીએ જ આપ્યાં. કેમ કે બોરસદની એક ટોકીઝ સામે અહીં નવ નવ સિનેમાગૃહો! તેમાંય મોહન ટોકીઝ (જે પછી નવા રૂપરંગ સાથે ‘નવરંગ’ બની અને હવે તો જ્યાં પણ શોપીંગ સેન્ટર બન્યું છે તે) અને ‘સાગર’ એ બેઉ સિનેમાની વચ્ચે રહેવાનું થયું. તેમાં પણ નવરંગ ટોકીઝની બરાબર બાજુમાં અમારી મોડેલ સ્કૂલ અને ‘સાગર’માંથી વાગતાં ગાયન મોડી રાત્રે અગાશીમાંથી સંભળાય! (એક બાજુ એસ.એસ.સી.ની તૈયારીનું રાત્રે વાંચતા હોવ ત્યારે જ ‘સાગર’માંથી ગાયન સંભળાય, “અકેલે હૈં ચલે આઓ, જહાં હો, કહાં આવાઝ દે તુમ કો, કહાં હો?” શું હાલત થાય? ચોપડીઓ-નોટો બધુંય બાજુ પર થઇ જાય કે નહીં?!)

એટલે સાગર ટોકીઝમાં ‘રાઝ’નાં પોસ્ટર લાગ્યાં અને નવા હીરો રાજેશ ખન્નાનો સાઇડ પોઝ જોતાં લાગ્યું કે આ તો રાજેન્દ્ર કુમારની હેર સ્ટાઇલની કોપી કરી ધ્યાન ખેંચવા માગતો નવોદિત છે. પછી તો ફોટા પણ લાગ્યા. એ દિવસોમાં દરેક ટોકીઝમાં આવનારા ‘પિચ્ચર’ના ફોટા જોવાનો અમારા જેવાં છોકરાંનો નિત્યક્રમ. સમજોને કે આજે ટીવી કે ‘યુ ટ્યુબ’ ઉપર આવતા પ્રમો જેવી એ એડવાન્સ પબ્લીસીટી. ખરેખરા હાલતા ચાલતા ‘પ્રમો’, એટલે કે તે સમયે ‘ટ્રેઇલર’ કહેવાતી ટૂંકી ફિલ્મ, અન્ય પિક્ચર દરમિયાન જોવા મળે અને તે માટે પૈસા ખર્ચવા પડે. એટલે ફોટા જોઇને સંતોષ માનવાનો. તેમાં રાજેશ ખન્ના સાથે આવનારી હીરોઇન બબિતાના ફોટા જોતાં એ ત્યારની લોકપ્રિય અભિનેત્રી સાધના જેવી દેખાતી હતી. (બન્ને પિતરાઇ બહેનો હોઇ એ સ્વાભાવિક જ હતું) આ ‘કોપી કેટ’ કલાકારો હશે કે શું? એ ડર સાથે ઇન્તજાર હતો. પણ પછી એ જ એક્ટરે દેશ આખાને ગાંડો કર્યો!

ખરેખર તો રાજેશ ખન્નાનો સમય સમજવા માટે રિવાઇન્ડ કરીને તે વર્ષોમાં જવું પડે. એ સુપર સ્ટાર માટેની ઘેલછાની વાતો આજના પ્રેક્ષકોને કે ચાહકોને કદાચ અતિશયોક્તિભરી લાગે. પરંતુ, રાજકપૂર, દિલીપકુમાર, દેવઆનંદ અને રાજેન્દ્રકુમાર જેવા પ્રથમ હરોળના  મહારથીઓ કે રાજકુમાર, સુનિલદત્ત અને ધર્મેન્દ્ર સરખા સેકન્ડ લાઇનના સ્ટાર્સ તેમજ જોય મુકરજી અને બિશ્વજીત જેવી ચોકલેટી કેટેગરી સહિતના તમામ પ્રકારના હીરોની વચ્ચે એક સાવ સામાન્ય દેખાવવાળા એક્ટર માટે પોતાની ટેલેન્ટ સિવાય આગળ વધવાનો બીજો કોઇ વિકલ્પ નહતો. પણ એ હકીકત જ કદાચ ‘કાકા’ માટે એક ચોક્કસ ઓડિયન્સના પ્રેમ અને ટેકા માટે જવાબદાર હતી. એ પહેલા દિવસથી જ ‘ડાર્ક હોર્સ’ હતા. રેસમાં એ જીતે તેમાં સામાન્ય દર્શકને પોતાની જીત લાગી હશે. 

ખન્નાને મળેલી શરૂઆતની ભૂમિકાઓ યાદ કરીએ તો એ મધ્યમવર્ગને સીધી સ્પર્શે  એવી હતી. જેમ કે અમને ખુબ જ ગમતી ફિલ્મ ‘બહારોં કે સપને’માં એ એક બેરોજગાર યુવાન બને છે. આશા પારેખ સાથે બેસીને ચણા ફાકતો હીરો કે માબાપની આશાઓને પૂરી ના કરી શકતો ગ્રેજુએટ દીકરો! (પિક્ચરમાં નાના પલશીકર, સુલોચના અને પ્રેમનાથ તથા અનવર જેવા સાથી કલાકારોનો પણ અભિનય એટલો જ મજબૂત અને આર.ડી.બર્મનનું સોલ્લીડ મ્યુઝિક!), ‘આનંદ’નો વગર ઓળખાણે કોઇને મમ્મી (લલિતા પવાર) તો કોઇને બહેન (સીમા દેવ) તો કોઇને મિત્ર (અમિતાભ બચ્ચન) બનાવી લેતો સાફ દિલ ઇન્સાન,  હીરોના જ અભિનયથી છવાયેલી ‘ઇત્તેફાક’ જેવી ગાયનો વિનાની ફિલ્મ પોતાના ખભા ઉપર ખેંચી જતો નાયક (જે આપણા એક ગુજરાતી નાટક ઉપરથી બન્યું હતું અને તે પ્રવીણ જોશીના દિગ્દર્શન અને અભિનય બન્નેને કારણે સુપર હીટ હતું.) ‘દો રાસ્તે’માં કુટુંબને જ સદા પ્રાથમિકતા આપતો દીકરો, ‘આરાધના’નો મસ્તીભર્યો પ્રેમી એમ દરેક ભૂમિકાએ સફળતામાં આગળને આગળ વધતા ખન્નાએ જૂની આખી બ્રીગેડને ક્યાંય પાછળ છોડી દીધી હતી. 

એ સંજોગોમાં, તેમની પાછળની ઘેલછા ઉભી ના થઇ હોત તો જ આશ્ચર્ય હોત. એ જે કરે તેની જુવાનિયાઓ કોપી કરે જ. ‘દો રાસ્તે’ના ગીત “યે રેશ્મી ઝુલ્ફેં, યે શરબતી આંખેં....” ના શુટીંગના દિવસોમાં ચહેરા ઉપર ખીલ થતાં રાજેશ ખન્નાએ મજબુરીમાં દાઢી વધારી અને અમારા જેવાએ તેની નકલ કરી!

‘અંદાઝ’માં “ઝિન્દગી ઇક સફર હૈ સુહાના...”ના શુટીંગ વખતે મુંબઇમાં મોટા પાયે કન્જક્ટિવાઇટીસ ફેલાયેલો હતો. તેમાં ‘કાકા’ પણ ઝડપાયા હતા. તેમણે મોટાં ગોગ્લ્સ ચઢાવીને ગાયન ગાયું અને એ ‘અંદાઝ ગોગ્લ્સ’નો પણ એક જમાનો આવી ગયો.... સાજી સમી આંખોવાળાઓએ પણ એ ચશ્માં ચઢાવીને ફોટા પડાવ્યા. શરીરની કસરત માટે કદી મહેનત નહીં કરનારા એ શેહજાદાના પેટનો ઘેરાવો વધતાં પડદા ઉપર બેડોળ દેખાવાનો ભય ઉભો થયો અને બાપુએ પેન્ટ ઉપર ખુલતો ઝભ્ભો ચઢાવ્યો. ફરક એટલો રાખ્યો કે દિલીપ કુમાર કે રાજેન્દ્રકુમાર પહેરતા એવા પરંપરાગત પહેરણને બદલે સ્ટેન્ડપટ્ટીના કોલર મૂકાવ્યા અને નામ આપ્યું ‘ગુરૂ શર્ટ’! 

પછી જોવાનું શું રહે? એ ગુરૂ શર્ટની પણ ફેશન ચાલી. આજે પણ અમારા જેવા મોટી ઉંમરના પોતાનું પેટ છુપાવવા હોંશે હોશે એ ઝભ્ભા પેન્ટ ઉપર ચઢાવે છે. રાજેશ ખન્નાની સરખામણી પેલા ફેરિયા સાથે થઇ શકે, જેણે નકલ કરાવીને વાંદરાઓ પાસેથી પોતાની ટોપીઓ પાછી મેળવી હતી. એ નવા જમાનાના ફેશન આઇકોન બનતા ગયા અને દેવ આનંદની ટેરીટરીમાં ભાગ પડાવતા ગયા. એ પ્રારંભિક દૌરમાં સામાજિક અને કૌટુંબિક પાત્રો ભજવીને રાજેન્દ્રકુમારના ગઢમાં ગાબડું પાડ્યું અને લોકપ્રિય મ્યુઝિક સાથે શમ્મીકપૂરના ચાહકોને પણ પોતાના કર્યા. 



તેમના ‘સુપર સ્ટાર’ તરીકેના ૧૯૬૭થી ’૭૩ના એ સમયને તકદીર કહો કે બીજું કોઇ પણ નામ આપો એ સંપૂર્ણપણે રાજેશ ખન્નાનો સમય હતો અને મારા માટે જીવનનો સૌથી નિર્ણાયક સમય! કેમ કે ’૬૭માં મેટ્રીકનું વરસ અને તે પછી કોમર્સ ગ્રેજ્યુએટ થવાનાં કોલેજનાં પાંચ વરસ હતાં. (વરસોની ગણત્રીમાં ગુંચવાવાની જરૂર નથી.... પિક્ચરોની લ્હાયમાં કોલેજના પહેલા વર્ષે નપાસ થવાયું હતું!)

એ જ દિવસોમાં
‘દો રાસ્તે’ના રાજેશ ખન્નાની અસરમાં જ માતા-પિતાને મદદરૂપ થવા કોલેજનું રજીસ્ટ્રેશન ચાલુ રાખીને વડોદરા છોડીને ગામડે દુકાને બેસી જવાનો નિર્ણય પણ  લીધો હતો. એક આખું વરસ મારા વતીનું મિત્રો ભણતા અને હું માત્ર ટેસ્ટ અને પરીક્ષા આપવા બરોડા જતો! (એ બધા દોસ્તારોનું ઋણ કયા ભવે ચુકવાશે?) રાજેશ ખન્નાની ઝીણામાં ઝીણી અને લેટેસ્ટ વિગતો તમારી પાસે હોય તો મિત્રોમાં માન વધી શકતું. આજે પણ જીગરજાન દોસ્ત એવા મુકેશ દલાલ અને બંસી સાથે મળીને એ બધાં વરસોમાં કરેલી ફિલ્મોની ચર્ચાઓની તો વાત જ શું કરવી?

રાજેશ ખન્નાની ‘દો રાસ્તે’ની ભૂમિકાએ જ ૧૯૭૩માં નોકરીના બે ઓર્ડર ભેગા થયા પછી એક એવો નિર્ણય લેવડાવ્યો, જેણે જિંદગીને એક જુદો જ મોડ આપ્યો. તે દિવસોમાં આણંદની ‘અમૂલ’માં જોબ શરૂ જ કરી હતી અને એર ઇન્ડીયાની (તેના એડમિનીસ્ટ્ર્રેશન વિભાગની) નોકરીનો પત્ર આવ્યો. મનમાં “દો રંગ જીવન કે ઔર દો રાસ્તે...” એમ કલ્પવાની સાથે જ બે રસ્તા પૈકીના એકમાં મારી કરિઅર અને અંગત રીતે ગમતી ફિલ્મોની નગરી મુંબઇમાં રહેવાનું એ બન્ને થતાં હતાં. પણ બીજા રાહમાં ઘર આંગણે માતાપિતાની સાથે રહેવાનું અને પરિવારને ઉપયોગી થવાતું હતું. કુટુંબ સાથે રહેવાનો નિર્ણય ઝડપથી લઇ શકાયો હોય તો તે રાજેશ ખન્નાની ‘ફેમિલી બોય’ની ઇમેજમાં ફીટ થવાના અંગત પ્રયાસને લીધે જ. 

રાજેશ ખન્નાનો પ્રભાવ જે પ્રમાણમાં અમારી તે સમયની પેઢી ઉપર હતો તે જોતાં આમ કરનાર હું એકલો નહીં જ હોઉં. હસતા - ગાતા - કુટુંબ માટે ત્યાગ બલિદાન કરતા ગુણિયલ દીકરા અને આંખોથી હસીને પ્રણય કરી શકતા પ્રેમી એવા રાજેશ ખન્નાની સ્ક્રીન ઇમેજને તે સમયના જુવાનિયાઓએ જીવનમાં પણ ગંભીર રીતે લીધી હતી. એ બધા માત્ર ‘ગુરૂ શર્ટ’ કે ગોગલ્સ પહેરીને નહતા અટકી ગયા. પડદાના રાજેશ ખન્નાને અંગત જીવનમાં પણ ઉતાર્યા હતા.



ગુરૂશર્ટમાં.... ગુરૂ!


તેમણે ‘આરાધના’માં ઇન્ટરવલ પછી પુત્રની ભૂમિકામાં અલગ દેખાવા ડાબાને બદલે જમણી બાજુ પાંથી પાડી અને મેં પણ એ નકલ કરી. આખી જિંદગી એ જ હેર સ્ટાઇલ રહી! આપણા મુકુલ જાનીએ પણ એ કબુલાત હમણાં થોડા દિવસ પહેલાં તેમના બ્લોગ ઉપર કરી જ છે. (અમારા ગ્રુપના એક મિત્ર મુકેશ ઠકકરનો રાજેશ ખન્ના માટેનો અહોભાવ અને તેની સ્ટાઇલને લીધે આજે પણ અમે તેને ‘મુકેશ ખન્ના’ કહીએ છીએ અને ‘કાકા’ના અવસાનના કલાકોમાં જ, મારો નંબર એક અન્ય મિત્ર અશોક પાસેથી લઇને તેણે કેનેડા ફોન કર્યો.... અને અમે બન્નેએ જૂની વાતો યાદ કરીને ખરખરો કર્યો હતો.)

તેથી જ પહેલા દિવસે અહીં લખ્યું હતું કે રાજેશ ખન્નાની મારા એક સમયના અંગત જીવન ઉપર ખુબ અસર છે. તેનો ઉલ્લેખ ૨૦૦૭માં કવિ મિત્ર અંકિત ત્રિવેદી અને મુરબ્બી કવિ હર્ષ બ્રહ્મભટ્ટે સંયુક્ત રીતે સંપાદન કરેલા પુસ્તક ‘મારું સત્ય’ (પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર)ના મારા લેખ ‘ભ્રમ સત્ય... જગત મિઠ્ઠા’માં પણ આ રીતે કરેલો છે:


‘આનંદ’ ફિલ્મની વાર્તાએ અને રાજેશ ખન્નાના સંવેદનશીલ અભિનયે ઉભી કરેલી કાલ્પનિક છબીઓ દ્વારા મને એ સત્ય લાધ્યું કે ગમે એવી શારીરિક તકલીફોમાં પણ આનંદથી જીવી શકાય છે. ‘જાતસ્ય હી ધ્રુવો મૃત્યુ:’ એ પૌરાણિક સુત્ર અનુસાર જન્મ પામનાર દરેક વ્યક્તિ માટે મૃત્યુ સુનિશ્ચિત જ છે. તો પછી મળેલી પ્રત્યેક ક્ષણનો આનંદપૂર્વક કસ કેમ ના કાઢી લેવો? ‘જબ તક જિન્દા હૂં, મરા નહી. ઔર મર ગયા તો સાલા મૈં હી નહીં!’ પછી ચિંતા શાની? દુ:ખ શાનું?

એ જ લેખમાં એમ પણ લખ્યું હતું કે...

“એ રીતે થિમેટિકલી - વાર્તાવસ્તુની રીતે - રાજેશ ખન્નાની એક ચોક્કસ સમયગાળાની ફિલ્મો મારાં જીવનનાં સત્યોને ઉજાગર કરવામાં કદાચ વધારે મદદરૂપ થઇ છે.... અમિતાભ બચ્ચન મારા પ્રિય અભિનેતા હોવા છતાં! ‘આરાધના’ હોય કે ‘કટી પતંગ’, ‘અમર પ્રેમ’ હોય કે ‘અવતાર’, રાજેશ ખન્નાની લગભગ દરેક સામાજિક ફિલ્મે વિધવા વિવાહથી માંડીને સંતાનોની માતાપિતા પ્રત્યેની ફરજ જેવાં
જીવનનાં સત્યો દેખાડનારા માધ્યમ તરીકે વધારે કામ કર્યું છે.... મનોરંજન કરવા ઉપરાંત!

‘કાકા’એ એક સંવેદનશીલ પ્રેમી, પુત્ર કે પિતા તરીકે ઇમ્પ્રેશનેબલ કહી શકાય એવી અમારી ઉંમરે જીવનનાં સત્યો દેખાડનાર હીરો તરીકે બહુ અગત્યનો રોલ ભજવ્યો છે. હિંસક હીરોનાં સત્ય કદાચ સાચાં હશે, છતાં અપીલ કરી શક્યાં નથી. વિલનને કે ઇવન નેગેટિવ રોલ કરનાર ‘એક્સ્ટ્રા’ને  ફેંટ પકડીને તેનું માથું ભીંતમાં પછાડતા નાયકનું સત્ય ક્યારેય અપીલ ના કરી શક્યું હોય તો તેનું કારણ રાજેશ ખન્નાએ બાંધેલી સૌમ્ય (સોફ્ટ) માનસિક ભૂમિકા.

રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન જે ફિલ્મમાં સાથે હતા એ ઋષિદાની ‘નમક હરામ’માં પણ જે પાત્ર ‘કાકા’એ કર્યું હતું, તેણે જે સચ્ચાઇનાં દર્શન કરાવ્યાં અને સત્ય દર્શનને જે પરિપ્રેક્ષ્યમાં મૂકી આપ્યું એ ખરેખર આંખ ઉઘાડનારું હતું. ‘You can not live on an island of luxury...' ચારે તરફ ગરીબીનો મહાસાગર હોય ત્યારે તમે સમૃધ્ધિના ટાપુ ઉપર ના રહી શકો. આ સત્ય ‘નમક હરામ’માં જાણ્યા પછી સમાજ પ્રત્યેની આખી દ્રષ્ટિ (સુખદ રીતે) બદલાઇ ગઇ.... કાર્લ માર્ક્સ કે માઓ-ત્સે-તુંગને વિગતવાર વાંચ્યા વગર!”  

રાજેશ ખન્નાની અંગત જીવન પરની એ અસરો હકીકતમાં તો તેમણે ભજવેલાં પાત્રોની હતી. પણ એવી સમજ ત્યારે ક્યાં હોય? અને હવે આ ઉંમરે એ સમજ બદલવી પણ શું કામ? શું કહો છો?

6 comments:

  1. અહા ... રવિવારની સવાર, ફરી જૂની યાદો તાજી કરાવી દીધી સલિલ'દા

    ReplyDelete
  2. Speechless....what else i can say.....:(

    ReplyDelete
    Replies
    1. ગઈ કાલે થોડુંક ડીમ્પલ વિષે લખતી વખતે મેં પણ રાજેશ ખન્ના ણી હેર સ્ટીલ અને કફની વાળો મારો ૧૯૭૭ નો ફોટો શોધવા પ્રયત્ન કર્યો , પણ પછી યાદ અવ્યુંકે એ ફોટો મારી એક લોખંડની પેટી જે ખોવાઈ ગયેલી તેમાં હતો ! એ બેગ તો ગઈ એની સાથે મારી ઘણી જૂની તસ્વીર અને યાદો , વિશેષ કવિતાઓ, હિન્દી રચનાઓ જે મેં " સફર "ના ઉપનામ થી લખેલી તે ગઈ. કાકા ની મોટા ભાગ ની ફિલ્મો ત્રણ વાર જોઈ છે. એ નશા ની શું વાત કરવી? એ દિવસો માં મરુન કલર નો સાઈ ડ કટ વાળો શર્ટ ખુબ જ ગમતો !

      Delete
  3. Loved it. those were the days!

    ReplyDelete
  4. bapu....bapu!!
    -snjy

    ReplyDelete
  5. રાજેશખન્ના સદા યાદ રહશે જાયરે બહેન ના લગ્ન પર બેન્ડવાળા ગીત વાગડશે “ મેરી પ્યારી બહેનિયા બનેગી દુલાહનીય”, દુશમન દુશમન દોસ્તો સે પ્યારા હૈ, આનદ મારા નહીં આનદ સદા હમેરે બીચ રહેગ, આનદ મર ની સકતા.

    ReplyDelete