Sunday, July 8, 2012

કહો હરિફોને હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ...!

રવિવારે વિમ્બલડનની ફાઇનલ રમવા આવ્યા, ત્યારે રોજર ફેડરર અને એન્ડી મરે બન્ને આંસુ વહાવવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા હતા! 

જેમ ઓસ્કાર કે ફિલ્મફેર એવોર્ડ માટે નોમીનેટ થયેલા કલાકારો પોતાની વીનર્સ સ્પીચ એડવાન્સમાં તૈયાર કરીને આવતા હોય છે, એમ જ વિમ્બલડન માટે પણ પ્રેક્ટીસ થતી હોય છે. તેનું એક કારણ કોચીંગનું પણ ખરું. રમત ઉપરાંત માનસિક રીતે પણ  ખેલાડીને તૈયાર કરતા આધુનિક પ્રશિક્ષકો (સાદી ગુજરાતીમાં કહીએ તો, ‘કોચ’!) પોતાના પ્લેયરને એ જે તે ટુર્નામેન્ટ જીતવાના જ છે એવો આત્મવિશ્વાસ જગાવવા તેમને, છેલ્લે ટ્રોફી મેળવ્યા પછી તે શું કહેશે તેનું રિહર્સલ પણ કરાવતા હોય છે. 

પણ ફેડરર અને મરેને જુદાં જુદાં કારણે અશ્રુ વહાવવાનાં હતાં.  ફેડરર માટે આ સાતમું વિમ્બલડન ટાઇટલ થવાનું હતું અને તે પીટ સેમ્પ્રાસ જેવા ‘ઓલ ટાઇમ ગ્રેટ’ ખેલાડીના રેકોર્ડની બરાબરી કરવાનો હતો. એટલું જ નહીં વર્લ્ડ રેન્કીંગમાં એ પાછો ‘નંબર વન’ થવાનો હતો. (જે આજ સોમવારથી થઇ પણ ગયો.) જો કે એક ફરક બહુ મોટો હતો.... સેમ્પ્રાસે ૭ વખત ટ્રોફી જીતી તે ૧૯૯૩થી ૨૦૦૦ સુધીનાં ૮ જ વરસમાં! મતલબ કે ૧૯૯૩ થી ’૯૫ની હેટ્રીક પછી એક માત્ર ’૯૬ના વર્ષને બાદ કરો તો ફરી ૧૯૯૭થી ૨૦૦૦નાં ચાર વરસ સેમ્પ્રાસ જ ચેમ્પિયન! 

 જ્યારે ફેડરરને  સાત વખત ચેમ્પિયન બનવામાં ૨૦૦૩થી ૨૦૧૨ એટલે કે દસ વર્ષ લાગ્યાં. તેમાં પણ ૨૦૦૯ પછી સળંગ બે વર્ષ તો એ ફાઇનલમાં પણ નહતો પહોંચી શક્યો. તેથી ૩૦ વરસ કરતાં મોટી ઉંમરે હવે એ જીતી શકે એવી ફીટનેસ ધરાવતો હશે કે કેમ એ શંકા હતી. વળી, આ વખતે તો એન્ડી મરે જેવા ઇંગ્લેન્ડના સ્થાનિક હીરો સામે રમવાનું હતું. વિમ્બલડન લંડનમાં રમાતી હોવા છતાં ઠેઠ ૧૯૩૬ પછી બ્રિટનનો કોઇ ખેલાડી આ ટાઇટલ જીતી શક્યો નથી. તેથી સેન્ટ્રલ કોર્ટ ઉપરનું ઓડિયન્સ પણ નેચરલી મરે સાથે જ હોય. 

પણ રોજર ફેડરર હોય કે સચિન તેન્દુલકર કે પછી અમિતાભ બચ્ચન જેવા અદાકારો હોય, એ સૌ ચેમ્પિયન્સ જુદી માટીના બનેલા હોય છે. એ તેમના ટીકાકારોને પોતાના પર્ફોર્મન્સથી જવાબ આપવા ટેવાયેલા હોય છે. ફેડરરને પહેલા સેટમાં પરાજય મળ્યા પછી તો એ જાણે હિન્દી પડદે વિલનનો પહેલો મુક્કો ખાઇને હોઠ પાસેનું લોહી લૂછીને વિફરતો અમિતાભ! ફેડરરે તે પછીના ત્રણે ત્રણ સેટ જીતીને પાંચ સેટ ચાલી શકે એવી મેચનું ચાર જ સેટમાં પીલ્લું વાળી દીધું! (પેલા પ્રિય શેરમાં જરીક છુટ લઇને કહીએ તો, “કહો હરિફોને હું દરિયા જેમ પાછો જરૂર આવીશ , એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે...!”) હાથમાં આવેલી બાજી ગુમાવતા એન્ડી મરેને ઉપરવાળાને ફરિયાદ કરવા સિવાય કોઇ આરો નહતો. 

એન્ડી મરે: યે ક્યા કિયા રે દુનિયાવાલે!


ફેડરર પોતાની રમતથી વિરોધીઓને કેવા હતપ્રભ કરી નાખે તેનો એક ફક્ત ૫૯ સેકન્ડનો વિડીયો અહીં છેલ્લે મૂક્યો છે. તે કોઇ ઓછી જાણીતી સ્પર્ધાનો વિડીયો છે અને તેથી રેકોર્ડીંગની ક્વોલીટી એટલી સારી નથી. પરંતુ, ફેડરરની રમતની ક્વોલીટી જો જો. સામે અમેરિકાનો એન્ડી રોડીક છે, જે અમ્પાયરો સાથે દલીલો કરવા જેટલો જ તેની સરસ રમત માટે જાણીતો છે. આ સાથે રોડીક કેવા શોટ મારી શકે છે એ કર્તબના નમૂના જેવો એક ફોટો ૨૦૧૨ની જ વિમ્બલડનનો પણ મૂકું છું.
એન્ડી રોડીકના કર્તબ નિરાળા અને છતાં ફેડરર સામે?

વિડીયોમાં રોડીક નેટ નજીક આવીને શોટ મારે છે અને દરેક વખતે એમ લાગે કે તેનો જ પોઇન્ટ થશે. પણ મારી ના શકાય એવા દરેક શોટને ફેડરર ફટકારે છે. છેલ્લો શોટ તેનું ક્લાઇમેક્સ છે અને ત્યારે? પત્તાં રમતા હોવ અને પહેલેથી લગભગ તૈયાર બાજી હાથમાં હોય ત્યારે અન્ય ખેલી એ રમી બનાવી જાય તે વખતે પાનાં પછાડવાનું મન થઇ જાય કે નહીં? (ઇન્ડીયામાં હતો ત્યાં સુધી તો હું પણ અમારા મિત્રોમાં એ રીતે પત્તાં પછાડવા અળખામણો થયેલો હતો!)  તેનો હાથમાં આવેલો પોઇન્ટ જતો રહેતાં એન્ડી રોડીક પોતાનું રેકેટ સામેના, ફેડરરના, કોર્ટમાં ફેંકે છે. રેકેટ ફેડરરના પગ નજીક પડે છે. એમાં રોડીકનો પોતાની જાત ઉપરનો કે ઓછા કિસ્મત માટેનો  ગુસ્સો તો છે જ. પણ મને તો એ રોડીકે ફેડરરને કરેલા સાષ્ટાંગ દંડવત છે! 
માત્ર એકાદ મિનીટનો આ વિડીયો જુઓ અને તેનું બીજું કોઇ અર્થઘટન થઇ શકતું હોય તો કહો...

No comments:

Post a Comment