Saturday, July 14, 2012

દારાસીંગ.... મહાબીર બિક્રમ બજરંગી!


Before Salman Khan there was Dara Singh.... Before Amitabh Bachchan there was Dara Singh.... Before WWF/WWE on Indian TV; there was Dara Singh in news paper ads!

દેવ આનંદ અને શમ્મીકપૂર પછી હવે દારાસીંગ પણ ગયા! જાણે કે નાનપણના ‘હીરો’ની વિદાયનો જ સમય ચાલી રહ્યો છે.“તને સાંભરે રે? મને કેમ વિસરે રે...” ની કૃષ્ણ - સુદામાની જેમ સ્કૂલના દિવસો યાદ કરતાં થાય કે બિછડે સભી બારી બારી...!

સ્કૂલમાં ભણતી વખતે દારાસીંગ વિશેની કેવી કેવી દંતકથાઓ સાંભળતા? એ રોજનું કેટલું દૂધ પીએ છે કે નાસ્તામાં કેટલા ડઝન ઇંડાં ખાય છે એ બધું છાપામાં પણ આવતું. તે દિવસોમાં યોજાતી તેમની કુસ્તીની જાહેરાતોની ભાષા પણ એટલું જ મનોરંજન કરાવતી. ખાસ કરીને મુંબઇમાં થનારાં એ દંગલમાં એક બાજુ કીંગકોંગ જેવા મહાકાય પહેલવાનનો ફોટો હોય અને એ “આ રવિવારે તારી છેલ્લી કુસ્તી હશે, દારા.... પછી તું કુસ્તીને લાયક નહીં રહે!” અને સામે દારાસિંગ પણ એ પડકાર ઝીલતા હોય એવી ભાષામાં જવાબ આપતા બતાવાયા હોય. 

પહેલો પ્રેમ...! ફેમસ સિને એક્ટર બન્યા પછી પણ કુસ્તી તો લડતા જ
આજે WWE કે તે અગાઉ WWF માં ‘ટ્રીપલ એચ’ અથવા ‘અન્ડર ટેકર’ જેવા રેસ્લર્સ એક બીજાને હોંકારા-પડકારા કરતા ટીવી પર દેખાતા હોય છે, તેની એ પ્રિન્ટ આવૃત્તિ કહી શકાય. દારાસીંગ ‘એક્ટર’(?) બન્યા પછી પણ ઠેઠ ૧૯૮૩ સુધી કુસ્તી કરતા જ રહ્યા હતા. એ દરેક ઇન્ટર્વ્યુમાં કહેતા કે કુસ્તી તેમનો પહેલો પ્રેમ છે. એટલે  તે દિવસોમાં વડોદરાના માણેકરાવના અખાડામાં કસરત કરતા હોઇએ, ત્યારે ત્યાંના જેટલા પણ સ્નાયુબધ્ધ અખાડિયનને જોઇએ, એ દરેકને દારાસીંગના ત્રાજવામાં તોલવાનો પ્રયાસ કરીએ. પરંતુ, કોઇ આપણા ‘રૂસ્તમ-એ-હિન્દ’ની છબીની નજીક પણ ના લાગે. છોકરાંમાં જ્યારે કોઇ બે-ચાર જણને ઝગડો થાય, તે વખતે પણ દારાસીંગ અદ્રશ્ય સ્વરૂપે ઉપસ્થિત હોય. કેમ કે તેમાંથી એકાદ જણ તો બીજાને આ ડાયલોગ  કહે જ કે “તુ વળી કયો મોટો દારાસીંગ છું?”   

અમને મઝા તો એ વાતની આવતી કે અમારા એ હીરો દુનિયાભરના દેશોમાં જાય, ત્યાંના સૌથી જાણીતા મલ્લ સાથે તે ‘મેચ લે’ અને દરેકને તેમને ઘેર, તેમના ઓડિયન્સની હાજરીમાં રીતસર ધૂળ ચાટતા કરીને પાછા આવે! દારાસીંગ એક માત્ર એવા કુસ્તીબાજ હતા કે જે કદી કોઇ ફાઇટ હાર્યા નહતા. હી વોઝ રીયલી એ વર્લ્ડ ચેમ્પિયન! અ રીયલ હીરો. આજનાં બાળકોને જેટલું WWEની ફાઇટ જોવાનું વ્યસન છે, એટલી જ એક જમાનામાં દારાસીંગની કુસ્તીના સમાચાર અને જાહેરાતો વાંચવાની ઇન્તેજારી બાળકોને રહેતી.  તેથી જ્યારે એ હિન્દી ફિલ્મોમાં આવ્યા, ત્યારે બાળકોનું એક તૈયાર ઓડિયન્સ તેમની ફિલ્મો માટે ઉપલબ્ધ જ હતું.

ગામા પહેલવાન
દારાસીંગની અગાઉના ગામા પહેલવાન વિશેની પણ કેટલીય વાતો ત્યારે પ્રચલિત હતી. પણ તેમને સદેહે કેટલાએ જોયા હશે? જ્યારે ફિલ્મોમાં આવીને દારાસીંગે પહેલવાનીને અમર કરી દીધી. નાનાં છોકરાંને ‘ઝગમગ’, ‘બાલસંદેશ’ કે ‘રમકડું’ જેવાં બાળ સામયિકોમાં આવતી ચિત્રકથાઓની મારામારી હવે પડદે જોવા મળતી હતી. ચિલ્લરપાર્ટીને તો સુટ બુટ કે ધોતી ઝભ્ભામાં સજ્જ હીરોનાં સામાજિક પિક્ચરોના રોના ધોના કે ઇવન લવસ્ટોરી કરતાં પણ ઉઘાડા ડીલે રૂપેરી પડદે આવતા દારાસીંગ વધારે ગમતા.

કીંગકોંગ
દારાસીંગનું  પિક્ચર છૂટે, ત્યારે ડોરકિપર હોલમાં ખાસ ઉભા રહે. કેમ કે ઓડિયન્સ એટલું ઉત્તેજીત થયેલું હોય કે થિયેટરમાંથી નીકળતાં નીકળતાં લોકો કશા કારણ વગર ખુરશીઓને મુક્કા મારતા નીકળે! એ તેમના વિરોધીઓની જે રીતે ધોલાઇ કરતા તેમાં ધોબી પછાડ પણ હોય અને સામા જુથના એકાદને ઉંચકીને હવામાં ગોળ ગોળ ફેરવીને વિરોધીઓના ટોળા ઉપર ફેંકવાના કસરતી દાવ પણ હોય. તેમની એક અસલી ફાઇટમાં ૧૩૦ કીલોના દારાસીંગે ૨૦૦ કિલો વજનના કીંગકોંગને ઊંચકીને પોતાના માથા ઉપર ગોળ ગોળ ઘુમાવીને રીંગની બહાર ફેંકી દીધાના રિપોર્ટ પણ છાપામાં ત્યારે આવી ચૂક્યા હતા. તેથી ફિલમના નાના-મોટા ૭૦- ૮૦ કે ૧૦૦ કિલોના કોઇ સ્ટંટ આર્ટીસ્ટને ઉઠાવવા એમને માટે કોઇ મોટી વાત નહતી.

એ રીતે જોઇએ તો, દારાસીંગે અમિતાભ બચ્ચન માટેનું મેદાન તૈયાર કર્યું હતું એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કેમ કે અગાઉની ફિલ્મોમાં પણ હીરો અને વિલનની ફાઇટ, લગભગ છેલ્લી રીલમાં, નિયમિત આવતી. પણ તે ‘વન ઓન વન’ પ્રકારની. વિલનના ગ્રુપના લોકોને પણ હીરો કદીક મારતા ખરા. પણ તે સામસામા ફેંટમબાજીમા જ.... સામૂહિક લગભગ નહીં. પણ દારાસીંગની બોડી અને તેમની સાઇઝને લીધે જ્યારે તેમણે એકલે હાથે દસ-બારને મારવા શરૂ કર્યા, ત્યારે તે શક્ય (બિલીવેબલ) લાગવું શરૂ થયું. તેથી જ્યારે અમિતાભે એકલે હાથે વિલનના જુથના આઠ-દસને મારવાની શરૂઆત કરી, ત્યારે દારાસીંગના ચાહકો જથ્થાબંધ પ્રમાણમાં બચ્ચન તરફ ટ્રાન્સફર થઇ ગયા હતા, એ બાબત કેટલાએ નોંધી હશે? 
દસ દસ કો એકને મારા.... રિયલી?

ફરક એટલો જ હતો કે દારાસીંગની મારામારીમાં લોહી નહતું નીકળતું. એ વિલનને ડોકી મચડીને કે ગળા ઉપર કૂદીને પૂરો કરી નાખતા. અમિતાભ અને તેમના આજ દિન સુધીના અનુસંગીઓ પડદા ઉપર ટોમેટો કેચઅપની એટલી રેલમછેલ કરે છે કે તે બાળકોને જોવા દેવાય કે કેમ એ પણ સવાલ હોય છે. છતાં ગમ્મતની વાત એ કે દારાસીંગની ફિલ્મો ‘સી’ કે ‘ડી’ ગ્રેડની કહેવાતી અને બચ્ચન એન્ડ કંપનીનાં પિક્ચર્સ ‘એ’ ગ્રેડ ગણાયાં! જો કે એક્શન ફિલ્મોની સારામાં સારી વાત એ છે કે હવેના એક્ટર્સ બધા ખરેખર મજબુત થયા અને તેમનાં કસરતી બદન એક વેલકમ ફેશન છે.  એવી કોઇ એકશન ફિલમમાંનો અમરીશ પુરીનો તકિયાકલામ યાદ આવે છે.... “જમાના બદલ ગયા હૈ, તોલારામ!” 

થેંક ગોડ.... કસરતી બદન કા જમાના આયા!


શરત સક્સેના
હા, સાચ્ચેજ જમાના બદલ ગયા હૈ, તોલારામ! જેમ આજકાલ કરિના, કટરિના અને વિદ્યાબાલન જેવી હીરોઇનો ‘આઇટમ નંબર’ના રૂપાળા નામ સાથે એક ડાન્સ કરીને જતી રહીને હેલન, મધુમતી, લક્ષ્મી છાયા, બેલા બોઝ વગેરે જેવી નૃત્યાંગનાઓની કોઇ વારસદાર ના થવા દીધી એમ જ અમિતાભથી માંડીને આજના હીરો સુધીના સૌએ મારામારી કરવાનું મુખ્ય કામ ઉપાડી લઇને દારાસીંગ, કામરાન અને આઝાદ જેવા બિચારા ‘સ્ટંટ એક્ટરો’ને વિદાય કરી દીધા. સોરી, આજે એ જ કામ કરનારા ‘એક્શન હીરો’ કહેવાય છે! (આમીર ખાન જેવા પણ ‘ગુલામ’માં શરત સક્સેના સરખા ઊંચા અને  અત્યંત સ્ટ્રોંગ બોડીદાર  કલાકારને - અને તે પણ બોક્સીંગ ટાઇપની સ્ટ્રીટ ફાઇટમાં- હરાવે!!)
 
જમાના બદલ ગયા હૈ, તોલારામ... હવેની ફિલ્મો જોતાં એમ જ લાગે કે ભારતમાં માર-કાપ અને પિસ્તોલબાજી સિવાય સમાજમાં કશું થતું જ નહીં હોય! અગાઉ દારાસીંગ પ્રકારની ફિલ્મો અપવાદ રૂપ આવતી અને તે પણ મુખ્યત્વે બાળકોના મનોરંજન માટે ટારગેટ થતી અને આજે નકરી હિંસાથી ભરપૂર ફિલ્મો મેઇન સ્ટ્રીમ કહેવાય છે! (શું મોટી ઉંમરનાં બાળકોની સંખ્યા વધી ગઇ છે? કે પુખ્ત પ્રેક્ષકો ઘટી ગયા છે?)

એ હિસાબે ‘એક્શન’ ફિલ્મોનો ’૬૦ના દાયકાનો એ શરૂઆતનો દૌર કેવો હશે કે દારાસીંગની હીરોઇન મુમતાઝ દિલીપ કુમાર કે રાજેશ ખન્નાના પિક્ચરમાં આવી, ત્યારે તેને જાણે પ્રમોશન મળ્યું હોય એવું ગણાયું હતું. પછી તો દારાસીંગ અને મુમતાઝની જોડીનું નામ પડતાં ટિકીટ બારી છલકાવાની ગેરન્ટી ગણાતી. એ બન્નેએ વિકીપિડીયાના કહેવા મુજબ ૧૬ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, (રાજ-નરગીસની જોડીનાં ૧૪ પિક્ચર છે!) તે બેઉની ‘ફૌલાદ’, ‘બોક્સર’ અને ‘ડાકુ મંગલસિંગ’ જેવી ફિલ્મોનાં ગાયનો પણ લોકપ્રિય થયાં હતાં. મુમતાઝ અને દારાસીંગ પછી તો સગાં પણ થયાં. દારાસીંગના ભાઇ રંધાવા અને મુમતાઝની બહેન મલ્લિકા પરણ્યાં હતાં.
મુમતાઝ સાથે હીટ જોડી
પરંતુ, પહેલીવાર દારાસીંગને હીરો લઇને ફિલ્મ બનાવનારા પ્રોડ્યુસરે તેમની સામે હીરોઇન તરીકે લેવા તે સમયની ટોપ સ્ટાર્સનો સંપર્ક કર્યો, ત્યારે એ તમામે એક ‘પહેલવાન’ સામે કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તે દિવસોમાં બી ગ્રેડ કે સી ગ્રેડની ગણાતી નાયિકાઓએ પણ નન્નો ભણી દીધો હતો! ત્યારે નિર્માતાએ મુમતાઝને રજૂ કરી અને બન્નેની જોડી જામી. આજે બધા ટોપ સ્ટાર ‘પહેલવાન’ છે અને બધી ટોપની હીરોઇનો એ ‘પહેલવાનો’ સામે કામ કરવા પડાપડી કરતી હોય છે! કહ્યુંને જમાના બદલ ગયા હૈ, તોલારામ!


હીરોઇનોએ કરેલા ઇનકારને લીધે પહેલવાન દારાસીંગ એક્ટ્રેસથી કેટલું સાચવતા એ સમજવા આ એક ગાયન ‘ફૌલાદ’નું જોવા જેવું છે. તેમાં સંગીતકાર જી.એસ. કોહલીની તર્જ ઉપર તેમના ગુરૂ ઓ.પી.નૈયરની છાપ સ્પષ્ટ સંભળાશે. પણ આશા ભોંસલેનું આ ગાયન ગાતી હીરોઇન મુમતાઝ એક કરતાં વધુ વખત હીરો સામે પ્રેમથી જુએ છે અને છતાં અડવાનું તો દૂર સામું જોવાનું પણ નહીં.... દારાસીંગ બિચારા એટલા ભડકી ગયા હતા, નાયિકાઓની એલર્જીથી! ગાયન દરમિયાન એક વાર બાપડાએ અડવાનું છે. પણ તે ય ચાલુ બગીએ મુમતાઝ પડી ના જાય તે માટેના ફાયર બ્રિગેડ પ્રકારના બચાવ કાર્યની રીતે જ. રાજ-નરગીસના ‘બરસાત’ના ફેમસ સીન જેવું હીરોની બાહોંમાં ઝુલતી હીરોઇનનું એ પ્રણય દ્રશ્ય નથી!   

૧૦૦ કરતાં વધુ પિક્ચરોમાં કામ કરનાર દારાસીંગ પછીનાં વરસોમાં ‘રામાયણ’ સિરીયલમાં હનુમાન બન્યા અને ‘વીર ભીમસેન’ કે ‘હરક્યુલીસ’ જેવાં પાત્રો ભજવવા કરતાં અલગ કક્ષામાં તે મૂકાયા. હવે હનુમાનજીની જગ્યાએ તેમની તસ્વીર ભક્તોના મનમાં પ્રસ્થાપિત થઇ. 
પવનસૂત હનુમાન કી જય!
તેમના તરફ એક પૂજનીય ભાવ આવ્યો. તેનો લાભ ચૂંટણી પ્રચારમાં લેવાયો અને બદલામાં તેમને રાજ્યસભાનું સભ્યપદ મળ્યું. તે વખતે ૭૦ વરસ કરતાં વધુ ઉમર થઇ હોવા છતાં એ એવા જ પ્રવૃત્ત હતા. એ કરિના અને શાહીદની ‘જબ વી મેટ’માં ‘અમને સિનીયરોને બધી ખબર પડે છે’ એવી ભ્રમણામાં રહેતા ‘દાદાજી’ની ભૂમિકામાં સરસ શોભતા હતા. સબૂત? વિડીયો હાજર હૈ.. 


અખાડીયન હોવાથી તેમનું જીવન અત્યંત શિસ્તબધ્ધ હતું. ૮૪ વર્ષની વયે અવસાન પામ્યા, ત્યારે પણ માંડ અઠવાડિયું દવાખાનામાં રહ્યા હતા. દારાસીંગને સાચી શ્રધ્ધાંજલિ એ જ હોય કે બાળકો તથા યુવાનો વધુને વધુ રમતા અને કસરત કરતા થાય.... તેમાં મોબાઇલ ફોન પર રમી શકાતી વિડીયો ગેમ્સ દરમિયાન આંગળીના ટેરવે થતી દોડાદોડીને ગણત્રીમાં નહીં લેવાની, હોં!



''મેરી ઉમર મેં એક ઝલકે મેં પતા ચલ જાતા હૈ કિ લડકા જિમ મેં જાકર સચ મેં વર્જીશ કરતા હૈ યા મોબાઇલ ફોન પર ગેમ ખેલને કો હી એક્સરસાઇઝ સમઝ લેતા હૈ!”

3 comments:

  1. આ ખરેખર દંતકથારૂપ કહી શકાય એવા એક કુસ્તીબાજ અને પછી એકટર માટે ઘણી બધી અદ્‌ભૂત કહી શકાય એવી સાવ અજાણી માહિતી આજે ખબર પડી ને એ પણ આપની રસાળ શૈલીમાં! દારાજીને સાચી શ્રદ્ધાંજલી!

    ReplyDelete
  2. આપની ખાસિયત છે કે આપ દરેક લેખના વિષયમાં ઊંડાણપૂર્વક ઉતરીને ખૂબ જ રસપ્રદ માહિતી પીરસો છો.
    અમિત ગુડકા

    ReplyDelete
  3. સલિલ સર,

    અત્યારે ઉમર ચાલીસની થઈ એટલે નાના હતા ત્યારે અમને કહેવામાં આવતી વાર્તાનું એક પાત્ર દારાસીંગ પણ હતા... એમના વિસે લખેલો આ અદભૂત લેખ સાચવી રાખવા જેવો...ઇશ્વર એમના આત્માને શાંતિ આપે...

    સેમ

    ReplyDelete