Friday, July 6, 2012

સ્ટેફી.... માર્ટિના...... સેરેના..... સાનિયા...!





‘લવ’ ઓલ!

સ્ટેફી ગ્રાફ (હવા મેં ઉડતા જાયે મેરા...):  નામ લખવાની જરૂર હતી ખરી?

ટીવી લોકશિક્ષણનું કામ કરી શકે એમ જે માનતું ન હોય એવા તમામને લેડીઝ ટેનીસ મેચ જોવા બેસાડી દો. પછી અમારી જેમ એ પણ પોઇન્ટ કેવી રીતે ગણાય, કયા સ્કોરને ‘લવ’ કહેવાય અથવા બ્રેક પોઇન્ટ અને મેચ પોઇન્ટનો તફાવત શું? એ બધું ઉડતા સ્કર્ટના અજવાળામાં શીખી જશે! સ્ટેફી ગ્રાફ, માર્ટિના હીંગીસ, મોનિકા સેલેસ, મારિયા શેરાપોવા, વિનસ અને સેરેના વિલીયમ્સ એમ કેવી કેવી મહિલાઓએ ટેનીસને લોકપ્રિય બનાવવામાં પોતાના સૌંદર્ય અને તે કરતાં પણ વધુ તો શરીર સૌષ્ઠવથી યોગદાન દીધું છે!
મોનિકા સેલેસ
જો કોઇને એમ લાગતું હોય કે આમાં મોટાભાગનાં તો અગાઉનાં નામો છે અને આજની વિક્ટોરિયા અઝારેન્કા કે પેત્રા ક્વિતોવા અને કેરોલિન વોઝ્નિયાક જેવી છોકરીઓનો પણ ઉલ્લેખ કેમ નથી? તો એનો જવાબ પણ સિમ્પલ છે. અમે તો અમારા ‘ટીચર’ને જ વધારે ઓળખીએને? નવા શિક્ષકોનાં તો નામ અને અટક પણ કેવાં છે? (યાદ રહે, વિક્ટોરિયા, પેત્રા અને કેરોલિન ત્રણેય વિમ્બલડન અગાઉના રેન્કીંગમાં વિશ્વની ‘ટોપ ટેન’ ટેનિસ પ્લેયર્સ છે.) પણ સિરીયસ્લી યાદ કરીએ તો ભારતમાં ટીવીના આગમન પછી જો કોઇ નવી રમતને અનુસરવાનો (સાદી ગુજરાતીમાં કહું તો,‘ફોલો કરવાનો’!) નિત્યક્રમ રાખ્યો હોય તો તે ટેનિસને અને તે માટે  જેટલો પણ આભાર દૂરદર્શનનો માનીએ એટલો ઓછો છે.

દૂરદર્શનનું પ્રસારણ તે દિવસોમાં કદાચ એટલું સ્વચ્છ ના પણ હોય, ચાલુ મેચે જ ‘સમાચાર’ આવે (તેમાં પણ કોઇ વેરાયટી નહીં…. દરેક બુલેટિનની શરૂઆત ‘શ્રી ગણેશાય નમ:’ની જેમ “પ્રધાનમંત્રીને કહા હૈ કિ….”  થી જ થાય. એટલું ઓછું હોય એમ રાજીવ ગાંધી પણ “હમેં દેખના હૈ…”ની ધ્રુવ પંક્તિ અવશ્ય બોલે જ!) અને ‘રૂકાવટ કે લિયે ખેદ હૈ’નું પાટિયું ગમે તે ઘડીએ આવી જતું હોય (જેને અમારા ઘરમાં હિન્દીમાં કાયમ ‘રૂકાવટ કે લિયે રવેદ હૈ’ એમ જ વંચાય!) તો પણ આજે એ દિવસો સંભારીએ, ત્યારે કોઇ જુદી જ દુનિયામાં પહોંચી જવાય છે. વળી એ બધું જાણે હમણાં જ બન્યું છે એમ લાગે અને વિચારીએ ત્યારે સમજાય કે ‘ઓહોહોહો…. એ બધું ’૮૦ અને ’૯૦ના દાયકામાં બન્યું હતુ?’ કેટલાં બધાં વરસ થઇ ગયાં?

દૂરદર્શનનો વિશેષ આભાર એ કારણસર પણ કે તે ટેનિસની ચારેય ગ્રાન્ડ સ્લેમ મેચો  દેખાડતું. એ જોઇને મોટી થનારી પેઢીને ટેનિસના પ્રેક્ષકોની શિસ્ત જ પહેલી તો ગમી જાય. હજારો પ્રેક્ષકો બેઠા હોય અને છતાં સંપૂર્ણ શાંતિ હોય. ક્રિકેટના સ્ટેડીયમના કોલાહલ અને કોમેન્ટ્રી બોક્સના નોન સ્ટોપ ઘોંઘાટની સરખામણીએ એ કેવો અદભૂત ફરક હતો! એક વાર ઊંચી ખુરશીમાં બેઠેલા ચેર અમ્પાયર ‘ક્વાએટ’ કે ‘સાયલેન્સ’ એમ કહે એટલે હજ્જારો જીભ એક સાથે સિવાઇ જાય. તેની પાછળનો આશય ખેલાડીઓ એકાગ્રતા રાખી શકે અને પ્રેક્ષકો પૈકીનું કોઇ ‘નો’ એમ બૂમ પાડી દે તો એ લાઇન અમ્પાયરનો કોલ સમજીને કોઇ ખેલાડી બોલને ફટકારવાનું છોડી ના દે એ હોય છે. પરંતુ, રમતની શિસ્ત કેવી ચેપી હોય છે કે સાઉન્ડ પ્રુફ કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા પણ પીન ડ્રોપ સાયલન્સ રાખે અને સૌથી વધારે તો ઘેર ટીવી ઉપર પ્રસારણ જોતા સૌ દર્શકો પણ શાંત થઇ જાય! 

ચેર અમ્પાયર અને તેમની સાથે કોઇ પોઇન્ટ અંગે પોતાનો મત પોતાની રીતે વ્યક્ત કરતો નદાલ

બોલની પ્રત્યેક હિલચાલ ઉપર નજર રાખતા ‘લાઇન્સ મેન’ જેમને હવે ‘લાઇન અમ્પાયર’ કહે છે, એ સૌ પણ સર્વિસ શરૂ થવાની સાથે જ કમરેથી નમેલા રહે. (ટેનિસને હજી પણ ના સમજતા મિત્રો માટે સ્પષ્ટતા: આ ‘સર્વિસ’ એટલે ‘નોકરી’ એવો અર્થ ના કરવો…. બોલને પ્રથમ ફટકારવાની ક્રિયાને ‘સર્વિસ’ કહેવાય અને કોઇ એક ખેલાડીની તરફેણમાં અમ્પાયર પોઇન્ટ નક્કી કરી દે પછી એ સૌ કમરેથી જરૂર સીધા થઇ શકે. બલ્કે થાય જ!) બોલ કોર્ટની જે દિશામાં ગયો હોય તેને નાના નાના ચાર છોકરા- છોકરીઓ  લઇ લેતા હોય તે સૌ પણ એક વિશીષ્ટ મુદ્રામાં ઉભડક બેઠા હોય. 

બોલ ગર્લ્સ
એ ‘બોલ બોય’ કે ‘ગર્લ’ને બોલની મુવમેન્ટને સૌથી નજીકથી જોવાનો લ્હાવો મળે. એવાં નિરીક્ષણોને પરિણામે મળ્યો બોરીસ બેકર જેવો ઝંઝાવાતી ખેલાડી! બેકર નાનો હતો ત્યારે ‘બોલ બોય’ જ હતો. તેની એન્ટ્ર્રી થઇ ૧૯૮૫માં. ત્યારે માત્ર ૧૭ વરસની ઉંમરનો એ છોકરડો અને છતાં તેની તે દિવસોની સર્વિસ ભલભલાને છક્કડ ખવડાવી દેતી. કોર્ટ ઉપર એ જે ચપળતાથી દોડતો, સરકતો, લસરતો…. એ બધું જોતાં એ તે સાલ વિમ્બલડન ચેમ્પિયન ના થયો હોત તો જ નવાઇ હોત. બેકરને તે વરસે ટ્રોફી ઉંચકતો જોયા પછી તો ટેનિસનું વ્યસન થઇ ગયું.

હવામેં ઉડતા જાયે મેરા સુપરમેન... બોરીસ બેકર!!! 

 હવે સ્ટેફી કે ગેબ્રીયેલા સબાતીનીના ઉડતા સ્કર્ટવાળા ત્રણ સેટની રમતને બદલે પાંચ સેટના મર્દાના ખેલમાં મઝા પડવા લાગી. તે સમયના પુરૂષ ખેલાડીઓની રમતનું આકર્ષણ એવું કે કોઇની સાઇડ લેવાનું મન ના થાય. જે દિવસે જે વધારે સારૂં રમે તે જીતે (મે ધ બેસ્ટ પ્લેયર વીન)ની ખેલદિલી ઉભી થઇ…. પછી ભલેને આપણા પેસ કે ભૂપતિ અથવા તો સાનિયા હારતાં હોય! એ નિષ્પક્ષતા  ક્રિકેટના ઝનૂનમાં કદી ઉભી ના થઇ શકી. અજાણતાં પણ એ સ્પોર્ટ્સમેન સ્પીરીટ અમારા પણ સ્વભાવનો હિસ્સો બની છે. મેચ પત્યા પછી બેઉ હરીફ ખેલાડીઓ નેટની સામ સામે ઉભા રહીને ભેટે. મેચ પછીની સ્પીચમાં પણ ઘણીવાર એક બીજાનાં વખાણ કરે. યાદ છે ને રફાયેલ નદાલે ફેડરરને હરાવ્યા પછી શું કહ્યું હતું? “ભલે હું જીત્યો. પણ આજે ય નંબર વન તો ફેડરર જ છે!” 
આજેય અજેય ફેડરર

નદાલે એ માત્ર કરવા ખાતર કરેલાં વખાણ નહતાં; એ આજે સાબિત થઇ જ ચૂક્યું છેને? કાલે રવિવારે ફરી એક વાર ફાઇનલમાં ફેડરર જ છે.... લંડનના લોકલ હીરો એન્ડી મરે સામે. ત્યારે એ નિમિત્તે આજે કોને કોને યાદ કરવા? બોરીસ બેકર, ઇવાન લેન્ડલ, સ્ટીફન એડબર્ગ, જીમ કુરિયર અને એ બધા કરતાં વધારે તો મારો અને દીકરા સનીનો ફેવરીટ પીટ સેમ્પ્રાસ (એટલી આક્રમક રમત અને છતાં ચહેરા ઉપર ભગવાન બુધ્ધની શાંતિ!) માય ગોડ… આ લખતાં જ રૂંવાડાં ખડાં થઇ જાય છે અને આંખો ભીની! મારી બુધવારની ‘ટાઇમ પ્લીઝ’ કોલમમાં નિયમિત રીતે કરેલું ટેનિસનું કવરેજ યાદ આવે છે. ‘સંદેશ’માં થોડોક સમય સ્પોર્ટ્સની કોલમ ખાલી પડી, ત્યારે ‘સની સહાય’ એવા નામે એ કોલમ લખી તો તેમાં પણ ટેનિસના ખેલાડીઓ વિશે લખ્યું. 

પીટ સેમ્પ્રાસ: શાંત ચહેરો આક્રમક રમત
પણ મને હમેશાં ખેલાડીઓ (કે ફોર ધેટ મેટર કલાકારોના) અંગત સંઘર્ષમાં અને વધારે તો તેમનાં માનવીય પાસાંમાં વધારે રસ પડે અને તે રવિવારની સ્પોર્ટ્સની કોલમમાં બહુ ના ચાલે. મને તો બેકરના કાંડાને ઇજા થાય કે આન્દ્રે અગાસી લાંબા વાળને બદલે લોટ્ટી કરાવી દે કે સ્ટેફી સાથે તેનો સંબંધ થાય અને તેમના અગાઉના સમયમાં, ’૭૦ના દાયકામાં, જીમી કોનર્સ અને ક્રીસ એવર્ટનું પણ ગોલ્ડન કપલ કહેવાતું એવી બધી વાતોમાં વધારે રસ પડે. 

સેરેના વિલીયમ્સ: બ્લેક પાવર!

મને એ લખવાનું પણ ગમતું કે વિનસ અને સેરેના વિલીયમ્સ કેવી તકલીફો પછી ‘બ્લેક પાવર’નું સિમ્બોલ બન્યાં અને મોનિકા સેલેસ દરેક શોટ મારતી વખતે તેમાં પોતાનો જુસ્સો (પાવર) ઉમેરવા કેવી નિયમિત બૂમ પાડતી. મને માર્ટિના હીંગીસના ચહેરામાં મહિમા ચૌધરી દેખાય અને માઇકલ ચેંગમાં હું નાનકડો જેકી ચેન શોધું! વાતે વાતે મગજ ગુમાવતા જહોન મેકેન્રોમાં તો સ્વાભાવિક રસ પડે જ અને માથે ચોકડાવાળી પટ્ટી બાંધતા ઓસ્ટ્રેલિયન પ્લેયર પેટ કેશમાં પણ!

 
માર્ટિના ચૌધરી કે મહિમા હીંગીસ?
એ પેટ કેશે (Pat Cash) ૧૯૮૭ની વિમ્બલડન ફાઇનલમાં ઇવાન લેન્ડલને હરાવીને ટાઇટલ જીત્યું, ત્યારે કેવી સનસનાટી થઇ હતી? બધા પ્રોટોકલ છોડીને એ પ્રેક્ષક ગેલેરીઓ કૂદતો કૂદતો પ્લેયર્સ બોક્સમાં પહોંચી ગયો હતો અને તે જીતની ક્ષણને પ્રથમ પોતાના પરિવાર સાથે ઉજવી! એ પ્રસંગને પણ મારી કોલમમાં હાઇલાઇટ કરવાનો ઉમંગ જુદો જ હતો. કોમ્પ્યુટર, ઇન્ટર્નેટ કે ગુગલ સિવાયના દિવસોમાં વાચકો સાથે એ બધું શેર કરવાની મઝા પણ અલગ હતી. આજે એવો જ આનંદ બ્લોગ ઉપર મળી રહ્યો છે, એ શું ઓછું છે? ટેનીસ અને તેના ખેલાડીઓ વિશે ખુબ ખુબ લખવું છે. કેમ કે આટ્લો લાંબો લેખ અને આટલા બધા ફોટા મૂક્યા છતાં સાહિરના શબ્દોમાં કહું તો, “દિલ અભી ભરા નહીં...”!

સાનિયા મિરઝા

4 comments:

  1. વાહ સાહેબ... જલસો કરાવી દીધો...

    ReplyDelete
  2. સલિલ સર,

    હું ખૂબ નાનો હતો પણ એ સમયે આટલી સુંદર છોકરીઓ જોવા માટે અચૂક ટી.વી. સામે બેસી જતો... સમય જતા એવું થયુ કે છોકરીઓથી વિશેષ ટેનિસ જોવામાં પડ્યો. દૂરદર્શનનો ખાસ આભાર...

    સેમ

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Sir,
    Bhutakalma lai jato sundar lekh. Samapras ni coolness ne pan garam kahedave teva Bjorn Borg ne bhuli gaya?

    ReplyDelete