Wednesday, July 18, 2012

રાજેશ ખન્ના, કિશોર કુમાર અને રફી!


રાજેશ ખન્નાની ચિર વિદાય પ્રસંગે લગભગ દરેક ચેનલ પર અને મિડીયામાં (પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશ્યલ બધે) ‘કાકા’ની ફિલ્મોનાં ગીતો યાદ કરતી વખતે કિશોર કુમારનાં ગાયેલાં ગાયનો જ વધારે વાગ્યાં અને એ સ્વાભાવિક પણ હતું. રાજેશખન્ના અને કિશોર કુમાર બન્ને એક બીજાની કરિયર માટે પૂરક હતા. ‘આરાધના’એ મચાવેલી ધૂમથી થયેલી શરૂઆત કદી અટકી જ નહીં. તેમાં એસ.ડી. બર્મનના સહાયક તરીકે આર. ડી. બર્મને  કિશોર કુમાર પાસે રેકોર્ડીંગ કરાવવામાં ભજવેલી સકારાત્મક ભૂમિકા હવે તો બહુ જાણીતી છે. સંગીતકાર (આર.ડી.) અને ગાયક (કિશોર દા)ની દોસ્તીમાં રાજેશ ખન્ના જેવા ઉભરતા સફળ સ્ટારનો ઉમેરો થવાથી એ ત્રિવેણીમાંથી કેવાં કેવાં અફલાતૂન ગીતો વહ્યાં!
 
‘‘મેરે સપનોં કી રાની...’’ કે ‘‘રૂપ તેરા મસ્તાના....” થી આરંભ થયેલી એ યાત્રા વિશે બહુ લખાયું છે અને કદાચ પીએચડી થઇ શકે. કેમ કે તેમાં “ચિનગારી કોઇ ભડકે...” (અમરપ્રેમ), “મૈં શાયર બદનામ...” (નમક હરામ), “દીવાના લેકે આયા હૈ...” (મેરે જીવન સાથી) અને “પ્યાર દીવાના હોતા હૈ, મસ્તાના હોતા હૈ..." (કટી પતંગ) જેવાં એકલ ગીતોનો ઢગલો છે. એટલું જ નહીં “હમ દોનોં દો પ્રેમી દુનિયા છોડ ચલે...” (અજનબી) “સુન ચંપા સુન તારા, કોઇ જીતા કોઇ હારા...” (અપના દેશ) અને “કરવટેં બદલતે રહે સારી રાત હમ...” (આપ કી કસમ) એમ કેટલાંય યુગલ ગીતો લતા મંગેશકર સાથેનાં છે.

એટલે એ છલોછલ છલકાતા ખજાના ઉપર તો બધાની નજર સ્વાભાવિક જ હોય. આપણે થોડાક હટીએ અને હવે ૩૧મી જુલાઇએ જે મહાન ગાયક મહંમદ રફીની પૂણ્યતિથિ આવે છે, તેમનાં ગાયેલાં રાજેશ ખન્નાનાં ગાયનો યાદ કરીએ. એટલે એક સાથે બે કલાકારોને અંજલિ આપી શકાય. બીજું એક કારણ એ પણ ખરું કે હંમેશાં ખટરાગ શોધવા માગતા લોકો રફી અને કિશોર કુમાર વચ્ચે પણ એવી ખેંચાતાણી કલ્પવા આતૂર હતા. પરંતુ, જ્યારથી લક્ષ્મીકાન્ત - પ્યારેલાલ વાળા પ્યારેજીએ એક પ્રસંગ જાહેરમાં કહ્યો છે, ત્યારથી એવી બધી ગોસીપ ઠરી હવાઈ ગઇ છે.

પ્યારે ભૈયાએ ‘દુશ્મન’ના ગાયન “વાદા તેરા વાદા...”ના સર્જનની વાત કરતાં થોડા વખત પહેલાં એ ખુલાસો કર્યો હતો કે એ કવ્વાલીનુમા રચના માટે કિશોર કુમારે પ્રથમ તબક્કે ઇનકાર કર્યો હતો. તેમણે સંગીતકાર બેલડીને કહ્યું કે એ ગીતને પોતે નહીં પણ મહંમદ રફી વધારે યોગ્ય ન્યાય આપી શકશે! છેવટે રાજેશ ખન્નાએ પ્રેસ્ટીજ ઇશ્યુ બનાવ્યો અને કહ્યું કે જો કિશોરદા ના ગાય તો આ ગાયન જ ડ્રોપ કરીએ. પછી ગવાયું અને એ કિશોર કુમારની આવડત જ કહી શકાય કે આજે એ કવ્વાલી રફી સાહેબના અવાજમાં કલ્પી પણ નથી શકાતી.

પણ રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ ‘આખરી ખત’માં “ઔર કુછ દેર ઠહર, ઔર કુછ દેર ન જા...” કે પહેલી કોમર્શીયલી વધારે સારી ગણાયેલી ‘રાઝ’માંનું “અકેલે હૈં ચલે આઓ, જહાં હો...” બન્નેમાં રફી સાહેબનો અવાજ ખન્નાને એટલો જ બંધ બેસતો લાગતો હતો. દૂર ક્યાં જવાનું છે? આર.ડી. બર્મને પણ રાજેશ ખન્ના માટે ‘ધી ટ્રેઇન’માં “ગુલાબી આંખેં જો તેરી દેખીં...” માટે રફીનો જ અવાજ લીધો હતો. ખુદ ‘આરાધના’માં પણ “ગુન ગુના રહે હૈં ભંવરે ખિલ રહી હૈ કલી કલી...” માં આશા ભોંસલે સાથે અને “બાગોં મેં બહાર હૈ...”માં લતા મંગેશકરના “ના ના ના..” ના મધુર રણકાર સાથે રફીનો અવાજ ‘કાકા’ને એટલો જ શોભતો હતો. 



જો કે મોટા ભાગના સંગીતકારો રફી અને કિશોર કુમારને ગીતની ગાયકીને ધ્યાનમાં લઇને ગીત સોંપતા. જેમ કે  લતાજી સાથે રફી હોય એવાં યુગલ ગીતોમાં ‘સચ્ચા ઝુઠા’ના “યું હી તુમ મુઝ સે બાત કરતી હો...” માં અને ‘છોટી બહુ’ના “યે રાત હૈ પ્યાસી, પ્યાસી ના ગુજર જાયે....” માં રાજેશ ખન્ના માટે કલ્યાણજી આણંદજીએ રફીને જ પસંદ કર્યા હતા. યાદ રહે, આ ફિલ્મો ‘આરાધના’ પછીની છે. એ વાત પણ સાથે સાથે નોંધવા જેવી ખરી કે ‘સચ્ચા ઝુઠા’ના સૌથી પોપ્યુલર ગાયન “મેરી પ્યારી બહનિયા બનેગી દુલ્હનિયા...” માં કિશોર કુમારનો અવાજ છે. 

એમ તો ખુદ રાજેશ ખન્નાને જે ફિલ્મ ઉપર ખુબ આશાઓ હતી (અને બહુ ખરાબ રીતે ફ્લોપ ગયાથી તેની તમામ પ્રિન્ટ્સ પોતે કબજે કરી લીધાની તે દિવસોમાં અફવા હતી) એ ‘મેહબૂબ કી મેંહદી’નાં ગીતોમાં પણ રફી સાહેબ છે જ ને? ‘મેહબૂબ કી મેંહદી’માં “યે જો ચિલમન હૈ, દુશ્મન હૈ હમારી...” અને “ઇતના તો યાદ હૈ મુઝે...” બન્નેમાં મહંમદ રફીનો અવાજ રાજેશ ખન્ના માટે હતો. પણ એ જ પિક્ચરનું “મેરે દીવાનેપન કી ભી દવા નહીં...” કિશોરદાને મળ્યું અને બાપુએ શું ગાયું છે...અદભૂત



એ જ સંગીતકારો ‘એલ.પી.’એ ‘આન મિલો સજના’માં “કોઇ નઝરાના લેકર આયા હૂં મૈં દીવાના તેરે લિયે..” રફી પાસે ગવડાવ્યું હતું અને “યહાં વહાં સારે જહાં મેં તેરા રાજ હૈ, જવાની ઓ દીવાની તુ ઝિન્દાબાદ...” કિશોર કુમારના સ્વરમાં. એ ગાયનનું મ્યુઝિક શરૂ થાય અને એક પણ શબ્દ ગવાય તે પહેલાં રાજેશ ખન્ના તેમની ત્રણ આંગળીઓ સ્ટાઇલમાં હલાવતા પડદા ઉપર દેખાય અને જે સીટીઓ અને તાળીઓ થિયેટરમાં પડે એ યાદ કરીએ; તો થાય કે ગાયક કોઇ પણ હોય પડદા ઉપર ખન્ના તેમની મુસ્કાન અને અદાઓ સાથે આવે અને એ ગાયન સુપર હીટ થાય જ. 

લક્ષ્મી-પ્યારે અને રાજેશ ખન્ના બન્ને માટે તેમની કરિયરમાં નિર્ણાયક વળાંક આપનારી ફિલ્મ ‘દો રાસ્તે’માં પણ રફી સાહેબનું “યે રેશ્મી ઝુલ્ફેં યે શરબતી આંખેં...” અને લતા મંગેશકર સાથેનું ડ્યુએટ “છુપ ગયે સારે નઝારે ઓય ક્યા બાત હો ગઇ...” બન્ને તે સમયમાં ફિલ્મ જેટલાં જ પોપ્યુલર હતાં અને આજે પણ ગમે જ. પરંતુ, રફી અને રાજેશ ખન્નાના સુમેળનો એક સૌથી શ્રેષ્ઠ દાખલો એટલે ‘હાથી મેરે સાથી’નું અંતિમ ગીત, જે પણ ‘કાકા’ની શ્રધ્ધાંજલિમાં ઉપયોગમાં લેવાયું છે..“નફરત કી દુનિયા કો છોડ કે પ્યાર કી દુનિયા મેં ખુશ રેહના મેરે યાર!”  

8 comments:

  1. Namak haram nun "main Shayar badnam.." mule parda parna shayar, Raza Murad mate hatun, pan "star" kaka e tene jid karine potanee par filmavelu...

    ReplyDelete
  2. Sir, I will add one more... Yeh Reshami Zulfe...

    ReplyDelete
    Replies
    1. Thanks for reminding Sahil. Songs of Do Raste! My God, how did I forget them? I am editing the article. I am sure in the rush of things and constrain of space in the newspaper, I might have left some more songs out.Thanks again.

      Delete
  3. સરસ મુદ્દો. રાજુ ભારતને એમના પુસ્તકમા આર.ડી.બર્મનનો કિશોર પ્રત્યેનો પક્ષપાત જણાવીને, 'આરાધના'માં રફીનાં બે ગીત પછી મોટા બર્મન બીમાર પડતાં નાના બર્મને હવાલો સંભાળ્યો ને કિશોરને ગીતો આપ્યાં એવી વાત લખી છે.
    જોકે આ પુસ્તકમાં રાજુ ભારતનની ઘણી વાતો ચપટીક મીઠા સાથે લેવા જેવી લાગે છે.

    ReplyDelete
    Replies
    1. હા ઉર્વીશ.... એ મીઠાને લીધે લેખમાં કશી ખારાશ ના આવી જાય એ હેતુસર જ તેનો ઉલ્લેખ ટાળ્યો હતો.
      સૌ મિત્રોને એ પણ જણાવી લઉં કે વિદેશમાં બેસી અન્ય દેશોના સમય સાચવવા ઉતાવળે લખાયેલા આ લેખમાંની બે ત્રણ સરતચૂક તરફ સાહિલ કંદોઇ, અજય શેઠ અને ઋતુરાજ રાવલ સરખા જાણકાર મિત્રોએ ધ્યાન દોર્યા પછી લેખમાં એ જરૂરી સુધારા કર્યા છે. વિકીપિડીયા અને યુ ટ્યુબના આ સમયમાં કોઇ પ્રકારનો ખુલાસો માન્ય ના થાય તે સમજતા આ લેખકની ક્ષમાપ્રાર્થના સહિત તે સુધારાઓની નોંધ લેવા વિનંતી છે.

      Delete
  4. A great read as always.

    ReplyDelete
  5. સલીલજી, આપની ફિલ્મી દુનિયાની જાણકારી અને સમજ બેજોડ છે. પરંતુ, રાહુલદેવ બર્મન, રાજેશ ખન્ના, કિશોર કુમાર અને મોહમ્મદ રફી સાહેબના ફેન હોવા છતાં આપના તારણ સાથે સાદર અસહમત છું. હું પોતે એમ માનું છું કે કિશોર કુમાર કરતાં રફીસાહેબ ઊંચા દરજ્જાના ગાયક હતા છતાં એમના ગયેલા ગીતો જ્યારે જ્યારે રાજેશ ખન્ના ઉપર ફિલ્માવાયા છે ત્યારે મને ગાયકનો અવાજ અને કલાકારનો ચહેરો એકરૂપ થયેલા લાગ્યા નથી.

    ReplyDelete