Monday, July 2, 2012

વિનોદ ભટ્ટ આજે ૪૬ વરસના થયા!




   IIગુરૂ: સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂવે નમ:II

ગુરૂપૂર્ણિમાના દિવસો આવ્યા અને તે નિમિત્તે દર સાલની માફક કેટલા ગુરૂઓને પ્રેમ અને આદરપૂર્વક યાદ કરવાના થાય છે? ઠેઠ બાળપણમાં અક્ષરો મરોડદાર કરતાં શીખવનાર તથા સ્વચ્છ અને સુઘડ ખાદીનાં વસ્ત્રો પહેરી આદર્શ શિક્ષક કેવા દેખાય તેની આજીવન છબી મનમાં ઉભી કરનાર, અમારા બોરસદ તાલુકાના સાવ નાનકડા પરા જેવા કઠાણા સ્ટેશનના પહેલાથી ત્રીજા ધોરણના શિક્ષક ઉદેસિંગ સાહેબથી શરૂ કરીને અહીં કેનેડામાં કાયદાનું ભણતર શીખવનાર મારી પોર્ટુગલ ટીચર એશ્લી સહિતના સૌને દિલથી યાદ કરું છું. મને આ સાધન કોમ્પ્યુટર ઉપર કામ કરતો કરનાર મારા ‘સ્પીપા’ (વડોદરા)ના સાથી પરમજીત યાદવ તથા અહીં આવ્યા પછી ટોરન્ટોમાં કોમ્પ્યુટર ઉપર વધારે કાબુ મેળવતાં શીખવનાર મારા યુક્રેનિયન શિક્ષક યુરીનું સ્વાભાવિક સ્મરણ થાય. તે ઉપરાંત દૂર રહીને મને તાલીમબધ્ધ કરનાર ડીસ્ટન્સ લર્નીંગના આ સૌ ટીચર્સને પણ આજે ભાવથી યાદ કરું છું…. ફેસબુકના મામલે ગુરૂજન શિવાની દેસાઇ, ગુજરાતી ટાઇપ કરવામાં આગળ વધારનાર મુકુલ જાની તેમજ આ બ્લોગના સર્જનમાં માત્ર પા પા પગલી જ નહીં ધીમે ધીમે ચાલતા કરનાર ઉર્વીશ કોઠારી. મારા હિન્દી લેખનના માર્ગદર્શક અને કેનેડાના સાપ્તાહિક ‘હિન્દી ટાઇમ્સ’ના સંપાદક સુમનજી (સુમન ઘઇ)

મારા એક પારિવારિક ફંકશનમાં ઉર્વીશ કોઠારી, બિનીત મોદી અને ગુરૂ વિનોદ ભટ્ટ
એ ઉપરાંત વડોદરાની જયશ્રી મોડલ સ્કૂલમાં ભાષાઓ શીખવનાર સરસ શિક્ષકો ગુજરાતીના શાસ્ત્રી સાહેબ, ઇંગ્લીશના તેલંગ સર, સંસ્કૃતના અગ્નિહોત્રી સર અને હિન્દીના આર. પી. શાહ સાહેબ…. અહાહા એ તમામનું નિષ્ઠાપૂર્વકનું શીખવવાનું! એ ઋણ કેવી રીતે ઉતરશે? ભાષા શુધ્ધ જ હોવી જોઇએ એ અંગે તે સૌ કેટલા બધા આગ્રહી! ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેયમાં આજે જે કાંઇ નાની મોટી મહારત થઇ છે, તે એ ગુરૂજનોના પૂણ્ય પ્રતાપે. (એ સ્કૂલમાં એક બેન્ચ પર વરસો જોડે બેસનાર સાથી અને વડોદરાના નાટ્યકર્મી રાજેશ દાણીએ આજે ખબર આપ્યા કે અમારી એ શાળા બંધ થઇ રહી છે! શું ત્યાં કોઇ બિલ્ડીંગ પ્રોજેક્ટ આવશે?) તો જે બોર્ડીંગમાં રહીને જીવનના પ્રાથમિક પાઠ માતાપિતાથી દૂર રહીને શીખ્યા એ મહિરેવા લોહાણા બોર્ડીંગના અમારા ગૃહપતિ ભવાનીશંકર ગિરિજાશંકર શાસ્ત્રી તો ગીતાના બારમા અને પંદરમા અધ્યાયના પઠનથી લઇને પ્રાર્થનાની દરેક પળે અવશ્ય હ્રદય મંદિરમાં બિરાજમાન હોય જ! તેમની જ શિસ્તબધ્ધ તાલીમનું પરિણામ કે આજે પણ શારીરિક રીતે જીવન નિર્વ્યસની છે અને જિંદગીને સદા સકારાત્મક દ્રષ્ટિથી જોવાની આદત પડી છે.  

‘ગુરૂ પૂર્ણિમા’એ સંગીતના ગુરૂ (અને મને સિતાર શીખવવાનો ‘પ્રયાસ કરનાર’) આણંદના બંસીલાલ પુરાણી અને ગઝલ તથા ઉર્દૂના ઊંડા પરિચયમાં ઉતારનાર વડીલ વડોદરા મ્યુનિ.ના મારા સિનીયર સાથી ઉસ્તાદ કાઝી એમ યાદ કરતાં કરતાં કેટકેટલા ગુરૂજનો નજર સમક્ષથી પસાર થઇ રહ્યા છે. એ સૌ આ દિવસે દર સાલ વિચારોમાં તો આવે જ. આજે બ્લોગની સવલત ઉપલબ્ધ છે, તો અહીં એ સ્મરણ શેર કરી શકાય છે. પરંતુ, એ બધા ઉપરાંત વરસોથી જેમને દર સાલ ગુરૂપૂર્ણિમાના દિવસે રૂબરૂ મળીને કે કમ સે કમ ફોન કરીને પણ આશીર્વાદ લેવાનું નથી ચૂકતો એ આપણા હાસ્યલેખક વિનોદ ભટ્ટ મારી ગુરૂજનોની યાદીમાં સૌથી ટોચે છે.

વિનોદ ભટ્ટની સુક્ષ્મ હ્યુમરના વસંત કાળમાં એકલવ્યની માફક દૂરથી મારી કલમને લેખનના અને વિશેષ તો હ્યુમરના ક્ષેત્રમાં પણ કસવાની કોશીશ કરતાં કરતાં થયેલો પરિચય અને છેવટે તેમની આંગળી પકડીને અમારા પારિવારિક સાપ્તાહિક અખબાર ‘આનંદ એક્સપ્રેસ’થી પ્રમોશન મેળવીને ‘ફિલમની ચિલમ’નો દૈનિક અખબાર ‘સંદેશ’માં પ્રવેશ એ કથા જાણીતી છે. વિનોદ ભટ્ટ વગર ‘સલિલ દલાલ’નું અસ્તિત્વ જ થયું હોત કે કેમ? એ સવાલ કાયમી છે. તેથી વિનોદભાઇને માટે કાયમ રાજેશ ખન્નાની ફિલ્મનું ટાઇટલ જ કહેવાનું હોય છે…. ‘અગર તુમ ન હોતે’!

વિનોદભાઇને આજે પણ કેનેડાથી ફોન કર્યો અને વિનોદ બાબુ કહે, “સલિલ, તને ખબર છે? આવતી કાલે ત્રીજી જુલાઇએ મારી કોલમની વર્ષગાંઠ છે?” અમારે થોડી વિગતે વાત થઇ. તેમણે કહ્યું કે ૧૯૬૬ની ત્રીજી જુલાઇના દિવસે ‘સંદેશ’માં ‘ઇદમ તૃતિયમ’ પહેલીવાર પ્રગટ થઇ હતી. એ હિસાબે આજે ૪૬ વરસ થયાં!” સળંગ આટલાં વરસ એક પણ અઠવાડિયે ખાડો પાડ્યા વગર માતબર દૈનિકો માટે લખતા રહેવું અને તે પણ વિનોદભાઇની સ્ટાઇલમાં એ નાની સુની વાત નથી. એક માત્ર ૧૯૯૫માં તેમને ગંભીર બિમારીને કારણે દવાખાનામાં દાખલ કર્યા, ત્યારે ૭ વીક તેમની કોલમ નહતી આવી તે માફ! તે વખતે તેમની ખબર કાઢવાના નિયમિત ઉપક્રમ વખતનું એક દ્ર્શ્ય કાયમ માટે દિમાગમાં ચોંટી ગયું છે. કાલે વાત કરતાં મેં એ યાદ કરાવ્યું અને તેમણે પણ પ્રેમપૂર્વક એ સીન રિવાઇન્ડ કર્યો.  હું તેમની સાથે બેઠો હતો અને સંગીતકાર બેલડી ક્ષેમુ દીવેટિયા અને સુધાબેન આવ્યાં. વિનોદભાઇએ કહ્યું કંઇક ગાવ અને એ બન્નેએ “એવા રે મળેલા મન ના મેળ…” ગાયું. એ આંખો મીચીને શાંતિથી સાંભળતા હતા. આંખ ખુલી અને વિનોદભાઇની આંખ ભીની હતી. મારા માટે એ એક સંવેદનશીલ ગુરૂનું દર્શન હતું.

તેમની કારકિર્દીના મધ્યાન્હે દર રવિવારે વિનોદ ભટ્ટ કોની ફિરકી લે છે એ વાંચવાની આતૂરતા જેમણે જોઇ છે એ સૌ કબુલ કરશે કે ‘સંસ્કાર પૂર્તિ’ના એ એન્જીન જેવા હતા. તેમની પાછળ પાછળ અમારા જેવા બાકીના ‘ડબ્બાઓ’ પણ ચાલી જાય! ‘કુમાર’માં સાહિત્યકારો વિશેની તેમની શ્રેણી ‘વિનોદની નજરે’ એ પ્રકારની પ્રથમ સિરીઝ હતી. (પછી કોઇએ એ રીતે હળવે હૈયે આપણા સર્જકોને ‘લીધા હશે’ ખરા?) મારા માટે એ માત્ર લખવામાં જ ગુરૂ નહીં અખબારી આલમ સાથેના સંબંધોના પણ ટીચર! આણંદ જેવા નાનકડા શહેરમાંથી આવનાર મારા માટે તો અજનબી એવી છાપાંની દુનિયામાં એ સદાના પ્રોટેક્ટીવ વડીલ રહ્યા છે. તેમના ગુરૂમંત્ર જડબેસલાક જ હોય. લખવામાં એક લેવલ રાખવા સતત સતર્ક રાખે. લોકપ્રિયતા માટે છીછરા લખાણ તરફ ના ઢળી જવાય તેની સતત કાળજી લેવડાવે. “આ વખતે મઝા ના આવી.” એમ સ્પષ્ટ કહી દે. એક વાર એકાદી ફિલ્મના સંદર્ભે ભૂત-પ્રેતની કોઇ વાત મારી કોલમમાં આવી અને મને કહે “આ અંધશ્રધ્ધાની વાત છે. એ ટાળવી. લોકો છાપાંને સિરીયસલી વાંચતા હોય છે.” અખબારોની અંદરુની હિલચાલોની તેમની ધારણાઓ મોટેભાગે સાચી જ પડે.  પરંતુ, એમની સલાહ માનવી ફરજિયાત નહીં. એ કાયમ કહે, “મને આમ લાગે છે. તારે જે કરવું હોય તે તું કરજે.”

છાપાં બદલવાના મામલે મેં લગભગ દર વખતે એ ગુરૂજીની ચેતવણીઓની ઉપરવટ જઇને જ કામ કર્યું. એ મામલે મારા ગુરૂ ચન્દ્રકાન્ત બક્ષી! એ કહેતા કે જેમ દરેક છાપાના એક વિશીષ્ટ ટેસ્ટવાળા વાચકો હોય એમ દરેક લેખકના પણ વફાદાર ચાહકો હોય જ છે. એ સચોટ ધારણાને પગલે મેં ‘સંદેશ’થી ‘ગુજરાત સમાચાર’, પાછા ‘સંદેશ’ વળી ‘ગુજરાત સમાચાર’ ત્યાંથી ‘દિવ્ય ભાસ્કર’ અને છેલ્લે પાછા ‘સંદેશ’ એમ ગુજરાતના ત્રણેય અત્યંત લોકપ્રિય દૈનિકોનો બહોળો અનુભવ ૧૯૭૮થી ૨૦૦૮ સુધીનાં ૩૦ વરસમાં લીધો હતો. મારે કોઇ છાપા સાથે આર્થિક સિવાયના કોઇ મતભેદ કદી થયા જ નથી. (‘ગાઇડ’માં દેવ આનંદ કહે છે કે “ઔર મઝા દેખો…. અબ કોઇ ઇચ્છા હી નહીં રહી!” એમ હવે એ બધાથી પર થવાયું છે, ત્યારે ગુજરાતના કોઇ છાપામાં કોલમ નથી!)

વિનોદભાઇએ માત્ર પૈસાને મામલે અખબારો છોડવાના દરેક પ્રસંગે એમ ન કરવા સલાહ આપી હતી. તે ટકોરની ધરાર અવગણના કરવા છતાં તેમના પ્રેમભાવમાં કોઇ ફરક નહીં. મને મારાં કારણોસર છાપાં બદલવાનું મારું સ્ટેન્ડ વધારે વાજબી ત્યારે લાગ્યું, જ્યારે પાછલાં વર્ષોમાં તેમણે પણ, તેમનાં કારણોને પગલે, ‘સંદેશ’થી ‘ગુજરાત સમાચાર’ અને પછી ‘દિવ્ય ભાસ્કર’ એમ ત્રણેય છાપાંના અનુભવ મેળવ્યા! પહેલાં અખબારના પાનાં પર અમે ‘સેઇમ પેજ’ પર હતા. (હું તો મારી જાતને કાયમ તેમના ‘કોલમ પાડોશી’ તરીકે જ ઓળખાવતો!) હવે અખબારી દુનિયાના અનુભવોની રીતે પણ અમે ‘સેઇમ પેજ’ પર છીએ.

‘સંસ્કાર પૂર્તિ’ના સેઇમ (છેલ્લા) પેજ ઉપર પાડોશની કોલમ ‘ઇદમ તૃતિયમ’ દરમિયાન અને તે ઉપરાંત પણ તેમણે કરેલા કયા કયા પ્રયોગો યાદ કરવા? વિવિધ વ્યવસાયીઓના ‘પ્રેમપત્રો’ની સિરીઝ હોય કે ‘વિક્રમ વૈતાળ’ની શ્રેણી હોય એ દરેક સુપર હીટ! તેમની બારીક હ્યુમરનો એક દાખલો મેં કંઇ કેટલીય વાર કેટલીય જગ્યાએ કહ્યો હશે. તેમણે લખ્યું હતું કે “૧૯૭૫ની કટોકટી માટે રાજા રામમોહન રાય જવાબદાર હતા!” આ એક ટ્યુબ લાઇટ વનલાઇનર હતું. તેની મઝા માણવા માટે સતિનો રિવાજ બંધ કરાવનાર રાજા રામમોહન રાય હતા અને ઇન્દીરા ગાંધી વિધવા હતાં; એ બન્ને ઐતિહાસિક ઘટનાઓ યાદ હોવી જોઇએ. એ જ રીતે ગોસીપની મહારાણી અને મારી ‘ચિલમ’માં જેમનાં કાયમ વખાણ આવતાં એ ‘સ્ટાર એન્ડ સ્ટાઇલ’ની કોલમિસ્ટ દેવીયાનિ ચૌબલને મળીને એ આવ્યા; પછી તે મુલાકાતનો અહેવાલ ‘ઇદમ…’માં મૂક્યો અને તેમાં એક સરસ મઝા કરાવી. દેવીએ કહ્યું કે “રાજેશ ખન્ના મારા પ્રેમમાં છે” ત્યારે વિનોદભાઇએ પોતાની કટ મૂકી “શું રાજેશ ખન્નાને તેની જાણ હશે?!!”

એવી તીવ્ર બુધ્ધિમતાના માલિક ગુરૂ વિનોદ ભટ્ટને, અન્ય સૌ ઉલ્લેખિત અને કદાચ રહી ગયા હોય એવા તમામ ગુરૂજનો સાથે, આજે સાદર વંદન!!

6 comments:

  1. સાહેબ, મજા આવી ગયી.. ते ही न दिवासा गाता:, ઍ સંદેશ ના દિવસો ક્યાં ગયા??? દર રવિવારે 'ને બુધવારે તમારી કોલમની વાટ જોતો.. સાથે જેની વાટ જોતો તે વિનોદ ભટ્ટ સાહેબ ને પણ યાદ કરવી દીધા!! ઍમની વ્યાવસાયિક વ્યસ્તતા છતાં તેમણે લખવાનુ ચાલુ રાખ્યુ છે... તેમની કોલમ ની મજા ચિત્રલેખામાં પણ થોડો સમય લીધેલી, જેમાં તેઓ પુસ્તકના વિવેચન કરતા... વ્યસ્તતાને કારણે તેમણે લખવાની બંધ કરી... કમનસીબે ઘરે ગુજરાત અને સંદેશ આવે છે જેથી કાયમી લેખકો, જે આજકાલ ભાસ્કરમાં લખે છે, વાંચી શકતા નથી. ચાહે ભટ્ટ સાહેબો (વિનોદ અને કાન્તિ) હોય કે ડૉ. શરદ ઠાકર... જોકે ઇંટરનેટ પર તેની મજા લઈ લઉ છું.....

    ReplyDelete
  2. આભાર વિશાલભાઇ. એ દિવસોની મઝા જુ્દી જ હતી. પણ આ દિવસો ય ક્યાં કમ છે? વિનોદ બાબુ વિશેની લાગણી આ રીતે ખુલ્લા દિલે લખવાનું કોઇ છાપામાં શક્ય ના બનત! વળી વાચકો સાથેનો તંતુ પણ કેવો સીધો અને ત્વરિત થાય છે? This is the best time to live!

    ReplyDelete
    Replies
    1. સાચી વાત છે.. ઇંટરનેટ નો ઍક ફાયદો છે કે ડેસ્ક પર બેઠા બેઠા બધાજ છાપા વાંચી લેવાય.. પણ હાર્ડ કૉપી પેપર માં જે મજા છે તે ઈ-પેપર માં નથી....

      મારા પિતાજી કહે છે કે સતયુગ કોને જોયો છે, મારા માટે તો આ જ સતયુગ છે..

      અને સાહેબ, તમારાથી તો ઘણો નાનો છુ... માત્ર વિશાલ કહેશો તો ચાલશે....

      Delete
  3. સલીલભાઈ,તમે નોસ્તાલ્જીક બનાવી દીધા....તમે જણાવેલા વિનોદ ભટ્ટ અને તમારી કોલમ ના વર્ષો આંખ સામે થી એકસાથે પસાર થઇ ગયા અને બ્રહ્મ ગન્યાન લાધ્યું કે સાલું જીવન માં શું ખૂટી રહ્યું છે.....એ વાંચવા અને વિચારવા ની રીતે સમૃદ્ધ થવા ના દિવસો હતા....ગુણવંત શાહ,બક્ષી,વિનોદ ભટ્ટ,સલીલ દલાલ.નસીર ઈસમાઈલી( એ વખતે એમને પણ એટલા જ ઉત્સાહ થી વાંચતા)...હું ગૌરવ પૂર્વક કહી શકું કે મારું તોહ ઘડતર જ આ બધી કોલમો અને લેખકો અને એમના વિચારો ને કારણે થયું છે....એ દિવસો લેખકો અને એમના વિચારો ને ગંભીર રીતે લેવાના દિવસો હતા...:)
    અને તમે તોહ બીજી અનેક રીતે મારા ગુરુ છો....વિવેક,અભિજાત્ય,સરળતા,અને અબોવ ઓલ ,ઉત્સાહ આ બધું જાળવી ને પણ પોતાપણું કેવી રીતે જાળવી શકાય એ શીખવનારા....તમને પણ પ્રણામ...અને થેંક યુ....

    ReplyDelete
    Replies
    1. આભાર શિવાની.... લખવાની મઝા મને આવતી હતી / હજી આવે જ છે; એ વાંચવાનું તમને સૌને ગમે એ બોનસ! બાકી, બહુ ઊંચે ના બેસાડીશ... No વ્યાસપીઠ for me ... આપણે બધાં ધરતી પર જ ઠીક છીએ... મહેફિલમાં મસ્ત!!

      Delete
  4. વાહ સલિલભાઇ...
    આભાર

    ReplyDelete